Add to your favorites

મન ને એમ કે આ અંત છે, ઝીંદગીની આ જ તો રમત છે

સાહેબ, મારો રિપોર્ટ સાવ જ ખરાબ છે?’ ત્રીસ વર્ષનો અનાહત એકનો એક સવાલ લગભગ ત્રીસમી વાર પૂછતો હતો.

‘હા, દોસ્ત! આ રિપોર્ટ તો એવું જ બોલે છે. આશાના નામે એમાં એકડોય નથી, નિરાશાના નામે શૂન્યો જ શૂન્યો છે.’ મેં અમદાવાદની જાણીતી, વિશ્વશ્ત પેથોલોજિકલ લેબોરેટરીના લખાણ ઉપર ફરી એક વાર નજર ફેરવીને જવાબ આપ્યો.

‘અમારે બાળક થાય એવો કોઈ જ ઉપાય નથી?’
‘એક રીતે વિચારીએ તો નથી, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો ઉપાય છે અને એ ઉપાય પણ વિજ્ઞાનચિંધ્યો જ છે. હવે તો હાઇસ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓ પણ જાણે છે કે ગર્ભાધાન માટે સ્ત્રીબીજ અને પુરુષબીજ આવશ્યક છે. તારી પત્નીનાં અંડાશયોમાં સ્ત્રીબીજો પૂરતી સંખ્યામાં મોજૂદ છે પણ તારા રિપોર્ટમાં પુરુષબીજની સદંતર ગેરહાજરી છે. આવા કિસ્સામાં કૃત્રિમ પદ્ધતિ અપનાવી શકાય. લેબોરેટરીમાંથી...અમે પણ ન જાણતા હોઈએ એવા દાતાના પુરુષબીજ વડે...અમારી ભાષામાં એને ‘આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન’ કહેવાય છે.

‘એમાં કશો વાંધો તો નથી ને?’ અનાહત મૂંઝવણમાં જણાતો હતો.
‘તબીબી રીતે, સામાજિક રીતે કે કાયદાની દ્રષ્ટિએ એમાં કશું જ ખોટું નથી. તું જો નૈતિકતાનો વિચાર કરતો હોય તો પણ એ શતપ્રતિશત માન્યતા પ્રાપ્ત ઉપચાર છે. આપણા મહાભારત જેવા ગ્રંથમાં જે મંત્રપુત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રતીકાત્મક ઢબે મૂળ તો આ જ વાત છે. રહી વાત જન્મનારા સંતાના બાહ્ય દેખાવની! તો એ બાબતમાં પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. હું લેબોરેટરીમાં તારું અને તારી પત્નીનું વર્ણન આપી દઈશ. ચામડીનો રંગ, આંખની કીકી, માથાના વાળ, શક્ય હશે ત્યાં સુધીનું મેચિંગ મળી જશે. બાકી ઓગણીસવીસનો ફરક તો સાડી અને અને બ્લાઉઝ પીસમાં પણ રહી જ જાય છે ને?’

અનાહત અને ઉદિતા. ખાધેપીધે સુખી જોડું. પ્રેમ પણ અદ્ભુત. શ્વાસ અને ફેફસાંની જેમ સાથે ને સાથે. પણ ઈશ્વર આ જગતમાં બધાને બધી જ વાતનું સુખ નથી આપતો. યહાં કિસીકો મુકમ્મિલ જહાં નહીં મિલતા. લગ્નજીવનનાં લીલાંછમ દસ વરસ એક સાથે વિતાવ્યા પછી પણ ઉદિતાની હાલત બંજર જમીન જેવી જ રહી હતી. થાકીહારીને એ લોકો મારી પાસે સારવાર માટે આવ્યાં અને વૈજ્ઞાનિક પરીક્ષણે કહી આપ્યું કે ખેતર ફળદ્રુપ હતું, પણ બિયારણમાં ખામી હતી. મેં મારી તબીબી મર્યાદામાં રહીને સૂચવી શકાય એવો ઉપાય સૂચવ્યો. પતિપત્ની બંનેએ સહર્ષ સ્વીકારી લીધો.

લોકપ્રિય લેખો