Add to your favorites

આપ્યું કેમ આવું નજરાણું, પાંખ આવી ત્યાં પીંછ કપાણું

અભિનંદન! અભિનંદન! અભિનંદન!’ 
ડૉ. માકડિયાએ ત્રણ વાર અભિનંદન આપ્યા, એ સાંભળીને જલારામ ઝેરોક્ષ સેન્ટરવાળો ગોવિંદ એટલું તો સમજી ગયો કે એની ઘરવાળી જાનકીનો છેડાછુટકો થઈ ગયો હતો. પણ સુવાવડનું કામ સમુંસુતરું પાર પડી જાય, તો એક વાર અભિનંદનઆપ્યાથી પણ રાજીપો વ્યક્ત કરી શકાય. આમ ત્રણત્રણ વાર એના પડઘા પાડવાનો શો મતલબ?

ગોવિંદના મોં ઉપર પથરાયેલી મૂંઝવણ ડૉ. માકડિયા સમજી ગયા હોય એમ બોલ્યા, ‘પહેલા અભિનંદન તો ડિલિવરી સારી રીતે પતી ગઈ એ માટેના. પછીના અભિનંદન દીકરો જન્મ્યો એના, અને ત્રીજા અભિનંદન લક્ષ્મી પધારી એ બદલ...

એટલે...?’ ગોવિંદનો ચહેરો વધારે ચીતરાઈ ગયો, ગેરસમજના કેન્વાસ પર મૂંઝવણના બેચાર થપેડા ઓર ફરી ગયા.

એટલે એમ કે તારી પત્નીએ બે બાળકોને જન્મ આપ્યો છે. ટિ્વન્સ ડિલિવરી. એક દીકરો અને એક દીકરી.

વાહ! ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે! લગ્ન પછી પાંચપાંચ વરસ લગી મારા ઘરે પારણું ન બંધાયું અને અત્યારે બંધાયું, ત્યારે એક સાથે બબ્બે પારણાં! પેંડાની સાથેસાથે લોકોને જલેબી પણ ખવરાવવી પડશે.ગોવિંદના ચહેરા પર ખુશી જ ખુશી ઝલકતી હતી. મૂંઝારાનાં વાદળો હવે છંટાઈ ચૂક્યાં હતાં, આનંદના સમાચાર સૂરજ બનીને ચમકી ઊઠ્યા હતા. પણ ડૉક્ટરે ગોવિંદના ઉત્સાહ ઉપર ચિંતાની બ્રેકમારી.

ભાઈ, એટલા બધા હરખઘેલા થઈ જવાની જરૂર નથી. દીકરો ને દીકરી બેયનાં વજન કમ છે. થોડા દિવસ ચિંતાભર્યા રહેશે. સાવધ રહેવું પડશે. બાળકોની સંભાળ રાખવી જરૂરી છે. નહીંતર બંને બાળકો ગુમાવવાનો વારો આવશે.

લોકપ્રિય લેખો