Add to your favorites

સતત દિનરાત દુનિયાના તમાશા કેમ જોવાતે?
એ સારું છે કે પાંપણસમું એક આવરણ અમને

 દિલ્હીથી રવાના થયેલું વિમાન દક્ષિણપશ્ચિમ દિશા તરફ આગળ વધવા માંડ્યું, એટલે સીટબેલ્ટ છોડતાં છોડતાં સરદાર પરમજિતસિંહે બાજુની બેઠકમાં ગોઠવાયેલા પ્રવાસી સામે નજર કરી, ‘ઓયે, સતશ્રી અકાલ, બાદશાહ...!’

‘નમસ્તે, ભાઈસાહબ.’ પંચાવનની આસપાસના દેખાતા સીધાસાદા સજ્જને શિષ્ટાચારનો પ્રત્યુત્તર આપ્યો. પછી કંઈક રહી ગયું હોય અને અચાનક યાદ આવ્યું હોય એમ ઉમેર્યું, ‘સતશ્રી અકાલ, સરદારજી!’

‘થેન્ક યુ!’ સરદાર ખુશ થયા. દાઢી ઉપર હાથ પસવાર્યો. કાચની બારીમાંથી અદ્રશ્ય થઈ રહેલા ભારતના પાટનગર તરફ જોયું, ન જોયું અને પાછા પડોશી તરફ વળ્યા, ‘કહાં કા રૂખ કિયા હૈ, ભાઈસાહબ? હમ તો અહમદાબાદ જા રહે હૈ.’

‘મૈં ભી અહમદાબાદ હી જા રહા હૂં.’ સજ્જને ટૂંકો જવાબ આપીને એક હિન્દી સામયિક ઉઘાડ્યું. હજુ તો વાંચવાની શરૂઆત કરે, ત્યાં જ એરહોસ્ટેસ આવીને પૂછવા માંડી, ‘વ્હોટ વિલ યુ હેવ, સર? ટી ઓર કૉફી?’ સજ્જને ‘બ્લેક કોફી’નો ઓર્ડર આપ્યો. 

સરદારજીએ ઓર્ડરની સાથે ફરિયાદ પણ કરી, ‘આપ લોગ તીસરા ઓપ્શન તો દેતે નહીં હૈ! વૈસે યે વક્ત હમારે લિયે વ્હિસ્કી પીનેકા હૈ, લૈકિન ક્યા કરેં? ડોમેસ્ટિક ફ્લાઇટ મેં શરાબ કહાં મિલતા હૈ? ઠીક હૈ, જૈસી આપ કી મરજી! જો ભી દેંગે, હમ પી લેંગે.’ છોકરી મુસ્કુરાઈને ચાલી ગઈ.

સરદારજી બોલવાની છૂટવાળા લાગ્યા. બાઈ ગઈ તો પાછા ભાઈને પકડ્યા

‘બિઝનેસ કે લિયે જા રહે હૈ ગુજરાત મેં?’ ‘કુછ ઐસા હી સમજો.’ સજ્જનને વાત કરવામાં ખાસ દિલચશ્પી હોય એવું લાગતું ન હતું. ‘બિઝનેસ તો હમ કર રહે હૈ. બસ, પૂછો મત કિ ક્યા બિઝનેસ કર રહે હમ? બસ, યે સમજ લો કિ ગુજરાત એક ગાય હૈ ઔર હમ દૂધ કી જગહ ઉસ મેં સે પૈસે નિકાલ રહે હૈ. અબ યે મત પૂછના કિ વો કૈસે...?’  સજ્જન ઔપચારિકતા જેવું હસ્યા. એમને રસ મેગેઝિનના એડિટોરિયલમાં હતો, પણ સરદારજી ફિલ્મ ‘શોલે’ની બસંતીનાં સગા ભાઈ જેવા હતા. એમને કશું પણ પૂછવાની જરૂર જ ક્યાં હતી. વગર પૂછ્યે એમણે ધંધાની એટલે કે ગોરખધંધાની વાત ઓકવા માંડી.

તો ગુજરાતમાં એમનો ગોરખધંધો આ હતો તાજેતરના વરસોમાં જે કેટલીક મેડિકલ કૉલેજો ફૂટી નીકળી છે, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વાંધા છે. આ હકીકત છાંપાઓ દ્વારા હવે તો આમજનતા પણ જાણી ચૂકી છે. આ કૉલેજોમાં અધ્યાપકોની ભારે તંગી છે. આ વાત જો મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા સુધી પહોંચે તો જેતે કૉલેજની માન્યતા રદ થઈ જાય. વર્ષમાં એકાદ વાર ‘એમ.સી.આઈ.’ તરફથી વરિષ્ઠ ડૉક્ટરોની ટુકડી આવી કૉલેજોની મુલાકાત પણ લેતી હોય છે. અને ત્યાંના શૈક્ષણિક માળખાની જાતતપાસ કરીને એનો ખાનગી અહેવાલ કાઉન્સિલને લખી જણાવતી હોય છે. આવી કૉલેજો પણ આવી તપાસટુકડીને અંધારામાં રાખવા પોતાના તમામ પ્રયાસો કરી છૂટતી હોય છે.

આવો એક પ્રયાસ એટલે સરદાર પરમજિતસિંહ. એમના જ શબ્દોમાં આ વાત જાણીએ.  ‘મૈં ડૉક્ટર હૂં. પટિયાલા મેં મેરી પ્રાઇવેટ પ્રેક્ટિસ ચલ રહી હૈ. ઠીક હૈ. દાલરોટી કમા લેતા હૂં. લૈનિક અસલી મલાઈ તો ગુજરાત મેં હૈ. વહાં કે એક શહર કી મેડિકલ કૉલેજ મેં મૈં ડીન હૂં. ઓન્લી ઓન પેપર! સાલ ભર મેં સિર્ફ દો દિન કે લિયે જાતા હૂં. જબ મેડિકલ ટીમ ઇન્સ્પેક્શન કે લિયે આતી હૈ, તો ડીન કી કુર્સી મેં મુજે પાતી હૈ. બસ, બાત ખત્મ. મૈં અપની કિંમત લેકર નિકલ જાતા હૂં. સાલ ભરકે રજિસ્ટર મેં સહી કરને કા મેરા ચાર્જ ડેઢ લાખ રૂપીયા હૈ. ફ્લાઇટ મેં આનેજાને કા ટિકટ ઔર ખાનાપીના અલગ સે. મગર એક શિકાયત જરૂર હૈ, ગુજરાત મેં ખાના તો અચ્છા હૈ, લૈકિન પીને કા થોડા પ્રોબ્લેમ હૈ...! આપ કભી શરાબ પીતે હૈ, યા નહીં?’

‘બ્લેક કોફી, સર!’

સજ્જન સરદારજીના સવાલનો જવાબ વાળે એ પહેલાં જ એરહોસ્ટેસે આવીને એમને વાતચીતમાંથી ઉગારી લીધા. સરદારજીની ઇચ્છા તો હજીયે બકબક કરવાની હતી, પણ પેલા સજ્જન કૉફી પીધાં પછી તરત જ નસકોરાં બોલાવવાં માંડ્યા. ખરેખર? કે પછી ડોળ કરતા હશે? વાહે ગુરુજી જાણે! 

અમદાવાદથી ચાર કલાકના બસ રસ્તે આવેલા એક જાણીતા શહેરની નવી બંધાયેલી મેડિકલ કૉલેજમાં આજે જાણે મોટા ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો. સ્થાનિક તબીબોને બે દિવસ પૂરતા મેડિકલ કૉલેજના અધ્યાપકો તરીકે બોલાવી લેવામાં આવ્યા હતા. બે દિવસનો પગાર દસથી બાર હજાર રૂપિયા ઠરાવાયો હતો. દેખાવ એવો કરવાનો હતો કે આખું વરસ જાણે કૉલેજમાં જ નોકરી કરતા હોય! આખી કૉલેજ અને હોસ્પિટલ ફિનાઇલનું પોતું મારીમારીને સાફ કરી દેવામાં આવ્યાં હતાં. વર્ષભર કાગડા ઊડતા હોય એ હોસ્પિટલના દરેક વોર્ડની તમામ પથારીઓ અત્યારે દર્દીઓથી ઊભરાઈ રહી હતી. ગામના ભિખારીઓને પકડીપકડીને પથારીમાં સુવડાવી દીધા હતા. દરેકનો સોસો રૂપિયાનો રોજ ઠરાવાયો હતો!  બરાબર દસ વાગતામાં તો ડીનસાહેબ પણ આવી પહોંચ્યા.

પાટિયાલામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉ. પરમજિતસિંહ આહલુવાલિયા દિલ્હીથી અમદાવાદ સુધી વિમાનમાં અને અમદાવાદથી બીજા દિવસની સવારે નીકળીને ખાનગી કારમાં એમની બે દિવસની ‘નોકરી’ના સ્થળે આવી પહોંચ્યા. છેક પટિયાલાના ડૉક્ટરને ડીન તરીકે બોલાવવા પાછળનો આશય એક જ હતો કે સ્થાનિક લોકો એમના સગડ શોધી ન શકે. ઇન્સ્પેક્શન માટે આવતી ટુકડીને કોઈ ચાડી ફૂંકી દે તો ભારે ઉપાધિ થઈ જાય! ટીમ આવી. એક પછી એક વિભાગની ચકાસણી શરૂ થઈ. દરેક ડિપાર્ટમેન્ટ સ્ટાફથી અને સુવિધાઓથી છલકાઈ રહ્યો હતો. કૉલેજના સંચાલકો એકબીજા સામે જોઈને આંખો મીંચકારતા હતા. બધું યોજના પ્રમાણે જ આગળ ધપી રહ્યું હતું. 

આખરે ટુકડીના સભ્યો કોન્ફરન્સ રૂમમાં પધાર્યા. દરેક ડૉક્ટરે ખુરશીમાં જગ્યા લીધી. ટુકડીના કેપ્ટન તરીકે ડૉ. ખુરાના હતા. અત્યંત પ્રામાણિક તેમજ કડક હતા. એમણે સંચાલકોને આદેશ આપ્યો  ‘નાઉ કોલ ધી ડીન! વી વોન્ટ ટુ આસ્ક હીમ એ ફ્યુ ક્વેશ્ચન્સ!’ ‘અભી આતે હૈ, સર! વૈસે તો ઉન કો આપ કે સાથ હી રહેના ચાહિયે, લૈકિન વો અપને કામ મેં ઇતને વ્યસ્ત હૈ...ઔર ઇમાનદાર ભી ઇતને હૈ કિ....આપ આયે હૈ ફિર ભી વો અપની ઑફિસ મેં હી....’ સંચાલક બોલતા રહ્યા. ત્યાં જ પટાવાળાની પાછળપાછળ ડીનસાહેબે ખંડની અંદર પ્રવેશ કર્યો. ‘ગુડ મોર્નિંગ, સર! ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ! આઈ એમ ડૉ. પરમજિતસિંહ ફ્રોમ પટિયાલા. વી આર મિટિંગ ફોર ધી ફર્સ્ટ ટાઇમ....’ ખુશ ખુશાલ ચહેરે બોલવાની શરૂઆત કરી રહેલા સરદારજી એકાએક સાપ જોયો હોય એમ સ્તબ્ધ થઈ ગયા. સામે બેઠેલી ટુકડીમાં એક શખ્સ એવો હતો જેમને એ મળી ચૂક્યા હતા....વિમાનમાં! એ સજ્જન હતા ટુકડીના આગેવાન ડૉ. ખુરાના!! (શીર્ષક પંક્તિ  ‘બેફામ’)  

1 comment:

Nandkishor said...

Aava din log to khoob j vadhi gaya, Pela sajjan jeva pramanik officer kyan gotva?

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો