Add to your favorites

તુમ ભૂલ ન જાઓ ઇનકો, ઇસલિયે સૂનો યે કહાની
જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની

સોળમી ડિસેમ્બર, ૧૯૭૧. બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટેનું ભારતપાકિસ્તાન યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચી ગયું હતું. એવા સમયે વાયરલેસ ઉપર એક તાકીદનો સંદેશ ગૂંજી ઊઠ્યો

હલ્લો... હેડક્વાર્ટર? હું સ્ક્વોડ્રન કમાન્ડર બોલી રહ્યો છું. ઇન્ડિયન આર્મી... પુના હોર્સ... બીસ્ક્વોડ્રન... વી આર ઇન ડીપ ટ્રબલ... અત્યારે અમે શક્કરગઢ ક્ષેત્રના જરપાલ નામના સ્થળે દુશ્મનોથી ઘેરાયેલા છીએ. દુશ્મનોની સંખ્યા પણ મોટી છે અને શસ્ત્રોની તાકાત પણ! એમની ટેન્કો અમને ખતમ કરી નાખે એ હવે સમયનો સવાલ છે... તાત્કાલિક મદદ મોકલો... અમારી બીજી કશી ચિંતા ન કરશો.. જ્યાં સુધી જાનમાં જાન છે ત્યાં સુધી જંગ જારી રહેશે. જય હિંદ!

મેસેજ સાંભળીને આર્મી ઓફિસર ચિંતામાં પડી ગયા. ત્યાં માત્ર એકવીસ વર્ષનો એક દૂધમલિયો જુવાન ઊભો થયો. આર્મીમાં જોડાયાને હજુ એને માત્ર છ મહિના થયા હતા. એણે જમીનમાં ખાડો પડી જાય એવી તાકાતથી લશ્કરી બૂટ પછાડ્યા, આસમાનમાં છેદ પડી જાય એવી મજબૂત સેલ્યુટ ઠોકી અને પછી પાકિસ્તાનની તમામ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભપાત થઈ જાય એવા બુલંદ સ્વરે આજ્ઞા માગી, ‘મૈં અરુણ ખેતરપાલ. સેકન્ડ લેફ્ટનન્ટ. સ્ક્વોડ્રનએ. પુના હોર્સ. મૈં આપસે ઓર્ડર નહીં, ઇજાઝત માંગતા હૂં.

આર્મી ઓફિસર આ પુના હોર્સના તેજીલા તોખાર સામે થોડી ક્ષણો માટે જોઈ રહ્યા. શી જુવાની હતી! શી મર્દાનગી હતી! ઓ હિંદમાતા! તારા રક્ષણ માટે કેવા કેવા બત્રીસલક્ષણા મર્દો સામે ચાલીને મોતના ખપ્પરમાં પોતાનું મસ્તક ધરી દેવા માટે તૈયાર થઈ જાય છે! કેવું વ્યક્તિત્વ હતું આ જુવાનનું? પૂરા છ ફીટ ને બે ઈંચની હાઇટ. અમિતાભ બચ્ચન જેટલી. અત્યંત સોહામણો ચહેરો. બચ્ચન કરતાં ચડી જાય તેવો. સેન્સ ઓફ હ્યુમર માર્ક ટ્વેઇન કે ચાર્લી ચેપ્લિનની સમકક્ષ. કોલેજમાં હતો ત્યારે ક્રિકેટનો જબરદસ્ત ખેલાડી ગણાતો. હાથમાં મશીનગનને બદલે બેટ પકડ્યું હોત તો આજે કરોડોમાં રમતો હોત! પણ અરુણે ન અમિતાભ બનવાનું વિચાર્યું, ન હાસ્યકાર બનવાનું સાહસ કર્યું, ન ક્રિકેટર બનવાનું પસંદ કર્યું. રાજકીય ખાદીના આ કિચડમાં, ધોતીઝભ્ભા અને ટોપીના આ દંભી દેશમાં કોઈ જવલ્લે જ જેમાં જોડાવાનું પસંદ કરે એ ઇન્ડિયન આર્મીઉપર એણે કળશ ઢોળ્યો.

કભી જંગમેં હિસ્સા લિયા હૈ?’ આર્મી ઓફિસરે આંખો ઝીણી કરી.
જી, મેરે પરદાદાને સવા સૌ સાલ પહેલે શીખ આર્મી મેં રહેકર અંગ્રેજો કે સામને ચિલિયાનવાલા કી જંગ મેં ભાગ લિયા થા. મેરે દાદાજી પ્રથમ વિશ્વયુદ્ધ મેં લડ ચૂકે હૈ. મેરે પિતાજી બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાલને ઇન્ડિયન આર્મીમેં...

બસ, બસ, બસ...! મેરી ગલતી હુઈ! મૈં શેર કો ઉસકે ખાનદાન કે બારે મેં પૂછને નિકલા...! યુ આર ઓર્ડર્ડ ટુ...આર્મી ઓફિસરે આ વાઘના બચ્ચાને પાકિસ્તાની માંસનું સરનામું ચીંધી આપ્યું.

અરુણનો જન્મ પુના ખાતે ચૌદમી ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ થયો હતો. એના બાપદાદા મૂળ પાકિસ્તાનમાં આવેલા સરગોધાના વતની હતા. દેશના ભાગલા વખતે એ લોકો ભારતમાં આવીને વસ્યા હતા. અરુણે દહેરાદૂન ખાતેની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં લશ્કરી તાલીમ પ્રાપ્ત કરી. ૧૯૭૧ની તેરમી જૂને એ પાસ થયો અને એ જ મહિને લશ્કરમાં જોડાયો. એણે સામે ચાલીને પુના હોર્સઉપર પસંદગી ઉતારી. લશ્કરના કાનૂન મુજબ એણે બખ્તરિયા દળમાં છેક નાનેથી માંડીને મોટા સુધીની તમામ કામગીરી શીખી લીધી. ટેન્કના ડ્રાઇવર, ગનર, રેડિયો ઓપરેટર, ક્રૂ કમાન્ડર અને છેલ્લે ટ્રુપ લીડર.

એનામાં એક જ ખામી હતી, ખરાખરીના ટાણે એ લશ્કરી શિસ્તને ભૂલી જતો અને શૌર્યને પ્રાધાન્ય આપતો. દહેરાદૂનની એકેડેમીમાં એક વાર ભારે છબરડો થઈ ગયેલો. એક સાથે એક જ સમયે (રાતના અગિયાર વાગ્યે) અરુણને બે અલગઅલગ જગ્યાએ હાજર થવાના ફરમાનો મળેલાં. છબરડો અધિકારીઓના પક્ષે થયો હતો. અરુણને એ સમયે લાઇબ્રેરીમાં પણ પહોંચવાનું હતું અને ફાઇરિંગ રેન્જ ઉપર પણ પહોંચવાનું હતું! પિસ્તોલનો માણસ પુસ્તકો પાસે કેવી રીતે પહોંચે? એ વખતે એક અધિકારીએ એની પીઠ થાબડેલી તો બીજાએ ઠપકા સાથે ચેતવણી આપેલી ડોન્ટ ફરગેટ! ઇન આર્મી, ડિસિપ્લિન હેઝ ટુ બી મેનટેઇન્ડ!

લોકપ્રિય લેખો