Add to your favorites

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.


પં દર વરસ પહેલાંની એક સાવ નાનકડી ઘટના. બીજા માટે તો સાવ સામાન્ય, પણ મારા માટે? એ વાતને યાદ કરું છું તો પણ થથરી ઊઠું છું. રવિવારની બપોર. આશરે ત્રણસાડા ત્રણનો સમય. ઘરની અંદર બધાં બપોરના ભોજન પછીની નિદ્રા માણી રહ્યા હતા. હું બંગલાની બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ટહેલતો હતો. આકાશમાંથી વરસતી બળબળતી ચાંદનીમાં ટહેલવાનાં પણ કારણો હોય છે! મારી પાસે પણ કારણો હતાં, એક નહીં પણ બબ્બે.

બહારગામથી વેકેશન માણવા માટે અમારે ત્યાં આવેલો મારો એકનો એક ભાણેજ જે મને પુત્રથી પણ અધિક પ્રિય હતો અને છે. એ ક્રિકેટનો પાગલ પ્રેમી. બપોરના તડકાને પણ એ ક્રિકેટ આગળ તુચ્છ ગણે. બપોરે મિષ્ટાન્ન આરોગ્યા પછી મને પણ ઘેન ચડી રહ્યું હતું. પણ ભાણિયાનો હુકમ છૂટ્યો  મામા, મારે ક્રિકેટ રમવું છે, બોલિંગ કરો.વહાલના સામ્રાજ્યમાં તો ચાબુક પણ પીંછુ બની જાય! ત્યારે આ તો મનગમતું મુલાયમ મોરપીંચ્છ જ હતું. એના મીઠા સ્પર્શને કેવી રીતે અવગણી શકાય? મેં સામે છેડેથી બોલિંગ સંભાળી. ચાંદનીમાં નહાવાનું એક કારણ તે આ.

અને બીજું કારણ એટલે મારી પાંચ વરસની દીકરી. શરીરનો બાંધો સૂકલકડી. નાનો હતો ત્યારે મારો બાંધો પણ એવો જ હતો. સ્વભાવે ભયંકર ચંચલ અને તોફાની. હું પણ એવો જ હતો. એક જગ્યાએ પગ વાળીને બેસી રહેવાનું એની પ્રકૃતિમાં જ નહીં. આખો દિવસ કૂદાકૂદ કર્યા કરે. એમાં હાથેપગે વાગે પણ ખરું. પછી વડીલોના ઠપકાના ભયે એની ઇજા છુપાવી રાખે. રડે પણ નહીં.

એના હાથમાં મોટો ફૂટબોલ હતો. ઓટલા ઉપર ચડીને એ ફૂટબોલને હવામાં ઊછાળ્યા કરતી હતી. એને ઝીલવાનો નાકામ પ્રયાસ કરતી હતી. આવડો મોટો ફૂટબોલ એના નાના બચૂકડા હાથોમાં એમ ને એમ પણ સચવાતો ન હતો, ત્યાં હવામાંથી પછડાતા દડાને ઝીલવાની તો વાત જ ક્યાં રહી? મારું ભરબપોરે તડકાસ્નાન કરવાનું બીજું કારણ આ હતું. ક્યાંક રમતાં રમતાં એ પડી ન જાય એનું મારે ધ્યાન રાખવાનું હતું. નિઃશબ્દ બપોર, તપસ્વીની જેમ પર્ણો પણ હલાવ્યા વગર ચૂપચાપ ઊભેલા આસોપાલવ, ક્યાંક ઘટાદાર લીમડાની દિશામાંથી કવચિત સંભળાતો હોલારવ અને અમારા ત્રણ જણાનો શોરબકોર.

અચાનક એક મોટો ધબાકો થયો. મેં પાછળ ફરીને જોયું તો ફૂટબોલ પકડવાના પ્રયાસમાં મારી દીકરી ઓટલા ઉપરથી નીચે ગબડી પડી હતી. એક સામાન્ય ઘટના ગણીને મેં માથું ફેરવી લીધું. સામાન્ય ઘટના એટલા માટે કે જમીનથી ઓટલાની ઊંચાઈ માંડ એકાદ ફૂટની જ હતી. પગથિયું જ ગણી લો ને, એટલેથી પડવામાં ખાસ કંઈ વાગે નહીં. અલબત્ત, બે વાત મારા ધ્યાન બહાર ચાલી ગઈ. જમીન ઉપર પથ્થર જડેલા હતા અને દીકરીના માથાનો પાછલો હિસ્સો જમીન ઉપર પછડાયો હતો. મારી બેદરકારીએ જ મને બેધ્યાન બનાવ્યો.
પણ સદ્ભાગ્યે હું ડૉક્ટર હોવાને કારણે એક વિસંગતી તરત જ મારા ધ્યાનમાં આવી. એ નીચે પડી હતી, ધબાકો થયો હતો, એને થોડું ઘણું વાગ્યું પણ હશે જ! તો પછી...તો પછી...એ રડી કેમ નહીં? એણે ચીસ પણ કેમ ન પાડી? અરે, એનો સ્વભાવ હતો એની ઇજા છુપાવવાનો, પણ એ પાછી કૂદકો મારીને ઊભી શા માટે ન થઈ ગઈ? હજી એની કૂદાકૂદનો, ફૂટબોલના ઊછળવાનો કે એ નાનકડી કાબરના કલબલવાનો અવાજ કેમ નથી સંભળાતો?

આ બધા સવાલોને કાગળ ઉપર ઉતારતાં થોડીક વાર લાગે, પણ વિચારતાં? મનનો વેગ પ્રકાશના વેગ કરતાં પણ અનેક ગણો વધારે છે. મેં પાછું એની દિશામાં જોયું. આ શું? મારી ઢીંગલી ચૂપચાપ કોકડું વળીને પથ્થર છાયેલી ભોંય ઉપર સૂતી હતી. કોઈ જ હલનચલનનો કશો જ અણસાર ન મળે. મારી ચીસ ફાટી ગઈ. હું દોડીને એની પાસે પહોંચું એટલી વારમાં તો ઘરની અંદરથી મારી પત્ની પણ દોડી આવી. મારાં માતાપિતા પણ સફાળા જાગીને પૂછવા માંડ્યાં શું થયું? કેમ ચીસ પાડી?’ હું શું જવાબ આપું? અત્યાર સુધી મરણપોક વિષે માત્ર સાંભળ્યું ન હતું, એ ક્ષણે મને સમજાયું કે આપણું અતિશય પ્રિય, અતિશય નિકટનું સ્વજન, આપણા જ દેહનો એક અંશ, આપણો પ્રાણ જ્યારે જડવત્ બની જાય, ત્યારે આપણી છાતીમાંથી ઊઠતી ચીસ કેવી તાકતવર હોઈ શકે છે?

મારી પત્ની (એ પણ ડૉક્ટર છે) બોલી ઊઠી જુઓ, એનો શ્વાસ પણ બંધ છે. શી ઇઝ...શી ઇઝ...’ ‘ના, વાક્ય પૂરું ન કરીશ. હજુ તો બેચાર ક્ષણો જ વીતી છે. એને હેડ ઇન્જરી થઈ છે. રેસ્પીરેટરી એરેસ્ટ થયો છે, પણ ખાસ સમય નથી ગયો. હું કોઈ ન્યૂરોસર્જનને ફોન કરું છું. ત્યાં સુધીમાં તું એનો શ્વાસ ગમે તેમ કરીને પાછો લઈ આવ. ડુ યોર બેસ્ટ...એન્ડ યુ કેન નોટ એફોર્ડ ટુ ફેઇલ.

ઘર એ ઘર હોય છે, ડૉક્ટરનું હોય તો પણ. ઓપરેશન થિયેટર હોય તો બધી જ સગવડ મળી શકે, ઇન્જેક્શનનોની અને ઓક્સિજનની. રવિવારે ન્યૂરોસર્જન પણ ક્યાં હોય? ફોન ઉપર પકડાઈ જાય, તો પણ એને આવતાં કેટલો બધો સમય લાગી જાય? મેં ફોન કરવાનો વિચારપડતો મેલ્યો અને દીકરીના દેહ તરફ વળ્યો. એને ઝંઝોડી નાખી. એની નાજુક પાંસળીઓ ઉપર દબાણ આપીને એમાં થીજી ગયેલાં ફેફસાંને ધમણની જેમ હચમચાવ્યા. એની મમ્મી પોતાના હોઠ દીકરીના હોઠ ઉપર મૂકીને ચોક્કસ માત્રામાં દબાણ સાથે એની શ્વાસનળીમાં હવા ફૂંકી રહી. એ હવા નહોતી, પ્રાણવાયુ પણ નહોતો, પણ સાક્ષાત્ પ્રાણ હતો, ભગવાનના ઘરનાં બારણાં ખટખટાવી રહેલી અમારી એક માત્ર પુત્રીને પાછી વાળવાનો જીવ ઉપર આવીને કરાઈ રહેલો પ્રયાસ હતો.

એક ક્ષણ, બીજી ક્ષણ, ત્રીજી ક્ષણ...! મારો પ્રાણ મારી આંખોમાં હતો. હું ફાટેલી આંખે એના શિથિલ ચહેરાને તાકી રહ્યો હતો. અને એણે એક આંચકા સાથે હવા ખેંચી. એની મમ્મીએ હોઠો ખેંચી લીધા. ઢીંગલીએ ધીમેધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું. પહેલા થોડા થોડા અંતરે, પછી વધુ નિયમિતતા સાથે. પછી એના ગળામાંથી રુદન ફૂટ્યું. અમને હાશથઈ. જો કે હજુ પણ એની આંખો તો બંધ જ હતી.

મેં એને બે હાથોમાં ઉઠાવી રેસ્પિરેશન તો પાછું આવ્યું, પણ એ હજી પણ અનકોન્શિયસછે. એની ખોપરીનો એક્સરે પડાવવો પડશે. સર્જનનો અભિપ્રાય લેવો પડશે. તું ગાડીનો દરવાજો ખોલ.

હજુ ઘણું બધું કામ બાકી હતું, પણ હવે અમારા પગમાં જોર હતું. દીકરી જીવતી છે એ હકીકતે અમને નવી તાકાત બક્ષી હતી. હવે અમારી પડખે સમય હતો. મારતી ગાડી, ન્યૂરો સર્જનની સલાહ, સ્કલના એક્સરે, ઇન્જેક્શનો, એક દિવસ માટેનું હોસ્પિટલાઇઝેશન! બધું જ કર્યું. પછી સર્જનમિત્રે એને રજા આપી, પણ સ્પષ્ટ સૂચના સાથે તમે બંને ડૉક્ટર છો એટલે પેશન્ટને હું ડિસ્ચાર્જ આપું છું, પણ પૂરા બોંતેર કલાક સુધી એને પથારીમાંથી ઊઠવા ન દેશો શી નીડ્ઝ ટુ બી ઓબ્ઝર્વ્ડ.અત્યંત આગ્રહ છતાં એક પણ પૈસાનું બિલ સ્વીકાર્યા વગર મિત્રએ રજા આપી. એ પછીના ચોવીસ કલાક સુધી હું દીકરીની પથારી પાસે બેસી રહ્યો. એ હવે હોશમાં હતી, પણ જાણે થાકેલી હોય એવી ક્ષીણ બની ગઈ હતી. એને પડી જવાની ઘટના વિષે કશું જ યાદ ન હતું.

અને હું એની સામે બેઠો બેઠો વિચારતો હતો જો હું ડૉક્ટર નહોત તો મારી દીકરીને જે ઇમર્જન્સીની હાલતમાં ફર્સ્ટ એઇડ ટ્રીટમેન્ટ આપી શક્યો, એ અપાવી શક્યો હોત ખરો? ડૉક્ટરને બોલાવું ત્યાં સુધીમાં તો એ મૃત્યુ પામી ચૂકી હોત. કદાચ જીવી ગઈ હોત તો પણ શ્વાસના બંધ થઈ જવાને કારણે એના દિમાગને (બ્રેઇન સેલ્સને) કાયમી નુકસાન તો પહોંચ્યું જ હોત. અને એ દીકરી બિચારી જીવનભર પરાવલંબી બનીને...!

આજે એ મેડિકલના ચોથા વર્ષમાં ભણી રહી છે અને જિંદગીના ઉત્સાહ અને તરવરાટથી છલકાઈ રહી છે, ત્યારે મને એ પંદર વરસ પહેલાંની ક્ષણનું મહત્ત્વ સમજાય છે. થોડાં વરસો પહેલાં એની જીગરજાન બહેનપણી, જ્યારે મને પૂછવા આવેલી અંકલ, મને આઈ.ટી.માં અને મેડિકલ લાઇનમાં, બંને શાખામાં પ્રવેશ મળે એમ છે. હું શું કરું?’ એ વખતે કમ્પ્યૂટરનો જબરદસ્ત સુવર્ણયુગ ચાલી રહ્યો હતો છતાં મેં સાચી જ સલાહ આપી  મારું માને તો મેડિકલ લાઇનમાં જ જજે. ડૉક્ટર બનીને તું અનેક દરદીઓને નવી જિંદગી આપી શકીશ. અત્યારે આ ક્ષેત્રમાં હરીફાઈ વધુ છે, પૈસા કદાચ ઓછા, પણ એક ડૉક્ટર ક્યારેક કેટલું અગત્યનું કામ કરી શકે છે એ ફક્ત હું જ જાણું છું.

હા, ફક્ત હું જ જાણું છું. કરોડો રૂપિયા ખર્ચવા છતાં મારી દીકરીનો પ્રાણ કમ્પ્યુટરકે ઇન્ફર્મેશન ટેક્નોલોજીથોડો પાછો લાવી શકવાની હતી?! ન્યૂરોસર્જને બોંતેર કલાકનો આરામ ફરમાવ્યો હતો. ચોવીસ કલાક સુધી એની ઉપર સતત ચોકીદારી કર્યા પછી મારે મારા નર્સિંગહોમમાં જવું પડ્યું. ડિલિવરીનો કેસ હતો. એ પતાવીને હું પાછો ઘરે આવ્યો, તો દીકરી પથારીમાં ન મળે! ક્યાં છે?’ મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું. બીજે ક્યાં હોય? એ રહી સામેના ઘરે. કૂદાકૂદ કર્યા વગર એને ચાલવાનું છે કંઈ?’ જવાબ આપનારી મારી બા હતી સાવ એના બાપ ઉપર પડી છે!મારી બા મારી તરફ જોઈ રહી હતી અને હું સામેના કંપાઉન્ડમાં ધમાચકડી કરતી મારી દીકરી તરફ! બેયની મળીને ચારેય આંખોમાં અમીરસ છલકાઈ રહ્યો હતો. 
શીર્ષક પંક્તિ:મરીઝ

4 comments:

Hemang said...

Very Good stroy...Doctor. Keep it up.

Anonymous said...

Superb Sir.....it's not story it's reality....

dikri ne kai thay tyare "BAAP" ni su halat thay e to fakt ek pita j jani sake

preeti said...

oh godd...really very touching sir

Unknown said...

Superb story sir bap dikri no prem j alag and anero 6...

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો