હાય ડાર્લિંગ!’ કહેતો મૃદંગ બેડરૂમમાં ધસી આવ્યો. ‘માય સ્વીટી!’ કહીને એણે મોસમને જોરદાર આલિંગનમાં જકડી લીધી. ‘હની, આઈ લવ યુ!’ કહીને એને ચુંબનોથી નવડાવી દીધી.
ઘરની નોકરાણી વાલી ડબલબેડ પર નવી ચાદર બિછાવી રહી હતી. ઉપરનું પૂરું દ્રશ્ય એની આંખો સામે જ ભજવાઈ ગયું. બિચારી ગરીબ બાઈ ‘હાય મા...!’ કહીને શરમાઈ ગઈ. સાડલાનો છેડો મોંમાં ખોસી દીધો, આંખો મીંચી ગઈ અને પછી બીજી જ ક્ષણે બેડરૂમની બહાર દોડી ગઈ.
મૃદંગ શેઠ તો ચા પીને પાછા ઓફિસે જવા માટે નીકળી ગયા, પણ શેઠાણી મોસમે નોકરાણીને પોતાની પાસે બોલાવી, ‘કેમ અલી! બહુ ફાટી છે ને કંઈ! અમે વરવહુ જરાક પ્રેમ કરીએ એમાં તારે આવી રીતે બહાર નાસી જવાની કશી જરૂર ખરી?’
‘બોન, હાચું કહું? મને એમ કે શેઠને ખબર જ નહીં હોય કે હુંયે ઓરડામાં ઊભી છું. અને... વરવહુ હોય તો હું થઈ ગ્યું! બે માણહ આમ ધોળે દા’ડે એકબીજાને વળગે ને બુચંબુચા કરે તો મૂવું મને લાજ તો આવે ને..?’
‘એને બુચંબુચા ને વળગવું ન કહેવાય, સમજી? એને તો ‘લવ’ કહેવાય. પ્રેમ..! હસબન્ડ ઘરની બહાર જાય કે બહારથી ઘરમાં આવે ત્યારે વાઇફને ભેટે, એને ‘કિસ’ કરે, બેચાર પ્રેમનાં વાક્યો બોલે એમાં ખરાબ શું છે? તું ફિલ્મો જુએ છે કે નહીં?’
‘જોઉં છું ને, બે’ન. પણ ફિલ્લમમાં તો અંધારું હોય ને! એટલે લાજ ન આવે. શેઠ તો તમને સૂરજના અજવાળામાં...’ વાલીની દશા અત્યારે પણ ધરતીમાં સમાઈ જવા જેવી હતી. બે જુવાન સ્ત્રીપુરુષ એકબીજાને જાહેરમાં, ત્રીજી વ્યક્તિની હાજરીમાં પ્રેમ કરે એ એની કલ્પના, સંસ્કાર અને સમજ બહારની ઘટના હતી. આજે જિંદગીમાં પહેલી વાર એને ખબર પડી કે એની નાનકડી ઝૂંપડીની બહાર એક વિશાળ દુનિયા આવેલી છે જેનાં સ્ત્રીપુરુષો, રીતભાત, સંસ્કાર એ બધું જ તદ્દન જુદું છે.
મૃદંગ અને મોસમ એકમેકમાં ખોવાયેલાં પ્રેમરત પતિપત્ની હતાં. મૃદંગે બહુ યુવાન કહી શકાય એવી ઉંમરમાં સારી એવી આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરી લીધી હતી. શહેરના ધમધમતા એરિયામાં બાવીસ લાખ રૂપિયાની ઓફિસ ખરીદી હતી, ચાલીસ લાખનો બંગલો હતો, એક મારુતિ કાર તો હતી જ, એક નવી ટોયોટા ઇનોવા હમણાં જ ખરીદી હતી. પત્નીને ખુશ રાખવા માટે એ હરહંમેશને માટે તત્પર રહેતો. વહેલી સવારથી મોડી સાંજ સુધી એને ધંધા માટે સમય ફાળવવો પડતો હતો, પણ જતી વખતે કે આવ્યા પછી એ મોસમને વહાલ કરવાનું કદીય ચૂકતો નહીં. એમનાં સુખી દામ્પત્યથી ઇર્ષા અનુભવતા મિત્રોને એ ઘણી વાર શિખામણ પણ આપતો, ‘તમે લોકો બાઘા છો, ગમાર છો, બુડથલ છો. પત્નીને કેવી રીતે રાજી રાખવી એનું તમને ભાન જ નથી. માત્ર કીમતી સાડીઓ કે મોંઘી જ્વેલરી આપીને સ્ત્રીને જીતી ન શકાય. સ્ત્રીને શું જોઇએ? પ્રેમ. હાલતાચાલતા એને આલિંગન આપતા રહો, કિસ કરતા રહો, અરે, ઝાઝો સમય ન હોય તો એની પીઠ કે નિતંબ પર એકાદ હળવી ટપલી મારતા રહો! મોગેમ્બો ખુશ! અને આ શારીરિક છેડછાડની સાથે સાથે શાબ્દિક પ્રેમનો મરીમસાલો તો પાછો વાપરવાનો જ!’
બપોરે ત્રણ વાગ્યે ચા પીવા માટે ઘરે આવેલો મૃદંગ પત્નીને પાણી પાણી કરી દઇને પાછો ઓફિસે પહોંચી ગયો. ચારસાડા ચાર વાગ્યે તો પાછો એનો ફોન આવ્યો. ફરી પાછી એની એ જ વાતો, ડાર્લિંગ, સ્વીટી અને હની જેવાં સંબોધનોની ફેંકમ્ફેંક અને પછી ફોનના ભૂંગળામાં ચુંબનોનું ચોમાસું!
વાલી આખા દિવસ માટેની કામવાળી હતી એટલે એ તો હાજર હોય જ. એને આશ્ચર્ય થયું કે શેઠાણી ફોન ઉપર કોની સાથે ચુમ્માચુમ્મી કરે છે!
‘તારા શેઠનો ફોન હતો.’ મોસમ વાલીનું મન વાંચી ગઈ એટલે ખુલાસો આપતી હોય એમ બોલી ગઈ, ‘ઓફિસેથી.’
‘પણ શેઠ તો હજુ હમણાં જ તમને...’ વાલી બોલવા તો જતી હતી કે ‘ભેટીને ગયા છે’, પણ પછી તરત જ વાક્યને સુધારી લીધું, ‘મળીને ગયા છે! આટલી વારમાં ફોન કરવાનો?!’
‘આનું નામ જ રોમાન્સ છે, વાલી! પણ તને અંગ્રેજી તો આવડતું નથી, એટલે રોમાન્સમાં તને...! ઠીક છે, તે ‘લવ’ શબ્દ સાંભળ્યો છે ક્યારેય? લવ! લવ...!’
વાલી શરમાઈ ગઈ, ‘ઇ તો મારા ઘરવાળાનું નામ છે.’
મોસમ ખિલખિલાટ હસી પડી. વાલીના ધણીનું નામ લવજી હતું. વાલીને અંગ્રેજી શબ્દ ‘લવ’માં સમજ નહોતી પડતી, પણ ગુજરાતી ‘લવ’ તો એનો જીવનસાથી હતો.
દર કલાકે મૃદંગનો ફોન આવતો રહ્યો. ક્ષણેક્ષણે એ પત્નીને ઝંખતો હતો, ધંધાની બેઠકોમાં, ચર્ચાઓમાં, વેપારીઓ સાથેની વાતચીતમાં, ફાઇલોના ઢગલામાં ‘ડાર્લિંગ, આઈ રિયલી મિસ યુ!’ કહેવાનું તો ચાલુ જ હતું.
અને મોસમ અત્યંત ખુશ હતી. સોહામણો પતિ, ધનવાન પતિ અને અઢળક પ્રેમ કરતો પતિ. કોઈ પણ પત્નીને આનાથી વધારે શું જોઇએ? બધી સ્ત્રીઓની ભાગ્યરેખામાં આ ત્રણેય વસ્તુઓ ભાગ્યે જ જોવા મળે. મોટા ભાગની કમભાગી સ્ત્રીઓના નસીબમાં તો આમાંથી એક પણ ચીજ લખાયેલી નથી હોતી. આ વાલીની દશા જ જોઈ લ્યો ને! મોસમે લવજીને જોયેલો હતો. રોજ સવારે એ ભાંગીતૂટી સાઇકલ પર વાલીને મૂકવા અને રોજ રાત્રે એને લેવા માટે આવતો હતો. સાવ સૂકલકડી શરીર, સાધારણ ઊંચાઈ, સુક્કો ચહેરો, માથા ઉપર ઝાંખરા જેવા વાળ અને જૂના ઘસાઈ ગયેલાં કપડાં. ન દેખાવ મળે, ન પૈસો મળે અને પ્યારની તો વાત જ નહીં કરવાની.
વાલીએ જ એક દિવસ મોસમને કહ્યું હતું, ‘બે’ન, અમારે તો બે માણહને એકબીજાં હારે વાત જ નહીં કરવાની. ઘરમાં મારા હહરા બેઠા હોય, જેઠજેઠાણી હાજર હોય, એટલે લાજનો ઘૂમટો તાણીને જ ફરવાનું. અને આમેય તે હવે તો હું આખો દિ’ અહીં તમારા બંગલે જ હોઉં છું ને! એટલે...’
સાંજે મોસમે રસોઈવાળી બાઇને સૂચના આપી, ‘આજે ખાંડવી અને ગાજરનો હલવો બનાવજે. તારા શેઠને બહુ ભાવે છે.’
ખાંડવી અને હલવો બની ગયા ત્યારે શેઠનો શેઠાણી ઉપર ફોન આવ્યો, ‘ડાર્લિંગ, આજે જમવા માટે મારી રાહ ન જોઇશ. લુધિયાણાથી એક વેપારી આવ્યા છે એને લઇને મારે હોટલમાં ડિનર માટે જવું પડશે. રાત્રે ઘરે પહોંચતા મોડું થઈ જશે. તું અને પિન્ટુ જમીને ઊંઘી જજો...’
વાલીને લાગ્યું કે શેઠ જમવાના નથી એ જાણીને શેઠાણીનું મોં સહેજવાર માટે પડી ગયું. જોકે પછી તરત પાછું ખીલી પણ ઊઠ્યું. મૃદંગે બેચાર રોમેન્ટિક સંબોધનો, પાંચસાત મીઠડાં ચુંબનો અને શાબ્દિક આલિંગનો પીરસીને પત્નીને મૂડમાં લાવી દીધી.
પંદર દિવસના અવલોકન પછી વાલીના દિમાગમાં થોડીઘણી બત્તી થવા લાગી. સુખી લોકોનો રોમાન્સ એને આછોઆછો સમજાવા માંડ્યો. વાતચીતમાં શબ્દચાતુરી, વર્તનમાં આયાસ, આશ્લેષમાં અભિનય, ઘરની બહાર હોય ત્યારે દર કલાકે પત્નીને ફોન કરવામાં વહેવારુ સતર્કતા, આ બધાને ભેગા કરો એને અમીર લોકો રોમાન્સ કહેતા હશે. બાકી મહિનામાં વીસ દિવસ તો શેઠ બહાર જ જમી લેતા હતા. ઘરમાં એમને ભાવતી વાનગીઓ બનાવેલી પડી રહેતી. બીજે દિવસે ફ્રિજમાંથી કાઢીને કાં તો રસોઈવાળી બાઈના ભાગે જતી, કાં ડ્રાઇવરના મોઢે. વાલી તો રોજ સવારે ઘરેથી જમીને જ નીકળતી અને રાત્રે ઘરે જઇને જમતી. શેઠાણીના બંગલે બે વારની ચા સિવાય એ ક્યારેય કશાયની અપેક્ષા ન રાખતી.
અને કામ એ દોડીને કરતી હતી. મોસમે ક્યારેય એને થાકેલી કે આળસુ હાલતમાં દીઠી નહોતી. બહુ સારી બાઈ હતી. બસ, એક જ બાબતમાં એ કમનસીબ હતી. એની જિંદગીમાં રોમાન્સ કે પ્રેમ જેવા શબ્દો નહોતા.
*****
આજે વાલી થાકેલી લાગતી હતી. આમ તો છેલ્લા ત્રણ દિવસથી એના કામમાં ફરક વર્તાતો હતો, પણ મોસમે નોંધ્યું કે આજે વાલીના કામમાં ભલીવાર જણાતો નહોતો. કચરાંપોતાંમાં પણ એણે આજે વેઠ ઉતારી હતી. એટલું કર્યા પછી એ પંદરવીસ મિનિટ માટે બેસી રહી. પછી સુકાયેલાં કપડાં વાળવામાં પણ એણે અડધો કલાક કાઢી નાખ્યો. એની આંખો પણ આજે નિસ્તેજ દેખાઈ રહી હતી.
‘વાલી, શી વાત છે? આજે તારી તબિયત ઠીક નથી લાગતી. તાવ જેવું છે કે શું?’ મોસમે લાગણીપૂર્વક પૂછ્યું, ત્યાં તો વાલી જમીન ઉપર બેસી પડી. સ્પષ્ટ દેખાતું હતું કે એને અશક્તિને લીધે ચક્કર આવ્યા હતા. મોસમે એને ઢંઢોળી.
માંડમાંડ વાલીના મોંમાંથી શબ્દો ઝર્યા, ‘છેલ્લા ત્રણ દિ’થી ઘરમાં ઝઘડો ચાલે છે. મારી સાસુ અને જેઠાણી મારા પિયર વિશે જેમતેમ બોલ્યા કરે છે. રીસમાં ને રીસમાં મેં અનાજનો દાણોય મોઢામાં મૂકવાનું બંધ કરી દીધું છે.’
‘તારો ઘરવાળો કશું બોલતો નથી?’
‘એનું બિચારાનું શું ઊપજે? મારી જેઠાણી બહુ માથાભારે છે. પણ મેં નક્કી કર્યું છે, જ્યાં સુધી એ લોકો મારા માબાપને ગાળો આપવાનું બંધ નહીં કરે, ત્યાં લગી હું...’
‘બેસ, બેસ! મોટી ઉપવાસ કરવાવાળી ન જોઈ હોય તો! તું તો ગાંધીવાદી નીકળી! નાહકનો જીવ ગુમાવી દઇશ. ચાલ, જમવાનું તૈયાર છે. આજે તો તારા શેઠનો જન્મદિવસ છે એટલે ફ્રૂટસલાડ, પૂરીઓ, બટાકારીંગણનું શાક, ખમણ અને કઢીભાત બનાવ્યા છે. ચાલ, જમી લે...’
વાલીએ માથું ધુણાવ્યું, ‘ના, બે’ન! હું નથી જમતી એટલે મારો લવજી પણ નથી જમતો. એ જ્યાં સુધી ભૂખ્યો હોય ત્યાં લગી મારાથી કેવી રીતે...?’
મોસમ આ ગરીબ, અશિક્ષિત અને ભૂખી નોકરાણીના મોં સામું જોઈ રહી. એ સમજી ન શકી કે વાલીના ચહેરા ઉપર જે પથરાયેલું હતું એ લવજી હતો કે લવ!
(વાલીના વહાલની સાચી ઘટના. મોસમે સાંજે વાલીને લેવા માટે આવેલા લવજીને પણ વાલીની સાથે સાથે જમાડ્યો.)
શીર્ષક પંક્તિ:મરીઝ
શીર્ષક પંક્તિ:મરીઝ
5 comments:
This is dedicated to all pativrata wives who really loves their husbands truly salute them.....who cares each other in married life....go ahed Dr. Sharad good luck
i like very much
i like very much
i like this story
love not belongs to society....it is universal...
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ