Add to your favorites

માણસોને સ્પષ્ટ તારવવા બહુ મુશ્કેલ છે,
સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી


ભા ઈલાલભાઈ, તમારી દીકરીનું ઓપરેશન આવતી કાલે સવારે ગોઠવું છું.
ભલે સાહેબ!
આજે રાત્રે દસ વાગ્યા પછી એનું ખાવાપીવાનું બંધ. પાણી પણ નહીં પીવાનું.’ 
ભલે, સાહેબ!
સવારના છ વાગતામાં જ એનેસ્થેટિસ્ટ આવી પહોંચશે. મંજુને ઓપરેશન થિયેટરમાં લઈ લઇશું સવા છએ. લગભગ પોણા સાત વાગ્યે સર્જરી શરૂ થશે. એને બહાર લાવતાં આઠ વાગી જશે.
ભલે, સાહેબ!’ 

અમદાવાદના નામાંકિત ગાયનેકોલોજિસ્ટ ડૉ. પટેલ અને દર્દી મંજુના પિતા ભાઈલાલભાઈ વચ્ચેનો આ સંવાદ. સમય રાતના આઠેક વાગ્યાનો. ઓપરેશનની પૂર્વસંધ્યાએ ડૉ. પટેલ દર્દીજોગ સૂચનાઓ આપી રહ્યા હતા. મજાની વાત એ હતી કે દર્દીના પિતા એક વાક્ય જેટલીય પૂછપરછ કર્યા વગર માત્ર ભલે, સાહેબના ટૂંકા હોંકારાથી ડૉક્ટરની દરેક વાતને સાંભળી રહ્યા હતા, સ્વીકારી રહ્યા હતા. બાકી આમ જોવા જાવ તો પૂછપરછ કરવા માટેનાં પાંચસો કારણો હતાં.

મંજુનું ઓપરેશન જોખમી હતું. એની ઉંમર પાંત્રીસ વર્ષ હતી. ગર્ભાશયમાં ગાંઠ હતી. વધુ પડતાં માસિકસ્ત્રાવને કારણે શરીરમાં ફિક્કાશ પ્રસરી ગઈ હતી. ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન એ જમાનામાં (આજથી ત્રીસ વર્ષ પહેલાં) આજના જેવું સલામત મનાતું ન હતું. એન્ટિબાયોટિક્સથી લઈને એનેસ્થેસિયા સુધીની સુવિધાઓ વિકાસશીલ તબક્કામાં હતી. ગમે ત્યારે ગમે તે થઈ શકતું હતું. બીજાં સગાંવહાલાં હોય તો સવાલો પૂછીપૂછીને ડૉક્ટરનું માથું ખાઈ જાય. પણ ભાઈલાલભાઈનું પ્રશ્નપત્ર સાવ કોરું જ હતું.

ભાઈલાલભાઈ પોતે ડૉક્ટર હતા. ભલે એલોપથીની ડિગ્રી એમની પાસે ન હતી, પણ આર.એમ.પી. નામની લાકડાની તલવાર વડે છેલ્લાં ત્રીસત્રીસ વર્ષથી એ અમદાવાદની પાસે આવેલા એક ગામડામાં મેડિકલ પ્રેક્ટિસનું મહાભારત ખેલી રહ્યા હતા. અનુભવના શિક્ષક પાસેથી અસંખ્ય ગુરુચાવીઓ શીખી ચૂક્યા હતા. એટલે ડૉ. પટેલ જે કંઈ સૂચનાઓ આપી રહ્યા હતા, એ બધી જ એમના દિમાગમાં ઉપવાસીના ગળા નીચે રાજગરાનો શીરો ઊતરે એમ ઊતરી રહી હતી.

ડૉ. પટેલને પણ આ બાબત ફાવતી આવી ગઈ હતી. સામાન્ય, અભણ અથવા તો નોનમેડિકલ ક્ષેત્રના સગાને દરેક સૂચના આપતી વખતે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજાવવું પડતું હોય છે. જેમકે  રાત્રે દસ વાગ્યા પછી દર્દીને ખાવાપીવાનું બંધ. પાણી પણ નહીં આપવાનું.

શા માટે, સાહેબ?’ ‘એટલા માટે કે આંતરડાં ખાલી હોય તો ઓપરેશનમાં તકલીફ ન કરે. અને દર્દીને એનેસ્થેસિયા આપ્યા બાદ ઊલટીઓ ન થાય. નહીંતર ઊલટીનું પ્રવાહી બેભાન અવસ્થામાં જો ફેફસાંમાં કે શ્વાસનળીમાં દાખલ થઈ જાય તો એનો જીવ જોખમમાં મુકાઈ જાય.આ તો એક દાખલો માત્ર થયો. બાકી આવી તો એક હજાર પૃચ્છાઓ. અને એની દસ હજાર સમજૂતીઓ. જ્યારે અહીં તો સૂચના એ જ આદેશ અને એ જ સમજૂતી.

ડૉ. પટેલે આખરી સૂચન કર્યું, ‘તમે એક કામ કરશો? તમારી મંજુને ઓપરેશન સમયે અને ઓપરેશન બાદ ચોવીસ કલાક પૂરતાં તો એન્ટિબાયોટિક્સનાં ઇન્જેક્શનો જ આપવામાં આવશે. પણ... તમે એમ કરોને... એને એક કેપ્સ્યૂલ આજે રાત્રે જ ગળાવી દો. તમારી પાસે એમ્પિસિલિનની કોઈ પણ બ્રાન્ડ પડી હશે તો ચાલશે. જો ન પડી હોય તો હું પ્રિસ્ક્રાઇબ કરી આપું...

ભાઈલાલભાઈએ ડોકું હલાયું, ‘મારી પાસે છે. હું આપી દઇશ. બીજું કંઈ?’ ‘નથિંગ એલ્સ. ગુડ નાઇટ એન્ડ સી યુ ટુમોરો એટ સિક્સ.ડૉ. પટેલ એમના પરિચિત જનરલ પ્રેક્ટિશનરને શુભ રાત્રિકહીને છૂટા પડ્યા.
***
સવારે સાડા છ વાગે શરૂ થયેલું ઓપરેશન સવા સાતે પતી ગયું. મંજુને વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવી. ડૉ. પટેલે જાતે એની પલ્સ, બ્લડપ્રેશર, શ્વાસની ગતિ વગેરે માપી લીધું. એમણે અને એનેસ્થેટિસ્ટે કોફી પીધી. એ પછી તરત જ બીજી સ્ત્રીને ઓપરેશન ટેબલ ઉપર લેવડાવી. એનું પણ આ જ ઓપરેશન કરવાનું હતું.

ઓપરેશન માટે સ્ક્રબ થયા પછી ડૉ. પટેલને યાદ આવ્યું, ‘સિસ્ટર, મંજુને એન્ટિબાયોટિકનું ઇન્જેક્શન આપવાનું બાકી છે. ભૂલી નથી ગયાંને?’

સિસ્ટરે આદેશ માટે ચડાવ્યો. એમ્પિસિલીનનું ઇન્જેક્શન ભરીને મંજુની નસમાં આપી દીધું. પાંચ જ મિનિટ પછી એ દોડતી આવી, ‘સર, પેશન્ટની હાલત ઠીક નથી જણાતી. નાડીના ધબકારા...
ડૉ. પટેલે એનેસ્થેટિસ્ટને વિનંતી કરી, ‘દોસ્ત, જરા જુઓને! શું થયું છે? હું તો ઓપરેશનમાં છું.એનેસ્થેટિસ્ટ ગયા, બીજી મિનિટે એમની ચીસ સંભળાણી, ‘ડૉ. પટેલ, પ્લીઝ, રશ ટુ ધી પેશન્ટ. શી ઇઝ...

સાવ અચાનક જ બધું બની ગયું હતું. મંજુ હવે આ દુનિયામાં રહી ન હતી. ઓપરેશન પછીની સ્થિતિ સાવ સામાન્ય હતી. રક્તસ્ત્રાવ કે પછી એનેસ્થેસિયામાંથી બહાર આવવામાં પણ કશી મુસીબત નહોતી પડી. મૃત્યુનું કારણ શું હોઈ શકે?

ડૉ. પટેલ અને એનેસ્થેટિસ્ટના દિમાગોમાં એક સાથે એક સરખો વિચાર ઝબૂક્યો. આ એમ્પિસિલીન ઇન્જેક્શનનું રિએકશન હોઈ શકે! ભાઈલાલભાઈ તો ઉશ્કેરાયેલી હાલતમાં હતા, ‘પટેલ સાહેબ, તમે મારી દીકરીને મારી નાખી. ઓપરેશનમાં જ કંઇક ગરબડ કરી નાખી.ડૉ. પટેલે પૂછ્યું, ‘ભાઈ, મને એક વાતનો જવાબ દે. ગઈ કાલે રાતે તેં મંજુને એમ્પિસિલીનની કેપ્સૂલ ગળાવી હતી ખરી?’
ના, સાહેબ! એ દવા તો ગામડે મારા ક્લિનિકમાં હતી. મને થયું કે નહીં આપું તો ચાલશે. દસવીસ રૂપિયા ખાલી અમથા ક્યાં ફેંકી દેવા? એટલે મેડિકલ સ્ટોરમાં લેવા પણ ન ગયો. પણ અત્યારે એનું શું છે?’
પટેલસાહેબે બીજો સવાલ પૂછ્યો, ‘મંજુને કોઈ દવાનું રિએક્શન આવતું હતું?’
હા, સર! એને એકલીને જ નહીં, અમારા આખા કુટુંબને પેનિસિલીનનું જલદ રિએકશન આવે છે. પણ આ ક્યાં પેનિસિલીન હતું?’

ગાંડા, નામ જુદું છે, બાકી બંને દવાઓનું કુળ તો એક જ છે. તને એટલીય ખબર નથી? ત્યારે શેનો દાદાગીરી કરે છે? હું તો માનતો હતો કે તું આટલાં વર્ષથી દાક્તરી કરી ખાય છે, એટલે આટલી અક્કલ તો તારામાં હશે જ! પણ તું તો સાવ ડફોળ નીકળ્યો! અને સાથે સાથે આળસુ અને કંજૂસ પણ! આવી રીતે કેટલા દર્દીઓનાં જીવ લીધા હશે? આજે તારી ગફલતને કારણે તે દીકરી ગુમાવી દીધી.
ભાઈલાલભાઈને પોતાની ભૂલ સમજાણી. ડૉ. પટેલે વાતનું સમાપન કર્યું, ‘તેમ છતાં પણ તારા મનમાં હજુ પણ જો શંકા રહેતી હોય, તો આપણે એક કામ કરીએ. લાશનું પોસ્ટમોર્ટમ કરાવીએ. સિવિલ હોસ્પિટલમાં પી.એમ. કરાવવાથી મૃત્યુનું સાચું કારણ જાણવા મળી જશે.

લોકપ્રિય લેખો