Add to your favorites

કેમ કરતાં કપાઈ? ધોરી નસ?
પ્રશ્નના ઉત્તરમાં તું આવું ન હસ

જ્યારે પહેલી વાર કોઇનો નનામો ટેલિફોન આવેલો, ત્યારે અવધિએ એને હસી કાઢેલો.
ફોન કરનારે ભેદી માહિતી જાણભેદુની અદાથી અવધિના કાનમાં રેડી હતી, ‘ભાભી, તમે સાવ ભોળાં છો. તમારો પતિ ક્યાં, કોની સાથે, કેવી કેવી ગુલછડીઓ ઉડાવે છે એના વિશે તમે સાવ જ અંધારામાં છો.’

અવધિએ એને હસી કાઢ્યો હતો, ‘મહેરબાન, તમે ખોટા સમયે ખોટી વાત માટે ખોટી વ્યક્તિને ફોન કર્યો છે. આવો ફોન હવે પછી એપ્રિલ મહિનાની પહેલી તારીખે કરજો!’ આટલું બોલીને એણે રિસીવર મૂકી દીધું હતું.

બીજા દિવસે પતિની ગેરહાજરીમાં ફરીથી ફોન રણકી ઊઠ્યો, ‘ભાભી, આ ‘એપ્રિલ ફૂલ’ની મજાક નથી. નક્કર હકીકત છે. તમારો પતિ પાલવ અમારી ઓફિસની બ્યૂટિફુલ રિસેપ્શનિસ્ટ કસક જોડે રંગરેલિયા મનાવી રહ્યો છે.’
અવધિ આ વખતે પણ હસી પડી, ‘ભાઈ તમે કોણ છો એ હું નથી જાણતી. કદાચ મેં તમને જોયેલા હોય, કદાચ નયે જોયા હોય, પણ એક સવાલ પૂછું? તમે મને ક્યારેય જોઈ છે ખરી?’
‘ના, માંડમાંડ તો તમારો ફોન નંબર જડ્યો છે!’

‘બસ, જો તમે મને જોઈ હોત તો આવો ફોન ન કર્યો હોત!’
‘કેમ?’
‘કેમ એટલા માટે કે મને જોયા પછી તમે પણ કાન પકડી લીધા હોત કે મારા જેવી રૂપાળી સ્ત્રીનો પતિ ક્યારેય બીજી કોઈ સ્ત્રીના આકર્ષણમાં ફસાઈ ન જ શકે!’ અવધિના અવાજમાં આત્મવિશ્વાસનો રણકો હતો.
‘ભાભી, હવે તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો. તમે ક્યારેય કસકને જોઈ છે ખરી?’ નનામો અવાજ માથાનો સાબિત થયો.
‘ના, કેમ?’


‘જો તમે એની એકાદ ઝલક પણ જોઈ લીધી હોત તો અત્યારે તમારા અવાજમાં જે એવરેસ્ટ જેટલો બુલંદ આત્મવિશ્વાસ વરતાઈ રહ્યો છે એની જગ્યાએ અરબીસમુદ્ર જેવી ઊંડી શંકાની ખાઈ હોત!’
‘યુ શટ અપ! મારા પતિના ચારિત્ર્ય વિશે હું તમારી એકપણ વાત માનવા તૈયાર નથી. મને પાલવમાં પૂરો વિશ્વાસ છે.’ કહીને અવધિએ રિસીવર પછાડવાની શૈલીમાં મૂકી દીધું.
એની વાત સાવ નાખી દેવા જેવી નહોતી. દરેક પત્નીને એના પતિના પ્યારમાં, ચારિત્ર્યમાં, નિષ્ઠામાં શ્રદ્ધા હોવી જ જોઇએ. અને હોય જ છે. ‘મેરા પતિ સિર્ફ મેરા હૈ’ની ભાવના શાશ્વત છે અને સત્ય છે.
આવા નનામા ટેલિફોન કોલ્સ કે નનામા પત્રો એ બીજું કશું નથી, પણ સુખની જિંદગી બસર કરી રહેલાં પ્રેમાળ પતિપત્નીના દામ્પત્યના જળમાં કરાયેલો કાંકરીચાળો છે. આવો કાંકરીચાળો પ્રેમની જળસપાટીમાં બહુ બહુ તો થોડાંક વમળો ઉપજાવી શકે, પણ એનાથી ક્યારેય જળાશયમાં તિરાડ પેદા કરી શકાતી નથી.

એ રાત્રે દિવસભરની દોડધામ પછી થાકીને પાલવ જ્યારે ઘરે આવ્યો ત્યારે અવધિએ હસતાંહસતાં એના કાને વાત નાખી. પાલવે પણ એને અટકચાળું કહીને હસી કાઢી, ‘એક વાત સમજી લે, અવધિ! ફોન કરનાર પોતાનું નામ જાહેર નથી કરતો. એ જ દર્શાવે છે કે એ જુઠ્ઠાડો છે અને ડરપોક પણ. એને ખબર છે કે જો એ મારા હાથમાં ઝડપાઈ ગયો, તો એના કેવા હાલહવાલ થઈ જવાના છે! માટે ભૂલી જા એ કાયર માણસની કાયર હરકતને!’
પણ પછી તો એ ‘કાયર’ની હરકતો વધુ ને વધુ હિંમત ધારણ કરવા માંડી. ધીમે ધીમે અન્ય સાબિતીઓ પણ અવધિની નજર સામે આવવા લાગી. પાલવના શર્ટ ઉપરથી દર આંતરે દિવસે મળી આવતા લાંબા વાળ, એ ઘરે ન હોય ત્યારે આવતા બ્લેન્ક ફોન કોલ્સ, સાંજે પાલવ ઘરે પાછો ફરે ત્યારે એનાં વસ્ત્રોમાંથી ફોરતી અજાણ્યા પર્ફ્યૂમની માદક ફોરમ, ક્યારેક ચોળાયેલાં કપડાં, તો ક્યારેક સાવ નખાઈ ગયેલો આખેઆખો પતિ! આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે..! પ્રખ્યાત શાયર ‘મરીઝ’ની શાયરી સાવ સાચી પડીને ઊભી રહી ગઈ.
છેવટે એક ઘટના ઊંટની પીઠ ઉપરના છેલ્લા તણખલા જેવી બની ગઈ. પાલવ તૈયાર થઇને ઓફિસે જવા માટે નીકળ્યો. એ પછી એના કબાટમાં ખાંખાંખોળા કરી રહેલી અવધિના હાથે નાનકડો લેડીઝ હાથરૂમાલ ચડી ગયો. આછા ગુલાબી રંગના હેન્કીમાંથી વિદેશી પર્ફ્યૂમની સુગંધ ઊઠી રહી હતી. અવધિએ થડકતી છાતી સાથે રૂમાલની ગડી ઊકેલી. એના એક ખૂણે અંગ્રેજી મૂળાક્ષર ‘કે’નું ભરતકામ કરેલું હતું! ‘કે’ એટલે કસક!

અવધિનું માથું ભમી ગયું. અધૂરામાં પૂરું રૂમાલની વચ્ચોવચ્ચ ઘેરી મરૂન કલરની લિપસ્ટિકથી ઉપસાવેલી બે ઘાટીલા હોઠની છાપ જોઈ શકાતી હતી!! એનો અર્થ સાફ હતો કસક નામની કામિનીએ લિપસ્ટિક લગાડેલા હોઠના જામ આ નાનકડા રૂમાલ ઉપર છાપી દીધા હતા અને પછી એ ટચૂકડા પોતની અંદર સમૃદ્ધ ખજાનો ઠાલવીને પોતાના પ્રેમીને યાદગીરી રૂપે આપી દીધો હતો! હવે વધારે પુરાવાની જરૂર ન રહી.

એ રાત્રે અવધિએ પતિની સાથે ભયંકર ઝઘડો કર્યો. પ્રારંભમાં પાલવે એને મનાવવાની કોશિશ કરી જોઈ, પછી ગલ્લાતલ્લા કર્યા, પછી નફ્ફટાઈ અને છેલ્લે ધાકધમકી!
‘હા, મારે કસકની સાથે લફરંુ છે! બોલ, હવે તું શું કરી લઇશ?’ પાલવ તાડૂક્યો. અવધિ રડી પડી. સ્ત્રી અબળા છે એ વાત આ ક્ષણે એને સમજાણી. એ શું કરી શકે એમ હતી?
છતાં એનાથી થઈ શકે એ બધું જ એ અજમાવવા લાગી. સાસુસસરા ગામડે રહેતાં હતાં. એમના કાને વાત નાખી જોઈ, પણ બંને વૃદ્ધો લાચાર હતાં. એમણે તો ઊલટું પુત્રવધૂને ઠપકો આપ્યો, ‘બેટા, વરને વશમાં રાખવાનું કામ તારુ છે. તેં એને બરાબર સાચવ્યો હોત તો એ બહાર ભટકવા માટે જાય જ શેનો?’

અવધિએ મમ્મીપપ્પાને વાત કરી. બેય જણાં રડીને ચૂપ થઈ ગયાં. પાલવના નિકટના મિત્રોની મદદ પણ માગી જોઈ, પણ એ બધાએ સાબિત કરી દીધું કે એ લોકો પાલવના મિત્રો હતા, અવધિના શુભચિંતકો નહીં! એમણે જાતજાતની દલીલો કરીને એ સિદ્ધ કરવાની કોશિશો કરી કે પાલવ સાવ નિર્દોષ હતો.
અવધિએ જાણકાર જ્યોતિષીને બતાવી જોયું. સાધુમહારાજો, ભૂવાઓ, તાંત્રિકો, દોરાધાગા કરી આપનારા  કશું જ બાકી ન રાખ્યું, પણ બધું જ વ્યર્થ હતું. એનો પ્રત્યેક પ્રયત્ન હવાતિયું બનીને રહી ગયો. દરમિયાનમાં પાલવ અને કસક બહુ આગળ વધી ગયા હતા. સાંભળવા પ્રમાણે પાલવે એની પ્રેમિકાના નામે એક નવો નક્કોર ફ્લેટ પણ ખરીદી લીધો હતો. હવે એને હોટલમાં જવાની ગરજ ન રહી. કશા પણ શરમ કે સંકોચ વગર બંને જણાં એ લક્ઝુરિયસ ફ્લેટના બંધ એકાંતમાં અંગોનો ઓચ્છવ ઊજવતા રહેતાં હતાં.

થાકીહારીને અવધિએ વકીલનું શરણું શોધવું પડ્યું. વકીલ વી.સી. પટેલ ચરોતર બાજુના હતા. અમદાવાદમાં વર્ષોથી વકીલાત કરતા હતા. કાનૂની વિશ્વમાં એમના નામની ધાક હતી.
અવધિએ રડતાં રડતાં એની વીતકકથા વકીલ આગળ રજૂ કરી. પછી આંસુમાં ઝબોળીને કાઢ્યા હોય એવા શબ્દો ઓચર્યા, ‘વકીલકાકા, તમે મારા બાપ જેવા છો. હું જાણું છું કે તમારી ફી કમર ભાંગી નાખે એવી છે. મારો પતિ પૈસાદાર છે. એની વિરુદ્ધ કેસ લડવા માટે એ તો મને રાતી પાઈ પણ ન પરખાવે પરંતુ હું મારા દાગીના વેચીનેય તમારી ફી...’
વકીલે એને અટકાવી, ‘દીકરી, બસ કર. તું સાચી છે. મારી ફી ચૂકવવાનું તારુ ગજું નથી. હું કેસ સ્વીકારતા પહેલાં ફક્ત વાત સાંભળવાના જ દસ હજાર લઉં છું. આખો કેસ લડાઈ રહે ત્યાં સુધીમાં તારો આખો પિયરપક્ષ વેચાઈ જશે અને આવા કેસ એમ સહેલાઈથી જીતી શકાતા નથી. કાયદાની દેવી અંધ છે. એ સામે પડેલું સત્ય જોઈ શકતી નથી. એના હાથમાં રહેલા ત્રાજવામાં માત્ર પુરાવાઓનાં કાટલાં જ જોખાતાં રહે છે.’

‘પણ મારી પાસે તો પાલવ અને કસકના લફરા વિશેના થોકબંધ પુરાવા પડેલા છે!’
‘એ બધા સાબિત કરવા મુશ્કેલ છે. બ્લેન્ક ફોનકોલ્સ, ખમીસ પરના વાળ કે હોઠ છાપેલો હાથરૂમાલ! આ બધાંથી શું સાબિત થઈ શકે? સ્ત્રીપુરુષ વચ્ચે ભેટોની આપલે એક સામાન્ય બાબત છે. કસકના નામે ફ્લેટ છે એ પાલવે લઈ આપ્યો છે એ શી રીતે સાબિત કરવું? અને એ ફ્લેટમાં એ બંને મળતાં હોય એ વાતને આડા સંબંધો તરીકે અદાલત ન સ્વીકારે!’

‘તો પછી મારે શું કરવું? બીજો કોઈ જ ઉપાય નથી?’
‘છે ને! બીજો ઉપાય છે. સચોટ અને અકસીર.’ વકીલકાકાએ હસીને દીકરીના કાનમાં રામબાણ ઔષધ
રેડી દીધું.

બીજા દિવસે કસક એની નોકરી ઉપર હાજર હતી, ઓફિસ ધમધમતી હતી, બધા જ કર્મચારીઓ મોજુદ હતા, ત્યારે રણચંડી જેવી એક સ્ત્રી અંદર ધસી આવી. ખુલ્લા કેશ સાથે એ ભયાનક ભાસતી સ્ત્રી અવધિ હતી. આવતાવેંત એણે કસકનો ચોટલો પકડીને ઢસડી અને પછી એના ગાલ ઉપર તમાચાનો વરસાદ વરસાવી દીધો. એને મારીમારીને તોડી નાખી. ચારે કોર ભવાડો કરી નાખ્યો. છેલ્લે જતાં જતાં કહેતી ગઈ, ‘મારા ધણીને નહીં છોડે તો રોજ આવા હાલ થશે. હવે તારે જવું હોય તો કોર્ટમાં જજે!’

લેટેસ્ટ સમાચાર એ છે કે કસકે ડરીને પાલવ સાથેના સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
(સત્યઘટના: વકીલકાકાનું નામ વલ્લભભાઈ હતું. )

3 comments:

Anonymous said...

Great!!!!!!!!!!! every women needs to be strong like Avadhi, there wont b any cases of cheating in society..... good keep it up to write such type of stories...

Anonymous said...

awsome

Paras Patel said...

In this story , Great role was, "A Lower, Vallabhabhai". He was a guide to direct a way to Avani..

Good moralized story..!!

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો