Add to your favorites

ઊતર ભી આઓ કભી આસમાં કે,
તુમ્હેં ખુદાને હમારે લિયે બનાયા હૈ


અંબાલાલ પટેલ જ્યાં બગીમાંથી નીચે ઊતરીને પોળમાં પગ મૂકવા ગયા, ત્યાં ઓટલા ઉપર બેઠેલા નવરા પડોશીઓમાંથી કોકે ટહુકો કર્યો, ‘અંબુકાકા, બગીમાંથી નીચે તો તમે રોજ ઊતરો છો, પણ આજે છેક ખાડામાં ઊતરી પડશો એવું તો કોઈએ નહોતું ધાર્યું!એ સાથે જ ઓટલા ઉપર બેઠેલા આઠેય જણાં અટ્ટહાસ્ય કરી ઊઠ્યા.


અંબાલાલ સમજી ગયા કે બોલનારનો ઇશારો ક્યાં હતો! એ દિવસે સવારે જ લખપતિ અંબાલાલે એમની એકની એક દીકરી રાધાની સગાઈ ન્યાતના સૌથી ગરીબ ઘરના મુરતિયા વલ્લભ જોડે કરી હતી.

અંબાલાલભાઈના ચહેરા ઉપર રોષની લકીર ઊભરી આવી, પણ એમણે તરત જ ફિક્કું હસીને એની ઉપર ભીનું પોતું ફેરવી દીધું. શહેરના મોભાદાર માણસ હતા, મોટું ખોરડું હતું, એટલે મૌન રહીને મેદાન છોડી દેવું ચાલે એમ ન હતું. કોઈ માન આપે કે મહેણું, સામો જવાબ તો દેવો જ પડે. એટલે બોલ્યા, ‘ભાઈ, જાણી જોઈને ખાડામાં પગ મેલીએ એને ઊતર્યાએમ કહેવાય, ‘પડ્યાએમ નહીં! અને મેં વર જોઈને દીકરી દીધી છે, ઘર જોઈને નહીં!પછી રખેને સામો જવાબ વાળે અને એમાંથી વિવાદ વધી પડે એના કરતાં બે ડગલાં ઝડપથી ચાલી નાખવા સારાં એવું વિચારીને એ પોળની અંદર ઓગળી ગયા. ચાર દિપછી પટેલવાસમાં જ્ઞાતિની વાડીમાં જમણવાર હતો, પ્રસંગ તો બીજાનો હતો, પણ જ્ઞાતિજન હોવાના નાતે અંબાલાલભાઈ પણ સહકુટુંબ જઈ પહોંચ્યા. એમને આવેલા જોઈને ચોવટિયા ન્યાતીલાઓની લૂલી સળવળી ઊઠી, ‘અંબુકાકા, દીકરી વહાલી નહોતી, તો પછી જન્મી ત્યારે જ દૂધપીતી કરી દેવીતીને! સાવ આવું કરાય...?’

ભાઈઓ, મારી રાધાના નસીબમાં દૂધ પીવાનું નહીં લખાયું હોય તો કંઈ વાંધો નથી, છાશ તો પીવા મળશે ને? તમારી દીકરીઓ ભલે ઘીદૂધમાં ધૂબાકા મારતી!અંબાલાલની જીભ ઉપર કડવાશ ઊભરી આવી.

પુરુષો કાબૂમાં આવ્યા, ત્યારે સ્ત્રીવર્ગ શરૂ થઈ ગયો. શાંતા પટલાણીને ઘેરીને બધી કાબરોએ કકળાટ કરી મેલ્યો, ‘બૂન, ચ્યોં તમારી રાધા ને ચ્યોં પેલો લુખ્ખો વલ્લભો! આવી હીરા જેવી છોડીને કોલસાની વખારમાં ફેંકતાં જીવ તમારો ભલો હેંડ્યો!

શાંતાબહેન પાસે પણ એ જ જવાબ હતો જે એમના પતિ પાસે હતો, ‘અમે છોકરો જોઈને કન્યા આપી છે, એની છત જોઈને નહીં.

છત એટલે ઘરનું છત્ર, છાપરું. ન્યાતમાં એવાં ઘણાં ઘર હતાં, જેમના છાપરા માથે સોનાના નળિયા હોય. સાણંદના સોમાભાઈ પટેલના આંગણે સાત સાંતીની જમીન હતી. બોપલના બાલુભાઈના બારણે બસો વીઘાના આંબાવાડિયા હતાં. ઉત્તરસંડાના ઉમેદભાઈ એંશીએંશી વીઘાના આઠ ખેતરો ધરાવતા હતા. નારનાં નારણભાઈ ચરોતરના રાજા ગણાતા હતા. આ બધાના કુંવરો રાધાનો હાથ ઝંખતા હતા અને રાધા હતી પણ આવી ઝંખનાને કાબિલ! રૂપમાં એ નાગરકન્યા હતી, આવડતમાં વણિકદીકરી, જ્ઞાન અને સંસ્કારમાં એ બ્રાહ્મણદુહિતા હતી, તો શારીરિક મજબૂતીમાં એ પટેલપુત્રી હતી. એ જમાનામાં એ સાત ધોરણ સુધી ભણેલી હતી અને એ વખતે ઉપલબ્ધ એવી ગુજરાતી સાહિત્યની ચોપડીઓ એણે વાંચી નાખી હતી. એ જમાનામાં તાજી જ પ્રકટ થયેલી ક.મા.મુનશીની પાટણની પ્રભુતાઅને ગુજરાતનો નાથવાંચીને એની રસવૃત્તિ ઘડાઈ ચૂકી હતી. એ ત્રિભુવનપાળ કે કાક ભટ્ટ જેવા પતિનાં સ્વપ્નો જોતી થઈ ગઈ હતી. પોતાની જાતમાં એ પ્રસન્ન અને મંજરીનો આત્મા અનુભવતી હતી.

જેના આંગણે સાક્ષાત લક્ષ્મીદેવી રાસડા લેતી હોય એવા ધનપતિ અંબાલાલના ઉંબરે એક શુભ દિવસે, મંગલ ચોઘડિયે, ગોધૂલી ટાણે રૂખડ બાવા જેવો વલ્લભ પટેલ પાંચસાત જાનૈયાને લઈને પગે ચાલતો આવીને ઊભો રહ્યો અને કામરુ દેશની રાજકુંવરી જેવી રાધાને પરણીને પાછો વળી ગયો. સાંઇઠ વર્ષ પહેલાનું અમદાવાદ આ ઘોર અન્યાય જોઈને કકળી ઊઠ્યું. જવાબમાં અંબાલાલ પાસે એક જ વાક્ય હતું, ‘મેં વર જોયો છે ઘર નહીં!
  

અઢાર વર્ષનો વલ્લભ અને સોળ વર્ષની રાધા. સાથે ગરીબ માબાપ પણ ખરાં. મહિનાના અંતે વલ્લભે પંદર રૂપિયા પત્નીના હાથમાં મૂક્યા, ‘આ આપણી પછેડી છે, એના માપની સોડ તાણવાનું કામ તારું!
સારું.રાધા હસી. આટલી તગડીકમાણી ક્યાંથી આવી એવા સવાલના બદલામાં જવાબ મળ્યો, ‘અગિયારથી પાંચ સુધી હું ભણું છું. કોલેજમાં. એ પછી છોકરાઓને ભણાવું છું. ટ્યૂશનોમાંથી ટપકેલો પૈસો છે આ. જરા કરકસરથી વાપરજે.

લોકપ્રિય લેખો