Add to your favorites

ભાગ્યનો સથવાર જ્યારે અલ્પઝાઝો પણ મળે,
તો પથ્થરો વચ્ચે અરીસો, સાવ સાજો પણ મળે

કલ્લુદાદાની કોર્ટ કોઈ પણ દેશની સુપ્રીમ કોર્ટ કરતાં વધુ અસરદાર હતી. ગમે તેવા જટિલ કેસનો ત્યાં ચપટી વગાડતામાં નિકાલ થઈ જતો. ન કોઈ વકીલના વાંધા વચકા, ન સાક્ષીઓની સંતાકૂકડી, ન મુદતોની માથાકૂટ. એક ઘા ને બે કટકા. સ્થળ ઉપર જ કામનો નિકાલ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.કલ્લુદાદાનો દરબાર એ જ સર્વોચ્ચ અદાલત. એનો ચુકાદો ભલે ને ગમે તેવો આંધળો હોય, પણ સૌએ સ્વીકારવો જ પડે. નહીંતર કલ્લુદાદો ભાંગી નાખે. એના કેટલાક ચુકાદાઓ તો મુલ્ક મશહૂર થઈ ગયેલા.

ગીરજા ગોરની દીકરી કોઈ પરનાતના છોકરા જોડે નાસી ગયેલી. ગીરજો ગોર ખોબો ભરીને આંસુડા પાડતો કલ્લુદાદાની કચેરીમાં હાજર થયો, ‘મને બચાવી લ્યો. મારી સુમીને પાછી અપાવો. નહીંતર મને ઝેર આપીને મારી નાખો.

કલ્લુદાદાનો પિત્તો ગયો, ‘બામણ છો કે બૈરી? રોયા વગર સીધો ઊભો રે. જો તારે મરવું જ હોય તો ઝેર સિવાયના પણ સો રસ્તા છે મારી પાસે.

ગીરજા ગોરે મરવાનું મોકૂફ રાખ્યું અને મુદ્દાસર રીતે પોતાનો કેસ રજૂ કર્યો.કલ્લુદાદાએ ઊલટતપાસ શરૂ કરી, ‘તારી દીકરી સુમી કેવડી હતી?’
આ વૈશાખી પૂનમે એને એકત્રીસમું વરહ બેઠું.
તો ગામ આખાને પૈણાવવામાં ઘરની છોડી ભુલાઈ ગઈ? આમ ને આમ મંત્રો ગબડાવતો રહીશ, તો છોડી તો ઠીક છે, પણ ક્યાંક તારી ગોરાણીયે ભાગી જશે!
ઇ હંધુય સાચું, દાદા! પણ એક વાર મારી સુમીને મારા ઘરભેગી કરી આપો. મારી ઇજ્જતનો સવાલ છે.


કલ્લુદાદાએ એના જમણા હાથ જેવા મનુને પૂછ્યું તો ખબર પડી કે ગીરજા ગોરની વાતમાં તથ્ય હતું. બાપડો ગરીબ, સાત્ત્વિક બ્રાહ્મણ હતો. એની જ છોકરી જો આવું કરે તો ગોર બાપાની યજમાનવૃત્તિ ભાંગી પડે એમ હતી. કલ્લુદાદાએ આંખ ફરકાવી. રાત પડતાં પહેલાં સુમી હાજર થઈ ગઈ. એને ભગાડી જનાર બાબુ બદમાશ તડીપાર થઈ ગયો. કલ્લુદાદાના ઇશારે જ ગીરજા ગોરની દીકરી એક બીજવર બ્રાહ્મણ મુરતિયાને વરીને થાળે પડી ગઈ. કલ્લુદાદાએ સુમીના વરના કાનમાં ફૂંક મારી દીધી, ‘જો, આ મારી છોડી છે એટલું સમજી લેજે. એને એંઠવાડ માનીને ઘરમાં ન ઘાલતો. તું પણ સાવ કોરો ઘડુલો નથી. માટે...

એક દિવસ સવારના પહોરમાં ઊઘડતી અદાલતે મનસુખ માસ્તર આવી ચડ્યા, ‘કલ્લુદાદા, કૃપા કરો. અકથ્ય મુશ્કેલીમાં ફસાયો છું. મને મુક્તિ અપાવો. વાત એમ છે કે આજથી બાર વર્ષ પહેલાં મારા મકાનનો ઉપલો માળ મેં મનજી મિસ્ત્રીને ભાડે આપ્યો હતો. એ વખતે મારા છોકરા નાના હતા અને મારી પાસે ફાજલ જગ્યા હતી એટલે થયું કે બે પૈસા ભાડાનાં મળી જાય તો મને ટેકો રહેશે.

લોકપ્રિય લેખો