Add to your favorites

આપ્યું કેમ આવું નજરાણું, પાંખ આવી ત્યાં પીંછ કપાણું

અભિનંદન! અભિનંદન! અભિનંદન!’ 
ડૉ. માકડિયાએ ત્રણ વાર અભિનંદન આપ્યા, એ સાંભળીને જલારામ ઝેરોક્ષ સેન્ટરવાળો ગોવિંદ એટલું તો સમજી ગયો કે એની ઘરવાળી જાનકીનો છેડાછુટકો થઈ ગયો હતો. પણ સુવાવડનું કામ સમુંસુતરું પાર પડી જાય, તો એક વાર અભિનંદનઆપ્યાથી પણ રાજીપો વ્યક્ત કરી શકાય. આમ ત્રણત્રણ વાર એના પડઘા પાડવાનો શો મતલબ?

ગોવિંદના મોં ઉપર પથરાયેલી મૂંઝવણ ડૉ. માકડિયા સમજી ગયા હોય એમ બોલ્યા, ‘પહેલા અભિનંદન તો ડિલિવરી સારી રીતે પતી ગઈ એ માટેના. પછીના અભિનંદન દીકરો જન્મ્યો એના, અને ત્રીજા અભિનંદન લક્ષ્મી પધારી એ બદલ...

એટલે...?’ ગોવિંદનો ચહેરો વધારે ચીતરાઈ ગયો, ગેરસમજના કેન્વાસ પર મૂંઝવણના બેચાર થપેડા ઓર ફરી ગયા.

એટલે એમ કે તારી પત્નીએ બે બાળકોને જન્મ આપ્યો છે. ટિ્વન્સ ડિલિવરી. એક દીકરો અને એક દીકરી.

વાહ! ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે! લગ્ન પછી પાંચપાંચ વરસ લગી મારા ઘરે પારણું ન બંધાયું અને અત્યારે બંધાયું, ત્યારે એક સાથે બબ્બે પારણાં! પેંડાની સાથેસાથે લોકોને જલેબી પણ ખવરાવવી પડશે.ગોવિંદના ચહેરા પર ખુશી જ ખુશી ઝલકતી હતી. મૂંઝારાનાં વાદળો હવે છંટાઈ ચૂક્યાં હતાં, આનંદના સમાચાર સૂરજ બનીને ચમકી ઊઠ્યા હતા. પણ ડૉક્ટરે ગોવિંદના ઉત્સાહ ઉપર ચિંતાની બ્રેકમારી.

ભાઈ, એટલા બધા હરખઘેલા થઈ જવાની જરૂર નથી. દીકરો ને દીકરી બેયનાં વજન કમ છે. થોડા દિવસ ચિંતાભર્યા રહેશે. સાવધ રહેવું પડશે. બાળકોની સંભાળ રાખવી જરૂરી છે. નહીંતર બંને બાળકો ગુમાવવાનો વારો આવશે.

ગોવિંદ બિચારો ફરીથી ગરીબડો બની ગયો, ‘હેં?’

હા, દીકરાનું વજન દોઢ કિલોગ્રામ જેટલું છે અને દીકરીનું ફક્ત એક કિલો ને બસ્સો ગ્રામ. જોડકાં બાળકો હોય એટલે સમય કરતાં થોડાંક તો વહેલાં જન્મે જ. આ કેસમાં પ્રિમેચ્યોરિટીનું પ્રમાણ થોડુંક વધારે છે અને બાળકોનું વજન પણ ઘણું ઓછું છે. પરિસ્થિતિ ચિંતાજનક ગણાય.ડૉ. માકડિયા ધીમેધીમે ચિંતાના એક પછી એક પડ ખોલી રહ્યા હતા.

ગોવિંદની ખુશી કરમાઈ ગઈ, ‘સાહેબ, બહુ વરસ પછી મારે આંગણે સારા સમાચાર આવ્યા છે. છોકરો ને છોકરી બેયના જીવ બચાવવા જ પડશે. મારે શું કરવાનું છે એ ફોડ પાડો.
બંને બાળકોને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ત્યાં લઈ જવા પડશે. કાચની પેટીમાં રાખવા પડશે. એમને ચેપ ન લાગે એ માટે એન્ટિબાયોટિક્સનાં ઇન્જેક્શનો આપવાં પડશે. એમને જરૂરી પોષણ મળી રહે એનું ધ્યાન રાખવું પડશે. ગ્લુકોઝનો બાટલો નસ વાટે ચડાવવો પડશે. બીજી પણ ઘણી જાતની કાળજી લેવી પડે. લેબોરેટરીનાં પરીક્ષણો કરાવવાં પડશે. ચારપાંચ દિવસ કે પછી દસબાર દિવસ પણ લાગી જાય. એ પછી જ કહી શકાય કે બાળકો બચી ગયાં.

ડૉ. માકડિયા હજુ તો ગોવિંદને આવનારા જોખમો વિષે તબીબી જાણકારી પીરસી રહ્યા હતા. ત્યાં જ લેબરરૂમમાંથી નર્સની ચીસ સંભળાણી, ‘સર, દોડજો! પેશન્ટને બ્લીડિંગ થાય છે!

સુવાવડને અડધો કલાક થઈ ચૂક્યો હતો. જ્યારે ડૉક્ટર પોતાનું કામ પતાવીને ગોવિંદ સાથે વાત કરવા માટે લેબરરૂમની બહાર આવ્યા, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ હતી. પણ ટિ્વન્સ ડિલિવરીમાં આ પણ એક મોટું જોખમ રહેલું હોય છે. માતાનું ગર્ભાશય વધુ પડતું પહોળું થઈ જવાને કારણે ક્યારેક સુવાવડ પછી જેટલા પ્રમાણમાં સંકોચાવું જોઈએ એટલું સંકોચાતું નથી અને એની પકડ ઢીલી પડી જવાથી રક્તવાહિનીઓ ખૂલી જતી હોય છે. ગોવિંદની પત્ની જાનકીના કિસ્સામાં આવું જ બન્યું હતું. એને પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે પ્રસૂતિ પતી ગયા પછીનો રક્તસ્ત્રાવ શરૂ થઈ ચૂક્યો હતો.

ડૉ. માકડિયા જાનકીનો જાન બચાવવા માટે મચી પડ્યા. જાતજાતનિં ઇન્જેક્શનો, ગ્લુકોઝના બાટલા, બ્લડબેંકમાંથી મહામહેનતે મેળવી શકાયેલું બે બાટલા લોહી અને મદદ માટે બીજા એક ડૉક્ટર મિત્રની મદદ. બે કલાકનો સમય અને ચાર હાથનો પરિશ્રમ ખર્ચી નાખ્યા પછી રક્તસ્ત્રાવ કાબૂમાં આવ્યો. જાનકીની સ્થિતિ હવે સ્થિર હતી.

ડૉક્ટરે નવેસરથી ગોવિંદ સાથેની વાટાઘાટો હાથ ઉપર લીધી. પણ હવે ગોવિંદની ગણતરીઓ જુદી દિશામાં ચાલી રહી હતી.

સાહેબ, ગરીબ માણસ છું. માફ કરજો. આવા સમયે મારે પૈસાની વાત ન કરવી જોઈએ. છતાં પણ પૂછ્યા વગર રહી શકાય એમ નથી. મને એટલું કહી શકો કે અત્યાર સુધીમાં મારે ચૂકવવાનો અંદાજિત ખર્ચ કેટલો થતો હશે?’

ડૉક્ટરે સાવ કાચોપાકો હિસાબ ગણી બતાવ્યો, ‘મારુ બિલ ભૂલી જા થોડી વાર માટે. બ્લડબેન્કના હજાર રૂપિયા. દવાઓ, બાટલા, નળી, ઇન્જેક્શનોના કુલ મળીને આશરે એકાદ હજાર. જે ડૉક્ટર મદદ માટે આવ્યા એમને ઓછામાં ઓછા પાંચસો તો આપવા પડે. અને રજા લઈને ઘરે જતી વખતે મારંુ બિલ આશરે ત્રણચાર હજાર રૂપિયા જેટલું તો થશે જ. આ તો તારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રખીને કહું છું. બાકી પોસ્ટપાર્ટમ હેમરેજએ જીવલેણ કોમ્પિલકેશન ગણાય છે. એની સારવારના દસ હજાર લઉં તો પણ વધારે ન કહેવાય.

હું પોતે ગાયનેકોલોજિસ્ટ છું, એટલે ડૉ. માકડિયાની વાત પૂરેપૂરી રીતે સમજી શકું છું. તબીબી વ્યવસાય એ વિશ્વનો શ્રેષ્ઠ અને કરુણાસભર વ્યવસાય છે એટલું સ્વીકાર્યા પછી પણ લેબરરૂમની ચાર દીવાલો વચ્ચે એક ગાયનેકોલોજિસ્ટે દર્દીના પ્રાણ બચાવવા માટે ગુજારેલો વખત અને એણે પાડેલો પરસેવો સાવ નજરઅંદાઝ કરી ન શકાય. સારવારનું મૂલ્ય ન ચૂકવો એ ચાલે, પણ સેવાનું વળતર તો આપવું જ રહ્યું.


ગોવિંદે મનોમન ગણતરી માંડી જોઈ. જમાઉધારનાં ખાતાં માંડ્યાં. આવકના નામે એની જલારામ ઝેરોક્ષ સેન્ટરમાંથી ટપકતી ટવરકટવરક ટીપાં જેવી પંદરસો રૂપરડી હતી. ખર્ચના નામે ઊંડી ખીણ હતી. એટલા માટે તો એણે જાનકીને નવ મહિના સુધી ક્યાંય ચેકઅપમાટે મોકલી ન હતી. સરકારી હૉસ્પિટલમાં એ જઈ શકતો હતો, પણ ભૂતકાળનો અનુભવ પગમાં બેડી બનીને પડેલો હતો. અને હજુ બાળકોના ડૉક્ટરની વાત તો બાકી જ હતી. એના અંદાજિત ખર્ચનો આંકડો સાંભળીને ગોવિંદ ઢીલો પડી ગયો. બંને બાળકોને બચાવવા હોય તો પાંચ હજારથી માંડીને પચાસ હજાર સુધીનો ખર્ચ આવી શકે એમ હતો.

એક બાજુ બે સંતાનોની જિંદગી ઊભી હતી, બીજી તરફ આવકજાવકના બે છેડાઓ હતા. ગોવિંદે છાતી ઉપર પથ્થર મૂકીને નિર્ણય લઈ લીધો, ‘સાહેબ, દીકરાને કાચની પેટીમાં મૂકવાની વ્યવસ્થા કરી આપો. દીકરી ભલે...!

એમ જ થયું. દીકરો દસ હજારમાં પડ્યો. પણ બચી ગયો. દીકરી ન બચી શકી. ગોવિંદનો નિર્ણય સ્ત્રીભ્રૂણ હત્યાના સંદર્ભમાં લેવાની જરૂર નથી. દીકરાનું વજન દીકરીના વજન કરતાં વધારે હોવાથી એના બચવાની શક્યતા વધુ હતી. આથી જ એણે દીકરા ઉપર પસંદગી ઉતારી. સવાલ ન્યાયઅન્યાયનો નથી, પણ પૈસાની સગવડનો છે.

આપણે સૌએ મળીને વિચારવાનું છે કે આ કાયમી સમસ્યાનો ઉકેલ શો હોઈ શકે? વીમા કંપનીઓ આ દિશામાં કશું વિચારી શકે ખરી? જિંદગીભર આપણી સલામતીની ચિંતા કરતાં રહેતી ઇન્શ્યુરન્સ કંપનીઓ નવજાત શિશુના જન્મ વખતે મદદ કરવા કેમ નથી આવતી?
શીર્ષક પંક્તિ: નીલેશ શાહ 

1 comment:

Nilesh Shah said...

આપ્યું કેમ આવું નજરાણું,
પાંખ આવી ત્યાં પીંછુ કપાણું.

swa-likhit (Nilesh Shah, Chennai)

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો