સંયમને મજા પડી ગઈ. એણે આંખો ખેંચીને એ મધરાતની મેનકાનો ચહેરો ઓળખવાનો પ્રયત્ન કર્યો, પણ એ તો ચાલી ગઈ હતી.સવારે ઊઠીને પહેલું કામ સંયમે રાતની ઘટનાનું ‘એક્શનરિપ્લે’ કરીને જોવાનું કર્યું. બાવીસ વર્ષના બળદિયામાં એટલી તો બુદ્ધિ હતી કે જેથી આ ઘટના પાછળનો આશય એ સમજી શકે. અડધી રાતે જે ચૂપચાપ આવીને આમ બ્લેન્કેટ ઓઢાડી જાય એ સ્ત્રી જો આધેડ ઉંમરની હોય તો એનું નામ મમતા હોઈ શકે અને જો જુવાન હોય તો મહોબ્બત. સંયમને ખબર હતી કે મા તો ઝાંઝર પહેરતી નહોતી એટલે હવે ચહેરો ઓળખવો હોય તો ચરણ ઓળખવા જરૂરી હતાં.ઘરમાં પ્રસંગ હતો એટલે મહેમાનો પણ હતા. સંયમે અડધા કલાકમાં પગેરુ શોધી કાઢ્યું. મમ્મી, માસી, બે કાકીઓ, ત્રણ બહેનો, બે ફોઇઓ, ભત્રીજીઓ, ભાણેજડીઓ; આમાંથી ઝાંઝર તો સાતેક જણીઓએ પહેરેલાં હતાં, પણ એણે જે અનુભવી હતી એ લાગણીનું નામસરનામું એકેયમાં નહોતું. છેવટે એની નજર માસીની નણંદ ઉપર ઠરી. સમીરા એનું નામ. યુવાન, ખૂબસૂરત અને કુંવારી.
એકાંત મળતાં જ સંયમે પૂછી લીધું, ‘રાત્રે તમે હતાં?’
‘હા, કેમ? કંઈ ગુનો થઈ ગયો?’ સમીરાએ પટપટતી પાંપણોમાંથી ભોળપણ ખેરવ્યું, ‘મારાથી તમારા ઓરડામાં ન અવાય?’
‘અવાય તો ખરુ, પણ આમ પાછા ચાલ્યા ન જવાય! એટલું તો જોવું જોઇએ ને કે ઠંડીથી થરથરતા બાપડા જુવાન માણસને એકલા બ્લેન્કેટની હૂંફ ઓછી તો નથી પડતી ને?’
સમીરાએ છણકો કર્યો, ‘સાવ પુરુષ છો, તદ્દન બેશરમ...!’
‘અને તમે નખશીખ સ્ત્રી છો. પ્રભાતના પહેલા કિરણ જેવા સુંદર અને પૂજાનાં ફૂલ જેવાં પવિત્ર!’ સંયમ જાણે અફીણના ઘેનમાં બબડતા હોય એમ બોલી ગયો.
ઘરમાં શુભપ્રસંગ હતો જે ત્રણ દિવસ સુધી ચાલવાનો હતો. સંયમ અને સમીરા આ ત્રણ દિવસમાં અત્યંત નિકટ આવી ગયાં. ભીડના ખજાનામાંથી એકાંત નામનું રત્ન કેવી રીતે ચોરી લેવું એ આવડત પ્રેમીજનોમાં જન્મજાત રહેલી હોય છે. છૂટાં પડવાની આગલી રાતે અંધકારથી નહાતી અગાશીમાં બંને જણાં ક્યાંય સુધી બેસી રહ્યાં. હાથમાં હાથ પકડીને પ્રેમની મધુર વાતો માણતાં રહ્યાં. છેક લગ્ન કરવા સુધીનું આયોજન પાક્કું થઈ ગયું.
રાતે અઢી વાગ્યે છૂટાં પડતી વખતે સંયમ સહેજ વાર પૂરતો સંયમ ચૂક્યો. સુંદરતાની મૂર્તિ જેવી સમીરાના હોઠ ચૂમવા માટે ઝૂક્યો, ન ઝૂક્યો અને પછી તરત જ અટકી ગયો. સમીરા પોતે પણ રાજી હતી એટલે જ એણે પૂછી નાખ્યું, ‘કેમ, શું થયું?’
સંયમ હસી પડ્યો, ‘ઉતાવળ નથી કરવી...! લગ્ન થવાના જ છે ને? સાંભળ્યું છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે.’
સંયમ અને સમીરા વચ્ચે બોલાયેલો એ અંતિમ મીઠો સંવાદ હતો. પછીનો ઘટનાક્રમ એ વાત સાબિત કરવાનો હતો કે ધીરજનાં ફળ ક્યારેક માઠાં પણ હોય છે.
લગ્ન શક્ય ન બન્યું. બંનેના પરિવારજનોનો વિરોધ નડી ગયો. જૂના વાંધાવચકા અને નાનાનાના મનમુટાવ ભીંગડાં ઊખળ્યાં પછીના જખમની જેમ તાજા બનીને સામે આવી ગયા. સંયમે એક પુરુષ કરી શકે એ તમામ પ્રયત્નો કરી જોયા. માબાપની વિરુદ્ધ બળવો પોકાર્યો. બે મિત્રોની સાથે મારુતિ વેનમાં જઇને સમીરાને ભગાડી જવાનું કાવતરુ પણ કરી જોયું. સમીરા કોલેજમાં જતી હતી, ત્યાં રસ્તામાં તેને આંતરી, ‘બેસી જા ગાડીમાં. ભગવાન પણ આપણને શોધી નહીં શકે.’
પણ એના પ્રચંડ આઘાત વચ્ચે સમીરા કાચી પડી, ‘ના સંયમ! મારે ભાગીને તારી સાથે લગ્ન નથી કરવા. મારા પપ્પાની આબરૂનું શું?’
‘હું ખાતરી આપું છું કે તારાં પપ્પામમ્મી ચોવીસ કલાકમાં માની જશે.’
પણ સમીરા કશાક ગૂંચવાડામાં જણાતી હતી, ‘ના, સંયમ! મેં... મને... હું... તને...’
સંયમ સમજી ગયો કે એનો પોતાનો સિક્કો જ ખોટો છે. જેને એ રાણી છાપ રૂપિયો સમજ્યો હતો એ સાવ બોદો નીકળ્યો! એણે સમીરાનો હાથ છોડી દીધો. પછી જમીન ઉપર જોરથી થૂંકયો, ‘હાક...થૂ...! આજે એક વાત શીખ્યો, સ્ત્રી જાતિનો કદીયે વિશ્વાસ ન કરવો!’ પછી સમીરાની દિશામાં નજર પણ ફેંક્યા વગર એ ગાડીમાં બેસી ગયો. ગાડીએ દિશા શું બદલી, સંયમની જિંદગીની દિશા પણ એ સાથે જ બદલાઈ ગઈ.
ભગવાન પણ જબરો કરામતી છે. એની પાસે દરેક મનુષ્ય માટે માપેલા સંસારનો એક નિશ્ચિત ટુકડો રહેલો હોય છે. સંયમ માટે પણ એની તિજોરીમાં એક કન્યા હતી, એક આયોજનબદ્ધ લગ્ન હતું, એક સમાધાનપૂર્ણ સંસાર હતો.
માબાપે ચીંધી એ છોકરી જોડે સંયમ ગંઠાઈ ગયો. હૃષ્ટપુષ્ટ, ગામડાની ઓછું ભણેલી, એનાથીયે ઓછું ગણેલી, ઘરકામમાં પાક્કી અને વરકામમાં કાચી એવી એક સુકન્યા સાથે એ પરણી ગયો. તનમેળ તો બે શરીરો વચ્ચે રચાતી બાયોલોજીનું નામ છે એટલે એ મેળ તો બેસી ગયો, પણ મનમેળ ક્યારેય ન રચાયો.
લગ્નની પહેલી જ રાતે એ જાડી બુદ્ધિની જાડી સ્ત્રીએ સંસારની શરૂઆત આ સવાલ સાથે કરી, ‘દુર્લભજી જેરામની છોકરી સાથે તમારે લફરુ હતું એવું મેં સાંભળ્યું છે. સાચી વાત?’
સંયમ શો જવાબ આપે? અને પછી લગ્નજીવનની એક પણ રાત એવી નહીં ગઈ હોય જ્યારે આ કર્કશા પત્નીએ પતિનો ભૂતકાળ ખોદવાની કોશિશ ન કરી હોય. અને દરેક વખતે ઝઘડાનો અંત આ સવાલથી જ આવતો, ‘એવું હતું તો પછી શા માટે મારી સાથે પરણ્યા? કરવા હતાને લગ્ન તમારી એ સગલી સાથે!’ આ જ સવાલ તો સંયમને પોતાને પણ કોતરી ખાતો હતો. શા માટે લગ્ન ન થઈ શક્યાં સમીરાની સાથે? કોને પૂછવો આ પ્રશ્ન? ભગવાનને? કે પછી ખુદ સમીરાને?
ન ભગવાન મળ્યા, ન સમીરા. પણ મળી ગઈ અર્ચના, એ પણ દસ વર્ષ પછી. સમીરાની એ ગાઢ બહેનપણી દિલ્હીમાં એક સેમિનારમાં સંયમને ભટકાઈ ગઈ. એ પણ એક જાણીતા બિઝનેસ હાઉસનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. નામ જાણીને સામે ચાલીને મળવા માટે આવી.
‘તમારુ જ નામ સંયમ સુખડિયા?’
‘હા, તમે?’
‘મારુ નામ અર્ચના પંડિત છે, પણ નામ જાણીને શું કરશો? મારી ઓળખ આપું? હું સમીરાની ફ્રેન્ડ છું.’
સમીરાનું નામ સાંભળીને સંયમનું મોં કડવું બની ગયું, ‘કોણ સમીરા? પેલી દગાબાજ?’
‘ના, તમને સાચો પ્રેમ કરતી મૂર્ખ સમીરા.’
‘જો એ મને સાચો પ્રેમ કરતી હતી તો પછી લગ્ન માટે તૈયાર કેમ ન થઈ?’
‘મેં કહ્યું ને કે એ મૂર્ખ હતી, માટે...!’ અર્ચનાએ જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો, ‘વાત એમ બની કે સમીરા જ્યારે તમારા ગળાબૂડ પ્રેમમાં હતી અને ઘરેથી ભાગી જઇને પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર હતી એ અરસામાં એક વિચિત્ર બનાવ બની ગયો. સમીરાનાં નાની એટલે કે મમ્મીનાં મમ્મીને આખા શરીરે કોઢ હતો જ, બરાબર એ જ અરસામાં સમીરાની મમ્મીના શરીર ઉપર પણ સફેદ ડાઘે દેખા દીધી. સમીરાને વિશ્વાસ બેસી ગયો કે એ પોતે પણ ભવિષ્યમાં...! એ તમને એ હદે પ્રેમ કરતી હતી કે એ નહોતી ઇચ્છતી કે તમારી પત્ની લ્યુકોડર્માવાળી હોય અને ભવિષ્યમાં તમારાં બાળકોને પણ આ બીમારી લાગુ પડે! એટલે એણે પીછેહઠ કરી...’
સંયમે માથું પકડી લીધું. એ પોતે વૈજ્ઞાનિક અભિગમનો માણસ હતો. એ લ્યુકોડર્માને બીમારી તરીકે સ્વીકારતો જ નહોતો. નિરોગી ચામડીવાળી વર્તમાન પત્ની કરતાં એને સફેદ દાગવાળી સમીરા વધારે પ્રિય હતી. થોડીવાર પછી એ હોશમાં આવ્યો, ‘કેમ છે સમીરાને? એના ડીલ ઉપર સફેદ ડાઘ દેખાયો ખરો?’
‘ના, હજુ સુધી તો નહીં. અને એણે લગ્ન પણ હજુ સુધી તો નથી કર્યાં!’ અર્ચનાએ ખેદભર્યા સ્વરે આખરી સમાચાર આપ્યા, ‘સમીરાની મમ્મીને પણ સમયસરની સારવારથી હવે સારંુ છે. એની ચામડી પણ પહેલાંની જેવી જ બની ગઈ છે.’
(સત્યઘટના)
શીર્ષક પંક્તિ: કિરણ ચૌહાણ
No comments:
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ