Add to your favorites

વાત તારી કેટલી વટલાય છે
મૌન ભાવે એટલી ચર્ચાય છે

નવી રિસેપ્શનિસ્ટ કૂંપળ કામાણીએ ઓફિસમાં પહેલીવાર પગ મૂક્યો એની સાથે જ ઓફિસનું વાતાવરણ ફરી ગયું. મુરઝાઈ જવાની અણી પર આવેલા મોલ ઉપર જાણે કોઇએ કામણગારી કાયાના પંપમાંથી મહેકતું ઝાકળ છાંટી દીધું! બાકી ઓફિસની હાલત ગૂંચળું વળીને પડેલા અજગરના જેવી હતી. અઠ્ઠાવનના આળેગાળે પહોંચેલા, ગમે તે ક્ષણે નિવૃત્ત થવાની તૈયારી સાથે જીવતા સાત ડોસલાઓ, બાવનથી પંચાવન વર્ષની વસૂકી ગયેલી ગાયો જેવી પાંચ મહિલાઓ, બીડીતમાકુના સેવનને કારણે ટી.બી.ગ્રસ્ત થઈ ચૂકેલા ત્રણ પટાવાળા અને પાંત્રીસ વર્ષની એક પારસી રિસેપ્શનિસ્ટ. આ પારસણે અચાનક પરણી જવાનું નક્કી કર્યું એટલે એની જગ્યા ખાલી પડી.

એક જગ્યા ખાલી પડી એમાં ઓફિસનું કિસ્મત ખૂલી ગયું. ઘરડાં ખખ્ખ વૃક્ષોની વચ્ચે એક ફૂટતી કૂંપળ જેવી કૂંપળ કામાણી ગોઠવાઈ ગઈ. એ આવવાની હતી એના આગલા દિવસે જ બોસ પ્રાંજલ દેસાઇએ કર્મચારીઓને જાણ કરી દીધી હતી કે આવતી કાલથી નવી રિસેપ્શનિસ્ટ ડ્યૂટી જોઇન કરવાની છે, પણ બોસે એવું નહોતું કહ્યું કે કૂંપળ કામાણીના બદનમાં વસંત ઙ્ગતુનાં તોફાનો છે, આષાઢના ઇશારાઓ છે અને શિયાળાની રજાઈ જેવી હૂંફ છે.

હાય! ગુડ મોર્નિંગ ટુ એવરીબડી! આઇ એમ કૂંપળ કામાણી.એક સદ્ભાગી સવારે આ માખણની મૂર્તિએ આવીને રૂપનો ઘડો છલકાવ્યો. એ સાથે જ ઓફિસની સ્ત્રી કર્મચારીઓએ ઇર્ષામાં મોં મચકોડ્યાં, અઠ્ઠાવનિયા પુરુષો પોતે ત્રીસ વર્ષ પહેલાં શા માટે જન્મ્યા એના અફસોસમાં પડી ગયા, પટાવાળાઓ પોતાની બદકિસ્મતીને કોસવા લાગ્યા. પણ સૌથી ખરાબ હાલત કુમારની હતી. કુમાર એટલે કુમાર વસાવડા. ઓફિસનો બાહોશ અને યુવાન કમ્પ્યૂટર મેન. અઠ્ઠાવીસ વર્ષનો હેન્ડસમ, સ્માર્ટ, કુંવારો નાગર યુવાન. નાગર હોવાને કારણે સંસ્કારી અને શાલીન પણ ખરો.
કૂંપળે એની સામે જોઇને જ્યાં સ્મિત ફરકાવ્યું, ત્યાં તો કુમારના રૂંવેરૂંવે રતિરાગ વ્યાપી ગયો. એની મોટામાં મોટી સમસ્યા આ હતી, ‘રૂપની આવી ધનરાશિ આંખો સામે આખો દિવસ બેઠી હોય ત્યારે કામમાં મન શી રીતે પરોવવું?’

એનો સવાલ સાચો પડ્યો. પંદર જ દિવસમાં એને ખાતરી થઈ ગઈ કે આ યુવતીને પ્રાપ્ત કર્યા વગર એ જીવી નહીં શકે. એને પોતાની પત્ની બનાવવી જ પડશે. પણ હવે એની સામે બીજો પ્રશ્ન હતો  કૂંપળ સમક્ષ એના હાથની માગણી મૂકવી શી રીતે? આટલા દિવસમાં સામાન્ય વાતચીતમાંથી એને સામાન્ય માહિતી તો મળી ગઈ હતી કે કૂંપળ અહીં ભાડાના ફ્લેટમાં એકલી જ રહે છે એટલે એનાં મમ્મીપપ્પાને મળીને વાત રજૂ કરવાનો સવાલ જ પેદા થતો નહોતો. કુમાર સંસ્કારી હોવાથી એને એટલી પણ ખબર હતી કે કોઈ કુંવારી યુવતીના ઘરે એકલા જઈ ન ચડાય તો પછી પોતાના દિલની વાત એની આગળ કહેવી શી રીતે? એક જ શક્યતા હતી ઓફિસના સમયે ચાલુ નોકરીએ વાતવાતમાં વાત રમતી મૂકી દેવાની. છોકરી હોશિયાર છે. ઇશારામાં સમજી જાય એવી. પણ કુમાર બેટા! સંભાળીને ડગલું ભરજો, ઇશારામાં જો અશ્લીલતા ભળી ગઈ તો આ પદમણીથી હાથ ધોઈ નાખવા પડશે!
કૂંપળ જબરી આધુનિક યુવતી નીકળી. એક દિવસ તદ્દન ટૂંકા કપડાં પહેરીને આવી. સબ કુછ દિખતા હૈવાળી જાહેરખબર જેવા. એ દિવસે ઓફિસના કામમાં કોઇનું મન ચોંટ્યું નહીં. ડોસલાઓને તો દમનો એટેક આવી ગયો. પાછી કોફીબ્રેકના સમયે કૂંપળ ભલીભોળી બનીને કુમારને પૂછવા આવી, ‘આ સ્કર્ટટોપ નવા જ છે. ગઈ કાલે જ ખરીદ્યાં છે. અઢારસોમાં પડ્યા. હું આમાં કેવી લાગું છું?’

આ સવાલના હજાર જવાબો હતા. દરેક જવાબે કામ પતી જાય એમ હતું. કુમારે ધાર્યું હોત તો કૂંપળને કહી શક્યો હોત કપડાં ખૂબ સુંદર છે, પણ તમારાં જેટલાં નહીં.અથવા કપડાં ભલે અઢારસોના છે, પણ તમે અઢાર કરોડનાં છો.અથવા કપડાં સામું જોયું છે જ કોણે? તમને જોવામાંથી ફુરસદ મળે તો ને!

પણ હાય રે કિસ્મત! જ્ઞાતિગત સંસ્કાર નડી ગયાં. કુમારથી ફક્ત એટલું જ બોલી શકાયું, ‘ખરેખર કપડાં ખૂબ જ સુંદર છે.હાથમાં આવેલો ફુલટોસ દડો ચોગ્ગો ફટકાર્યા વગર જવા દીધો.

જો કે દડાઓ તો બીજા પણ આવતા જ રહ્યા. થોડા દિવસો માંડ વીત્યા હશે ત્યાં એક બપોરે કૂંપળ કુમારના ટેબલ પાસે આવીને ઊભી રહી, ‘એક ફુલસ્કેપ કાગળ આપશો? લીટીવાળો.

મારી પાસે તો કમ્પ્યૂટર માટેના કોરા કાગળો છે. લીટીઓ તમારે જાતે આંકી લેવી પડશે.કુમારે એક સરસ કોરો કાગળ કાઢી આપ્યો.
કૂંપળે બીજી માગણી રજૂ કરી, ‘તમારી પાસે ફૂટપટ્ટી હશે?’ સાંભળીને આખો સ્ટાફ હસી પડ્યો. સામે બેઠેલા માધુકાકાએ તો ટકોર પણ કરી, ‘આ શાળા નથી, બેન! ઓફિસ છે. અહીં ફૂટપટ્ટી ન હોય.

ત્યાં લાભુકાકાના હૈયામાં રામ વસ્યા. પોતે તો પરવારી ચૂક્યા છે, પણ સામે બેઠેલો જુવાન ભલે કમાઈ ખાતો એવી ઉદારતાથી પ્રેરાઈને એમણે કુમાર માટે એક સુંદર તક ઊભી કરી આપી. કૂં્પળને ઉદ્દેશીને કહ્યું, ‘એમાં મૂંઝાઈ શા માટે ગઈ, દીકરી? કાગળમાં લીટીઓ જ પાડવી છે ને? કુમારને આપ, એને લાઇન મારવાનું સારંુ ફાવે છે!

સાંભળીને કૂંપળની આંખોમાં પણ તોફાન ઊમટ્યું, ‘ખરેખર? લાભુકાકા સાચું કહે છે?’

મામલો એક ઝાટકે ઉકેલાઈ જાત. એક જ ફટકામાં મેચ આખી પૂરી થઈ જાત. પણ ફરીથી કુમારને એના સંસ્કાર નડી ગયા. છોકરીની માફક શરમાઈને એણે કાગળ લઈ લીધો, ‘હા, મને ચિત્રકામ સારંુ આવડે છે ને! એટલે વગર ફૂટપટ્ટીએ પણ હું સીધી લીટી...ફરી એક મોકો હાથમાંથી સરી ગયો.
પણ મોકાઓ આ કુંવારા ગધેડા ઉપર મહેરબાન હતા. એક કે બાદ એક એની ઉપર વરસ્યે જ જતા હતા. બપોરે ચાર વાગે ફોન આવ્યો. રિસેપ્શન ડેસ્ક ઉપર મોજૂદ કૂંપળે રિસીવ કર્યો. સામે કોઈ યુવતીનો અવાજ હતો. પૂછતી હતી, ‘કુમારનું કામ છે, એને લાઇન આપશો?’
કૂંપળે લાઇન આપી દીધી. વાત પણ થઈ ગઈ. પછી કૂંપળે કુમારને પૂછી લીધું, ‘તમારા વાઇફનો ફોન હતો?’
અરે! આ તો મારી માસીની દીકરીનો ફોન હતો. મારા તો હજુ મેરેજ જ ક્યાં થયાં છે?’

ત્યાં કૂંપળે ગબડતો દડો ફેંક્યો, ‘હજુ સુધી મેરેજ નથી થયાં તમારાં? કુંવારા જ છો? પૂછી શકું કે શા માટે?’
હવે આનો તો એક જ જવાબ હોઈ શકે, જે આ કોલમના લાખો કુંવારા પુરુષ વાચકો જાણે છે તમારા જેવી રૂપાળી છોકરી નથી મળી એટલે...આ એક જ ઉત્તરને કારણે સંપૂર્ણ મેરેજ આલબમ તૈયાર થઈ જાય! પણ આવો મોકો ઝડપવા માટે માણસમાં થોડીક હાજરજવાબી, થોડીક બેશર્મી અને થોડી ઘણી હિંમત તો હોવાં જોઇએ ને?

કુમાર ગેંગેંફેંફે થઈ ગયો, ‘હેં... હેં... હેં... એમાં એવું છે ને કે પપ્પા તો હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયેલા અને મમ્મી બિચારી ઘરની બહાર પગ મૂકે તો દીકરા માટે વહુ શોધે ને? પણ હવે ધીમે ધીમે મારે લગ્નની દિશામાં વિચાર કરવો પડશે. એવું મને...

ત્યાં પટાવાળો પોપટ આવીને વાતની દોર ઉપર લંગશિયું નાખી ગયો, ‘કૂંપળબહેન, તમને સાહેબ બોલાવે છે. કંઇક અર્જન્ટ કામ લાગે છે.

તરત જ ફિરકી સમેટાઈ ગઈ. કૂંપળ કપડાં ઠીકઠાક કરતી, માથાના વાળ ઉપર હાથ ફેરવતી, ચપળતાપૂર્વક બોસની ઓફિસમાં પ્રવેશી ગઈ. બોસ પ્રાંજલ દેસાઈ બહુ આક્રમક મિજાજના અને સ્પષ્ટ વિચારોના માલિક હતા. આજે તો એ વધુ સ્પષ્ટ વિચારના દેખાઈ રહ્યા હતા. કૂંપળની સામે જોઇને એ હસ્યા પણ નહીં. ગંભીર ભાવે સામેની ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો, ‘સીટ ડાઉન, મિસ કૂંપળ.

નો, સર! થેન્ક્સ... બટ આઈ એમ કમ્ફર્ટેબલ...
હું કહું છું ને કે બેસો! માટે બેસી જવાનું.પ્રાંજલે હુકમ ફરમાવ્યો. પછી આડીઅવળી વાતોમાં વખત વેડફ્યા વગર એ સીધા મુદ્દાની વાત પર આવી ગયા, ‘મિસ કૂંપળ મને જાણવા મળ્યું કે તમારાં મમ્મીપપ્પા આ દુનિયામાં હયાત નથી. તમે ઉત્તર ગુજરાતના એક નાનકડા શહેરમાંથી આવો છો. તમારા કાકાએ તમને ઊછેરીને મોટા કર્યાં છે. કાકીએ તમને ખૂબ ત્રાસ આપ્યો છે. એમ આઈ કરેક્ટ?’
યસ સર! એબ્સોલ્યુટલી કરેક્ટ! અને હવે મારાં કાકી મારાં લગ્ન એમના કદરૂપા, બેકાર ભાઈની સાથે...
હું જાણું છું. મારંુ હોમવર્ક પરફેક્ટ છે. હવે મારી વાત ઉપર આવું. મેં નક્કી કર્યું છે કે તમારા જેવી ભોળી, સુંદર યુવાન અપ્સરાને હું બીજાના હાથમાં નહીં જવા દઉં. આઇ વોન્ટ ટુ મેરી વિથ યુ! નો મિસઅન્ડરસ્ટેન્ડિંગ! હું પરણેલો પુરુષ છું. મારી પત્ની સાથે સુખી છું. પણ એ બાપડી બ્યૂટિફુલ નથી. આપણે ધર્મપરિવર્તન કરીને મેરેજ કરી શકીશું. તમારા માટે હું એક અલાયદો બંગલો, કાર, નોકરચાકર અને બેન્ક ડિપોઝિટની વ્યવસ્થા કરી આપીશ. મારી ઓફર મંજૂર છે? કે પછી કોઈ વેદિયા અને વેઠિયા કુંવારા જુવાન સાથે...?’

મને તમારી પ્રપોઝલ મંજૂર છે, સર!
તો પછી હવેથી મને સરકહીને ના બોલાવીશ. તું હવે જઈ શકે છે, ના, તારા ડેસ્ક ઉપર નહીં. આપણા બંગલે જવાનું છે તારે. નીચે ગાડી સાથે ડ્રાઇવર તારો ઇન્તઝાર કરે છે. કાલે સવારે પહેલું કામ નિકાહ પઢવાનું કરવાનું છે.


શીર્ષક પંક્તિ: "નીલમ"
(સત્યઘટના. પ્રાંજલ દેસાઈ સાચો બેટ્સમેન સાબિત થયો. એક બાઉન્સર જેવા અઘરા દડાને પણ પળવારમાં બાઉન્ડ્રી બહાર મોકલી આપ્યો.)

1 comment:

good reader said...

I just want to raise one issue here, why can't that girl propose the bachelor guy if she liked him? as now we all believe in equality for man and woman so why can't girl porpose?

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો