Add to your favorites

સૌની અપેક્ષા જોઇએ સલામત નાવ હો
મુજને ખુદા તું તણખલું આપજે, જોયું જશે

અમદાવાદથી જ્યારે બસ ઊપડી, ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે આજે આવું થશે! આવું એટલે કે લાખોમાં એક વાર થાય એવું. રખે ને તમે એમ માનતાં કે આ કોઈ બસઅકસ્માતની વાત હશે! અકસ્માતમાં તો ઇજા કે મરણ થાય. આજે જે થવાનું હતું એને તમે દુર્ઘટના પણ ન કહી શકો. કેમ? એ તો આજની ‘ડાયરી’ પૂરેપૂરી વાંચ્યા પછી જ સમજી શકશો.

બસ ચિક્કાર ભરેલી હતી. એકેએક બેઠક ભરાયેલી હતી. વધારાના પ્રવાસીઓ વચ્ચેના ભાગમાં સળિયો પકડીને ઊભા હતા. બસનો રૂટ અમદાવાદથી પંચમહાલ જિલ્લાના એક જાણીતા શહેર તરફનો હતો. પ્રવાસીઓમાંના મોટા ભાગના ગરીબ, મજૂરી કરીકરીને તૂટી ગયેલાં શરીર અને મોંઘવારીના મારથી ચીમળાઈ ગયેલા ચહેરા, પણ હોળીધુળેટીનો તહેવાર નજીક આવતો હોવાથી આ બધાં એમનાં વતનમાં જઈ રહ્યાં હતાં, એટલે એમની આંખોમાં ઉલ્લાસ છવાયેલો હતો.

બસની આગલી બેઠક ઉપર એક ભદ્ર, સુશિક્ષિત, આધુનિક જેવી લાગતી યુવતી બેઠેલી હતી. એની સાથે એની દીકરી પણ હતી. પાંચછ વર્ષની ઉંમર હશે દીકરીની. યુવતી હશે ત્રીસેકની.

બધું બરાબર ચાલી રહ્યું હતું. મુસાફરો પોતપોતાનાં જૂથમાં વાતોમાં મશગૂલ હતા ત્યાં અચાનક પેલી યુવતીનું મોં જરાક બગડ્યું. પછી એ ક્ષણભર પોતાની બેઠક ઉપરથી જરા ઊંચીનીચી થઈ. પછી પાછી તરત જ સ્વસ્થ બની ગઈ. થોડી વાર થઈ, ત્યાં ફરીથી એના ચહેરાની રેખાઓ બદલાણી. જાણે પેટમાં ચૂંક ઊપડી હોય એવું મોં થઈ ગયું. આવું જ્યારે વારંવાર થવા માંડ્યું, ત્યારે અન્ય પ્રવાસીઓનું ધ્યાન પણ એની તરફ ખેંચાયું.

‘બૉન, હું થાય સે? ફેર ચડે સે?’ એક આધેડ વયના આદિવાસી પુરુષે પૂછ્યું.
યુવતીએ માથું નકારમાં હલાવ્યું. ત્યાં બીજો એક જુવાન બોલી ઊઠ્યો, ‘નીચેની સ્પ્રિંગ ખૂંચતી હશે! જોતા નથી? ગાદી કેવી ફાટલી સે?’

લોકપ્રિય લેખો