વારના પહોરમાં ખેતરે પાણી વાળવા ગયેલા કરસન પટેલે ખેતરના શેઢા પાસે એક લાશ પડેલી જોઈ. પાસે જઈને જોયું તો ત્રીસેક વર્ષની સાધારણ આર્થિક સ્થિતિની હોય એવી લાગતી એ બાઈ ઊંધી વળીને પડેલી હતી. લોહીના જામેલા કુંડાળા વચ્ચે એનું મસ્તક હતું. બાજુમાં રક્તરંજિત મોટો પથ્થર હતો. કરસન પટેલ ડૉક્ટર ન હતા, તો પણ લાશને અડક્યા વગર જ સમજી ગયા કે બાઈ મરી ચૂકી હતી. એમની રાડારાડ સાંભળીને થોડાક ખેતમજૂરો દોડી આવ્યા. પછી વધુ ગામલોકો. પછી પોલીસ. પંચક્યાસ. પોસ્ટમોર્ટમ. છાનબિન. અફવાઓ અને અખબારોમાં સમાચારો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રિવેદી એક બાહોશ અધિકારી ગણાતા હતા. એમણે તપાસનો દોર હાથમાં લીધો. બેચાર હકીકતો તો સ્થળ અને લાશની સ્થિતિનું નિરીક્ષણ કરવાથી જ સ્પષ્ટ થઈ જતી હતી. જ્યાં હત્યા થઈ હતી એ ખેતર ગામથી દૂર પણ રેલવે લાઇનથી બહુ નજીકમાં આવેલ હતું. મૃત્યુનું કારણ હત્યા જ હતું એ વાતની સાબિતી લોહીથી ખરડાયેલો પથરો આપી દેતો હતો. અડધો કિલોમીટર દૂર આવેલા ફ્લેગ સ્ટેશનથી શરૂ કરીને ખેતરના શેઢા સુધી મરનાર બાઈનાં પગલાંની છાપ ઠેકઠેકાણે વાંચી શકાતી હતી. સીધી લીટીમાં કરેલો પ્રવાસ માત્ર પથરાળ રસ્તા ઉપર કે જ્યાં ઘાસ વધારે હતું એટલા ભાગમાં જ તૂટતો હતો.
પી.એસ.આઈ. ભટ્ટે કોન્સ્ટેબલ જીલુભાને કહ્યું, ‘દરબાર, આખા રસ્તે ચાર પગલાંની પ્રિન્ટ જોઈ શકાય છે. બે પગલાં લેડિઝ ચંપલની છાપવાળાં છે, જ્યારે બે પગલાં દેશી જોડાંની છાપવાળાં. મતલબ કે મરનારની સાથે કોઈ પુરુષ પણ હોવો જોઈએ, અને એ પુરુષ મૃતક મહિલાનો અતિશય નિકટનો પરિચિત હોવો જોઈએ. કાં પતિ, કાં એનો પ્રેમી. ભાઈ અથવા બાપ પણ હોઈ શકે. એ સિવાય આટલી વહેલી સવારે અથવા મોડી રાતે કોઈ સ્ત્રી એની સાથે આમ આવા સૂમસામ મારગે નીકળવા માટે તૈયાર ન થાય.’
‘સાચી વાત છે, સાહેબ.’ જીલુભાએ પણ પોતાની અક્કલની પેટીનું ઢાંકણું ઊઘાડ્યું, ‘બાઈને ફોસલાવીને અહીં સુધી લાવ્યા પછી પેલા જાલીમે પાછળથી હુમલો કર્યો હશે. પથ્થર મારીને બિચારીનું માથું ફોડી નાખ્યું હશે. બાઈ ઊંધા માથે ભોંય ભેળી થઈ ગઈ! અરેરે! માતાજી પેલા રાક્ષસને જીવતો નહીં રે’વા દે!’’
‘જીલુભા, આપણાથી માતાજીનાં ભરોસે બેસી ન રે’વાય. એ રાક્ષસને પકડવા માટે જે કંઈ કરવું પડે એ આપણે જ કરવું પડે.’
જીલુભા કામે લાગી ગયા. બાઈનાં કપડાં, લોહીવાળી ધૂળનો નમૂનો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, હાથમાં પહેરેલી બંગડીઓ, દરજીના નામવાળી કાપડની પટ્ટી, બધું જ જોઈ વળ્યા પણ બાઈ ક્યાંની હતી અને કોણ હતી એની માહિતી ક્યાંયથી ન મળી.
ત્યાં એક ખેતમજૂર દોડતો આવ્યો. એના હાથમાં એક કાગળ હતો. આવીને એ સીધો પી.એસ.આઈ. ત્રિવેદી ઊભા હતા ત્યાં એમની સામે જઈને ઊભો રહ્યો.
‘શું છે?’ સાહેબના સવાલના બદલામાં એણે કાગળ ધરી દીધો. એ એક દવાની ચિઠ્ઠી હતી. ડૉક્ટરે દર્દી માટે લખેલું પ્રિસ્ક્રિપ્શન. એમાં અમદાવાદના જ નહીં, પણ સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ, વરિષ્ઠ લેડી ગાયનેકોલોજિસ્ટનું નામ છપાયેલું હતું. અત્યારે તો એમની વય એંશી વર્ષની આસપાસ થવા આવી છે. એમનું નામ લખવું જરૂરી નથી, માટે નથી લખતો. બાકી આખું ગુજરાત એમને જાણે છે અને એમની શક્તિઓને પૂજે છે.
‘તને આ કાગળ ક્યાંથી જડ્યો?’ ત્રિવેદીસાહેબે પૂછ્યું.
‘સાહેબ, મડદાં પાંહેની થોરિયાની વાડ આગળથી.’
જીલુભા ઝળક્યાં, ‘ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઊંદર!
આવા દવાનાં કાગળિયાથી બીમારી મટે, કાંઈ મર્ડરકેસ ન ઉકલે. આખા ગામમાં આવા કાગળો તો કેટલાંયે ઘરમાંથી મળી આવે.’
પણ ત્રિવેદી ગંભીર હતા. એમણે સો ખોરડાંવાળાં ગામમાં માણસ મોકલીને તપાસ કરાવડાવી. પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી તારીખે ગામનું એક પણ માણસ અમદાવાદમાં સારવાર માટે ગયું ન હતું. મતલબ કે આ કાગળને મૃતક મહિલા સાથે જ સંબંધ હોવો જોઈએ. આ તર્ક સાથે જ તપાસનો દોર અમદાવાદ સુધી લંબાયો. જોઈએ હવે ગુજરાતના શ્રેષ્ઠ લેડી ડૉક્ટર પાસે આ ક્રિમિનલ ઓપરેશન માટે કયું ઓપરેશન છે!
***
ખાખી વર્દીધારી પોલીસને જોઈને લેડી ડૉક્ટર ચોંકી ગયાં. પાંચ દાયકાની જ્વલંત તબીબી કારકિર્દીમાં એમના હાથે અત્યાર સુધીમાં એક પણ ગુનાહિત કૃત્ય થયું ન હતું તો પછી આ બધું શેના માટે?
પી.એસ.આઈ. ત્રિવેદીએ ખૂબ જ શિષ્ટતાભરી રીતે આખી વાત રજૂ કરી. પછી લાશની બાજુમાંથી મળેલો કાગળ બતાવ્યો. લેડી ડૉક્ટર એમના હાથે લખાયેલું પ્રિસ્ક્રિપ્શન તરત જ ઓળખી ગયાં.
‘તમારે શું જાણવું છે?’ લેડી ડૉક્ટરે પૂછ્યું.
‘તમે કેટલું જણાવી શકો એમ છો?’ ત્રિવેદીએ સાશંક સવાલ કર્યો.
લેડી ડૉક્ટરે એમની પાસેનો કેસનો ચોપડો ઉઘાડ્યો. દર્દીના નામ અને તારીખવાળું પાનું શોધી કાઢ્યું. પછી માહિતી આપી, ‘મરનાર બાઈનું નામ મંગળા હતું. સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામેથી એ અને એનો પતિ કોદર આ તારીખે મારી પાસે વંધ્યત્વની સારવાર લેવા માટે આવ્યાં હતાં. મેં મંગળાની તપાસ કરી હતી. બધું બરાબર હતું પણ એના ધણીનો લેબોરેટરી ટેસ્ટ હતાશાજનક આવ્યો હતો. કોદરમાં એક પણ શુક્રાણુ ન હતું. મેં મંગળાને આ વાતની જાણ ન કરી, પણ કોદરને વસ્તુસ્થિતિથી માહિતગાર કર્યો હતો. સાથે આશ્વાસન પણ આપ્યું હતું કે આ એક જ રિપોર્ટથી ભાંગી પડવાની જરૂર નથી. વિજ્ઞાન પાસે જેટલા રસ્તાઓ છે એ તમામ આપણે ઉપયોગમાં લઈ જોઈશું નહીંતર કૃત્રિમ પદ્ધતિ અથવા તો બાળક દત્તક લેવા માટેના રસ્તાઓ પણ છે જ.’
‘પછી શું થયું?’
‘થયું તો ખાસ કશું જ નહીં. પણ એવું લાગતું હતું કે રિપોર્ટ જાણ્યા પછી કોદર અત્યંત નિરાશ થઈ ગયો હોય. જતાં જતાં એ બબડતો ગયેલો કે, ‘મારામાં ખામી છે એ વાતની જાણ જો મંગળાને થઈ જશે, તો એ મને છોડીને ચાલી જશે. કોઈ બીજા પુરુષના ઘરમાં બેસી જશે.’ એ લોકોમાં આવું બધું સામાન્ય ગણાય છે. પોતાની બદનામીના ડરથી કદાચ કોદરે જ એની મંગળાને...’
‘થેન્ક યુ વેરી મચ, મેડમ! તમે તો આખો મર્ડરકેસ ઉકેલી આપ્યો.’ ત્રિવેદી ઊભા થયા. સીધા કોદરના ગામડે જઈને ઊભા રહ્યા. પછી કોદર હતો ને જીલુભાનો દંડો હતો. કલ્પનાના નકશા પ્રમાણે જ અપરાધની આખી ઇમારત ચણાયેલી હતી. જ્યારે કેસની સુનાવણી શરૂ થઈ, ત્યારે જુબાની માટે નામદાર અદાલતે ખાસ અમદાવાદથી લેડી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા પણ કરેલી. આખીયે વાતનો એક સાર એ પણ ખરો કે ડૉક્ટર જો પોતાના દર્દીઓની વિગત વ્યવસ્થિત રીતે સંઘરે, તો જિંદગીમાં ગમે ત્યારે ગમે ત્યાં કામમાં આવી શકે.
(સત્ય ઘટના)
શીર્ષક પંક્તિ:રાશીપ શાહ
No comments:
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ