Add to your favorites

વાત તારી કેટલી વટલાય છે
મૌન ભાવે એટલી ચર્ચાય છે

નવી રિસેપ્શનિસ્ટ કૂંપળ કામાણીએ ઓફિસમાં પહેલીવાર પગ મૂક્યો એની સાથે જ ઓફિસનું વાતાવરણ ફરી ગયું. મુરઝાઈ જવાની અણી પર આવેલા મોલ ઉપર જાણે કોઇએ કામણગારી કાયાના પંપમાંથી મહેકતું ઝાકળ છાંટી દીધું! બાકી ઓફિસની હાલત ગૂંચળું વળીને પડેલા અજગરના જેવી હતી. અઠ્ઠાવનના આળેગાળે પહોંચેલા, ગમે તે ક્ષણે નિવૃત્ત થવાની તૈયારી સાથે જીવતા સાત ડોસલાઓ, બાવનથી પંચાવન વર્ષની વસૂકી ગયેલી ગાયો જેવી પાંચ મહિલાઓ, બીડીતમાકુના સેવનને કારણે ટી.બી.ગ્રસ્ત થઈ ચૂકેલા ત્રણ પટાવાળા અને પાંત્રીસ વર્ષની એક પારસી રિસેપ્શનિસ્ટ. આ પારસણે અચાનક પરણી જવાનું નક્કી કર્યું એટલે એની જગ્યા ખાલી પડી.

એક જગ્યા ખાલી પડી એમાં ઓફિસનું કિસ્મત ખૂલી ગયું. ઘરડાં ખખ્ખ વૃક્ષોની વચ્ચે એક ફૂટતી કૂંપળ જેવી કૂંપળ કામાણી ગોઠવાઈ ગઈ. એ આવવાની હતી એના આગલા દિવસે જ બોસ પ્રાંજલ દેસાઇએ કર્મચારીઓને જાણ કરી દીધી હતી કે આવતી કાલથી નવી રિસેપ્શનિસ્ટ ડ્યૂટી જોઇન કરવાની છે, પણ બોસે એવું નહોતું કહ્યું કે કૂંપળ કામાણીના બદનમાં વસંત ઙ્ગતુનાં તોફાનો છે, આષાઢના ઇશારાઓ છે અને શિયાળાની રજાઈ જેવી હૂંફ છે.

હાય! ગુડ મોર્નિંગ ટુ એવરીબડી! આઇ એમ કૂંપળ કામાણી.એક સદ્ભાગી સવારે આ માખણની મૂર્તિએ આવીને રૂપનો ઘડો છલકાવ્યો. એ સાથે જ ઓફિસની સ્ત્રી કર્મચારીઓએ ઇર્ષામાં મોં મચકોડ્યાં, અઠ્ઠાવનિયા પુરુષો પોતે ત્રીસ વર્ષ પહેલાં શા માટે જન્મ્યા એના અફસોસમાં પડી ગયા, પટાવાળાઓ પોતાની બદકિસ્મતીને કોસવા લાગ્યા. પણ સૌથી ખરાબ હાલત કુમારની હતી. કુમાર એટલે કુમાર વસાવડા. ઓફિસનો બાહોશ અને યુવાન કમ્પ્યૂટર મેન. અઠ્ઠાવીસ વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, કુંવારો નાગર યુવાન. નાગર હોવાને કારણે સંસ્કારી અને શાલીન પણ ખરો.

લોકપ્રિય લેખો