Add to your favorites

મન ને એમ કે આ અંત છે, ઝીંદગીની આ જ તો રમત છે

સાહેબ, મારો રિપોર્ટ સાવ જ ખરાબ છે?’ ત્રીસ વર્ષનો અનાહત એકનો એક સવાલ લગભગ ત્રીસમી વાર પૂછતો હતો.

‘હા, દોસ્ત! આ રિપોર્ટ તો એવું જ બોલે છે. આશાના નામે એમાં એકડોય નથી, નિરાશાના નામે શૂન્યો જ શૂન્યો છે.’ મેં અમદાવાદની જાણીતી, વિશ્વશ્ત પેથોલોજિકલ લેબોરેટરીના લખાણ ઉપર ફરી એક વાર નજર ફેરવીને જવાબ આપ્યો.

‘અમારે બાળક થાય એવો કોઈ જ ઉપાય નથી?’
‘એક રીતે વિચારીએ તો નથી, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો ઉપાય છે અને એ ઉપાય પણ વિજ્ઞાનચિંધ્યો જ છે. હવે તો હાઇસ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓ પણ જાણે છે કે ગર્ભાધાન માટે સ્ત્રીબીજ અને પુરુષબીજ આવશ્યક છે. તારી પત્નીનાં અંડાશયોમાં સ્ત્રીબીજો પૂરતી સંખ્યામાં મોજૂદ છે પણ તારા રિપોર્ટમાં પુરુષબીજની સદંતર ગેરહાજરી છે. આવા કિસ્સામાં કૃત્રિમ પદ્ધતિ અપનાવી શકાય. લેબોરેટરીમાંથી...અમે પણ ન જાણતા હોઈએ એવા દાતાના પુરુષબીજ વડે...અમારી ભાષામાં એને ‘આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન’ કહેવાય છે.

‘એમાં કશો વાંધો તો નથી ને?’ અનાહત મૂંઝવણમાં જણાતો હતો.
‘તબીબી રીતે, સામાજિક રીતે કે કાયદાની દ્રષ્ટિએ એમાં કશું જ ખોટું નથી. તું જો નૈતિકતાનો વિચાર કરતો હોય તો પણ એ શતપ્રતિશત માન્યતા પ્રાપ્ત ઉપચાર છે. આપણા મહાભારત જેવા ગ્રંથમાં જે મંત્રપુત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રતીકાત્મક ઢબે મૂળ તો આ જ વાત છે. રહી વાત જન્મનારા સંતાના બાહ્ય દેખાવની! તો એ બાબતમાં પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. હું લેબોરેટરીમાં તારું અને તારી પત્નીનું વર્ણન આપી દઈશ. ચામડીનો રંગ, આંખની કીકી, માથાના વાળ, શક્ય હશે ત્યાં સુધીનું મેચિંગ મળી જશે. બાકી ઓગણીસવીસનો ફરક તો સાડી અને અને બ્લાઉઝ પીસમાં પણ રહી જ જાય છે ને?’

અનાહત અને ઉદિતા. ખાધેપીધે સુખી જોડું. પ્રેમ પણ અદ્ભુત. શ્વાસ અને ફેફસાંની જેમ સાથે ને સાથે. પણ ઈશ્વર આ જગતમાં બધાને બધી જ વાતનું સુખ નથી આપતો. યહાં કિસીકો મુકમ્મિલ જહાં નહીં મિલતા. લગ્નજીવનનાં લીલાંછમ દસ વરસ એક સાથે વિતાવ્યા પછી પણ ઉદિતાની હાલત બંજર જમીન જેવી જ રહી હતી. થાકીહારીને એ લોકો મારી પાસે સારવાર માટે આવ્યાં અને વૈજ્ઞાનિક પરીક્ષણે કહી આપ્યું કે ખેતર ફળદ્રુપ હતું, પણ બિયારણમાં ખામી હતી. મેં મારી તબીબી મર્યાદામાં રહીને સૂચવી શકાય એવો ઉપાય સૂચવ્યો. પતિપત્ની બંનેએ સહર્ષ સ્વીકારી લીધો.

સારવારની વિગતમાં વધુ ઊંડો નથી ઊતરતો, પણ ત્રીજા કે ચોથા પ્રયત્ને પરિણામ મળી ગયું. ઉદિતાના ઉદરમાં એક નવો શ્વાસ પાંગરી રહ્યો હતો. ક્યારાની માટી હવે ફળવંતી હતી. અનાહત ખુશખુશાલ હતો અને ઉદિતા ધન્યતા અનુભવી રહી હતી.
પૂરા મહિને ઉદિતાએ પુત્રને જન્મ આપ્યો. પાંચ દિવસ પછી ઘરે જતી વખતે પતિપત્ની બંને જણાં મારા કન્સલ્ટિંગ રૂમમાં આવ્યાં. આમ તો અઢી જણાં કહેવું પડે, સાથે એમનો દીકરો પણ હતો.

અનાહતે ટેબલ ઉપર પેંડાનું બોક્સ મૂક્યું અને ઉદિતાએ પ્રશ્ન મૂક્યો.
‘આ વાત ખાનગી રહેશે ને, સર?’
‘સો ટકા ખાનગી. મારા તરફથી તો કોઈને જાણ નહીં થાય કે આ બાળક તારા પતિના બીજમાંથી નથી જન્મ્યું. આ મારી નીતિમત્તા પણ છે અને કાનૂની અનિવાર્યતા પણ.’
‘તો પણ તમે મને વચન આપો!’
‘વચન છે! વચન છે! વચન છે! બસ?’ હું હસ્યો. ઉદિતા પણ હસી પડી. અનાહત તો બાપડો નવ માસથી હસતો જ આવ્યો હતો અને આખી જિંદગી હસતો રહેવાનો હતો. એમના હાસ્યનું સંયુક્ત કારણ ઉદિતાની ગોદમાં હતું.

************

ઈશ્વર ક્યાં કોઈને જીવનભર હસતા રાખે છે? અનાહતનું હાસ્ય પણ એક ગોઝારી ક્ષણે છિનવાઈ ગયું. ઉદિતા ત્રણ વરસના દીકરાને પતિના હાથમાં સોંપીને અવસાન પામી. અનાહતનું ચાલત તો એ ફરી વાર ક્યારેય પરણ્યો જ ન હોત પણ નાનકડા બાળકના ઉછેરનો સવાલ હતો એટલે યોગ્ય સમય જવા દીધા પછી એણે બીજી વારનું લગ્ન કર્યું. દેવાંગી રૂપાળી હતી, સંસ્કારી હતી અને અનાહતનું ઘર સંભાળી લે એવી હતી. ગરીબ ઘરની દીકરી હતી એટલે યોગ્ય પાત્રના અભાવમાં કુંવારી રહી ગઈ હતી પણ કિસ્મતે એની પ્રતીક્ષાનું સારંુ વળતર આપી દીધું. અનાહત બીજવર હતો. એ એકમાત્ર બાબતને બાદ કરતાં બીજી બધી રીતે એ ઉત્તમ પતિ હતો. દેવાંગીએ ઓરમાન પુત્રને પણ સગા દીકરાની જેમ અપનાવી લીધો. હવે એક જ વાતની એને અપેક્ષા હતી, એની પોતાની કૂખેથી એક બાળક અવતરે એની! દીકરો તો હતો જ, બસ, એક દીકરી આવી જાય એટલે ફેમિલી ફોટોગ્રાફ સંપૂર્ણ બની જાય.

પણ ત્રણ વર્ષના અંતે પણ આશાનો અષાઢ ઘેરાયો નહીં. એણે અનાહતને ઘોંચપરોણો કરવાનું શરૂ કર્યું, ‘આમ ને આમ બેસી ક્યાં સુધી રહીશું? કોઈ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવીએ તો ખરાં! જો મારામાં કંઈ ખામી જણાય તો એની સારવાર કરાવીશું.’

અનાહતના હૈયામાં ફાળ પડી. બીજા કોઈ ડૉક્ટર પાસે જવામાં સો ટકાનું જોખમ હતું. ડૉક્ટર પહેલું કામ સિમેન રિપોર્ટ કઢાવવાનું કરે અને જો રિપોર્ટ ખરાબ છે એવી માહિતી આપી દે, તો દેવાંગીને કેવો આઘાત લાગે? એને તો એમ જ થાય કે અનાહતે એની જિંદગી સાથે ભયાનક છેતરપિંડી કરી છે. લગ્ન વખતે એના અસામર્થ્યની જાણ એણે કેમ ન કરી દીધી?

ગભરાયેલો અનાહત મારી પાસે દોડી આવ્યો, ‘સાહેબ, તમારા પગમાં પડું છું. મને બચાવો!’
‘જો, ભાઈ! એક ડૉક્ટર તરીકે મારાથી જુઠ્ઠું ન બોલી શકાય પણ શું કરંુ? લાચાર છું. એક સ્ત્રીને મારાથી વચન અપાઈ ગયું છે કે આ વાત હું ખાનગી રાખીશ. એ વખતે આપણા ત્રણેયના મનમાં જુદો જ સંદર્ભ હતો. મને તો કલ્પનાયે ક્યાંથી હોય કે આ વાત મારે તારી જ બીજી વારની પત્નીથી પણ ખાનગી રાખવી પડશે? પણ સંદર્ભ ભલે બદલાયો, મારંુ વચન નહીં બદલાય. હું તને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપું છું. તું રિપોર્ટ કઢાવીને મને બતાવી જજે.’

‘પણ મારો રિપોર્ટ તો...?’

‘નોર્મલ આવશે.’ મેં ગંભીરતાપૂર્વક કહ્યું, ‘હું વ્યવસ્થા કરાવી લઈશ. તારો રિપોર્ટ બિયારણથી છલોછલ આવી જશે. પછી દેવાંગીની સારવાર કરતાં રહીશું. છબાર મહિને એ થાકી જશે. પછી બીજા બાળકના ધખારા પડતાં મૂકી દેશે. કેમ, બરાબર છે ને ઉપાય?’ મેં પૂછ્યું, પછી અનાહતની સામે જોયું. પછી ઉપર આસમાન તરફ જોયું. બંને દિશામાંથી એક સરખો ઉત્તર મળ્યો: ‘બરાબર છે! બરાબર છે! બરાબર છે!’

શીર્ષક પંક્તિ: નીલેશ શાહ

5 comments:

Riya said...

ખુબ જ સરસ. મન પ્રફ્ફૂલ્લિત થઇ ગયું. હું ઘણા વખતથી ડોક્ટરના લેખોની વેબસાઈટ શોધતી હતી. આ એક સરસ સંગ્રહ છે. ખુબ ખુશ છું, તેથી મારો સહયોગ તમને છે.
Great work!! Keep Blogging...

- Riya Talwar

Anonymous said...

Keep it up guyz good work. i really like this site

Nilesh Shah said...

મન ને એમ કે આ અંત છે,
ઝીંદગી આંચકાની રમત છે.

swa-likhit (Nilesh Shah, Chennai)

Hemang said...

Very Good Article....Keep it up.

Vishal Bhavsar said...

Really a nice story....keep it on....

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો