કલ્લુદાદાની કોર્ટ કોઈ પણ દેશની સુપ્રીમ કોર્ટ કરતાં વધુ અસરદાર હતી. ગમે તેવા જટિલ કેસનો ત્યાં ચપટી વગાડતામાં નિકાલ થઈ જતો. ન કોઈ વકીલના વાંધા વચકા, ન સાક્ષીઓની સંતાકૂકડી, ન મુદતોની માથાકૂટ. એક ઘા ને બે કટકા. સ્થળ ઉપર જ કામનો નિકાલ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.કલ્લુદાદાનો દરબાર એ જ સર્વોચ્ચ અદાલત. એનો ચુકાદો ભલે ને ગમે તેવો આંધળો હોય, પણ સૌએ સ્વીકારવો જ પડે. નહીંતર કલ્લુદાદો ભાંગી નાખે. એના કેટલાક ચુકાદાઓ તો મુલ્ક મશહૂર થઈ ગયેલા.
ગીરજા ગોરની દીકરી કોઈ પરનાતના છોકરા જોડે નાસી ગયેલી. ગીરજો ગોર ખોબો ભરીને આંસુડા પાડતો કલ્લુદાદાની કચેરીમાં હાજર થયો, ‘મને બચાવી લ્યો. મારી સુમીને પાછી અપાવો. નહીંતર મને ઝેર આપીને મારી નાખો.’
કલ્લુદાદાનો પિત્તો ગયો, ‘બામણ છો કે બૈરી? રોયા વગર સીધો ઊભો રે. જો તારે મરવું જ હોય તો ઝેર સિવાયના પણ સો રસ્તા છે મારી પાસે.’
ગીરજા ગોરે મરવાનું મોકૂફ રાખ્યું અને મુદ્દાસર રીતે પોતાનો કેસ રજૂ કર્યો.કલ્લુદાદાએ ઊલટતપાસ શરૂ કરી, ‘તારી દીકરી સુમી કેવડી હતી?’
‘આ વૈશાખી પૂનમે એને એકત્રીસમું વરહ બેઠું.’
‘તો ગામ આખાને પૈણાવવામાં ઘરની છોડી ભુલાઈ ગઈ? આમ ને આમ મંત્રો ગબડાવતો રહીશ, તો છોડી તો ઠીક છે, પણ ક્યાંક તારી ગોરાણીયે ભાગી જશે!’
‘ઇ હંધુય સાચું, દાદા! પણ એક વાર મારી સુમીને મારા ઘરભેગી કરી આપો. મારી ઇજ્જતનો સવાલ છે.’
કલ્લુદાદાએ એના જમણા હાથ જેવા મનુને પૂછ્યું તો ખબર પડી કે ગીરજા ગોરની વાતમાં તથ્ય હતું. બાપડો ગરીબ, સાત્ત્વિક બ્રાહ્મણ હતો. એની જ છોકરી જો આવું કરે તો ગોર બાપાની યજમાનવૃત્તિ ભાંગી પડે એમ હતી. કલ્લુદાદાએ આંખ ફરકાવી. રાત પડતાં પહેલાં સુમી હાજર થઈ ગઈ. એને ભગાડી જનાર બાબુ બદમાશ તડીપાર થઈ ગયો. કલ્લુદાદાના ઇશારે જ ગીરજા ગોરની દીકરી એક બીજવર બ્રાહ્મણ મુરતિયાને વરીને થાળે પડી ગઈ. કલ્લુદાદાએ સુમીના વરના કાનમાં ફૂંક મારી દીધી, ‘જો, આ મારી છોડી છે એટલું સમજી લેજે. એને એંઠવાડ માનીને ઘરમાં ન ઘાલતો. તું પણ સાવ કોરો ઘડુલો નથી. માટે...’
એક દિવસ સવારના પહોરમાં ઊઘડતી અદાલતે મનસુખ માસ્તર આવી ચડ્યા, ‘કલ્લુદાદા, કૃપા કરો. અકથ્ય મુશ્કેલીમાં ફસાયો છું. મને મુક્તિ અપાવો. વાત એમ છે કે આજથી બાર વર્ષ પહેલાં મારા મકાનનો ઉપલો માળ મેં મનજી મિસ્ત્રીને ભાડે આપ્યો હતો. એ વખતે મારા છોકરા નાના હતા અને મારી પાસે ફાજલ જગ્યા હતી એટલે થયું કે બે પૈસા ભાડાનાં મળી જાય તો મને ટેકો રહેશે.’
‘તો હવે શું થયું? ટેકો ખસી ગયો?’
‘ના, દાદા! પણ હવે મારા દીકરાઓ જુવાન થઈ ગયા છે. સારંુ કમાવા માંડ્યા છે. ગયા માગશરમાં બેયને પરણાવી પણ દીધા. હવે મારંુ ઘર નાનું પડે છે એટલે મેં મિસ્ત્રીને વિનંતી કરી કે એ મકાન ખાલી કરી આપે પણ એ માનતો નથી.’
‘ક્યાંથી માને? એ બિચારો રસ્તા ઉપર રહેવા જાય?’
‘એવું નથી, બાપા! મનજી મિસ્ત્રી પૈસાદાર છે. દસ વર્ષમાં ખૂબ કમાયો છે. ઘરનો બંગલો બંધાવ્યો છે. અત્યારે એનું કુટુંબ તો બંગલામાં જ રહે છે પણ મિસ્ત્રી મારો મેડો ખાલી કરતો નથી. એનો વપરાશ ધંધા માટે કરે છે. આખો દિવસ માથા ઉપર ઠકઠક ચાલ્યા કરે છે. હું તો ગાંડો થઈ ગયો છું. તમે જીવાડો તો જીવાય એમ છે, દાદા!’
કલ્લુદાદાએ માસ્તરની વાત પાક્કે પાયે સમજી લીધી. પછી હાથ નીચેના ગુંડાને મોકલીને મનજી મિસ્ત્રીને મેસેજ કહેવડાવ્યો, ‘કલ્લુદાદા યાદ કરે છે. ઊભાઊભ આવી જજો. સાથે તમારો રંધો પણ લેતા આવજો. દાદા લાકડાના છોલની જેમ તમારા શરીર ઉપરથી ચામડી ઉતારી લેવા માગે છે.’
દાદાનું આમંત્રણ એટલે આવ્યા વગર છૂટકો જ નહીં. મનજી મિસ્ત્રી ઉઘાડા પગે આવી ગયા પણ રંધાને બદલે મેડાની ચાવી લઇને આવ્યા. માસ્તરના હાથમાં ચાવી મૂકી દીધી અને પગમાં માથું.
આવો ભવ્ય ભૂતકાળ ધરાવતા કલ્લુદાદાના દરબારમાં આજે એક યુવાને પ્રવેશ કર્યો. આવીને સીધો કલ્લુના પગમાં લેટી ગયો, ‘દાદા, તમારા શરણે છું. બચાવી લ્યો, નહીંતર મરી જઇશ.’
‘પહેલા મારા પગ છોડ, નહીંતર અત્યારે જ મરી જઇશ. હું જ મારી નાખીશ.’
યુવાને વીજળીનો કરંટ લાગ્યો હોય એમ હાથ ખેંચી લીધા, પણ માગણી પાછી ન ખેંચી. આંસુ, આજીજી અને આગ્રહ ચાલુ જ હતા.
‘મારુ નામ નિશાત છે. હું એક છોકરીના પ્રેમમાં પડ્યો છું. મારે એની સાથે પરણવું છે.’
‘તો પરણી જા. કોણે રોક્યો છે તને?’
‘કન્યાના બાપે.’
‘એને આમાં શું વાંધો છે?’
‘એને જ્ઞાતિભેદ નડે છે. મારી અને એની જ્ઞાતિઓ અલગઅલગ છે.’
‘કેમ? એ માણસ છે અને તું માણસ નથી? સાવ ગધેડો લાગે છે છોકરીનો બાપ. બુદ્ધિનો લઠ્ઠ! તારામાં ખામી જેવું જ ક્યાં છે? દેખાવડો છે, ભણેલો પણ લાગે છે, કમાતો પણ હોઇશ જ...’
‘ટ્રેડિંગના વ્યવસાયમાં છું, દાદા! ઉંમરના પ્રમાણમાં સારુ એવું પાડી લઉં છું. મારા જેવો જમાઈ એ સસરીનાને એની આખી ન્યાતમાંથી મળે એમ નથી.’
કલ્લુદાદા વિચારમાં પડી ગયા, ‘હં...અ...અ..! તું એક કામ કર. એક વાર પરણી જા. કન્યાને નસાડીને પરણી જા. એના બાપની મરજીનામરજીની પરવા ન કરતો. શરૂઆતમાં બધાં વાંકા ચાલે, પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે. પંદર દા’ડા પછી એનો એ ગધેડો તને કંસાર ખાવા માટે બોલાવશે.’
‘પણ...’ નિશાતના દેહમાં કંપારી પ્રસરી ગઈ, ‘કલ્લુદાદા, છોકરીનો બાપ જરાક માથાભારે છે. ગુંડા ટાઇપનો... જો અમે નાસી જઇએ... અને પછી પકડાઈ ગયા... તો મુઆ સમજી લેવાના...!’
કલ્લુદાદો હસ્યો, ‘એ બધી ચિંતા તું મારી ઉપર છોડી દે. હું એને ઊભો ને ઊભો ભરી પીશ. અને એક વાત યાદ રાખજે, છોકરા! આ આખાયે ઇલાકામાં માથાભારે માણસ એક જ છે. એનું નામ કલ્લુદાદા. સમજ્યો? બાકીના બધા ઘેંટાબકરાં કે’વાય. તું છોકરીના બાપને મારું નામ આપીશ, ત્યાં જ એને ઝાડા થઈ જશે પણ જો તારી ઇચ્છા કોઈ બબાલ કરવાની ન હોય તો પછી મેં કહ્યું એમ જ કરજે. છોકરીને લઇને ઊડી જા. જયપુરઉદેપુર કે કેરાલા તરફ ચાલ્યો જા. એકબે મહિના જલસો કરી આવ. છોકરી ભારેપગી થઈ જાય પછી જ પાછો આવજે. પછી જોઇએ છીએ કે એનો મવાલી છાપ બાપ પણ શું ભડાકા કરી લે છે! પૈસાબૈસા છે તારી પાસે કે આપું હું?’
‘પાંચેક હજાર હશે. એટલામાં થઈ રહેશે?’
‘ધૂળ ને ઢેફાં થઈ રે’શે? પાંચ હજાર રૂપરડીમાં ‘હનીમૂન’ પતાવવા નીકળ્યો છે! અલ્યા, મનિયા! જો ને પેલા લોકરમાંથી વીસ હજાર કાઢીને આપને આ મુરતિયાને! પછી એના સસરા પાસેથી વીસના ચાલીસ હજાર ઓકાવું છું.’ કલ્લુદાદો આજે ફુલ ફોર્મમાં હતો. ધોનીની જેમ ફટકાબાજી કરી રહ્યો હતો. એના શાગીર્દ મનુએ વીસ હજાર રૂપિયાનું બંડલ નિશાતના હાથમાં મૂક્યું. નિશાત પાછો લેટી ગયો. કલ્લુદાદાના બેય પગ જકડી લીધા.
‘હવે પગ છોડ મારા ને ઝટ ઊભો થા! નહીંતર લાત ઠોકી દઇશ!’
‘એમને એમ નહીં છોડું. પહેલાં મને આશીર્વાદ આપો, પછી જ...’
‘આ આશીર્વાદ આપ્યા. જા સુખી થાજે ને છોકરીને સુખી કરજે અને જ્યાં પણ જવાનો હોય ત્યાંનું ઠામઠેકાણું કોઇને પણ જણાવીશ નહીં. એક ને એક જગ્યાએ બે રાત રોકાઇશ નહીં. બહારગામથી ઘરે કે કોઈ મિત્રને ફોન કરીશ નહીં અને એક જ મુદ્દાનો કાર્યક્રમ નજરમાં રાખજે. છોકરીને ઊલટીઓ શરૂ ન થાય ત્યાં લગી પાછો આવવાનું નામ ન લઇશ. જા, ફતેહ કર! મારા તને આશિષ છે.’
નિશાત ગયો. પગ છોડીને અને પૈસા પકડીને ગયો. વીસ હજાર રૂપિયા અને વીસ લાખના આશીર્વાદ મેળવીને ગયો. પ્રેમિકા સાથે આર્યસમાજી વિધિ દ્વારા પરણી ગયો અને પછી સૂર્યોદય થતાની સાથે જેમ ઝાકળ ઊડી જાય એ રીતે અદ્રશ્ય થઈ ગયો.
બીજે દિવસે શહેર આખામાં હાહાકાર મચી ગયો. ગલીએ ગલીમાં એક જ વાત હતી. કુખ્યાત કલ્લુદાદાની એકની એક લાડકવાયી દીકરી નૈઙ્ગતિ કોઈ જુવાનિયા સાથે નાસી ગઈ! કલ્લુદાદાને પણ પછીથી જાણ થઈ કે એની દીકરીને નસાડી જનાર ‘લફંગા’નું નામ નિશાત હતું. પણ હવે શું? એને ક્યાં શોધવો? કલ્લુદાદાએ કપાળ કૂટ્યું, ‘મારો બેટ્ટો! પાક્કો ચોર નીકળ્યો! ગાડી તો ચોરી ગયો, સાથે પેટ્રોલના પૈસા પણ લેતો ગયો... એને મેં સલાહો પણ એવી આપી છે કે એ હાથમાં આવવાનો નથી અને પાછો પણ ત્યારે જ આવશે, જ્યારે...!’
શીર્ષક પંક્તિ: ધૂની માંડલિયા
શીર્ષક પંક્તિ: ધૂની માંડલિયા
1 comment:
rock solid............
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ