Add to your favorites

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,


રાતના સાડા ત્રણ વાગે ફોનની ઘંટડી ધણધણી ઊઠી. મેં રિસીવર ઉપાડ્યું. હલ્લો...! કોણ?’ પૂછ્યું. મારા અવાજમાં દિવસભરનો થાક અને રાતભરનો ઉજાગરો હતો.

હલ્લો, પંકજ બોલું છું. મોન્ટ્રિયલથી. બહુ અરજન્ટ કામ માટે તકલીફ આપવી પડી, બાકી આમ તમને ઊંઘમાંથી ન જગાડું...પંકજભાઈના બોલવામાં ઘણું બધું એક સાથે ઝલકતું હતું, ઉચાટ, આક્રોશ, ચિંતા, ધૂંધવાટ, અસહાયતા અને આક્રમકતા. આટલી બધી લાગણીઓનું એકસામટું કોકટેલ.

બોલો! બોલો! મુદ્દાની વાત ઉપર આવો, પંકજભાઈ...મેં મોટું બગાસું ખાધું અને એનો અવાજ છેક કેનેડા સુધી ન પહોંચે એની સાવચેતી રાખી. આપણો જૂનો મિત્ર ભીડમાં હોય ત્યારે એને એવું ન લાગવું જોઇએ કે આપણને કંટાળો આવે છે.

આપણો ટીકુ ખરો ને?’
કોણ? શૃંગાર?’
હા, હા! એ શૃંગારિયાએ મારું નામ બોળ્યું!પંકજભાઈના અવાજમાં નાટકના પાત્રની જેમ ભાવપલટા આવ્યે જતા હતા. પંકજભાઈ અને એમનાં પત્ની પરાગીબહેન દોઢેક વર્ષથી કેનેડા ચાલ્યાં ગયાં હતાં. આમ તો ઇન્ડિયામાં પણ એમને સારું હતું. રાજકોટમાં ઘરનું ઘર હતું. સારી એવી નોકરી હતી. એક જુવાન મોટી દીકરી હતી  ત્રિશલા. અને એક નાનો પણ જુવાન દીકરો હતો, શૃંગાર. ત્રિશલાનાં લગ્ન પતાવીને જ બંને જણા કેનેડા ગયાં હતાં. શૃંગારને ત્યાં જવા માટે હજી બેત્રણ વર્ષની વાર લાગે એમ હતી.

બધા તો ના પાડે છે કે કેનેડા ન જાવ! પણ શું કરીએ? અમારા માટે થોડા જઇએ છીએ? આ ટીકુડાના ભવિષ્ય માટે જવું પડે છે. આ દેશમાં બાળકોનું કશું ફ્યુચરજ નથી રહ્યું!પરાગીબહેન જ્યારથી વિઝા હાથમાં આવ્યા ત્યારથી છેક વિમાનમાં બેઠાં ત્યાં લગી આ એકની એક વાતનું રટણ કરતાં રહ્યાં. એમના ગયા પછી ટીકુડો પણ અમદાવાદમાં આવી ગયો. રાજકોટના ઘરને તાળું મારી દીધું. એક કોમ્પ્યૂટરની કંપનીમાં એને આઠદસ હજારની નોકરી મળી ગઈ. ત્રિશલા અને એનો પતિ તરંગ પણ અમદાવાદમાં જ ફ્લેટ ખરીદીને રહેતાં હતાં એટલે ટીકુને ખાવાપીવાની કશી તકલીફ નહોતી. ટીકુ ઉર્ફે શૃંગારને હું દસબાર વખત મળ્યોહતો. ઊંચો, પાતળો, ગોરો અને નમણો. વિવેકી અને ઓછાબોલો. ડ્રેસિંગ સેન્સ પણ સારી. બધી રીતે આદર્શ એવા આ યુવાને એવું તે શું કરી નાખ્યું કે ભારતથી હજારો માઇલ છેટે બેઠેલા પંકજભાઈનું નામ એણે બોળી નાખ્યું?

અરે, શું કહું તમને? એ નાલાયક પ્રેમમાં પડ્યો છે!!પંકજભાઇએ મોટો નિઃસાસો મૂક્યો.
શું વાત કરો છો? આપણો શૃંગાર પ્રેમમાં પડ્યો? ક્યારે? ક્યાં? કોની સાથે?’
વધુ માહિતી તો મારી પાસે પણ નથી એટલે તો તમને તકલીફ આપું છું. તમારી પહોંચ લાંબી છે. તપાસ તો કરો!

લોકપ્રિય લેખો