રાતના સાડા ત્રણ વાગે ફોનની ઘંટડી ધણધણી ઊઠી. મેં રિસીવર ઉપાડ્યું. ‘હલ્લો...! કોણ?’ પૂછ્યું. મારા અવાજમાં દિવસભરનો થાક અને રાતભરનો ઉજાગરો હતો.
‘હલ્લો, પંકજ બોલું છું. મોન્ટ્રિયલથી. બહુ અરજન્ટ કામ માટે તકલીફ આપવી પડી, બાકી આમ તમને ઊંઘમાંથી ન જગાડું...’ પંકજભાઈના બોલવામાં ઘણું બધું એક સાથે ઝલકતું હતું, ઉચાટ, આક્રોશ, ચિંતા, ધૂંધવાટ, અસહાયતા અને આક્રમકતા. આટલી બધી લાગણીઓનું એકસામટું કોકટેલ.
‘બોલો! બોલો! મુદ્દાની વાત ઉપર આવો, પંકજભાઈ...’ મેં મોટું બગાસું ખાધું અને એનો અવાજ છેક કેનેડા સુધી ન પહોંચે એની સાવચેતી રાખી. આપણો જૂનો મિત્ર ભીડમાં હોય ત્યારે એને એવું ન લાગવું જોઇએ કે આપણને કંટાળો આવે છે.
‘આપણો ટીકુ ખરો ને?’
‘કોણ? શૃંગાર?’
‘હા, હા! એ શૃંગારિયાએ મારું નામ બોળ્યું!’ પંકજભાઈના અવાજમાં નાટકના પાત્રની જેમ ભાવપલટા આવ્યે જતા હતા. પંકજભાઈ અને એમનાં પત્ની પરાગીબહેન દોઢેક વર્ષથી કેનેડા ચાલ્યાં ગયાં હતાં. આમ તો ઇન્ડિયામાં પણ એમને સારું હતું. રાજકોટમાં ઘરનું ઘર હતું. સારી એવી નોકરી હતી. એક જુવાન મોટી દીકરી હતી ત્રિશલા. અને એક નાનો પણ જુવાન દીકરો હતો, શૃંગાર. ત્રિશલાનાં લગ્ન પતાવીને જ બંને જણા કેનેડા ગયાં હતાં. શૃંગારને ત્યાં જવા માટે હજી બેત્રણ વર્ષની વાર લાગે એમ હતી.
‘બધા તો ના પાડે છે કે કેનેડા ન જાવ! પણ શું કરીએ? અમારા માટે થોડા જઇએ છીએ? આ ટીકુડાના ભવિષ્ય માટે જવું પડે છે. આ દેશમાં બાળકોનું કશું ‘ફ્યુચર’ જ નથી રહ્યું!’ પરાગીબહેન જ્યારથી વિઝા હાથમાં આવ્યા ત્યારથી છેક વિમાનમાં બેઠાં ત્યાં લગી આ એકની એક વાતનું રટણ કરતાં રહ્યાં. એમના ગયા પછી ટીકુડો પણ અમદાવાદમાં આવી ગયો. રાજકોટના ઘરને તાળું મારી દીધું. એક કોમ્પ્યૂટરની કંપનીમાં એને આઠદસ હજારની નોકરી મળી ગઈ. ત્રિશલા અને એનો પતિ તરંગ પણ અમદાવાદમાં જ ફ્લેટ ખરીદીને રહેતાં હતાં એટલે ટીકુને ખાવાપીવાની કશી તકલીફ નહોતી. ટીકુ ઉર્ફે શૃંગારને હું દસબાર વખત મળ્યોહતો. ઊંચો, પાતળો, ગોરો અને નમણો. વિવેકી અને ઓછાબોલો. ડ્રેસિંગ સેન્સ પણ સારી. બધી રીતે આદર્શ એવા આ યુવાને એવું તે શું કરી નાખ્યું કે ભારતથી હજારો માઇલ છેટે બેઠેલા પંકજભાઈનું નામ એણે બોળી નાખ્યું?
‘અરે, શું કહું તમને? એ નાલાયક પ્રેમમાં પડ્યો છે!!’ પંકજભાઇએ મોટો નિઃસાસો મૂક્યો.
‘શું વાત કરો છો? આપણો શૃંગાર પ્રેમમાં પડ્યો? ક્યારે? ક્યાં? કોની સાથે?’
‘વધુ માહિતી તો મારી પાસે પણ નથી એટલે તો તમને તકલીફ આપું છું. તમારી પહોંચ લાંબી છે. તપાસ તો કરો!’
‘પણ ક્યાંકરું? છોકરી વિશે થોડોઘણો ઇશારો તો કરો!’
‘શૈલી નામ છે. નામ સારું છે, પણ જાત હલકી છે. દેખાવમાં આપણા શૃંગારની સરખામણીમાં ચુડેલ જેવી લાગે! તદ્દન અસંસ્કારી અને ધૂર્ત. પાકી ગણતરીબાજ છે. બરાબર જોઈતપાસીને બકરો પસંદ કર્યો છે. એને ખબર છે કે છોકરો છબાર મહિને કેનેડા ભેગો થવાનો છે એટલે જ એણે જાળ બિછાવીને શિકારને ફાંસ્યો છે!’ પંકજભાઇએ ‘માહિતી નથી, માહિતી નથી’ એમ કરતાં કરતાં તો શૃંગારની પ્રેમિકાનું પૂરું શબ્દચિત્ર દોરી આપ્યું!
‘પણ આ બધાં લક્ષણો તો અસંખ્ય છોકરીઓને લાગુ પડે એવા છે. મને શૈલીના ઘરનું સરનામું તો જણાવો.’
‘એ તમારે અમને જણાવવાનું છે. હું તમને એટલું કહી શકું કે આ વંતરી આપણા શૃંગારની સાથે એક જ ઓફિસમાં ‘જોબ’ કરે છે. એમાંથી જ આ લફરું વળગ્યું છે.’
‘ઓ.કે.! ફાઇન. આટલી ‘હિન્ટ’ પૂરતી છે. હું મારી રીતે તપાસ કરું છું.’
‘ખાલી તપાસ નથી કરવાની.’ પંકજભાઈ બરાડ્યા, ‘એ નાલાયકને તમારે સીધી લાઇન ઉપર લાવવાનો છે. સામ, દામ, દંડ, ભેદ જે કરવું હોય તે કરવાની તમને છૂટ છે. જરૂર પડે તો એને ઠમઠોરવાની પણ ના નથી. પણ એને આ પ્રેમજાળમાંથી છોડાવો!’ પંકજભાઈ હવે એટલા મોટેથી બોલતા હતા કે મને લાગ્યું કે એમને ટેલિફોન વાપરવાની પણ હવે જરૂર નહોતી! એમને એમ કેનેડાથી છેક અમદાવાદ સુધી સંભળાય એવો એમનો અવાજ હતો. મેં હૈયાધારણ આપીને ફોન ઉપરનો વાર્તાલાપ ખતમ કર્યો. આપણને આડાઅવળા રસ્તાઓ જડે નહીં અને ફાવે પણ નહીં. હું ક્યાં શૈલી નામની એક અજાણી છોકરીની જાસૂસી કરાવું? એટલે મેં સીધો માર્ગ જ અપનાવ્યો. બીજા જ દિવસે શૃંગારને ફોન કર્યો, ‘બેટા, થોડુંક કામ હતું. ઊભાઊભ મળી જા ને!’
એ સાંજે શૃંગાર મળવા માટે આવ્યો. ઉત્સાહથી થનગનતો અને મોગરાના ફૂલની પેઠે મહેકતો, ‘બોલો, અંકલ! શું હતું?’
‘બેટા, આ શૈલી કોણ છે?’ મેં પૂછ્યું એની સાથે જ એ ઝંખવાઈ ગયો. ફૂલની બધીયે પાંખડીઓ બિડાઈ ગઈ.
‘સમજી ગયો. પપ્પાએ ચાડી ખાધી છે ને?’
‘એને ચાડી ન કે’વાય, ચિંતા કે’વાય! બાપ દીકરાની ફરિયાદ મિત્ર પાસે ન કરે તો શું કરે? તારા પપ્પાને તારા ભવિષ્યની ફિકર તો હોય ને?’ હું ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યો હતો, પણ શૃંગાર હોશિયાર નીકળ્યો. એકવીસમી સદીનો યુવાન હતો. તરત જ ઊભો થઈ ગયો.
‘અંકલ, એ વાત કરવી હોય તો હું જઉં!’
‘બેસ, છાનો માનો. આપણે બીજી વાતો કરીશું, બસ? પણ ચા પીધા વિના નથી જવાનું!’ મેં વાતને વાળી લીધી અને મિત્રપુત્રને ખાળી લીધો પણ શૈલીની બાબતે વાટાઘાટોનાં બારણાં વસાઈ ગયાં. બે દિવસના વિરામ બાદ મેં નવેસરથી પ્રયત્ન આદર્યો. બારણું વસાઈ ચૂક્યું હતું, માટે બારી ખોલી. શૃંગારની મોટી બહેન ત્રિશલાને ફોન કર્યો, ‘એકવાર મોઢું બતાવી જા. કામ છે. સાથે તારા વરને પણ લેતી આવજે.’
રવિવારની નમતી બપોરે ત્રિશલાતરંગ આવી પહોંચ્યાં. મેં શૈલીની વાત કાઢી, ત્યાં જ ત્રિશલા વરસી પડી, ‘વાત ન કરો એ બદમાશ છોકરીની, અંકલ! પૂરી રીતે અને બૂરી રીતે ફસાવ્યો છે એણે મારા ભાઈને.’
‘છોકરી દેખાવમાં કેવી છે?’
‘તદ્દન ક...’ ત્રિશલા બોલવા જતી હતી, પણ તરંગે એને અટકાવી, ‘સાવ એવું નથી, સર! દેખાવમાં તો શૈલી ત્રિશલા કરતાંય વધારે સુંદર છે.’
ત્રિશલાએ કબૂલ તો કર્યું, પણ નાક ફુંગરાવ્યું, ‘રૂપાળા તો ગધેડા પણ હોય છે! સંસ્કારની વાત કર ને!’
તરંગ હસી પડ્યો, ‘એની ખબર મારા કરતાં તને વધારે હોઈ શકે. હું તો એને ચારપાંચ વાર જ મળ્યો છું અને મને તો શૈલી અત્યંત વિવેકી અને સંસ્કારી લાગી છે.’
‘મને શી ખબર હોય! હું તો એને એક પણ વાર મળી જ નથી! ખાલી એને દૂરથી જોઈ છે, એકવાર...’ ત્રિશલાના ચહેરા પરથી નફરત ટપકતી હતી.
‘બાય ધ વે, એ છોકરી ભણેલી કેટલું છે?’ મેં પૂછ્યું.
‘ભણવામાં તો મૂઈ બહુ હોશિયાર છે. શૃંગાર કરતાંયે વધારે ભણી છે. એમ.બી.એ. પાસ કર્યું છે. નોકરીમાં એનો પગાર પણ શૃંગારના કરતાં પાંચ હજાર રૂપિયા વધારે છે.’
‘તો પછી એના ઘરની હાલત કફોડી હશે!’
‘ના રે! આપણા રાજકુંવરને એ પોતાની કારમાં ઘુમાવે છે. શૈલીના પપ્પા પાસે ત્રણ બંગલા અને ચાર ગાડીઓ છે. નોકરી તો એ ખાલી શોખ ખાતર કરે છે, બાકી એના પપ્પાની ઓફિસમાં જ ત્રીસ જણાનો સ્ટાફ કામ કરે છે!’
‘અચ્છા, હવે સમજ્યો! તમારો મુખ્ય વિરોધ છોકરીની જ્ઞાતિ સામે હોવો જોઇએ. તમે રહ્યા બ્રાહ્મણ! અને એ...?’
‘એય બ્રાહ્મણ જ મરી છે! બસ, અમારી ને એની પેટાજ્ઞાતિઓ અલગ છે.’
‘તો પછી તમને વાંધો ક્યાં છે? તમારા કહેવા પ્રમાણે મને તો એવું લાગે છે કે શૈલી બધી વાતે એક સુયોગ્ય કન્યા છે. કદાચ આપણા શૃંગાર કરતાં પણ એ ચડિયાતી હોય એવું મને તો લાગે છે. તો પછી શા માટે તમે...?’
‘શા માટે શું? પ્રેમલગ્નનો તે કદીય સ્વીકાર કરાતો હશે? છોકરો એની જાતે છોકરી શોધી લાવે એનો મતલબ શું? મમ્મીપપ્પા, મોટી બહેનબનેવી, આ બધાં શું મરી પરવાર્યાં છે? તમે પણ અંકલ! સાવ નાખી દેવા જેવી વાત શું કામ કરતા હશો?’
હવે ખરું કારણ પકડાયું. દીકરો પોતાની મેળે છોકરી પસંદ કરી નાખે એમાં એના ફેમિલીનો અહમ્ ઘવાતો હતો. અને એમનો બીજો વાંધો લગ્ન સામે નહોતો, પણ પ્રેમલગ્ન સામે હતો. શૈલી ભલેને સોનાની હોય, આ લોકોને મન કથીર સમાન હતી!
4 comments:
Story ekdam thi puri thai gai !! Adhuri hoi tevu lage che!!
good
quite comedy story..... hehehe
quickly ending story
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ