બૈશાખીના ઘરે કિટ્ટી પાર્ટી હતી. રેવતી, પ્રાચી, તુશી, મૌલી, સિતાર અને ફોરમ સૌંદર્યના ટાપુઓ જેવી સાત સાત રમણીઓ એક સ્થળે ભેગી થઈ હતી. હાઉસી, તીનપત્તી, રમી અને અંતાક્ષરી જેવી રમતોમાં પૈસાદાર વેપારીઓની નવરી ઘરવાળીઓનો સમય માટલાના પાણીમાં ઓગળતા બરફના ચોસલાની જેમ પીગળી રહ્યો હતો. મજાકો, મશ્કરીઓ, છેડછાડ અને રમૂજોનાં તોફાનોની વચ્ચેવચ્ચે નિયમિત સમયાંતરે દાળવડા, ભજિયાં, શરબત, આઇસક્રીમ અને કોલ્ડ કોફીની આવનજાવન ચાલુ હતી.
ત્યાં બૈશાખીના સ્વામીનાથ બુદ્ધિધન બહારથી ઘરમાં પધાર્યા. સાતેય સહેલીઓમાં સોપો પડી ગયો. બુદ્ધિની બાબતમાં બુદ્ધિધન કુખ્યાત હતા. બોલીને બાફવાનું કામ એમને મન ડાબા હાથના ખેલ જેવું હતું. કોઈ પણ જાતના બદઇરાદા વગર એ કોઇની બેઇજ્જતી કરી શકતા હતા. અને એટલું કર્યા પછી પણ એ પોતે તો ભોળા ભાવે એટલું જ પૂછતા કે આમાં મેં ખોટું શું કર્યું!
‘હાય! નમસ્તે ટુ એવરીબડી!’ ડ્રોઈંગરૂમમાં જામેલા દેવીઓના ડાયરા તરફ જોઇને બુદ્ધિધને અભિવાદનનાં વાક્યો ઉચ્ચાર્યાં. બૈશાખીની છાતીમાં ધ્રાસકો ઊઠ્યો હતો એ થોડોક શાંત પડ્યો. પતિએ શરૂઆત તો સારી રીતે કરી હતી. હવે આગળ ન વધે તો સારું.
પણ બુદ્ધિધન કંઇક જુદી જ રીતે વિચારતા હતા. પત્નીની સહેલીઓ જોડે બેચાર વાક્યોની આપલે ન થાય તો પત્નીનું જ ખરાબ દેખાય. અને એ વાક્યો પાછાં સારાં પણ હોવાં જોઇએ. બફાટ તો થવો જ ન જોઇએ. દર વખતે કોઇ ને કોઈ મહિલાને ખોટું લાગી જાય છે. આ વખતે તો ખૂબ જ ધ્યાન રાખવું છે. એમ વિચારીને બુદ્ધિધન આગળ વધ્યા, ‘શી વાત છે? આજે તો બધીયે બહેનો બહુ જામો છો ને કંઈ! આજે તો અપ્સરાઓથી ઊભરાતો ઇન્દ્રનો દરબાર પણ મારા દીવાનખંડ આગળ ઝાંખો પડે!’

પીચ ઉપર સેટ થઈ ગયેલા બુદ્ધિધને હવે છુટ્ટા હાથની ફટકાબાજી શરૂ કરી, ‘મને એક વાત સમજાતી નથી, તમે લોકો સાડીઓ પહેરીને શા માટે આવો છો? બાકીના બધાનું તો સમજ્યા, પણ તમને તો મારે ઠપકો આપવો જ પડશે, મૌલીભાભી! ઈશ્વરે તમને આવું સુંદર ફિગર આપ્યું છે, પછી એને આમ ચાદરમાં લપેટી શા માટે રાખો છો? તમે જો ટૂંકાં વસ્ત્રો પહેરોને તો મલ્લિકા શેરાવત જેવાં લાગો! આ સાડી તો તમને જરીકેય નથી શોભતી. એના કરતાં તો તમે કશું જ ન પહેર્યું હોય ને તો વધારે જામો!’
કર્ફ્યૂ પડી ગયો દીવાનખંડમાં. બુદ્ધિધનને ય લાગ્યું કે એનાથી કત્લેઆમ થઈ ગઈ છે. વાતાવરણ ભઠ્ઠી જેવું તપી ગયેલું જોયા પછી ત્યાં ક્ષણવાર પણ ઊભું ન રે’વાય એટલી તો એમનેય ખબર, એટલે એ દોડવીર બુધિયાની ઝડપે બેડરૂમ તરફ નાસી ગયા. દીવાનખંડની હાલત સંસદગૃહની જેવી થઈ ગઈ. વિપક્ષોએ હંગામો મચાવી મૂક્યો, ‘અલી બૈશાખી! તારા હસબન્ડને કહી દેજે કે જરા બોલવામાં કાબૂ રાખે!’
‘હું શું કરું? એમને કહીકહીને થાકી. એમના મનમાં કશો ખરાબ ભાવ નથી હોતો, પણ હોઠ ઉઘાડે છે અને બાફી મારે છે!’ બૈશાખીના અવાજમાં ક્ષમાયાચના હતી.
‘આ તો તારુ ઘર બધાને નજીક પડે છે એટલે દર શનિવારે કિટ્ટી પાર્ટી અહીં રાખીએ છીએ. બાકી...’ ઉકળતા ચરુ જેવી બહેનપણીઓને માંડમાંડ બૈશાખીએ ટાઢી પાડી. પણ એ દિવસની પાર્ટીની મજા તો મરી જ ગઈ.
ત્રીજા શનિવારે રેવતી રાજપરાની રેવડી દાણાદાણ થઈ ગઈ. બન્યું એવું કે બધી યુવતીઓ ફિલ્મી ગીતોના તાલ ઉપર નાચી રહી હતી. બુદ્ધિધન ઘરમાં જ હતા, પણ બેડરૂમમાં બંધ હતા. બૈશાખીએ એમને બહાર પગ મૂકવાની મનાઈ ફરમાવેલી હતી. પણ એ ક્યારે પાણી પીવા માટે બહાર નીકળી આવ્યા એની કોઇને ખબર ન પડી. ઉન્મત્ત બનીને હવામાં અંગો લહેરાવતી સાત સુંદરીઓને જોઇને બુદ્ધિધન પાણીની તરસ વિસરી ગયા. ફિલ્મ ‘તેજાબ’નું ગીત ‘એક, દો, તીન...’ વાગતું હતું. એના સથવારે સાત સાત માધુરીઓ નાચતી હતી. ગીત પૂરું થયું, નાચ અટકી ગયો અને બારણા પાસે ઊભેલા બુદ્ધિધન તાળીઓ પાડી ઊઠ્યા, ‘વાહ વાહ! વાહ વાહ! ક્યા બાત હૈ! પરફોર્મન્સ તો બધાંનું સારુ હતું, પણ રેવતીભાભી! તમે તો હદ કરી નાખી!’
બધાના ચહેરાઓ ઉપર તણાવગ્રસ્ત સન્નાટો પ્રસરી ગયો.કહેવા ખાતર સૌએ કહી નાખ્યું, ‘ થેન્ક યુ વેરી મચ! અમને ખબર નહીં કે તમે સંતાઈને અમારો ડાન્સ જોતા હશો...’
‘જોતો હતો?! અરે, માણતો હતો એમ બોલો, દેવીજીઓ! એમાંય રેવતીભાભી ઉપર તો આપણે ઓળઘોળ થઈ ગયા! ભલે ને એમણે માધુરી જેવાં કપડાં ન પહેર્યાં હોય, પણ તેમ છતાંય એ ગજબના ‘સેક્સી’ લાગતાં હતાં. હું તો એમના હસબન્ડને ફોન કરીને કહેવાનો છું કે તમારા ઘરમાં એક જબરદસ્ત પ્રતિભા સડી રહી છે. એને બહાર કાઢો. રેવતીભાભીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોકલી આપો, માધુરી દીક્ષિતનો ડબ્બો થઈ જશે!’
માધુરીનું માર્કેટ ડબ્બો થાય એ પહેલાં રેવતી દારૂગોળો બની ગઈ. તેજાબ બનીને વરસી પડી, ‘માઇન્ડ યોર લેંગ્વેજ, મિસ્ટર બુદ્ધિધન! મને સેક્સી કહેવાનો તમને અધિકાર નથી. જો તમે બૈશાખીના હસબન્ડ ન હોત, તો... તો... તો મેં તમને...’ રેવતી ઉશ્કેરાટની મારી ધ્રૂજી રહી હતી. બૈશાખીએ આંખો કાઢીને વરને બેડરૂમભેગો કર્યો. રેવતીની બે હાથ જોડીને માફી માગી. પતિમાં બે આની અક્કલ ઓછી છે, બાકી મનમાં કશું પાપ નથી એવી દલીલો કરીને મામલો થાળે પાડ્યો. પછી તો બધાને ખબર પડી ગઈ કે બુદ્ધિધન બુદ્ધિના બારદાન છે. બાપદાદાના વખતનો ‘સેટ’ થઈ ગયેલો ધંધો હતો, એટલે કમાણીનો ધોધ ચાલુ હતો, બાકી બુદ્ધિધનમાં વેતા બળ્યા નહોતા. સ્ત્રીવર્ગ પણ હવે એમના બફાટથી ટેવાઈ ગયો હતો. પત્નીની કડક સૂચના હોવા છતાં બેત્રણ અઠવાડિયે એક વાર બુદ્ધિધનના બોમ્બ વિસ્ફોટો ચાલુ રહેતા. ક્યારેક પ્રાચીના ગોરાગોરા પગ વિશે, તો ક્યારેક તુશીના ગાલ ઉપરના કાળાકાળા તલ વિશે બુદ્ધિધનનાં બેચાર વાક્યો ટપકી પડતાં અને શાંત શહેરમાં જાણે કોમી રમખાણ ફાટી નીકળ્યું હોય એવી તંગદિલી પ્રસરી જતી! અંતે બધાએ સ્વીકારી લીધું, ‘બૈશાખીના વરને ચૂપ રહેતા નથી આવડતું!’
બુદ્ધિધને નવા બિઝનેસમાં ઝંપલાવ્યું. એડવર્ટાઇઝમેન્ટના ધંધામાં. શહેરના ધમધમતા વિસ્તારમાં એક ઓફિસ ભાડે રાખી. એડ્ વર્લ્ડના નામાંકિત માણસોને રોક્યા. અમદાવાદના શૉ બિઝનેસમાં સિક્કો જમાવી દીધો. છેક મુંબઈથી સાડીઓના વેપારીઓ અને ઠંડા પીણાંની કંપનીઓ અને ગુજરાતી ફિલ્મવાળાઓની પૂછપરછ આવવા માંડી.
ચંદુલાલ ચલચિત્રવાળાએ માણસ મોકલ્યો, ‘અમારે એક ગુજરાતી ફિલ્મના રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરવું છે. માત્ર બે જ જણ, પ્રેમી અને પ્રેમિકા, દુનિયાથી સંતાઇને છાનાંછપનાં પ્રેમગોષ્ઠિ કરતાં હોય એવું દ્રશ્ય છે. એના માટે લોકેશનની માહિતી આપી શકો? ભીડમાં પણ એકાંત હશે તો ચાલશે.’
મોટી રકમનું કામ હતું. બુદ્ધિધનમાં ધન કમાવા પૂરતી બુદ્ધિ તો જરૂર હતી. એમણે એક ફોટોગ્રાફરને વિડિયો કેમેરા સાથે કામ ઉપર લગાડી દીધો. ચાર દિવસમાં ચારસો લોકેશન્સ હાજર થઈ ગયાં.
બુદ્ધિધન બધું જોવા માટે બેઠા. બગીચાના વૃક્ષ પાછળ, બાવળના ઝૂંડ પાછળ, નદીકાંઠે ડૂબતા સૂરજની સાક્ષીએ, કાંકરિયાની પાળે, પરિમલ ગાર્ડનના છોડવાઓ પાછળ, એસ.જી. હાઇવે પાસેનાં ખેતરોમાં, રેસ્ટોરન્ટના ખૂણાઓમાં, કોફીહાઉસના ટેબલો ઉપર, મલ્ટિપ્લેક્સ થિયેટર્સના અંધારામાં...! ક્લિક... ક્લિક... ક્લિક...! સ્ટીલ ફોટોગ્રાફ્સ અને હાલતીચાલતી ફિલ્મ. બુદ્ધિધનને મજા પડી ગઈ. અમદાવાદમાં પ્રેમીઓને પ્રેમ કરવા માટેના આટલાં બધાં ઠામઠેકાણાં હશે એ વાતની એમને આજે જ ખબર પડી. અને આવા ખૂણાઓ ને ખાંચરાઓનો સદુપયોગ કરી જાણનારા આટલાં બધાં યુગલો હશે એ વાતની માહિતી પણ અત્યારે જ મળી. હા, દરેક તસવીરમાં કે ફિલ્મની ફ્રેમમાં છાનગપતિયાં કરી રહેલું કોઈ ને કોઈ પ્રેમી યુગલ અવશ્ય હતું!બુદ્ધિધને એ યુગલો તરફ હવે ધ્યાન કેન્દ્રિત કર્યું. અરે, આ શું? આ તો રેવતી છે! અને એને વળગીને બેઠેલો પુરુષ કોઈ બીજો જ છે. એનો વર રાગેશ નથી! બુદ્ધિધન અવાક્ થઈ ગયા. કાંકરિયાની નગીનાવાડીના બપોરિયા સૂનકારમાં પ્રાચી બેઠી હતી. એના પ્રેમીના ખોળામાં માથું મૂકીને. તો મલ્ટિપ્લેક્સ થિયેટરના ખૂણાની ખુરશીમાં મૌલી બેઠી હતી. બાજુમાં બેઠેલા કોઈ રંગીલા યુવાનને વળગીને! સી.જી. રોડ પરની રેસ્ટોરન્ટમાં સિતાર એના પ્રેમીની જોડે ચાઇનીઝ ફૂડ માણી રહી હતી અને ફોરમ એનાં લફરાંની ગરમીને કોલ્ડ કોફીના કપની ઠંડકમાં ઓગાળી રહી હતી. બુદ્ધિધને એ બધી જ તસવીરો અલગ તારવી લીધી.
એ પછીના શનિવારે જ્યારે એના બંગલે કિટ્ટી પાર્ટીમાં ભાગ લેવા માટે આ બધી લફરેબાજ ‘સન્નારીઓ’ હાજર થઈ ત્યારે બુદ્ધિધને દરેકના હાથમાં એકએક કવર મૂકી દીધું. એમાં એકએક તસવીર હતી અને સાથે એક લીટીની ચબરખી પણ ‘ચિંતા ન કરશો. તમારો ભેદ કાયમને માટે ભેદ જ રહેશે. હું બુદ્ધિહીન હોઇશ, પણ બ્લેકમેલર તો નથી જ.’
એ દિવસે બૈશાખીને મોટું આશ્ચર્ય થયું. એની તમામ સહેલીઓ પહેલીવાર એક સૂરમાં બોલી રહી હતી, ‘અલી બૈશાખી! તારા વરને તો ચૂપ રહેતા પણ આવડે છે, હોં.’
No comments:
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ