Add to your favorites

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો, બહુ મોઘાં અમારાં દામ છે.


હાય ડાર્લિંગ!કહેતો મૃદંગ બેડરૂમમાં ધસી આવ્યો. માય સ્વીટી!કહીને એણે મોસમને જોરદાર આલિંગનમાં જકડી લીધી. હની, આઈ લવ યુ!કહીને એને ચુંબનોથી નવડાવી દીધી.

ઘરની નોકરાણી વાલી ડબલબેડ પર નવી ચાદર બિછાવી રહી હતી. ઉપરનું પૂરું દ્રશ્ય એની આંખો સામે જ ભજવાઈ ગયું. બિચારી ગરીબ બાઈ હાય મા...!કહીને શરમાઈ ગઈ. સાડલાનો છેડો મોંમાં ખોસી દીધો, આંખો મીંચી ગઈ અને પછી બીજી જ ક્ષણે બેડરૂમની બહાર દોડી ગઈ.

મૃદંગ શેઠ તો ચા પીને પાછા ઓફિસે જવા માટે નીકળી ગયા, પણ શેઠાણી મોસમે નોકરાણીને પોતાની પાસે બોલાવી, ‘કેમ અલી! બહુ ફાટી છે ને કંઈ! અમે વરવહુ જરાક પ્રેમ કરીએ એમાં તારે આવી રીતે બહાર નાસી જવાની કશી જરૂર ખરી?’

બોન, હાચું કહું? મને એમ કે શેઠને ખબર જ નહીં હોય કે હુંયે ઓરડામાં ઊભી છું. અને... વરવહુ હોય તો હું થઈ ગ્યું! બે માણહ આમ ધોળે દાડે એકબીજાને વળગે ને બુચંબુચા કરે તો મૂવું મને લાજ તો આવે ને..?’

એને બુચંબુચા ને વળગવું ન કહેવાય, સમજી? એને તો લવકહેવાય. પ્રેમ..! હસબન્ડ ઘરની બહાર જાય કે બહારથી ઘરમાં આવે ત્યારે વાઇફને ભેટે, એને કિસકરે, બેચાર પ્રેમનાં વાક્યો બોલે એમાં ખરાબ શું છે? તું ફિલ્મો જુએ છે કે નહીં?’

જોઉં છું ને, બેન. પણ ફિલ્લમમાં તો અંધારું હોય ને! એટલે લાજ ન આવે. શેઠ તો તમને સૂરજના અજવાળામાં...વાલીની દશા અત્યારે પણ ધરતીમાં સમાઈ જવા જેવી હતી. બે જુવાન સ્ત્રીપુરુષ એકબીજાને જાહેરમાં, ત્રીજી વ્યક્તિની હાજરીમાં પ્રેમ કરે એ એની કલ્પના, સંસ્કાર અને સમજ બહારની ઘટના હતી. આજે જિંદગીમાં પહેલી વાર એને ખબર પડી કે એની નાનકડી ઝૂંપડીની બહાર એક વિશાળ દુનિયા આવેલી છે જેનાં સ્ત્રીપુરુષો, રીતભાત, સંસ્કાર એ બધું જ તદ્દન જુદું છે.

મૃદંગ અને મોસમ એકમેકમાં ખોવાયેલાં પ્રેમરત પતિપત્ની હતાં. મૃદંગે બહુ યુવાન કહી શકાય એવી ઉંમરમાં સારી એવી આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરી લીધી હતી. શહેરના ધમધમતા એરિયામાં બાવીસ લાખ રૂપિયાની ઓફિસ ખરીદી હતી, ચાલીસ લાખનો બંગલો હતો, એક મારુતિ કાર તો હતી જ, એક નવી ટોયોટા ઇનોવા હમણાં જ ખરીદી હતી. પત્નીને ખુશ રાખવા માટે એ હરહંમેશને માટે તત્પર રહેતો. વહેલી સવારથી મોડી સાંજ સુધી એને ધંધા માટે સમય ફાળવવો પડતો હતો, પણ જતી વખતે કે આવ્યા પછી એ મોસમને વહાલ કરવાનું કદીય ચૂકતો નહીં. એમનાં સુખી દામ્પત્યથી ઇર્ષા અનુભવતા મિત્રોને એ ઘણી વાર શિખામણ પણ આપતો, ‘તમે લોકો બાઘા છો, ગમાર છો, બુડથલ છો. પત્નીને કેવી રીતે રાજી રાખવી એનું તમને ભાન જ નથી. માત્ર કીમતી સાડીઓ કે મોંઘી જ્વેલરી આપીને સ્ત્રીને જીતી ન શકાય. સ્ત્રીને શું જોઇએ? પ્રેમ. હાલતાચાલતા એને આલિંગન આપતા રહો, કિસ કરતા રહો, અરે, ઝાઝો સમય ન હોય તો એની પીઠ કે નિતંબ પર એકાદ હળવી ટપલી મારતા રહો! મોગેમ્બો ખુશ! અને આ શારીરિક છેડછાડની સાથે સાથે શાબ્દિક પ્રેમનો મરીમસાલો તો પાછો વાપરવાનો જ!

લોકપ્રિય લેખો