Add to your favorites

મૃગલીની આંખમાં રમતુ, ચપળ શમ્ણુ રોળાયુ છે, કોઇને મળે તો કહેજો
ઘુવડની આંખમાં છુપાયેલ, સુરજ ખોવાયો છે, કોઇને મળે તો કહેજો


હું મારા દર્દી ઉપર ક્યારેય ગુસ્સે થતો નથી, પણ એ દિવસે થઈ ગયો. સામે બેઠેલી નૈસર્ગીને ખખડાવી નાખી, ‘બહેન, તું શું બોલી રહી છે એનું ભાન છે તને? કંઈ ભાંગબાંગ પીને તો નથી આવી ને? દસ વરસના તપ પછી માંડ નસીબ આડેથી પાંદડું હટ્યું છે ત્યાં તું...?!’

નૈસર્ગી રડી પડી, ‘શું કરુ, સાહેબ? મજબૂર છું.
પણ મજબૂરીનુંયે કંઈક નામઠામ તો હશે ને?’ મારો આક્રોશ ચાલુ જ હતો.


અલબત્ત, મારો આક્રોશ તીવ્ર હતો, પણ વાજબી હતો. નૈસર્ગી મારી પેશન્ટ હતી. છેલ્લા દોઢ વર્ષથી મારી પાસે એની સારવાર ચાલતી હતી. વંધ્યત્વ એની વેદના હતી અને સંતાનપ્રાપ્તિ એની ઝંખના. તબીબી વિજ્ઞાનના ભાથામાં જેટલાં તીર હતાં એ તમામ હું અજમાવી ચૂક્યો હતો. પણ પક્ષીની આંખ વિંધાતી ન હતી. દર્દીની શ્રદ્ધા ડૉક્ટર ઉપરથી ઊઠી જાય અને ડૉક્ટરનો ભરોસો ભગવાન ઉપરથી ઊઠી જાય એ સમય બહુ દૂર ન હતો. નૈસર્ગી અને એના પતિ નિમિષના ટેસ્ટરિપોર્ટ્સના કાગળોની ફાઇલ દિનબદિન વધુ ને વધુ મોટી થતી જતી હતી. આશાના મિનારા જમીનદોસ્ત થવાની અણી ઉપર હતા, ત્યારે જ અચાનક સૂકા ઝાડની ડાળે લીલી કૂંપળ ફૂંટી.

મેં એનો યુરીનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો. દસદસ વર્ષથી નૈસર્ગીના વેરાન રણ જેવા મનમાં સળવળતી ઝંખના કચકડાની પટ્ટી ઉપર બે સમાંતર રેખા બનીને ઊભરી આવી. મેં ખુશ થઈને એને સારા સમાચાર આપ્યા, ‘કોંગ્રેચ્યુલેશન્સ! યુ આર પ્રેગ્નન્ટ!

ખરેખર?!’ એના સવાલમાં સવાલ કમ હતો, આશ્ચર્ય જ્યાદા.
ખરેખર. ઇન્ડાયરેક્ટ પુરાવો આ રહ્યો.મેં એને ટેસ્ટનું પરિણામ દેખાડીને પછી ઉમેર્યું, ‘જો ડાયરેક્ટ પુરાવો જોઈતો હોય તો નવ મહિના બાદ લઈ જજો.

નૈસર્ગી થેન્ક યુકહીને ગઈ. એ આવી ત્યારે માંદલી સસલી હતી, જતી વખતે એ થનગનતી હરણી જેવી લાગતી હતી.

બાવીસમા વરસે લગ્ન અને છેક બત્રીસમા વરસે માતૃત્વ. એ પણ પ્રથમ વારનું. અને આ તો હજી શરૂઆત હતી. મીઠાઈ ક્યાં હતી? આ તો એની સુગંધ માત્ર હતી! વરસાદમાં ભીંજાવાને હજુ વાર હતી, આ તો ફક્ત વાદળોનો ગડગડાટ હતો. પણ એ ગડગડાટનો રોમાંચ, એક સપનું જોયાનું સુખ, વરસોથી દોરી રાખેલા ચિત્રમાં પ્રાણ ફૂંકાવાનો આનંદ હું નૈસર્ગીના રૂપાળા ચહેરા ઉપર સ્પષ્ટપણે વાંચી શકતો હતો. આ આનંદનો નફો સરખે ભાગે વહેંચી લેવા એ એના પાર્ટનર પાસે દોડી ગઈ. પાર્ટનર એટલે કે લાઇફ પાર્ટનર એટલે કે...નિમિષ.

એ પછી કોઈ અકળ કારણસર એ સાડાચાર મહિના સુધી દેખાઈ નહીં. ચેક અપમાટે પણ ન આવી. આમાં મને કંઈ આશ્ચર્ય કે આઘાત જેવું લાગ્યું નહીં. અમારી પાસે આવતા કુલ દર્દીઓમાંથી કેટલાકમાં આમ બનતું હોય છે. દરેક ડૉક્ટરનો આ અનુભવ હોય છે. ગરજ સરી એટલે વૈદ્ય વેરી  એ કહેવત માણસ જાતના જન્મ જેટલી જૂની છે. સામે પક્ષે આરંભથી અંત લગી ડૉક્ટરને વફાદાર રહે એવા દર્દીઓની સંખ્યા પણ નાની નથી હોતી. એટલે ડૉક્ટરો પણ આ બાબતમાં સ્થિતપ્રજ્ઞ બની ગયેલા હોય છે. હું પણ નૈસર્ગીની બાબતે અંગત લાગણીને સાપની કાંચળીની જેમ ત્યજીને સ્થિતપ્રજ્ઞ બનવાની તૈયારીમાં હતો, ત્યાં અચાનક એક દિવસ એ ઝબકી.
કેમ આવવું થયું?’

એબોર્શન માટે આવી છું.પોખરણના રણમાં ભારતના વૈજ્ઞાનિકોએ કરેલો અણુધડાકો કોણે જોયો છે? પણ મારા કન્સલ્ટિંગ રૂમની બંધ દીવાલો વચ્ચેનો આ અણુવિસ્ફોટ આખા વિશ્વના માતૃત્વને હચમચાવી મૂકે એવો પ્રચંડ હતો.

હવે તમને સમજાશે કે હું શા માટે એના ઉપર ગુસ્સો કરી બેઠો. માંડમાંડ ઊછેરેલા આંબાની ડાળે મૉર બેઠા, ત્યારે આંબો માળીને વિનવતો હતો કે..!

વિશ્વમાં દરેક કાર્ય પાછળ એક કારણ હોય છે. એ દરેક કારણ પાછળ સાચી કે ખોટી કોઈક મજબૂરી હોય છે. અને એ પ્રત્યેક મજબૂરીની પાછળ પાછું કોઈને કોઈ કારણ રહેલું હોય છે.

નૈસર્ગીની મજબૂરી આ હતી, ‘મારા પતિને ફેફસાંનું કેન્સર થયું છે. તકલીફ છ એક મહિનાથી હતી, પણ નિદાન બે મહિના પહેલાં જ પકડાયું. એની દોડધામમાં હું ચેક અપમાટે પણ ન આવી શકી. નિમિષની બીમારી આખરી તબક્કામાં છે. એના જીવવાની શક્યતા નહીવત્ છે.

આઈ એમ વેરી સોરી, નૈસર્ગી! નિમિષના સમાચાર જાણીને મને દુઃખ થયું છે. આઘાત લાગ્યો છે પણ એમાં તો આપણે શું કરી શકીએ? મોતને કોણ રોકી શક્યું છે?’
સાચું.નૈસર્ગીએ આંખો ઢાળી દીધી, ‘આપણે મોતને તો નથી રોકી શકતા, પણ જિંદગીને તો રોકી શકીએ ને?’

પણ કારણ શું છે એ તો કહે.

મારાં મમ્મીપપ્પા કહે છે કે નિમિષ તો હવે જવાના જ છે, તો આ ઉંમરે હું વૈધવ્યની જિંદગી કેવી રીતે વિતાવી શકીશ? છ મહિનેબાર મહિને મારે નવેસરથી ક્યાંક ગોઠવાવું તો પડશે જ. એ વખતે જો મારી સાથે મારુ બાળક હોય, તો સારો મુરતિયો મળવામાં મુશ્કેલી પડી શકે. હું શું કરુ, સાહેબ? આફતોથી ઘેરાયેલી વિધવા, લાચાર સ્ત્રી પાસે વાણીસ્વાતંત્ર્ય નથી હોતું!

મેં દલીલ ન કરી. એની મરજીનું પાલન કર્યું. એક કૂંપળ વિકસીને પાંદડું બને એ પહેલાં જ એને ડાળખી પરથી દૂર કરી આપી. એ પછીના કેટલાયે દિવસો મારા માટે અવસાદભર્યાં બની રહ્યા.
હું નૈસર્ગીને અને સંકળાયેલી સમગ્ર ઘટનાને ભૂલી જવા ઇચ્છતો હતો. ધીમે ધીમે ભૂલી પણ ગયો. સમયના વૃક્ષ ઉપરથી પ્રસંગોનાં પાંદડાં ખરતાં રહ્યાં. એક અણગમતી વાત એના ઢગલા હેઠળ દબાઈ ગઈ.

પાંચ વર્ષ પાંપણના પલકારાની જેમ વીતી ગયાં. અચાનક નૈસર્ગીનાં દર્શન થયાં. એક બપોરે એ મને કન્સલ્ટકરવા માટે આવી. પણ છેલ્લે મેં એને જોયેલી અને આ વખતે જોતો હતો એ બંને જાણે કે અલગઅલગ સ્ત્રીઓ હતી.

હવે શાના માટે આવ્યાં છો?’ મેં ડૉક્ટરની તટસ્થતાથી પૂછ્યું.
બાળક માટે.પોખરણમાં બીજો અણુવિસ્ફોટ થયો!
હું સમજ્યો નહીં.

સાહેબ, કેવી રીતે સમજાવું તમને? કુદરતે મારી સાથે બહુ ક્રૂર મજાક કરી છે. મારો પતિ નિમિષ તો કેન્સરથી મૃત્યુ પામ્યો. એ પછી એક વરસે મેં પુનર્લગ્ન કર્યું. સામેવાળું પાત્ર પણ સરસ હતું. સુખી અને સંસ્કારી. એ પણ ઘરભંગ થયા હતા. પ્રથમ પત્નીથી એમને બે બાળકો હતાં. એમણે તો લગ્ન વખતે જ કહેલું કે મારે પણ જો આગલા લગ્નથી બાળક હોત તો એમણે સ્વીકારી લીધું હોત!

તો પછી તમે નાહકનો એ ગર્ભ પડાવી નાખ્યો ને?’
હા, અને એટલે જ કદાચ ઈશ્વરે મને કઠોર સજા આપી છે.
કેમ, શું થયું?’

હું સુખી હતી. મારા બીજા પતિ અને ઓરમાન પુત્ર સાથે મઝાની જિંદગી વીતાવી રહી હતી. દીકરો આઠેક વર્ષનો હતો. બહુ મીઠડો. પણ બે મહિના પહેલાં શાળાએથી છૂટીને ઘર તરફ આવતો હતો ત્યારે એને લઈને આવતી રિક્ષા ઊથલી પડી. મુન્નો ઊછળીને ફૂટપાથ સાથે ટકરાયો. એ જ ક્ષણે...!
થોડું મૌન. ઝાઝા ડૂસકાં. ભારે ભરખમ ક્ષણો કીડીના વેગે સરકતી રહી. નૈસર્ગીએ ટચુકડા લેડિઝ હાથરૂમાલથી આંસુ લૂછ્યા અને એ જેના માટે આવી હતી એ વાત રજૂ કરી, ‘સાહેબ, સજા અહીં સમાપ્ત નથી થતી. મારા પતિને વધુ સંતાનો જોઈતાં ન હતાં, એટલે એમણે તો ક્યારનુંયે નસબંધીનું ઓપરેશન કરાવી લીધું હતું. હવે હું તમારી પાસે બાળક માટે આવી છું...પણ...દત્તક બાળક માટે...કોઈ અનાથાશ્રમમાંથી જો...આપ ગોઠવી આપો તો...મોટી મહેરબાની થશે...

હું બારીમાંથી દેખાતા ખુલ્લા આસમાન તરફ તાકી રહ્યો. સાંભળ્યું છે કે આ જગત આખું પહેલેથી તૈયાર કરાયેલી કોમ્પેક્ટ ડિસ્ક જેવું છે. એમાં લખાયા મુજબ જ બધી ઘટનાઓ બનતી રહે છે. સવાલ માત્ર એટલો જ છે કે ઈશ્વર નામનો સ્ક્રિપ્ટ રાઇટર આવી કથા શા માટે લખતો હશે?


શીર્ષક પંક્તિ: રાશીપ શાહ

2 comments:

Anonymous said...

wow! god is great!

vicky said...

No...god is so cruel...
so sad,,,!!

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો