Add to your favorites

દેખાવથી આગળ વધીને પહોંચીએ હોવા સુધી,
ચળકાટની સરહદ સદાય હોય છે રોવા સુધી

બૈશાખીના ઘરે કિટ્ટી પાર્ટી હતી. રેવતી, પ્રાચી, તુશી, મૌલી, સિતાર અને ફોરમ  સૌંદર્યના ટાપુઓ જેવી સાત સાત રમણીઓ એક સ્થળે ભેગી થઈ હતી. હાઉસી, તીનપત્તી, રમી અને અંતાક્ષરી જેવી રમતોમાં પૈસાદાર વેપારીઓની નવરી ઘરવાળીઓનો સમય માટલાના પાણીમાં ઓગળતા બરફના ચોસલાની જેમ પીગળી રહ્યો હતો. મજાકો, મશ્કરીઓ, છેડછાડ અને રમૂજોનાં તોફાનોની વચ્ચેવચ્ચે નિયમિત સમયાંતરે દાળવડા, ભજિયાં, શરબત, આઇસક્રીમ અને કોલ્ડ કોફીની આવનજાવન ચાલુ હતી.

ત્યાં બૈશાખીના સ્વામીનાથ બુદ્ધિધન બહારથી ઘરમાં પધાર્યા. સાતેય સહેલીઓમાં સોપો પડી ગયો. બુદ્ધિની બાબતમાં બુદ્ધિધન કુખ્યાત હતા. બોલીને બાફવાનું કામ એમને મન ડાબા હાથના ખેલ જેવું હતું. કોઈ પણ જાતના બદઇરાદા વગર એ કોઇની બેઇજ્જતી કરી શકતા હતા. અને એટલું કર્યા પછી પણ એ પોતે તો ભોળા ભાવે એટલું જ પૂછતા કે આમાં મેં ખોટું શું કર્યું!

હાય! નમસ્તે ટુ એવરીબડી!ડ્રોઈંગરૂમમાં જામેલા દેવીઓના ડાયરા તરફ જોઇને બુદ્ધિધને અભિવાદનનાં વાક્યો ઉચ્ચાર્યાં. બૈશાખીની છાતીમાં ધ્રાસકો ઊઠ્યો હતો એ થોડોક શાંત પડ્યો. પતિએ શરૂઆત તો સારી રીતે કરી હતી. હવે આગળ ન વધે તો સારું.

પણ બુદ્ધિધન કંઇક જુદી જ રીતે વિચારતા હતા. પત્નીની સહેલીઓ જોડે બેચાર વાક્યોની આપલે ન થાય તો પત્નીનું જ ખરાબ દેખાય. અને એ વાક્યો પાછાં સારાં પણ હોવાં જોઇએ. બફાટ તો થવો જ ન જોઇએ. દર વખતે કોઇ ને કોઈ મહિલાને ખોટું લાગી જાય છે. આ વખતે તો ખૂબ જ ધ્યાન રાખવું છે. એમ વિચારીને બુદ્ધિધન આગળ વધ્યા, ‘શી વાત છે? આજે તો બધીયે બહેનો બહુ જામો છો ને કંઈ! આજે તો અપ્સરાઓથી ઊભરાતો ઇન્દ્રનો દરબાર પણ મારા દીવાનખંડ આગળ ઝાંખો પડે!

લોકપ્રિય લેખો