Add to your favorites

મહોંગુ પડ્યું ગુલીસ્તાનનું ખ્વાબ,
ફૂલોએ માંગ્યો પતંગિયા પાસે હિસાબ.

વેલ કમ...! બોયઝ, પ્લીઝ કમ ઇન! તમે પણ આવો, દીકરીઓ! બરાબર ખાલી પેટે આવ્યાં છો ને બધાં?’ ડૉ. પટેલ સાહેબે પાંચ છ ડૉક્ટરોના જૂથના છાતીમાંથી છલકાતા ઊમળકા સાથે આવકાર આપ્યો.

બારણા પાસે ઊભેલા ત્રણ જુવાનિયા અને ત્રણ યુવતીઓ ડઘાઈ ગયાં. એક ક્ષણ માટે તો એ લોકોને સમજાયું નહીં કે આ સપનું હતું કે સત્ય! ડૉ. પટેલ સાહેબને આવા લાગણીસભર શબ્દો બોલતા આવડતા હતા?! પણ આ તો હજુ શરૂઆત હતી. આશ્ચર્યની અવધિ તો હજુ બાકી હતી.

ડૉ. પટેલ સાહેબ અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ હતા. શહેરની પ્રખ્યાત વી. એસ. હૉસ્પિટલમાં માનદ તબીબ હતા. શહેરમાં બે અલગઅલગ વિસ્તારોમાં એમનાં ખાનગી નર્સિંગ હોમ્સ હતાં. પ્રેક્ટિસના નામે ટંકશાળો હતી. સવારના ઊઠે ત્યારથી છેક રાત્રે પથારીમાં પડતાં સુધી પટેલ સાહેબ દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહેતા. વી.એસ.માં એક ગાયનેક યુનિટના તેઓ વડા પણ હતા.

પણ એ યુનિટમાં એમના નામની ધાક હતી. એમ.ડી.ની તાલીમ લેતા જુનિયર તબીબો માટે પટેલ સાહેબના નામનો આતંક છવાયેલો હતો. નાનીનાની વાતમાં સાહેબ જબરદસ્ત શિસ્તપ્રેમી હતા. દર્દીઓની સારવારમાં સહેજ સરખી પણ કચાશ રહી જવા પામે, તો સાહેબ એમના હાથ નીચેના ડૉક્ટરની ધૂળ કાઢી નાખે. હાઉસમેનથી માંડીને રજિસ્ટ્રાર સુધીના બધા જ ફફડે. પણ સાહેબની સામે એક હરફ સુધ્ધાં કાઢવાની કોઈનામાં હિંમત ન મળે.

હું પોતે આજથી પચીસ વર્ષ પહેલાં આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકેલો છું. ડૉ. પટેલ સાહેબના જ હાથ નીચે મેં છ મહિનાનો સખત પરિશ્રમનો જેલવાસ વેઠેલો છે. મને પણ એ વખતે સાહેબ ખૂબ જ અકારા લાગતા હતા. આજે વરસો પછી મને સમજાય છે કે સાહેબ સાચા હતા, અમે વિદ્યાર્થીઓ ખોટા હતા. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. પટેલે સાહેબની શિસ્તની સોટી વાગી, ત્યારે અમને કેટલીક પાયાની વાતો શીખવા મળી.

પણ પૂરા છ મહિનાના કપરા કાળમાં એક સાંજ શીતળ હવાની લહેરખી જેવી આવતી હતી. એ સાંજે પટેલ સાહેબ પોતાના વિભાગના તમામ રેસિડેન્ટ ડૉક્ટર્સને એમના ઘરે ભોજન માટે બોલાવતા હતા. હું પણ આવી જ સાંજે એક વાર સાહેબના ઘરે જમી આવેલો છું. એ દિવસે પટેલ સાહેબનું સાવ અલગ જ સ્વરૂપ અમને જોવા મળતું હતું. સાહેબ મટીને તેઓ પિતા જેવા બની રહેતા. પિતૃવત્ વાત્સલ્યથી વિદ્યાર્થીઓને જમાડે. આગ્રહ કરી કરીને ખવડાવે. પેટ ભરીને જમી લીધા પછી પાછા શરત મારે  ‘હવે જો તમારામાંથી કોઈ વધારે ગુલાબજાંબુ ખાઈ બતાવે, તો હું એને એક નંગ દીઠ એક રૂપિયો ઇનામમાં આપું!’


મને યાદ છે કે હું એ સાંજે પચીસ રૂપિયા જીત્યો હતો. (જો કે એ ઇનામની રકમ મેં સ્વીકારી ન હતી. એનું કારણ પણ સાહેબનો ભય હતો. મનમાં ઊંડે ઊંડે એવી આશંકા રહ્યા કરતી કે આપણે ઇનામ લઈ લઈએ, એને કારણે સાહેબ નારાજ થઈ જાય અને રખે ને આપણા વિષેનો ‘કોન્ફિડેન્શિયલ રિપોર્ટ’ બગાડી નાખે તો? એ તો બાજુ પર રહ્યું, પણ ભવિષ્યમાં એમ.ડી.ની પરીક્ષા વખતે પટેલ સાહેબ જ પરીક્ષક તરીકે આવ્યા, તો શું થાય? આપણા તો બાર જ વાગી જાય ને!) અત્યારે આ બધી વાતો બાલીશ લાગે છે, પણ એ વયે આ બધું બહુ વાસ્તવિક જણાતું હતું.

અત્યારે હું જે સાંજનું વર્ણન કરી રહ્યો છું, એ તો મારા અંગત અનુભવ પછીના દસેક વર્ષ પછીની વાત છે. પટેલ સાહેબના ઉમળકાભર્યા આવકારથી અવાચક થઈ ગયેલા જુનિયર તબીબોમાં અજય, વિપુલ, વત્સલ તેમજ અંજુ, કુરંગી અને ઉત્પલા હતાં. એમાંથી સાહેબનો સિતમ ન સહેવો પડ્યો હોય એવું કોઈ જ ન હતું. છ મહિનામાં દરેકનો વારો આવી ગયો હતો. પણ આજે સાહેબે બધી ફરિયાદોનો ખંગ વાળી દીધો.

ખૂબ પ્રેમથી બધા શિષ્યોને આવકાર્યા. અૌપચારિક સ્વાગત પછી સાહેબ ખીલ્યા. પોતાના પરિવારજનોની સાથે ડૉક્ટરોનો પરિચય કરાવ્યો. બંગલો બતાવ્યો. ટેરેસમાં લઈ જઈને ઠંડી ઠંડી હવા અને શહેર ઉપર પથરાઈ રહેલા રાતના આછા અંધકારમાં ખુરશીઓ ગોઠવીને બેઠક જમાવી. આજે પહેલી વાર સૌનાં અંગત જીવન વિષે વાતો પૂછી. મજાકમસ્તી, રમૂજો, શાયરીની છોળો ઉડાડી. પોતાના અનુભવના ખજાનામાંથી જૂના યાદગાર કિસ્સાઓ કહી સંભળાવ્યા. અને પછી સ્વાદિષ્ટ, ચટાકેદાર વાનગીઓ જમાડી.

છેક રાતના અગિયાર વાગ્યે છ ડૉક્ટરો જવા માટે ઊભા થયા, ત્યારે ડૉ. પટેલે સાહેબનો અવાજ ભીનો હતો. એવું લાગતું હતું જાણે ત્રણ દીકરાઓ અને ત્રણ દીકરીઓ પિતાના ઘરેથી જઈ રહ્યાં હોય!
બીજા દિવસથી ફરી પાછું બધું થાળે પડી ગયું. જિંદગીએ એની મૂળ રફતાર પકડી લીધી. એમ.ડી.ની પરીક્ષા માથા ઉપર ગાજતી હતી. છમાંથી ચાર ડૉક્ટરો તો હજુ હાઉસમેનશિપ કરતા હતા, પણ વિપુલ અને અંજુ એમ.ડી.ની પરીક્ષામાં બેસવાના હતા. સાહેબ પોતે જ એક્ઝામિનર હતા. વિપુલ અને અંજુને એમણે જ ભણાવીને તૈયાર કર્યાં હતાં. જે રીતે કુંભાર કાચા માટલાને નિંભાડામાં શેકવીને પાક્કું બનાવે છે એવી જ રીતે એમણે આ બંનેને બરાબર ઘડ્યાં હતાં, પાક્કા કર્યાં હતાં.

પરીક્ષામાં બેયનો દેખાવ સારો રહ્યો. અંજુના જવાબો વધારે સારા હતા, વિપુલને સહેજ ખેંચવો પડ્યો. પણ છેવટે પરિણામ જાહેર થયું ત્યારે અત્યંત કડક પરિણામ વચ્ચે પણ સાહેબના બંને શિષ્યો પાસ થઈ ગયા. અંજુ હવે ડૉ. અંજુ હતી. વિપુલ હવે ડૉ. વિપુલ હતો. બંને જણાં એમ.બી.બી.એસ. તો ચાર વર્ષ પહેલાં જ થઈ ચૂક્યાં હતાં, પણ હવે તો બેય જણાં ગાયનેકોલોજિસ્ટ બની ગયાં હતાં.

રેસિડેન્સીની છ મહિનાની ટર્મ પૂરી થવા આડે પંદરેક દિવસ બાકી હતા. પણ ડૉ. પટેલ સાહેબે જોયું કે હમણાં હમણાંથી વિપુલનું વર્તન બદલાઈ ગયું હતું. અત્યાર સુધી વિનયી અને વિવેકી જણાતો વિપુલ પરીક્ષામાં પાસ થયા બાદ ઉદ્દંડ અને અવિવેકી બની ગયો હતો. સાહેબને ‘ગુડ મોર્નિંગ’ કહેવાનું પણ એણે બંધ કર્યું હતું. એક દિવસ તો જબરી ઘટના બની ગઈ. ઓપરેશન થિયેટરમાં ડૉ. પટેલ સાહેબ એક મહિલા દર્દીનું મેજર ઑપરેશન શરૂ કરવાની તૈયારીમાં હતા. એમને બે સહાયકોની જરૂર હતી. રોજની જેમ એમણે સૂચન કર્યું, ‘અંજુ, તું અને વિપુલ સ્ક્રબ થઈને આવી જાવ!’ ડૉ. અંજુ આવી ગઈ, પણ વિપુલ ન આવ્યો. પટેલ સાહેબે પટાવાળા જોડે બીજી વાર કહેવડાવ્યું, ત્યારે વિપુલે તોછડો જવાબ મોકલાવ્યો, ‘તમારા મોટાસાહેબને કહી દો કે હું હવે એમનો વિદ્યાર્થી નથી. હવે હું પણ એમ.ડી. થઈ ગયો છું. મારી અને ડૉ. પટેલની ડિગ્રીઓ એક સરખી જ છે. નાઉ આઈ વિલ નોટ આસિસ્ટ હિમ!’ થિયેટરમાં સોપો પડી ગયો. ડૉ. પટેલનું હૈયું ભાંગી ગયું. ક્યારેક વિદ્યાર્થીઓ ઉપર પોતે કડક થયા હશે, એ વાતની ના નહીં, પણ એ વાતનો ડંખ રાખીને કોઈ વિદ્યાર્થી એમનું અપમાન કરે એ વાત એમની કલ્પના બહારની હતી. એ પછી ક્યારેય પટેલ સાહેબે એમના શિષ્યોને પોતાના ઘરે ભોજન માટે બોલાવ્યા નથી.

ગુરુદક્ષિણામાં અંગૂઠો કાપી આપવાનું તો ભૂલી જઈએ, પણ આધુનિક એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યનું નાક કાપવા ઊભો થાય, ત્યારે શું કરવું?

શીર્ષક પંક્તિ:રાશીપ શાહ

No comments:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો