સોળમી ડિસેમ્બર, ૧૯૭૧. બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટેનું ભારતપાકિસ્તાન યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચી ગયું હતું. એવા સમયે વાયરલેસ ઉપર એક તાકીદનો સંદેશ ગૂંજી ઊઠ્યો,
‘હલ્લો... હેડક્વાર્ટર? હું સ્ક્વોડ્રન કમાન્ડર બોલી રહ્યો છું. ઇન્ડિયન આર્મી... પુના હોર્સ... ‘બી’ સ્ક્વોડ્રન... વી આર ઇન ડીપ ટ્રબલ... અત્યારે અમે શક્કરગઢ ક્ષેત્રના જરપાલ નામના સ્થળે દુશ્મનોથી ઘેરાયેલા છીએ. દુશ્મનોની સંખ્યા પણ મોટી છે અને શસ્ત્રોની તાકાત પણ! એમની ટેન્કો અમને ખતમ કરી નાખે એ હવે સમયનો સવાલ છે... તાત્કાલિક મદદ મોકલો... અમારી બીજી કશી ચિંતા ન કરશો.. જ્યાં સુધી જાનમાં જાન છે ત્યાં સુધી જંગ જારી રહેશે. જય હિંદ!’
મેસેજ સાંભળીને આર્મી ઓફિસર ચિંતામાં પડી ગયા. ત્યાં માત્ર એકવીસ વર્ષનો એક દૂધમલિયો જુવાન ઊભો થયો. આર્મીમાં જોડાયાને હજુ એને માત્ર છ મહિના થયા હતા. એણે જમીનમાં ખાડો પડી જાય એવી તાકાતથી લશ્કરી બૂટ પછાડ્યા, આસમાનમાં છેદ પડી જાય એવી મજબૂત સેલ્યુટ ઠોકી અને પછી પાકિસ્તાનની તમામ ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભપાત થઈ જાય એવા બુલંદ સ્વરે આજ્ઞા માગી, ‘મૈં અરુણ ખેતરપાલ. સેકન્ડ લેફ્ટનન્ટ. સ્ક્વોડ્રનએ. પુના હોર્સ. મૈં આપસે ઓર્ડર નહીં, ઇજાઝત માંગતા હૂં.’
આર્મી ઓફિસર આ પુના હોર્સના તેજીલા તોખાર સામે થોડી ક્ષણો માટે જોઈ રહ્યા. શી જુવાની હતી! શી મર્દાનગી હતી! ઓ હિંદમાતા! તારા રક્ષણ માટે કેવા કેવા બત્રીસલક્ષણા મર્દો સામે ચાલીને મોતના ખપ્પરમાં પોતાનું મસ્તક ધરી દેવા માટે તૈયાર થઈ જાય છે! કેવું વ્યક્તિત્વ હતું આ જુવાનનું? પૂરા છ ફીટ ને બે ઈંચની હાઇટ. અમિતાભ બચ્ચન જેટલી. અત્યંત સોહામણો ચહેરો. બચ્ચન કરતાં ચડી જાય તેવો. સેન્સ ઓફ હ્યુમર માર્ક ટ્વેઇન કે ચાર્લી ચેપ્લિનની સમકક્ષ. કોલેજમાં હતો ત્યારે ક્રિકેટનો જબરદસ્ત ખેલાડી ગણાતો. હાથમાં મશીનગનને બદલે બેટ પકડ્યું હોત તો આજે કરોડોમાં રમતો હોત! પણ અરુણે ન અમિતાભ બનવાનું વિચાર્યું, ન હાસ્યકાર બનવાનું સાહસ કર્યું, ન ક્રિકેટર બનવાનું પસંદ કર્યું. રાજકીય ખાદીના આ કિચડમાં, ધોતીઝભ્ભા અને ટોપીના આ દંભી દેશમાં કોઈ જવલ્લે જ જેમાં જોડાવાનું પસંદ કરે એ ‘ઇન્ડિયન આર્મી’ ઉપર એણે કળશ ઢોળ્યો.
‘કભી જંગમેં હિસ્સા લિયા હૈ?’ આર્મી ઓફિસરે આંખો ઝીણી કરી.
‘જી, મેરે પરદાદાને સવા સૌ સાલ પહેલે શીખ આર્મી મેં રહેકર અંગ્રેજો કે સામને ચિલિયાનવાલા કી જંગ મેં ભાગ લિયા થા. મેરે દાદાજી પ્રથમ વિશ્વયુદ્ધ મેં લડ ચૂકે હૈ. મેરે પિતાજી બ્રિગેડિયર એમ.એલ. ખેતરપાલને ઇન્ડિયન આર્મીમેં...’
‘બસ, બસ, બસ...! મેરી ગલતી હુઈ! મૈં શેર કો ઉસકે ખાનદાન કે બારે મેં પૂછને નિકલા...! યુ આર ઓર્ડર્ડ ટુ...’ આર્મી ઓફિસરે આ વાઘના બચ્ચાને પાકિસ્તાની માંસનું સરનામું ચીંધી આપ્યું.
અરુણનો જન્મ પુના ખાતે ચૌદમી ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ થયો હતો. એના બાપદાદા મૂળ પાકિસ્તાનમાં આવેલા સરગોધાના વતની હતા. દેશના ભાગલા વખતે એ લોકો ભારતમાં આવીને વસ્યા હતા. અરુણે દહેરાદૂન ખાતેની ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં લશ્કરી તાલીમ પ્રાપ્ત કરી. ૧૯૭૧ની તેરમી જૂને એ પાસ થયો અને એ જ મહિને લશ્કરમાં જોડાયો. એણે સામે ચાલીને ‘પુના હોર્સ’ ઉપર પસંદગી ઉતારી. લશ્કરના કાનૂન મુજબ એણે બખ્તરિયા દળમાં છેક નાનેથી માંડીને મોટા સુધીની તમામ કામગીરી શીખી લીધી. ટેન્કના ડ્રાઇવર, ગનર, રેડિયો ઓપરેટર, ક્રૂ કમાન્ડર અને છેલ્લે ટ્રુપ લીડર.
એનામાં એક જ ખામી હતી, ખરાખરીના ટાણે એ લશ્કરી શિસ્તને ભૂલી જતો અને શૌર્યને પ્રાધાન્ય આપતો. દહેરાદૂનની એકેડેમીમાં એક વાર ભારે છબરડો થઈ ગયેલો. એક સાથે એક જ સમયે (રાતના અગિયાર વાગ્યે) અરુણને બે અલગઅલગ જગ્યાએ હાજર થવાના ફરમાનો મળેલાં. છબરડો અધિકારીઓના પક્ષે થયો હતો. અરુણને એ સમયે લાઇબ્રેરીમાં પણ પહોંચવાનું હતું અને ફાઇરિંગ રેન્જ ઉપર પણ પહોંચવાનું હતું! પિસ્તોલનો માણસ પુસ્તકો પાસે કેવી રીતે પહોંચે? એ વખતે એક અધિકારીએ એની પીઠ થાબડેલી તો બીજાએ ઠપકા સાથે ચેતવણી આપેલી ‘ડોન્ટ ફરગેટ! ઇન આર્મી, ડિસિપ્લિન હેઝ ટુ બી મેનટેઇન્ડ!’
આવો સ્ટ્રોંગ સલ્ફ્યુરિક એસિડ જેવો આ જાંબાઝ સૈનિક એની ટુકડી સાથે યુદ્ધના મેદાનમાં ધસી ગયો. ભારતનાં યુદ્ધોની તવારિખમાં ‘બેટલ ઓફ બસંતર’ નામથી વિખ્યાત થયેલા બસંતર નદી પાસેના એ ભીષણ યુદ્ધમાં અરુણ ખેતરપાલની ટુકડી આવી પહોંચતા ભારતની અત્યાર સુધી માર ખાઈ રહેલી સ્ક્વોડ્રનબીના ઉત્સાહમાં નવું જોમ આવ્યું.
સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલે મોરચાની આગેવાની સાંભળી લીધી. પોતે નેતા હોવા છતાં મોખરે ધસી ગયો. ત્રણેય બાજુથી દુશ્મનો ઉપર એવું જોરદાર આક્રમણ કર્યું કે પાકિસ્તાની ટેન્કોએ પીછેહઠ શરૂ કરી. એમની ઘેરાબંધી તૂટી ગઈ. સ્ક્વોડ્રનબી મુક્ત થઈ ગઈ. અહીં અરુણ ખેતરપાલનું ઓપરેશન સત્તાવાર રીતે ખતમ થઈ જતું હતું. હવે એણે આગળ વધવાનું નહોતું પણ અત્યારે એના દિમાગ ઉપર ઝનૂન સવાર થઈ ચૂક્યું હતું. એણે પીછેહઠ કરતી પાકિસ્તાની ટેન્કોનો ખુરદો બોલાવવાનું ચાલુ રાખ્યું. એકને ઊડાડી દીધી. દુશ્મનો ક્રોધે ભરાઇને પાછા ફર્યા. અરુણની નજીકમાં માત્ર બે જ ભારતીય ટેન્કો હતી, સામે ત્રીસ ટેન્કો હતી. ’૭૧ના યુદ્ધનું નિર્ણાયક ટેન્કયુદ્ધ બસંતર નદીના કાંઠે ખેલાયું. એક ગોળો અરુણની ટેન્કનું પડખું ચીરી ગયો. ઘવાયેલા અરુણે અને એના સાથીદારોએ અપ્રતિમ બહાદુરી દર્શાવી. દસ દુશ્મન ટેન્કોનો ખાતમો બોલાવી દીધો. એમાંથી ચાર તો અરુણે એકલાએ નષ્ટ કરી. એ ક્ષણે એના કમાન્ડરે વાયરલેસ ઉપર આદેશ આપ્યો, ‘અરુણ, તુમ્હારી ટેન્કમેં આગ લગ ચૂકી હૈ. તુમ કૂદ પડો. અબ આગે જાને કી કોઈ જરૂરત નહીં હૈ. હમ જંગ જીત ચૂકે હૈ.’
પણ અરુણ અત્યારે શિસ્તનો સીમાડો વળોટીને શૌર્યના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યો હતો. એનું અંતિમ વાક્ય હતું, ‘નો સર! આઈ વિલ નોટ એબેન્ડન માય ટેન્ક. મેરી ગન અભી ભી સલામત હૈ અૌર મૈં તબ તક નહીં લૌટૂંગા જબ તક યે કૂત્તે...’ બરાબર એ જ સમયે દુશ્મનની એક ટેન્ક એનાથી ફક્ત સો મીટરના અંતર જેટલી નજીક આવી ગઈ હતી. એક જ ક્ષણે બંને બાજુએથી ગોળાઓ વછૂટ્યા. દુશ્મનનો ગોળો અરુણની ટેન્ક ઉપર ઝીંકાયો અને અરુણનો ગોળો પાકિસ્તાનની અગિયારમી ટેન્ક ઉપર મોત બનીને અફળાયો. દુશ્મનો નાસી ગયા એ તારીખ હતી સોળ ડિસેમ્બર અને યુદ્ધ સમાપ્ત થયું સત્તરમી ડિસેમ્બરે. ભારતના વિજયી લશ્કરે ઢાકામાં પ્રવેશ કર્યો અને પાકિસ્તાનના બાણુ હજાર સૈનિકોને યુદ્ધકેદી બનાવ્યા. એ જીત પાછળ જો કોઈ એક જ માણસનું સર્વોચ્ચ કક્ષાનું બલિદાન હોય તો એ હતું અરુણ ખેતરપાલનું.
અરુણના પરાક્રમની નોંધ ગેઝેટ ઓફ ઇન્ડિયાના નોટિફિકેશને પણ લેવી પડી. એ નોંધનો અંતિમ ફકરો છે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ શહીદ થયા, પણ એમણે એ દિવસ ભારતીય સેનાના ખાતે જમા કરી દીધો. એમણે દુશ્મનને આગળ વધવાની એક પણ તક ન આપી. સામે આવેલી એક પણ ટેન્કને સુરક્ષિત પાછી ન જવા દીધી... કેવું ઉત્તમ નેતૃત્વ! ધ્યેય માટે ચીટકી રહેવાની કેવી તીવ્ર ઇચ્છાશક્તિ! દુશ્મનની સામે ભીડાઈ જવાની કેવી અદમ્ય તાલાવેલી! આ એક એવી બહાદુરી હતી, એક એવું બલિદાન હતું જેની અપેક્ષા ભારતીય સેના પણ એના સૈનિક પાસેથી નથી રાખતી હોતી!’
બદલામાં શું મળ્યું આ દૂધમલિયા જવાનને? ના, સાવ હતાશ થઈ જવાની જરૂર નથી. આ દેશ હજુ સાવ નગુણો નથી બની ગયો. ભલે અહીં શહીદ થઈ ગયેલા દેશભક્ત જવાનોના કોફિનમાંથી નેતાઓ પૈસાનાં ઝાડ ઉગાડતાં હોય, ભલે દેશની સંસદ ઉપર હુમલો કરવાના કાવતરામાં સંડોવાયેલા આતંકવાદીઓ નિર્દોષ છૂટી જતા હોય પણ એક સારી વાત આ દેશમાં હજી બચેલી છે. ભારત મૈયા એના બહાદુર બેટડાઓની કદર કરવાનું હજુ ભૂલતી નથી અને માટે જ....
છવ્વીસમી જાન્યુઆરી, ૧૯૭૨ના દિવસે દિલ્હી ખાતે યોજાયેલી પરેડમાં જ્યારે રાષ્ટ્રપતિ વી.વી. ગીરી તાસકમાં પરમવીર ચંદ્રક લઇને ઊભા થયા ત્યારે શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક મા, શ્રીમતી એમ.એલ. ખેતરપાલ, અશ્રુભીની આંખે એના પનોતા પુત્રના લોહીની રસીદ લેવા માટે હાજર હતી! હવામાં મિલિટરી બેન્ડના સૂરો હતા અને આસમાનમાં તોપોની સલામી હતી. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભૂગોળના નકશામાં બાંગ્લાદેશ નામનો એક નવો દેશ હતો.
‘પુના હોર્સ’ના જનરલ એસ.ડી. વર્માએ આ છોકરાની બહાદુરી માટે કહ્યું, ‘હું એ જગ્યાએ રૂબરૂ જઈ આવ્યો... અરુણ એક સૈનિકની જેમ મર્યો છે... મારંુ ચાલે તો હું મારી જિંદગીનાં દસ વર્ષ એની ઉપર કુરબાન કરી દઉં... શેના માટે ખબર છે?.... માત્ર એટલા માટે કે એનાથી અરુણ જીવતે જીવ પરમવીર ચક્રનો સ્વીકાર કરી શકે!’
દીકરો મૃત્યુ પામ્યાની ઘટનાને ત્રીસ વર્ષ પૂરાં થઈ ગયાં, ત્યારે ૨૦૦૧માં એમના વૃદ્ધ પિતાને (જેમની ઉંમર એક્યાશી વર્ષની હતી) ઇચ્છા થઈ એમના મૂળ ગામ સરગોધાની આખરી મુલાકાત લેવાની. પાકિસ્તાનની સરકારે પણ સહકાર આપ્યો. એમની ઉત્તમ ખાતરબર્દાશ્ત કરી. બ્રિગેડિયર ખ્વાજા મોહમ્મદ નાસીર નામના એક નિવૃત્ત પાકિસ્તાની અફસરના બંગલે ઉતારો આપ્યો. નાસીરના પરિવારે એમને પિતા જેટલો આદર આપ્યો. દિવસો સુધી સાથે રાખ્યા. ચુસ્ત મર્યાદાવાળી મનાતી બહુબેટીબેગમોએ પણ એમનાથી પડદો ન રાખ્યો. છેક છૂટા પડવાની આગલી રાતે બ્રિગેડિયર નાસીરે ફોડ પાડ્યો, ‘સર, મારે આપને કશુંક કહેવું છે. માથા ઉપરથી પહાડ જેવો બોજ હલકો કરવો છે... તમારો પુત્ર અરુણ આજે ભારતનો રાષ્ટ્રીય હીરો બનીને પૂજાય છે... પરમવીર ચક્ર પામનારાઓમાં એ સૌથી નાનો છે... પણ એ દુર્ભાગી રાતે તમારો પુત્ર જે ગોળાથી મર્યો એનો વીંઝનાર હું હતો... એ ક્ષણે અમે દુશ્મનો હતા... બે દુશ્મન દેશોનું પ્રતિનિધિત્વ કરતાં બે સોલ્જરો હતા. હું બીજું તો શું કહું? પણ એટલું જરૂર કહીશ કે તમારો બેટો બહુ બહાદુર હતો... એ સમયે મેં એને જે રીતે લડતા જોયો છે... એની બહાદુરી માટે આજે હું એને સલામ કરંુ છું અને સલામ તમને પણ કરંુ છું કારણ કે તમને મળ્યા પછી સમજાય છે કે અરુણ શા માટે આવો શૂરવીર હતો..!’
એ પછી બ્રિગેડિયર નાસીરે અરુણના પિતાજી સાથે તસવીર પણ ખેંચાવી અને થોડા દિવસો પછી એની એક નકલ પણ એમના દિલ્હીના સરનામે મોકલી આપી. એ ફોટોગ્રાફની પાછળ બ્રિગેડિયર નાસીરે લખ્યું હતું ‘લાહોરથી ખ્વાજા મોહમ્મદ નાસીર તરફથી ઉમળકાભરી શુભેચ્છા સાથે બ્રિગેડિયર ખેતરપાલને સપ્રેમ ભેટ! એ બ્રિગેડિયર જે શહીદ અરુણ ખેતરપાલના પિતાજી છે! એ અરુણ ખેતરપાલ જે ૧૯૭૧ની સોળમી ડિસેમ્બરના રોજ બસંતર નદીના કાંઠે અડગ ચટ્ટાન બનીને ઊભો રહી ગયેલો... એ ઐતિહાસિક
ક્ષણ હતી જેણે ભારતનો વિજય અને પાકિસ્તાનનો પરાજય નક્કી કરી આપ્યો...!’
1 comment:
I can't stop my hand to salute!!!!
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ