Add to your favorites

જેથી હું જોઈ ના શક્યો, તે પ્રકાશનો અંધકાર હતો... કોણ માનશે!!


વી. આઈ.પી. પેશન્ટ અને મોટું ઓપરેશન. ડૉ. કામદારે એમના હાથ નીચેના જુનિયર ડૉક્ટરોને તબીબીવિજ્ઞાનના પાઠો શિખવવાનું શરૂ કર્યું.


સિઝેરિયન ઓપરેશનો તો તમે બહુ જોયાં પણ આજનું સિઝેરિયન એ બધાં કરતાં જુદું પડે છે.
સાવ નવા જોડાયેલા હાઉસમેને ડહાપણ ડોળ્યું, ‘જુદું એટલે કેવું? પેટ ઉપર મૂકવાના ચીરાની દ્રષ્ટિએ જુદું? કે પછી ટાંકા લેવાની રીતમાં અલગ?’

બેમાંથી એકેય રીતે નહીં! આ ઓપરેશન હું જ કરવાનો છું અને જે રીતે વર્ષોથી કરતો આવ્યો છું એ જ રીતે કરવાનો છું. એ જ પ્રકારનો ચેકો, એનું એ ડિસેક્શન, ગર્ભાશયમાંથી બાળકને બહાર કાઢવાની પદ્ધતિ પણ એ જ અને જેટલું કાપ્યું છે એ બધું સીવવાની શૈલી પણ એની એ જ!
તો પછી આજના ઓપરેશનમાં એવું ખાસ શું છે કે જેને કારણે એ અગાઉના કરતાં અલાયદું પડે?’

ટુ ડે, ધી પેશન્ટ ઇઝ ડિફરન્ટ. ડૉ. કામદારસાહેબે શિષ્યોને સમજણ આપી, આજે જે પેશન્ટનું સિઝર કરવાનું છે એનું નામ નમિતા છે. આપણા અમદાવાદના એક બહુ મોટા, જાણીતા ઉદ્યોગપતિની એ દીકરી છે. આમ તો એ મારા પ્રાઇવેટ નર્સિંગહોમમાં જ ડિલિવરી માટે નામ નોંધાવી ચૂકી હતી પણ અચાનક એનું બ્લડપ્રેશર વધી ગયું. પગે સોજા આવી ગયા. દવાગોળી ચાલુ કરવા જેટલો પણ સમય ન રહ્યો. બાળકની સ્થિતિ ગંભીર થઈ ગઈ. ડિલિવરીની તારીખ પહેલાં જ શસ્ત્રક્રિયા દ્વારા બાળકને બહાર કાઢી લેવું જરૂરી બની ગયું.

પણ આમાં જુદું કે નવું શું છે?’
કહું છું, ભઇલા! બહુ ઉતાવળ ન કર. હું એ જ વાત ઉપર આવું છું. નમિતાની હાલતને આપણી ભાષામાં પ્રિએક્લેમ્પસિયા કહે છે. એનાં બ્લડ અને યુરિનના રિપોર્ટ્સ પણ ચિંતા કરાવી મૂકે એવા છે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે ઓપરેશન પહેલાં, ઓપરેશન વખતે અને ઓપરેશન પછી કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન ઊભુ ન થાય. સર્જરીમાં તો આપણને ચિંતા નથી પણ એના હાઇ બ્લડપ્રેશરને કારણે બીજું પણ ઘણું બધું થઈ શકે છે...જેમ કે...

ડૉ. કામદાર ઓપરેશન થિયેટરમાં ઊભા હતા. અમદાવાદની જાણીતી મ્યુનિસિપલ હૉસ્પિટલના ગાયનેક વિભાગમાં તેઓ એક યુનિટના વડા હતા. એમના હાથ નીચે ભણીગણીને ભવિષ્યના ગાયનેકોલોજિસ્ટ બનનારા વિદ્યાર્થીઓ એમના જ્ઞાનને અને અનુભવને કથામૃતની જેમ ઝીલી લેવા માટે તલપાપડ બનીને ઊભા હતા. કામદાર સાહેબે એમને દસેક મિનિટનું એક નાનકડું લેક્ચર પીરસી દીધું. બિનતબીબી વાચકો માટે એ જરૂરી ન હોવાથી આપણે સીધા ઓપરેશન ટેબલ તરફ આગળ વધીએ.

પણ ડૉ. કામદાર સાહેબે ઓપરેશન શરૂ કર્યું, ત્યાં સુધીમાં થિયેટરમાં હાજર તમામ જુનિયર ડૉક્ટરો, નર્સો અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર્સ પણ બેચાર વાતે ચિંતિત થઈ ચૂક્યા હતા, નમિતાને શરીરમાં ખેંચ ન આવવી જોઈએ, એની શસ્ત્રક્રિયા દરમિયાન વધુ પડતું બ્લિડિંગ ન થવું જોઈએ અને એને પૂરતા પ્રમાણમાં પેશાબ થવો જોઈએ. આ છેલ્લી બાબત માટે એના મૂત્રમાર્ગમાં એક નળી મૂકીને એનો બીજો છેડો પ્લાસ્ટિકની કોથળી સાથે જોડી દેવામાં આવેલ હતો. નમિતાના મૂત્રાશયમાં જમા થતું યુરિન સીધું પેલી કોથળીમાં જમા થાય અને કોઈ પણ સમયે એનું પ્રમાણ જાણી શકાય. આમ તો રક્તસ્ત્રાવ વધુ ન થાય કે યુરિન ઓછું ન થાય એની તકેદારી તમામ દર્દીઓમાં જરૂરી હોય છે, પરંતુ નમિતાના કેસમાં આ બંને બાબતો વધુ મહત્ત્વની હતી. ઉપરાંત શરીરમાં ખેંચ આવવાનું જોખમ તો મૃત્યુ જેટલું જ ભયંકર હતું.

નમિતાને એનેસ્થેસિયા આપી દેવામાં આવ્યું. ડૉ. કામદારે એના પેટ ઉપર એન્ટિસેપ્ટિક દવાની મદદથી સાફસૂફી કર્યા પછી એનેસ્થેટિસ્ટને જાણ કરી, ‘મે આઈ સ્ટાર્ટ ધી ઑપરેશન?’

લોકપ્રિય લેખો