Add to your favorites

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.


‘ઓહ્! હું તો થાકી ગયો! આ રિસેપ્શનનો રિવાજ બહુ ખરાબ છે. ભલભલા પુરુષને ભાંગી નાખે એવો.’ અમેરિકાથી ખાસ લગ્ન માટે આવેલા વરરાજા જસ્મિન શેઠે હનીમૂન માટે હોટલ તરફ જતાં ગાડીમાં પડખે બેઠેલી તાજી, મોગરાની કળી જેવી પત્નીને કહ્યું.


‘બસ, નેટ પ્રેક્ટિસમાં જ ભાઈસાહેબની હવા નીકળી ગઈ?! ખરી મેચ તો હવે શરૂ થવાની છે!’ નવોઢા તોરલે આંખના ખૂણામાંથી શૃંગારનું તીર છોડ્યું. જસ્મિન કમ્પ્યૂટર એન્જિનિયર હતો અને ન્યૂ જર્સીમાં ડોલરિયો પાક લણી રહ્યો હતો. તોરલ ડૉક્ટર હતી. હમણાં જ એમ.ડી.ની પરીક્ષા પાસ કરીને હળવી થઈ હતી. એનાં પપ્પાના નિકટના મિત્રે છોકરો બતાવ્યો. બંને જણાં મળ્યાં. વાતચીત કરી. પહેલાં તો તોરલનાં મનમાં ડૉક્ટર ન હોય એવા મુરતિયા માટે આનાકાની જ હતી, પણ જસ્મિનનું સોહામણું વ્યક્તિત્વ જોયા પછી એને લાગ્યું કે વાંધો નહીં આવે. હૈયાં મળતાં હોય તો પછી ડિગ્રીઓ ન મળે તો પણ શો વાંધો છે? અને અમેરિકામાં ક્યાં આપણા દેશ જેવું છે? ત્યાં તો બસ, સારી જોબ હોવી જોઈએ. નોકરી કે વ્યવસાયના આધારે સજોડાં કે કજોડાં માની લેવાની ક્રૂરતા એ દેશમાં નથી. 


ડૉ. તોરલે બિનતબીબ એવા મુરતિયા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. જે દિવસથી સગાઈ નક્કી થઈ એ દિવસથી જ બંને જણાં આખો દિવસ સાથે ને સાથે ફરવા માંડ્યાં. એટલે લગ્ન થયા ત્યાં સુધીમાં તો જાણે એકબીજાંને વર્ષોથી જાણતા હોય એટલાં હળીમળી ગયાં! બોલવાચાલવામાં શરમસંકોચ રહ્યા નહીં. તો જ ‘હનીમૂન’ની રાત શરૂ થતાં પહેલાં એક ભારતીય યુવતી આવી ‘બોલ્ડ’ કોમેન્ટ કરી શકે ને?


કામબાણની કાતિલ અસરો રામબાણ જેટલી જ સચોટ હોય છે. રૂપાળી, સુશિક્ષિત અને બુદ્ધિશાળી પત્નીનું મહેણું ખાઈને જસ્મિન ઘાયલ થઈ ગયો. પત્નીનો કાકડી જેવો કૂણો હાથ પકડી લીધો. ‘થાક લાગ્યો છે એની ના નહીં, પણ એક વાત સાંભળી લો, તોળી રાણી! યોર હસબન્ડ ઇઝ ટાયર્ડ, બટ નોટ રિટાયર્ડ! અને તારા ગોરાગોરા હાથની નાજુક આંગળીઓ વડે તું જ્યારે મારું માથું દબાવી આપીશ, ત્યારે મને...’
તોરલ હાથ છોડાવીને તોફાની હાસ્ય વેરી બેઠી, ‘પેલો જોક સાંભળ્યો છે ને? પતિનું માથું દુખતું હોય ત્યારે ડૉક્ટર પત્ની સેવા નથી કરતી, સારવાર કરે છે! હું પણ તારું માથું દબાવવાને બદલે એનાલ્જેસિક ગોળી ગળાવી દઈશ!’


મસ્તીમજાક અને રોમાન્સની છોળો વચ્ચે ક્યારે હોટલ આવી ગઈ એની પણ ખબર ન રહી. અમદાવાદની પ્રખ્યાત હોટલનો મોંઘોદાટ સ્યૂટ પહેલેથી જ હનીમૂન માટે બૂક કરી રાખેલ હતો. હોટલના કર્મચારીઓ પણ આ નવપરિણીત યુગલના વિશેષ સ્વાગત માટે તૈયાર હતા. કાઉન્ટર પાસે ઊભેલી ચુલબુલી રિસેપ્શનિસ્ટે તો મજાક પણ કરી લીધી, ‘મિ. જસ્મિન શેઠ, વ્હાય ડૉન્ટ યુ ચેઇન્જ યોર નેઇમ?’
‘કેમ, જસ્મિન નામ ન ગમ્યું?’

લોકપ્રિય લેખો