અંબાલાલ પટેલ જ્યાં બગીમાંથી નીચે ઊતરીને પોળમાં પગ મૂકવા ગયા, ત્યાં ઓટલા ઉપર બેઠેલા નવરા પડોશીઓમાંથી કો’કે ટહુકો કર્યો, ‘અંબુકાકા, બગીમાંથી નીચે તો તમે રોજ ઊતરો છો, પણ આજે છેક ખાડામાં ઊતરી પડશો એવું તો કોઈએ નહોતું ધાર્યું!’ એ સાથે જ ઓટલા ઉપર બેઠેલા આઠેય જણાં અટ્ટહાસ્ય કરી ઊઠ્યા.
અંબાલાલ સમજી ગયા કે બોલનારનો ઇશારો ક્યાં હતો! એ દિવસે સવારે જ લખપતિ અંબાલાલે એમની એકની એક દીકરી રાધાની સગાઈ ન્યાતના સૌથી ગરીબ ઘરના મુરતિયા વલ્લભ જોડે કરી હતી.
અંબાલાલભાઈના ચહેરા ઉપર રોષની લકીર ઊભરી આવી, પણ એમણે તરત જ ફિક્કું હસીને એની ઉપર ભીનું પોતું ફેરવી દીધું. શહેરના મોભાદાર માણસ હતા, મોટું ખોરડું હતું, એટલે મૌન રહીને મેદાન છોડી દેવું ચાલે એમ ન હતું. કોઈ માન આપે કે મહેણું, સામો જવાબ તો દેવો જ પડે. એટલે બોલ્યા, ‘ભાઈ, જાણી જોઈને ખાડામાં પગ મેલીએ એને ‘ઊતર્યા’ એમ કહેવાય, ‘પડ્યા’ એમ નહીં! અને મેં વર જોઈને દીકરી દીધી છે, ઘર જોઈને નહીં!’ પછી રખેને સામો જવાબ વાળે અને એમાંથી વિવાદ વધી પડે એના કરતાં બે ડગલાં ઝડપથી ચાલી નાખવા સારાં એવું વિચારીને એ પોળની અંદર ઓગળી ગયા. ચાર દિ’ પછી પટેલવાસમાં જ્ઞાતિની વાડીમાં જમણવાર હતો, પ્રસંગ તો બીજાનો હતો, પણ જ્ઞાતિજન હોવાના નાતે અંબાલાલભાઈ પણ સહકુટુંબ જઈ પહોંચ્યા. એમને આવેલા જોઈને ચોવટિયા ન્યાતીલાઓની લૂલી સળવળી ઊઠી, ‘અંબુકાકા, દીકરી વહાલી નહોતી, તો પછી જન્મી ત્યારે જ દૂધપીતી કરી દેવી’તીને! સાવ આવું કરાય...?’
‘ભાઈઓ, મારી રાધાના નસીબમાં દૂધ પીવાનું નહીં લખાયું હોય તો કંઈ વાંધો નથી, છાશ તો પીવા મળશે ને? તમારી દીકરીઓ ભલે ઘીદૂધમાં ધૂબાકા મારતી!’ અંબાલાલની જીભ ઉપર કડવાશ ઊભરી આવી.
પુરુષો કાબૂમાં આવ્યા, ત્યારે સ્ત્રીવર્ગ શરૂ થઈ ગયો. શાંતા પટલાણીને ઘેરીને બધી કાબરોએ કકળાટ કરી મેલ્યો, ‘બૂન, ચ્યોં તમારી રાધા ને ચ્યોં પેલો લુખ્ખો વલ્લભો! આવી હીરા જેવી છોડીને કોલસાની વખારમાં ફેંકતાં જીવ તમારો ભલો હેંડ્યો!’
શાંતાબહેન પાસે પણ એ જ જવાબ હતો જે એમના પતિ પાસે હતો, ‘અમે છોકરો જોઈને કન્યા આપી છે, એની છત જોઈને નહીં.’
છત એટલે ઘરનું છત્ર, છાપરું. ન્યાતમાં એવાં ઘણાં ઘર હતાં, જેમના છાપરા માથે સોનાના નળિયા હોય. સાણંદના સોમાભાઈ પટેલના આંગણે સાત સાંતીની જમીન હતી. બોપલના બાલુભાઈના બારણે બસો વીઘાના આંબાવાડિયા હતાં. ઉત્તરસંડાના ઉમેદભાઈ એંશીએંશી વીઘાના આઠ ખેતરો ધરાવતા હતા. નારનાં નારણભાઈ ચરોતરના રાજા ગણાતા હતા. આ બધાના કુંવરો રાધાનો હાથ ઝંખતા હતા અને રાધા હતી પણ આવી ઝંખનાને કાબિલ! રૂપમાં એ નાગરકન્યા હતી, આવડતમાં વણિકદીકરી, જ્ઞાન અને સંસ્કારમાં એ બ્રાહ્મણદુહિતા હતી, તો શારીરિક મજબૂતીમાં એ પટેલપુત્રી હતી. એ જમાનામાં એ સાત ધોરણ સુધી ભણેલી હતી અને એ વખતે ઉપલબ્ધ એવી ગુજરાતી સાહિત્યની ચોપડીઓ એણે વાંચી નાખી હતી. એ જમાનામાં તાજી જ પ્રકટ થયેલી ક.મા.મુનશીની ‘પાટણની પ્રભુતા’ અને ‘ગુજરાતનો નાથ’ વાંચીને એની રસવૃત્તિ ઘડાઈ ચૂકી હતી. એ ત્રિભુવનપાળ કે કાક ભટ્ટ જેવા પતિનાં સ્વપ્નો જોતી થઈ ગઈ હતી. પોતાની જાતમાં એ પ્રસન્ન અને મંજરીનો આત્મા અનુભવતી હતી.
જેના આંગણે સાક્ષાત લક્ષ્મીદેવી રાસડા લેતી હોય એવા ધનપતિ અંબાલાલના ઉંબરે એક શુભ દિવસે, મંગલ ચોઘડિયે, ગોધૂલી ટાણે રૂખડ બાવા જેવો વલ્લભ પટેલ પાંચસાત જાનૈયાને લઈને પગે ચાલતો આવીને ઊભો રહ્યો અને કામરુ દેશની રાજકુંવરી જેવી રાધાને પરણીને પાછો વળી ગયો. સાંઇઠ વર્ષ પહેલાનું અમદાવાદ આ ઘોર અન્યાય જોઈને કકળી ઊઠ્યું. જવાબમાં અંબાલાલ પાસે એક જ વાક્ય હતું, ‘મેં વર જોયો છે ઘર નહીં!’
અઢાર વર્ષનો વલ્લભ અને સોળ વર્ષની રાધા. સાથે ગરીબ માબાપ પણ ખરાં. મહિનાના અંતે વલ્લભે પંદર રૂપિયા પત્નીના હાથમાં મૂક્યા, ‘આ આપણી પછેડી છે, એના માપની સોડ તાણવાનું કામ તારું!’
‘સારું.’ રાધા હસી. આટલી ‘તગડી’ કમાણી ક્યાંથી આવી એવા સવાલના બદલામાં જવાબ મળ્યો, ‘અગિયારથી પાંચ સુધી હું ભણું છું. કોલેજમાં. એ પછી છોકરાઓને ભણાવું છું. ટ્યૂશનોમાંથી ટપકેલો પૈસો છે આ. જરા કરકસરથી વાપરજે.’
‘સમજી ગઈ. તમને તકલીફ નહીં પડવા દઉં.’ રાધાએ શ્રદ્ધાપૂર્વક કહ્યું. પૂરા આઠ મહિના સુધી તેણે તકલીફ પડવા ન દીધી. પણ ઉનાળો આવ્યો. ઇન્ટર સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું અને ભયંકર તકલીફ સામે આવીને ઊભી રહી ગઈ.
‘રાધા, હું આખી કોલેજમાં પ્રથમ આવ્યો છું.’
‘બહુ સરસ.’
‘ધૂળ સરસ? મને મેડિકલમાં પ્રવેશ મળે તેમ છે.’
‘એ તો વળી ખૂબ જ સરસ!’
‘રાધા.. રાધા...! તને મશ્કરી સૂઝે છે? આપણી પાસે પૈસા ક્યાં?’
આ પ્રશ્નનો જવાબ રાધાએ બોલીને નહીં, પણ વર્તીને આપ્યો. બંને હાથમાં શોભતી સોનાની બંગડીઓ માણેકચોકના સોનીના ગજવામાં ગીરવે મુકાયેલી થાપણ બની ગઈ. વલ્લભે હવે ડૉ. વલ્લભ બનવાના રાજમાર્ગ ઉપર કદમ માંડ્યાં. વલ્લભ મૂળે અખાડાનો માણસ એટલે કસરતોનો કરામતી. આ જાણકારી એને બહુ કામમાં આવી. મેડિકલ કોલેજમાં ભણતાંભણતાં ફુરસતના સમયે એ દર્દીઓની વચ્ચે ઘૂમવા માંડ્યો. હાડકાંના ફ્રેક્ચરવાળા દરદીઓને એણે પગચંપી, તેલમાલિશ, ફિઝિયોથેરાપી વગેરે કરાવવા માંડ્યું. એક સમય એવો આવ્યો જ્યારે વલ્લભે પત્નીનાં રૂપાળા હાથમાં પંચોતેર રૂપિયાની તોતિંગ રકમ મૂકી દીધી. કોલેજનો અને ઘરનો તમામ ખર્ચ આસાનીથી નીકળી ગયો. આમ પણ એ જમાનો સારો હતો. સમય નામની સુંદરી સોંઘવારીનાં વસ્ત્રો પહેરીને સંચરતી હતી. પાંચ વર્ષ ક્યાં નીકળી ગયાં એની ખબર ન પડી.
એમ.બી.બી.એસ. થયા બાદ ડૉ. વલ્લભ પટેલે જનરલ પ્રેક્ટિસ શરૂ કરી. જૂના અમદાવાદના કોટ વિસ્તારની ગીચ વસ્તીમાં એક ભાડાની ઓરડીમાં એક નાના માણસે સારવારનું માનવતાસભર બિગ બાઝાર શરૂ કર્યું. કિસ્મતની દેવી પણ જાણે કે એની ઉપર મુશળધાર વરસવાની પ્રતીક્ષામાં જ ઊભી હતી! પહેલા દિવસથી જ ધનવર્ષા ચાલુ થઈ ગઈ. ડૉ.વલ્લભનો સિલસિલો એનો એ જ રહ્યો. રોજ સાંજે ઘરે આવીને આવકની રકમ એ પત્નીના હાથમાં મૂકી દેતા, ‘રાધા પરસેવાની કમાણી છે. કરકસરથી વાપરજે. મને હિસાબકિતાબમાં સમજ પડતી નથી. તું જે કરે એ ખરું!’
પૂરાં પચાસ વર્ષ. પાંચપાંચ દાયકા. આ સિલસિલો ચાલુ રહ્યો. વલ્લભભાઈ અને રાધાગૌરી પ્રસરતા ગયાં, વિકસતા રહ્યાં. ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓનાં માબાપ બન્યાં. બંગલો બંધાવ્યો. એમ્બેસેડર ગાડી ખરીદી. સમાજમાં આબરૂ મેળવી. પણ ડૉ.વલ્લભ એના એ જ રહ્યા. એ ભલા, એમનું દવાખાનું ભલું, એમનો અખાડો ભલો. પૈસો ક્યાંથી આવે છે એટલી જ એમને ખબર. એ કયાં જાય છે એની સહેજ પણ ગતાગમ ન મળે. રાધા જ્યાં કહે ત્યાં સહી કરી આપે. ‘દીકરાદીકરીઓ મોટાં થયાં. હવે એમનાં લગ્ન...’ એક સાંજે ડૉક્ટરે પત્ની આગળ વાત કાઢી.
‘તમે ફિકર ન કરશો. મેં બધી ગોઠવણ કરી રાખી છે.’ રાધાએ આત્મવિશ્વાસ સાથે હૈયાધારણ આપી. એક પછી એક છછ પ્રસંગો ધામધૂમપૂર્વક ઉકેલી આપ્યા.
જીવનની સમી સાંજે વૃદ્ધ પતિપત્ની એમના વિશાળ બંગલાના પ્રાંગણમાં હિંચકે ઝૂલતાં બેઠાં હતાં. ડૉ.વલ્લભભાઈએ પહેલીવાર હિસાબની વાત કાઢી, ‘રાધા, એટલું તો કહે કે મારી પ્રેક્ટિસમાંથી હું એવું તે કેટલું કમાયો હોઇશ કે આપણી જિંદગી આમ સમૃદ્ધ રીતે પસાર થઈ શકી? કે પછી આ તારો પ્રતાપ...?’
‘અરે, મારા ભોળાનાથ! તમે એક આનો ને બે આનાની ફીમાં કમાઈકમાઈને શું કમાવાના હતા! જો તમારી આવક મેં બેન્કમાં મૂકી રાખી હોત તો આપણે આજે એક એવરેજ જનરલ પ્રેક્ટિશનરની જિંદગી જ જીવી રહ્યા હોત!’
‘તો શું આપણે અત્યારે...?’
‘હા, આપણે આજે કરોડપતિ છીએ. તમારી કમાણીનો પૈસો મેં જમીનોમાં રોક્યો હતો. એકએક હજારમાં લીધેલું ખેતર આજે પચીસપચાસ લાખનું થઈને ઊભું છે. અને આવાં તો દસબાર ખેતરોના તમે માલિક છો.’ રાધાના ચહેરા ઉપર ઉત્સાહ ઝલકતો હતો.
ડૉ.વલ્લભભાઈએ વૃદ્ધ પત્નીની આંખોમાં જોયું, ‘અને તારો માલિક પણ ખરોને?’ ધીમે ધીમે ઝૂલી રહેલા હિંચકાના કિચૂડાટમાં ધીરગંભીર દામ્પત્યનો ઘૂઘવાટ ભળી ગયો.
(સત્યઘટના. રાધાબહેન ખરાં પટલાણી નીકળ્યાં. જમીનનો જાદુ એ જાણી શક્યાં. જમીન માત્ર એમાં વાવેલા દાણાનું જ નહીં, પણ એમાં વેરેલા નાણાંનું પણ મબલખ વળતર આપે છે એ હકીકત અંબાલાલની પટેલની પુત્રીએ સાબિત કરી આપી, અને બાપની વાત પણ, ‘મેં વર જોયો છે,
(સત્યઘટના. રાધાબહેન ખરાં પટલાણી નીકળ્યાં. જમીનનો જાદુ એ જાણી શક્યાં. જમીન માત્ર એમાં વાવેલા દાણાનું જ નહીં, પણ એમાં વેરેલા નાણાંનું પણ મબલખ વળતર આપે છે એ હકીકત અંબાલાલની પટેલની પુત્રીએ સાબિત કરી આપી, અને બાપની વાત પણ, ‘મેં વર જોયો છે,
ઘર નહીં!’)
(શીર્ષક પંક્તિ: બશીર બદ્ર)
1 comment:
bhai aavi wife atiyare malvi impossible 6 ane male to e nasib valo kevaie
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ