Add to your favorites

ખુલે છે આંખ અને બંધ થાય છે, એટલી જ વારમાં સંબંધ બંધાય છે


અમેરિકાના લોસ એન્જલસમાં વસેલા અને પરણવાના એક માત્ર આશયથી ભારત આવેલા જોય પટેલે બરાબર એકવીસમા દિવસે અમેરિકા ફોન જોડ્યો. પપ્પા સાથે વાત કરી, ‘ડેડ, ગુડ ન્યૂઝ! યુ કેન કોંગ્રેચ્યુલેટ મી. મને છોકરી પસંદ પડી ગઈ છે!
શાબાશ બેટા! મને તો એમ હતું કે મારો ઢાંઢો જિંદગીભર વાંઢો જ રહી જવાનો છે! પિતા અંબાલાલ બોલવામાં પણ પટેલ જ હતા.
ડેડ! ઢાંઢો અમેરિકન શૈલીમાં ખીજવાયો, ‘ડોન્ટ કોલ મી એ ઢાંઢા! અમેરિકા માટે ભલે હું કાળો કાગડો હોઉં પણ અહીંની છોકરીઓ માટે તો રૂપાળો હંસરાજ છું! એકએકથી ચડિયાતી, ચબરાક, સંસ્કારી અને શિક્ષિત કન્યાઓ મને પામવા માટે ભૂખ હડતાળ ઉપર બેસવા તૈયાર હતી.
એમાંથી તેં કોને પસંદ કરી?’

ફૂલોના બગીચામાંથી ગુલાબને...! હીરાના ખજાનામાંથી કોહિનૂરને! અપ્સરાના ટોળામાંથી મેનકાને...!
મારી વહુનાં ત્રણત્રણ નામ? મૂરખ, એનું સાચું નામ બોલ ને!’‘ઝાકળ. જોયના અવાજમાં ભાવિ પત્નીનું નામ ઉચ્ચારતા જ જાણે ચાસણીની મધુરતા પ્રસરી ગઈ! આંખો સામે મરડાતું, અમળાતું,અંગડાઇઓ લેતું એક નાજુક નારીશિલ્પ રમી રહ્યું. પિતાએ બેચાર ક્ષણો પૂરતો દીકરાને એ લપસણા મુલકમાં રમવા દીધો. પછી પાછો એને ધરતી ઉપર લાવી મૂક્યો.
કોણ છે? ક્યાંની છે? એનાં માવતર...?’

જોયને ઇચ્છા થઈ આવી આવો જવાબ આપવાની કે કાયા એનું કૂળ છે, રૂપ એનું મૂળ છે, મારકણી અદાઓ એનાં માબાપ અને આકર્ષણ એની અટક છે! પણ પછી વહેવારુ બનીને એણે માહિતી આપી, ‘આણંદમાં એનું ઘર છે. એમ.સી.એ. થયેલી છે. પાંચ ફીટ છ ઈંચ હાઇટ છે. અંગ્રેજી તો એવું ફાંકડું ફટકારે છે કે એની આગળ આપણી અમેરિકન છોકરીઓ ઝાંખી પડી જાય. એના પપ્પાનું નામ મફતલાલ ઝવેરભાઈ પટેલ છે.
એ મફતલાલ સાવ મફતિયો નથી ને?’

ના, ચારસો વીઘા જમીનનો માલિક છે. દીકરીને દહેજમાં દસ લાખનું સોનું આપવાનો એણે વાયદો કરેલ છે. બોલો, બીજું શું જાણવું છે?’
ડફોળ, હજુ તો અડધી જ વાત જાણી છે. તને અહીંથી ઇન્ડિયા મોકલેલો તે તારા એકલાના લગ્નનું પાકું કરવા મોકલ્યોતો? સાથે તારી બહેનને પણ
રવાના કરી છે. બોલ, આપણી લાડકી રીટાનું ક્યાં સુધી પહોંચ્યું છે?’

ડેડ! રીટાનું ચોકઠું પણ જામી ગયું છે. અમદાવાદનો છોકરો છે. લાખોમાં એક છે. કોમ્પ્યૂટર એન્જિનિયર છે. હેન્ડસમ તો એવો છે કે આપણી રીટા તો એની આગળ દાસી જેવી લાગે! પણ એણે આપણી સાધારણ દેખાવની રીટા સામે નથી જોયું, આપણા ખાનદાન સામે, આપણા સંસ્કાર સામે જોયું છે.
મુરતિયાનું નામ?’

રિયાઝ મોહનલાલ પટેલ. અમે તો લગ્નની તારીખો પણ નક્કી કરી રાખી છે. હવે તમે ક્યારે આવો છો?’ જોય હવે એન્જોય કરવા જેવા પ્રસંગની વાત ઉપર આવી ગયો.
બસ, તું તારીખ જણાવ. હું વિમાનની ટિકિટ કપાવું છું. અંબાલાલ પટેલે દીકરાની ઉતાવળનો પડઘો પાડ્યો. એ પછીનું ઘટનાચક્ર ફાસ્ટ ફોરવર્ડની ઝડપે દોડ્યું. અંબાલાલ એમનાં પત્ની મધુબહેનની સાથે પાસપોર્ટની પાંખ ઉપર સવાર થઇને ઇન્ડિયા આવ્યા. ધર્મજમાં એમનું બાપદાદાના વખતનું મકાન હતું એ ખોલાવ્યું. સાફસફાઈ, રંગરોગાન, કંકોતરીઓ, જમણવાર, વરઘોડો કાઢવો અને દીકરો પરણાવવો તેમ જ જમાઈને પોંખીને દીકરીને વળાવવી  આ બધાં કામો પૂરેપૂરા ઉમંગ અને લખલૂટ પૈસો ખર્ચીને પાર પાડ્યાં.
અમેરિકાથી આવેલા લોકોમાં જેમ બનતું રહ્યું છે એવું જ આમાં પણ બન્યું. એક બાજુ લગ્નો પત્યાં, રજિસ્ટર થયાં, હનિમૂન પત્યુંન પત્યું અને અંબાલાલનો પરિવાર પાછો અમેરિકા ભેગો થઈ ગયો. દીકરો જોય અને દીકરી રીટા પણ ઊડી ગયાં. પાછળ રહ્યા જમાઈબાબુ રિયાઝ પટેલ અને પુત્રવધૂ ઝાકળ ગૌરી.
  
ચારછ મહિના નીકળી ગયા. એક વિરહી પુરુષ નામે રિયાઝ પટેલ અને એક વિરહીણી યુવતી નામે ઝાકળ પટેલ, બંનેની અમેરિકા પહોંચવા માટેની વિધિ પૂરજોશમાં આગળ વધી રહી હતી. પાસપોર્ટ,વિઝા, મેડિકલ ચેકઅપ, પોલીસ ઇન્કવાયરી, વેક્સિન્સ, જે કંઈ જરૂરી હતું એ બધાને માટે દોડધામ ચાલતી રહી.
એમાં રિયાઝને તો કશી વિશેષ તકલીફ હતી નહીં, એ પુરુષ હતો અને અમદાવાદમાં રહેતો હતો પણ ઝાકળની તકલીફોનો પાર ન રહ્યો. વારેઘડીએ આણંદથી અમદાવાદ કે આણંદથી મુંબઈ સુધીની દોડધામ કરવી પડે. દરેક વખતે એની સાથે જવા કોણ નવરંુ હોય?

એણે ફોન કરીને રિયાઝને વિનંતી કરી, ‘આપણે એવી કશીક ગોઠવણ ન કરી શકીએ જેનાથી મને...?’
રિયાઝ અડધા વાક્યે સમજી ગયો, ‘કેમ નહીં? કેમ નહીં? આખરે તો તમે મારાં સાળાવેલી છો! તમે એક કામ કરો, જ્યારે તમારે અમદાવાદ આવવાનું થાય ત્યારે મારા ઘરે ઊતરજો. હું તમને સાથ આપીશ. અને મારે જ્યારે મુંબઈ જવાનું થાય ત્યારે હું આણંદથી તમને સાથે લઈ જઇશ. દરેક સર્ટિફિકેટ કે અન્ય કામ બાબતે આપણે બંને સાથે જ રહીશું. તમને તકલીફ ન પડે એ જોવાની મારી ફરજ છે.

બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. રિયાઝ અને ઝાકળ લગભગ ચારપાંચ મહિનાના સમયગાળામાં પંદરવીસ વાર એકબીજાને મળ્યાં હશે. આખોઆખો દિવસ સાથે ગાળવાનું બન્યું. વાતો પણ બીજી શી હોય? હવામાન વિશે, મોંઘવારી વિશે, ક્રિકેટ કે રાજકારણ કે સિનેમા વિશે? આવી ત્રાહિત વાતો ક્યાં સુધી ચાલે?
અંતે વાતનો વળાંક અંગત જીવન તરફ ફંટાઈને ઊભો રહ્યો.
એક માદક સાંજ હતી. સી.જી. રોડ ઉપર આવેલી પ્રખ્યાત રેસ્ટોરાંનો વાતાનુકૂલિત માહોલ હતો. ધીમા પાશ્ચાત્ય સંગીતના સૂરો શરાબના જેવો નશો દિલ અને દિમાગ ઉપર પાથરી રહ્યા હતા. અચાનક રિયાઝ બોલી ઊઠ્યો, ‘ઝાકળ, તમે ખરેખર ખૂબસુરત છો. તમારા વ્યક્તિત્વ આગળ જોય તો સાવ ઝાંખો પડી જાય!
હું જાણું છું. પાઇનેપલ જ્યૂસનો ઘૂંટડો ભરતી ઝાકળ અટકી ગઈ.

તો પછી શા માટે તમે જાત સાથે આટલું મોટું સમાધાન કરવાનું
સ્વીકારી લીધું?’
હું જોય જેવા કદરૂપા મુરતિયાને તો મારી સાથે વાત કરવાની યે છૂટ ન આપું. પણ શું કરંુ? એની પાસે અમેરિકાની સિટિઝનશિપ છે. મારે કોઈ પણ ભોગે અમેરિકા જવું જ હતું. આ દેશનું કોઈ જ ભવિષ્ય નથી... ઝાકળ જાણે એની ઉંમરની હજારો યુવતીઓના મનનો પડઘો પાડી રહી હતી! પછી સહેજ અટકીને એણે રિયાઝને સામો સવાલ કરી નાખ્યો, ‘મારી વાત જવા દો! તમારંુ શું છે?તમને તો ઐશ્વર્યા રાય પણ ના ન પાડે, એવા સોહામણા છો તમે! તમને એ રીટામાં શું દેખાઈ ગયું કે...?’
એ જ જે તમને રીટાના ભાઈમાં દેખાયું! અમેરિકા... અમેરિકા... અને ઓન્લી અમેરિકા...! પણ હું તમારા કરતાં વધારે નિખાલસ છું એટલે એક વાતનો એકરાર કરંુ છું કે જિંદગીભર આ કઢંગા દેખાવની, જાડી, બટકી રીટા સાથે મારી જાતને બાંધી લીધા પછી મને ભારોભાર અસંતોષ તો રહ્યા જ કરવાનો છે. એમાં પણ મારી આસપાસમાં એક ઝાકળ નામની અપ્સરા ઘૂમરાતી હશે ત્યારે તો ખાસ...

રિયાઝ, સાચું કહું? મારી પણ એ જ દશા છે. તમને જોઉં છું અને મારી છાતીમાંથી એક ફળફળતો નિઃસાસો નીકળી જાય છે... કાશ! જોયને બદલે મને તમે મળ્યા હોત...! આવેશમાં આવી જઇને ઝાકળે રિયાઝનો હાથ પકડી લીધો.
  
ચાર મહિનાનો એકધારો સહેવાસ, નિકટતાભરી મુલાકાતો, થોડા નિઃશ્વાસો, થોડાક અફસોસ, બેપાંચ સ્ખલનો અને પછી? એક યોજનાબદ્ધ ગુપ્ત નિર્ણય!
લગ્નના છ મહિના પછી બંને જણાનો અમેરિકા જવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો. અંબાલાલ પટેલે પુત્રવધૂ અને જમાઈ માટેની વિમાનની ટિકિટો પણ ત્યાંથી મોકલાવી આપી. રિયાઝ અને ઝાકળ એક જ દિવસે એક જ વિમાનમાં ઊડીને અમેરિકા પહોંચી ગયા. લોસ એન્જલસના એરપોર્ટ ઉપર એમને રિસીવ કરવા માટે ગાડી લઇને અંબાલાલ, મધુબહેન, જોય અને રીટા હાજર હતાં.

સામાન સાથે વહુ અને જમાઈ બહાર આવ્યાં. પેલી ચોકડી હાથોમાં ફ્લાવર્સ લઇને એમના સ્વાગત માટે થનગની રહી હતી, પણ રિયાઝ પાર્કંિગમાં ઊભેલી ભાડાની ટેક્સી તરફ વળી ગયો. ઝાકળ પણ નણદોઈનું પગલેપગલું દબાવી રહી હતી.
ડાચું ફાડીને ઊભેલા અંબાલાલ પટેલના કાન ઉપર આઘાત બનીને આવેલા રિયાઝના શબ્દો અથડાયા, ‘સૉરી, વડીલ! અમારે ફક્ત અમેરિકામાં ઘૂસવું હતું. બાકી હું રીટા સાથે કે મારી વાઇફ ઝાકળ તમારા પુત્રની સાથે આખી જિંદગી વિતાવી શકીએ તેમ નથી. પણ તમે નિરાશ ન થશો. તમારાં સંતાનો કુંવારા નહીં રહે.ગુજરાતમાં હજી ઘણા બધા છોકરાછોકરીઓ બાકી છે જેમની એકમાત્ર ઇચ્છા આ ડોલરિયા દેશમાં ગમે તે ભોગે ઘૂસી જવાની છે!

1 comment:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો