Add to your favorites

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.


પં દર વરસ પહેલાંની એક સાવ નાનકડી ઘટના. બીજા માટે તો સાવ સામાન્ય, પણ મારા માટે? એ વાતને યાદ કરું છું તો પણ થથરી ઊઠું છું. રવિવારની બપોર. આશરે ત્રણસાડા ત્રણનો સમય. ઘરની અંદર બધાં બપોરના ભોજન પછીની નિદ્રા માણી રહ્યા હતા. હું બંગલાની બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ટહેલતો હતો. આકાશમાંથી વરસતી બળબળતી ચાંદનીમાં ટહેલવાનાં પણ કારણો હોય છે! મારી પાસે પણ કારણો હતાં, એક નહીં પણ બબ્બે.

બહારગામથી વેકેશન માણવા માટે અમારે ત્યાં આવેલો મારો એકનો એક ભાણેજ જે મને પુત્રથી પણ અધિક પ્રિય હતો અને છે. એ ક્રિકેટનો પાગલ પ્રેમી. બપોરના તડકાને પણ એ ક્રિકેટ આગળ તુચ્છ ગણે. બપોરે મિષ્ટાન્ન આરોગ્યા પછી મને પણ ઘેન ચડી રહ્યું હતું. પણ ભાણિયાનો હુકમ છૂટ્યો  મામા, મારે ક્રિકેટ રમવું છે, બોલિંગ કરો.વહાલના સામ્રાજ્યમાં તો ચાબુક પણ પીંછુ બની જાય! ત્યારે આ તો મનગમતું મુલાયમ મોરપીંચ્છ જ હતું. એના મીઠા સ્પર્શને કેવી રીતે અવગણી શકાય? મેં સામે છેડેથી બોલિંગ સંભાળી. ચાંદનીમાં નહાવાનું એક કારણ તે આ.

અને બીજું કારણ એટલે મારી પાંચ વરસની દીકરી. શરીરનો બાંધો સૂકલકડી. નાનો હતો ત્યારે મારો બાંધો પણ એવો જ હતો. સ્વભાવે ભયંકર ચંચલ અને તોફાની. હું પણ એવો જ હતો. એક જગ્યાએ પગ વાળીને બેસી રહેવાનું એની પ્રકૃતિમાં જ નહીં. આખો દિવસ કૂદાકૂદ કર્યા કરે. એમાં હાથેપગે વાગે પણ ખરું. પછી વડીલોના ઠપકાના ભયે એની ઇજા છુપાવી રાખે. રડે પણ નહીં.

એના હાથમાં મોટો ફૂટબોલ હતો. ઓટલા ઉપર ચડીને એ ફૂટબોલને હવામાં ઊછાળ્યા કરતી હતી. એને ઝીલવાનો નાકામ પ્રયાસ કરતી હતી. આવડો મોટો ફૂટબોલ એના નાના બચૂકડા હાથોમાં એમ ને એમ પણ સચવાતો ન હતો, ત્યાં હવામાંથી પછડાતા દડાને ઝીલવાની તો વાત જ ક્યાં રહી? મારું ભરબપોરે તડકાસ્નાન કરવાનું બીજું કારણ આ હતું. ક્યાંક રમતાં રમતાં એ પડી ન જાય એનું મારે ધ્યાન રાખવાનું હતું. નિઃશબ્દ બપોર, તપસ્વીની જેમ પર્ણો પણ હલાવ્યા વગર ચૂપચાપ ઊભેલા આસોપાલવ, ક્યાંક ઘટાદાર લીમડાની દિશામાંથી કવચિત સંભળાતો હોલારવ અને અમારા ત્રણ જણાનો શોરબકોર.

અચાનક એક મોટો ધબાકો થયો. મેં પાછળ ફરીને જોયું તો ફૂટબોલ પકડવાના પ્રયાસમાં મારી દીકરી ઓટલા ઉપરથી નીચે ગબડી પડી હતી. એક સામાન્ય ઘટના ગણીને મેં માથું ફેરવી લીધું. સામાન્ય ઘટના એટલા માટે કે જમીનથી ઓટલાની ઊંચાઈ માંડ એકાદ ફૂટની જ હતી. પગથિયું જ ગણી લો ને, એટલેથી પડવામાં ખાસ કંઈ વાગે નહીં. અલબત્ત, બે વાત મારા ધ્યાન બહાર ચાલી ગઈ. જમીન ઉપર પથ્થર જડેલા હતા અને દીકરીના માથાનો પાછલો હિસ્સો જમીન ઉપર પછડાયો હતો. મારી બેદરકારીએ જ મને બેધ્યાન બનાવ્યો.

લોકપ્રિય લેખો