Add to your favorites

હમ તો અપની નેકી કરતે ચલે
હમકો ક્યાં ખબર, કારવા બસતા ગયા.


વારના પહોરમાં ખેતરે પાણી વાળવા ગયેલા કરસન પટેલે ખેતરના શેઢા પાસે એક લાશ પડેલી જોઈ. પાસે જઈને જોયું તો ત્રીસેક વર્ષની સાધારણ આર્થિક સ્થિતિની હોય એવી લાગતી એ બાઈ ઊંધી વળીને પડેલી હતી. લોહીના જામેલા કુંડાળા વચ્ચે એનું મસ્તક હતું. બાજુમાં રક્તરંજિત મોટો પથ્થર હતો. કરસન પટેલ ડૉક્ટર ન હતા, તો પણ લાશને અડક્યા વગર જ સમજી ગયા કે બાઈ મરી ચૂકી હતી. એમની રાડારાડ સાંભળીને થોડાક ખેતમજૂરો દોડી આવ્યા. પછી વધુ ગામલોકો. પછી પોલીસ. પંચક્યાસ. પોસ્ટમોર્ટમ. છાનબિન. અફવાઓ અને અખબારોમાં સમાચારો.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રિવેદી એક બાહોશ અધિકારી ગણાતા હતા. એમણે તપાસનો દોર હાથમાં લીધો. બેચાર હકીકતો તો સ્થળ અને લાશની સ્થિતિનું નિરીક્ષણ કરવાથી જ સ્પષ્ટ થઈ જતી હતી. જ્યાં હત્યા થઈ હતી એ ખેતર ગામથી દૂર પણ રેલવે લાઇનથી બહુ નજીકમાં આવેલ હતું. મૃત્યુનું કારણ હત્યા જ હતું એ વાતની સાબિતી લોહીથી ખરડાયેલો પથરો આપી દેતો હતો. અડધો કિલોમીટર દૂર આવેલા ફ્લેગ સ્ટેશનથી શરૂ કરીને ખેતરના શેઢા સુધી મરનાર બાઈનાં પગલાંની છાપ ઠેકઠેકાણે વાંચી શકાતી હતી. સીધી લીટીમાં કરેલો પ્રવાસ માત્ર પથરાળ રસ્તા ઉપર કે જ્યાં ઘાસ વધારે હતું એટલા ભાગમાં જ તૂટતો હતો.

પી.એસ.આઈ. ભટ્ટે કોન્સ્ટેબલ જીલુભાને કહ્યું, ‘દરબાર, આખા રસ્તે ચાર પગલાંની પ્રિન્ટ જોઈ શકાય છે. બે પગલાં લેડિઝ ચંપલની છાપવાળાં છે, જ્યારે બે પગલાં દેશી જોડાંની છાપવાળાં. મતલબ કે મરનારની સાથે કોઈ પુરુષ પણ હોવો જોઈએ, અને એ પુરુષ મૃતક મહિલાનો અતિશય નિકટનો પરિચિત હોવો જોઈએ. કાં પતિ, કાં એનો પ્રેમી. ભાઈ અથવા બાપ પણ હોઈ શકે. એ સિવાય આટલી વહેલી સવારે અથવા મોડી રાતે કોઈ સ્ત્રી એની સાથે આમ આવા સૂમસામ મારગે નીકળવા માટે તૈયાર ન થાય.

સાચી વાત છે, સાહેબ.જીલુભાએ પણ પોતાની અક્કલની પેટીનું ઢાંકણું ઊઘાડ્યું, ‘બાઈને ફોસલાવીને અહીં સુધી લાવ્યા પછી પેલા જાલીમે પાછળથી હુમલો કર્યો હશે. પથ્થર મારીને બિચારીનું માથું ફોડી નાખ્યું હશે. બાઈ ઊંધા માથે ભોંય ભેળી થઈ ગઈ! અરેરે! માતાજી પેલા રાક્ષસને જીવતો નહીં રેવા દે!’’

જીલુભા, આપણાથી માતાજીનાં ભરોસે બેસી ન રેવાય. એ રાક્ષસને પકડવા માટે જે કંઈ કરવું પડે એ આપણે જ કરવું પડે.

જીલુભા કામે લાગી ગયા. બાઈનાં કપડાં, લોહીવાળી ધૂળનો નમૂનો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, હાથમાં પહેરેલી બંગડીઓ, દરજીના નામવાળી કાપડની પટ્ટી, બધું જ જોઈ વળ્યા પણ બાઈ ક્યાંની હતી અને કોણ હતી એની માહિતી ક્યાંયથી ન મળી.

ત્યાં એક ખેતમજૂર દોડતો આવ્યો. એના હાથમાં એક કાગળ હતો. આવીને એ સીધો પી.એસ.આઈ. ત્રિવેદી ઊભા હતા ત્યાં એમની સામે જઈને ઊભો રહ્યો.

લોકપ્રિય લેખો