Add to your favorites

કૂદી પડો મઝધારમાં જે થાય તે જોયુ જશે
સામે ભલે તોફાન લાખો આવશે, જોયુ જશે.

નાલાયક! બદમાશ! હરામખોર! મારી દીકરીને ફોસલાવવાની પેરવી કરે છે? તારાં હાડકાં ભાંગી નાખીશ.કંચનલાલે ત્રાડ પાડી. ઘટના પણ ત્રાડ પાડવા જેવી જ બની હતી. સાંજ અને રાતના સંગમ સમયે ઘેરા થતાં જતાં અંધારાની ગોદમાં એમણે ઉન્મેશને પોતાની જુવાનજોધ, કુંવારી દીકરી ઉત્સવીની સાથે છાનગપતિયાં કરતાં જોઈ લીધો હતો.

ઉન્મેશ રસોડાની પાછલી બારી પાસે બહાર ઊભેલો હતો અને ઉત્સવી રસોડાની અંદર. ઉત્સવી તો ધગધગતા બોઇલર જેવા બની ગયેલા બાપને જોતાંવેંત ઘરમાં સંતાઈ ગઈ પણ ઉન્મેશ કેવી રીતે છટકે? ઘરમાં ઘૂસવા માટેના એક માત્ર વનવેની વચ્ચે જ કંચનલાલ નામનો કાતિલ ઊભો હતો.

અંકલ, સૉરી... પણ તમને કશીક ગેરસમજ થઈ ગઈ લાગે છે. હું તો... હું તો ઉત્સવીને સમય પૂછતો હતો. મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે ને... એટલે...

તારી ઘડિયાળ બંધ નથી પડી, પણ ખોટકાઈ ગઈ છે, બદમાશ! બંધ પડેલી ઘડિયાળ પણ ચોવીસ કલાકમાં બે વાર સાચો સમય બતાવે છે. તારી ઘડિયાળમાં તો કાંટા જ ખરી પડ્યા છે, અને તું સમય પૂછતો હતો ને? તો સાંભળ, તારો સમય આજકાલ ખરાબ ચાલી રહ્યો છે. ગમે તે સમયે અસ્થિભંગનો યોગ છે.કંચનલાલેઆટલું બોલીને લાકડીની શોધમાં આમતેમનજર દોડાવી.

આ તકનો લાભ લઇને ઉન્મેશ ઝડપભેર એમની ડાબી બાજુએથી સરકી ગયો. એ સાથે જ, એ સમયે, એટલા વખત પૂરતો જંગ ખતમ થયો. ઉન્મેશ તો એકતરફી યુદ્ધવિરામ જાહેર કરીને પોતાના ઘરની અંદર ભરાઈ ગયો પણ કંચનલાલની સળગતી ભઠ્ઠીને ઓલવાતા થોડી વાર લાગી. ત્યાં સુધી એમના હાકોટા અને એમની ગાળોથી એમની માલિકીની ડહેલી કાંપતી રહી.

કંચનલાલ મકાનમાલિક હતા અને ઉન્મેશના પપ્પા ગરબડદાસ ભાડવાત. બાપદાદાના વખતનું વિશાળ મેડીબંધ મકાન હતું. વચ્ચે ખુલ્લો ચોક હતો. અડધામાં ગામ અને અડધામાં રામ. કંચનલાલના પરિવારને રહેતા વધે એટલી જગ્યામાં ઉપરનીચે મળીને ચાર ભાડવાતો હતા. એમાં છેક નીચે, પાછળના ભાગમાં વખાર જેવડી બે ખોલીઓમાં ગરીબ ગરબડદાસ રહેતા હતા. ઉન્મેશ એમનો જ દીકરો.

ઉન્મેશ ગ્રેજ્યુએટ હતો. સ્માર્ટ અને દેખાવડો હતો, પણ ગરીબીનાં વાદળ આડે ઢંકાઈ ગયેલો સૂર્ય હતો. નોકરી શોધતો હતો પણ મળતી નહોતી. છોકરી શોધવા જવાની જરૂર ન પડી. સામે બારણે જ મળી ગઈ. ઉત્સવીને પણ આ દિલફેંક જુવાનિયો ગમી ગયો. આ પ્રેમસંબંધ દુગ્ધશર્કરાયોગ જેવો ન હતો. આ તો રાજકુંવરી અને નિર્ધન વચ્ચેનો નાતો હતો. આનાથી એક જ વાત સાબિત થતી હતી કે પ્રેમ આંધળો છે!

લોકપ્રિય લેખો