Add to your favorites

જુદી જીંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક સમુંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે


‘કેમ ના પાડતી’તી?’
‘શરમ આવતી હતી.’
‘પણ ફરવા આવવામાંયે શરમ?’
‘હા.’
‘આપણી કાયદેસર સગાઈ થઈ ગઈ છે તો પણ શરમ?’
‘આવે, આવે અને આવે! સાડી સત્તર વાર આવે!’

સૌરાષ્ટ્રનું સુંદર, રમણીય, નાનકડું શહેર. વસ્તીથી દૂર આવેલી એક પ્રાકૃતિક જગ્યા. નાનકડું તળાવ, એના કાંઠા ઉપર આવેલું એક મંદિર અને એની પાછળ બેઠેલું એક નવયુવાન યુગલ. તાજી જ સગાઈ કરીને પછી ફરવા નીકળેલાં જુવાન હૈયાં. યુવાનનું નામ કથન અને યુવતીનું નામ કૂંપળ. હજુ અડતાલીસ કલાક પહેલાં તો એકબીજાને ઓળખતાંયે નહોતાં અને અત્યારે એવી રીતે એકમેકમાં ઓગળી ગયાં હતાં કે જાણે કે ત્રીજા કશાયને ઓળખતાં નહોતાં. આટલા ટૂંકા પરિચયમાં વાતનો વિષય પણ બીજો કયો હોય! રહીરહીને એક સવાલ  ‘પણ મારાથી શું શરમાવાનું? હું તો તારો જીવનસાથી...’

‘થશો તે દા’ડે થશો! હજી વાર છે.’ કૂંપળે આટલું બોલીને કંઇક એવી રીતે આંખના ખૂણામાંથી લાવણ્યનું તીર છોડ્યું કે કથન લોહીઝાણ થઈ ગયો.

‘વાર છે એમ? લે, આટલી જ વાર...’ કહીને એણે પોતાની ભાવિ પત્નીને આલિંગનમાં જકડી લીધી. એક કુંવારો પુરુષ કાચી સેકન્ડમાં કરોડપતિ થઈ ગયો! ખજાનાની ખુશ્બુથી એનાં ફેફસાં તરબતર થઈ ગયાં.

ત્યાં જ કોઇનો ખોંખારો સંભળાયો. એક આંચકા સાથે કૂંપળ અળગી થઈ ગઈ. કોઈ વૃદ્ધ સજ્જન ‘ઇવનિંગ વૉક’ માટે નીકળ્યા હશે. એ ખોંખારાની સોટી ફટકારીને ચકાચકીને છૂટા પાડવાનું ‘પુણ્ય કાર્ય’ કરતા ગયા.

‘તમે પૂછતા’તાને કે શરમ કોની? તે આવા આવતાજતા માણસોની શરમ.’
‘પણ એ ક્યાં આપણને ઓળખે છે?’
‘એવું થોડું છે કે અહીંથી અજાણ્યા જ નીકળવાના? કો’ક ઓળખીતું પણ અચાનક આવી ચડે! અને આપણને આમ વળગેલા જોઈ જાય તો...’ ફરી એક વાર કૂંપળની તીરછી આંખના અણિયાળા ખૂણામાંથી બ્રહ્માસ્ત્ર જેવું તીર વછૂટ્યું. કથન ફરીવાર લોહીઝાણ થઈ ગયો પણ એ પછીના બે કલાક એ બંનેએ એમ જ વાતોમાં વીતાવી નાખ્યા. એકબીજાથી દોઢ ફૂટના અંતરે બેસીને સભ્યતાપૂર્વક શિષ્ટ વાતચીત કરતાં કરતાં પશ્ચિમની ક્ષિતિજમાં ડૂબતા સૂરજને બંને તાકી રહ્યાં. પછી ઊભા થઇને શહેર તરફ પાછા ફર્યાં. છૂટા પડતી વેળાએ કથને પૂછી લીધું, ‘ફિર કબ મિલોગે?’ જવાબમાં કૂંપળે કહ્યું, ‘તુમ જબ કહોગે.’

સ્થળ વિશેના સવાલજવાબ પણ ફિલ્મી ગીતની મશહૂર પંક્તિઓમાં થઈ ગયા. ‘કહાં?’ તો કે, ‘વહીં જહાં કોઈ આતાજતા નહીં...’
બીજા દિવસે કથન એની વાગ્દત્તાને મોટરબાઇક ઉપર બેસાડીને શહેરથી વધારે દૂર લઈ ગયો પણ ત્યાંય કાળા માથાના માનવીની અવરજવર તો ચાલુ જ રહી. બાવા, ભિખારી, કઠિયારા, મદારી, અને કૂંપળની આનાકાની  ‘ના, મને શરમ આવે છે.’

ત્રીજા દિવસે તો કથને નક્કી કરી નાખ્યું કે આ વિશાળ પૃથ્વીના પટ ઉપર ક્યાંક તો નિર્જન જગ્યા હશે ને? એ શોધ્યે જ છૂટકો. પેટ્રોલની ટાંકી ‘ફુલ’ કરીને એણે મોટરબાઇક મારી મૂકી. શહેરથી ખાસ્સા પંદરવીસ કિલોમીટર દૂર નીકળી ગયો. હવે ચોતરફ જંગલ જ જંગલ હતું. વૃક્ષોનાં ઝૂંડમાંથી સરી જતી સાંજની હવા અને ડાળીઓ પરથી દદડતા પંખીઓનાં ટહુકા. ‘આવ, અહીં શાંતિથી બેસીએ. હવે આપણને જોનારું કોઈ નથી. હવે બહાનું ન કાઢીશ કે શરમ આવે છે!’ કહીને કથન એની મોંઘેરી મિલકતને ગીચ ઝાડીની વચમાં આવેલી ખુલ્લી, ચોરસ જગ્યા તરફ દોરી ગયો.

ભલે પુરુષ હતો, તો પણ કથન પવિત્ર અને સાત્ત્વિક હતો. તદ્દન નિર્જન એકાંતમાં બેસીને કૂંપળ સાથે લક્ષ્મણરેખા બહારની પ્રવૃત્તિઓ કરવાની એની ઇચ્છા નહોતી. બસ, થોડી હળવી છેડછાડ, થોડાંક આલિંગનો અને હોઠની સપાટી ઉપર હોઠના ટાંકણા વડે આલેખાયેલાં કેટલાંક કાવ્યો! બહુ થઈ ગયું!

કૂંપળ ‘નાના’ કરતી રહી અને કથન એના સુગંધી બદન ઉપર ઝૂક્યો પણ દ્રશ્ય ઓ.કે. થાય એ પહેલાં જ જંગલ અજાણ્યા અવાજોથી ગાજી ઊઠ્યું. પંખીઓએ ચીસાચીસ કરી મૂકી. જમીન ઉપર સૂતેલા સુક્કાં ખરેલાં પાંદડાની પથારી ખળભળી ઊઠી. અંદરની દિશામાંથી સાતઆઠ બુકાનીબંધ પુરુષોનું ટોળું ધસી આવ્યું. કથન કંઈ બોલે, વિચારે કે સામનો કરે, એ પહેલાં તો એ આદિમાનવો જેવા પુરુષોએ એને ઠમઠોરી નાખ્યો. કૂંપળ ચીસો પાડવા માંડી, તો બે જણાએ એને પકડી લીધી. એકે એનું મોં દાબી રાખ્યું. પછી ઝાડના વેલાઓ વડે કથનના હાથપગ બાંધી દઇને, એને સાંજના ઊતરતા અંધકારમાં એકલો મૂકીને, રડતીવલખતીછૂટવા માટે હાથપગ વીંઝતી કૂંપળને ઉઠાવીને એ રાવણના વંશજો જંગલના ઊંડાણમાં અદ્રશ્ય થઈ ગયા.
   
ચોવીસ કલાક પછી કૂંપળ પાછી ઘરે આવી ગઈ. બે દિવસ પહેલાં તરોતાજા લીલીછમ હતી, એ અત્યારે કરમાઈ ચૂકી હતી. કથને માંડ માંડ બંધનમાંથી મુક્ત થઇને ઘરે આવ્યા પછી પોતાના અને શ્વસુરપક્ષના ઘરોમાં વિગતવાર આખાયે ઘટનાક્રમની જાણ કરી દીધી હતી. પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પોલીસોની સાથે મળીને કૂંપળનાં સગાંવહાલાંઓએ પૂરું જંગલ ખૂંદી માર્યું હતું પણ કૂંપળની કશી જ ભાળ મળી નહોતી.

એ કૂંપળ સામે ચાલીને ઘરે પહોંચી ગઈ. એ એટલી તો ડઘાયેલી હાલતમાં હતી કે એને પુછાયેલા કોઈ સવાલોના જવાબ આપવાના એનામાં હોશ નહોતા અને આમ જુઓ તો એની ઉપર ગુજરેલા સિતમ વિશે એને એક પણ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા નહોતી. એની શારીરિક હાલત પીંખાયેલી કબૂતરી જેવી હતી, જે ખુદ અત્યાચારની કથનીનું બયાન કરી દેતી હતી.
‘ફરિયાદનું શું કરવું છે?’ કૂંપળના પપ્પાએ પરિવારજનોની મરજી પૂછી.
‘ફરિયાદ તો ચાલુ જ રાખવી પડે. અપરાધીઓને સજા તો થવી જ જોઇએ.’ સૌના સૂરમાં એકમતી ઝલકતી હતી.

પણ કથનના પપ્પાનો મત જુદો પડ્યો, ‘જે થવાકાળ હતું એ થઈ ગયું. હવે ચોળીને ચીકણું કરવાનો કશો મતલબ નથી. સ્ત્રીની જાત છે અને ઇજ્જતનો મામલો છે. જો વાત છાપાંને પાને ચડી જશે, તો તમારા ભેગી અમારી આબરૂનાયે વાવટા ફરકી જશે. માટે ભીનું સંકેલવામાં જ મજા છે.’

કથન પણ આ જ મતનો નીકળ્યો. છેવટે કૂંપળના પપ્પાએ છોકરાવાળા પક્ષનું માન રાખ્યું. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી. કૂંપળની શારીરિક હાલત સુધરતા અઠવાડિયું લાગી ગયું અને માનસિક સ્થિતિ સુધરતા એક મહિનો. શરૂમાં તો કથન રોજ એને જોવા માટે આવી જતો. પછી ધીમે ધીમે એની મુલાકાતો ઘટવા લાગી. આંતરે દિવસે, પછી ચાર દિવસે એક વાર, પછી અઠવાડિયે અને અંતે...! ખોટમાં ચાલતા સાપ્તાહિકની જેમ કથનની આવજા પણ આખરે સાવ બંધ થઈ ગઈ. અને બે મહિના પછી કૂંપળના ઘર માથે જાણે વીજળી પડી! કથનના પપ્પા તરફથી હેડલાઇન જેવા સમાચાર આવ્યા, ‘તમારી દીકરી સાથેનો અમારા દીકરાનો વિવાહસંબંધ અમે ફોક કરીએ છીએ. આ વિશે અમે વિશેષ કોઈ ચર્ચા કરવા ઇચ્છતા નથી.’

આખો કન્યાપક્ષ જાણે મૂઠ મારી હોય એમ અવાચક બની ગયો. કૂંપળે જીદ કરીને કથનને ફોન કર્યો. કરગરીને એકવાર રૂબરૂ મળવાનો મોકો માગ્યો. કથને કચવાતા મને એની માગણી મંજૂર રાખી.
કૂંપળ અને કથન એવા સ્થળે મળ્યાં, જ્યાં માણસોની અવરજવર ચાલુ હોય. ‘મારે માત્ર કારણ જાણવું છે. સાચું કારણ. તેં શા માટે સગાઈ તોડી નાખી?’ કૂંપળે શરૂઆત કરી.

‘બસ, એમ જ... મને બીજો કશો વાંધો નહોતો... પણ... તારી સાથે જે બન્યું... એનાથી સમાજમાં વાતો થાય છે... તું નંદવાઈ ગઈ એટલે...’

‘પણ એમાં મારો શો વાંક છે? શહેરથી આટલે દૂર તો તું મને લઈ ગયેલો. અને એ મવાલીઓ સામે મારું રક્ષણ તું ન કરી શક્યો. હવે નંદવાઈ ગઈ ફક્ત હું એકલી? તારું પુરુષાતન, તારું ઓજસ, તારી બહાદુરી, પરાક્રમ, વીરતા  આ બધું જેમનું તેમ અકબંધ છે?’

‘હું બધુંયે સમજું છું, કૂંપળ! પણ ગામના મોઢે ગળણું બંધાય છે? લોકો તો એક જ વાતનું નાડું પકડીને બેઠા છે  ‘કથન એંઠી થાળીને ઘરમાં ઘાલવાનો છે! તું જ બોલ, કૂંપળ! આખી જિંદગી આ મહેણાનો ભાર હું કેવી રીતે વેંઢારી શકું?’ કૂંપળ ફૂત્કાર મારતી નાગણની જેમ ઊભી થઈ ગઈ. જાણે ડંખ મારતી હોય એમ કથનના મોં ઉપર એ થૂંકી, ‘નામર્દ! બાયલા! કાપુરુષ! તું મારો તો નહીં, પણ કોઈ પણ સ્ત્રીનો ધણી બનવા માટે લાયક નથી. મને શરમ આવે છે. હવે એ ન પૂછતો કે શા કારણથી મને શરમ આવે છે! હાક્... થૂ...!!’ એક અઠવાડિયા પછી વાજતેગાજતે કથનનો વરઘોડો નીકળ્યો. એક તાજી, વણબોટાયેલી થાળી આરોગવા માટે એક ભૂખ્યો વરરાજા ઘોડે ચડીને જઈ રહ્યો હતો અને એક નિર્દોષ યુવતી ઘરના છાને ખૂણે બેસીને સિસકતી હતી.

શીર્ષક પંક્તિ: શાહબુદ્દીન રાઠોડ

લોકપ્રિય લેખો