Add to your favorites

શ્રધ્ધાનો હોય સવાલ તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાય ખુદાની સહી નથી!!!


આ શરે ચાલીસેક વર્ષ પહેલાંની ઘટના છે. ગર્ભપાતને માન્યતા આપતો સરકારી કાયદો હજુ ઘડાયો ન હતો. (એ કાયદો છેક ૧૯૭૧માં અમલમાં આવ્યો.)

ડૉ. પલ્લવી શેલત અમદાવાદના બાહોશ સ્ત્રીરોગ વિશેષજ્ઞ. એમનાં ખાનગી ક્લિનિકમાં બેઠાં હતાં, ત્યાં સન્મુખરાય નાયક એમને મળવા માટે આવ્યા. જૂના સંબંધો. મૂળ તો દર્દી. આખું કુટુંબ ડૉક્ટરનું ઘરાક. સન્મુખરાયના બહોળા પરિવારમાં તમામ સ્ત્રીઓની પ્રસૂતિઓ ડૉ. પલ્લવીબહેનનાં હાથે જ થાય. ડૉક્ટર અને દર્દી વચ્ચેનો નાતો બહુ વિશિષ્ઠ હોય છે, બેપાંચ વર્ષની વફાદારી પછી એ સંબંધ પારિવારિક બની જતો હોય છે.

આવો, સન્મુખભાઈ! બેસો.ડૉ. પલ્લવીબહેન ખૂબ બધા પેશન્ટ્સ તપાસીને માંડ પરવાર્યાં હતા. સન્મુખરાય યોગ્ય સમયે આવ્યા હતા. ડૉક્ટરને પણ કૉફી પીવાની તલબ ઉપડી હતી. એટલે એમણે સિસ્ટરને સૂચના આપી જ દીધી, ‘જશીબહેન, બે કપ કૉફી બનાવો!પછી મહેમાન તરફ જોઈને પૂછી લીધું, ‘ચાલશે ને કૉફી? કે પછી તમારા માટે ચા...?’
મારે તો ચા પણ નથી પીવી ને કોફી પણ...! હું તો તમારી સલાહ લેવા આવ્યો છું!સન્મુખરાયના ચહેરા ઉપર ઘેરી ચિંતાના શ્યામલ વાદળો ઘેરાયેલા જોઈ શકાતા હતા.

ડૉ. પલ્લવીબહેને સિસ્ટરને કૉફી માટેનો ઇશારો કરી દીધો. પછી ગંભીરતાપૂર્વક પૂછ્યું, ‘આજે કેમ આટલા બધા દુઃખી જણાવ છો? માધવીબહેનની તબિયત તો સારી છે ને?’
માધવીને હવે આ ઉંમરે શું પથરા પડવાના હતા? પણ...એ નીચું જોઈ ગયા, ‘આપણી અવંતિકાએ કુટુંબનું નાક વાઢી નાખ્યું!
અવંતિકા એટલે સન્મુખરાય અને માધવીબહેનની દીકરી. પરી જેવી ખૂબસૂરત અને પૂર્ણિમાના ચાંદ જેવી જુવાન. પૂર્ણવિકસિત. તાજી જ ગ્રેજ્યુએટ થયેલી. છ મહિના પહેલાં જ એની સગાઈ પણ કરી દેવામાં આવેલી. છોકરો પણ સારા ઘરનો. પૈસાદાર અને સંસ્કારી. તેજસ એનું નામ. સગાઈ વખતે ડૉ. પલ્લવીબહેનને પણ આમંત્રણ હતું.

ડૉ. પલ્લવીબહેન ગાયનેકોલોજિસ્ટ હતાં, સ્ત્રી અને પુરુષની શારીરિક ભાષાને ઉકેલી જાણનારાં હતાં. કામદેવ અને રતિનાં ગુપ્ત સંચલનો સમજી શકતાં હતાં. એટલે લાંબી લપ્પનછપ્પનમાં પડ્યા વગર સીધી મુદ્દાની વાત જ વાત એમણે પૂછી નાખી, ‘પ્રેગ્નન્સી?’
હા.સન્મુખરાય નાયક અનાવિલ બ્રાહ્મણ હતા. તામસી પ્રકૃતિ એ એમનો જ્ઞાતિસહજ સ્વભાવ હતો, ‘શું કરુ, બહેન? મારુ ચાલે તો છોકરીનું ગળું ઘોંટી દઉં! પણ એની મા વચ્ચે પડી, નહીંતર...

સન્મુખભાઈ! મરવામારવાની વાત કરવી હોય તો મારી પાસે નહીં આવવાનું! આ અમદાવાદ છે, તમારુ ઓલપાડ નહીં!
સન્મુખરાયનો આવેશ ઓસરી ગયો. જરાક શાંત પડીને એ બોલ્યા, ‘બહેન, એટલે તો તમારી પાસે આવ્યો છું. મારી દીકરીને જીવાડી આપો. એનું ભવિષ્ય તમારા હાથમાં છે, બહેન!સન્મુખરાય રડી પડ્યા.

પણ આમાં તમારી દીકરીને જીવાડવાનો સવાલ જ ક્યાં આવ્યો? અવંતિકા જીવતી જ છે ને!
તમે સમજ્યા નહીં, મારુ એવું કહેવું છે કે તમે એનો ગર્ભ પાડી આપો!સન્મુખરાયે ધડાકો કર્યો. ધડાકો એટલા માટે કે એ જમાનામાં આપણા દેશમાં ગર્ભપાત કરવો કે કરાવવો એ કાયદાનો ભંગ ગણાતો હતો. જોકે એનો એવો અર્થ હરગિજ નથી કે એ વખતે ગર્ભપાતો થતા ન હતા. ગુજરાતમાં દારૂબંધી હોવાં છતાં પણ દારૂ પીવાય જ છે ને? જેવું શરાબની બાબતમાં ચાલી રહ્યું છે એવું જ ગર્ભપાત બાબતે ચાલતું હતું. ગેરકાનૂની હોવાને કારણે કોઈ સારા, હોશિયાર, ડિગ્રીધારી ડૉક્ટર એ ઝંઝટમાં પડતા ન હતા, પરિણામે બિનકુશળ, ડિગ્રી વગરના, લેભાગુ ઊંટવૈદોને ઘીકેળાં હતા. આવા જ એક કુખ્યાત ડૉક્ટર અમદાવાદમાં પણ બિરાજમાન હતા જ. એ માત્ર એબોર્શન્સ દ્વારા લખપતિ બન્યા હતા.

ડૉ. પલ્લવીબહેને સન્મુખરાયને સમજાવ્યા, ‘‘જુઓ, મારી પાસે એક જ સલાહ છે અને એ કાયદા અનુસારની છે, તમે તમારી અવંતિકાને બેચાર દિવસમાં જ પરણાવી દો! તેજસકુમારને ખબર જ હશે કે આ બાળક એમનું છે. લગ્ન પછી સાતમા મહિને સુવાવડ થશે, તો હું બેઠી છું બધાંને જવાબ આપવા! પણ ગર્ભપાત ન તો હું કરી આપીશ, ન બીજા દ્વારા કરાવી લેવાની સલાહ આપીશ.’’

સન્મુખરાય જાણે ડૉક્ટરની વાત માની ગયા હોય એમ ખામોશ થઈ ગયા. થોડીવાર બેઠા. આડીઅવળી વાતો કરી. પછી કૉફી પીને રવાના થઈ ગયા.
આ ઘટનાના પાંચમા દિવસે ડૉ. પલ્લવીબહેનનાં ઘરે ફોન રણક્યો. મધરાતનો સમય હતો. નર્સંિગહોમમાંથી નર્સનો ફોન હતો. ગભરાયેલા અવાજમાં બોલી રહી હતી, ‘મેડમ, જલદી આવો! સન્મુખભાઈ એમની દીકરીને લઈને આવ્યા છે!
શા માટે આવ્યા છે? મેં ના તો પાડેલી...
એ બધુંય પછી! એક વાર તમે આવો તો ખરાં!

નર્સના બોલવામાં રહેલી અર્જન્સીપારખીને ડૉ. પલ્લવીબહેન નીકળી પડ્યાં. મારતી ગાડીએ નર્સિંગહોમમાં પહોંચ્યાં. દવાખાનામાં પગ મૂક્યો ત્યાં જ એક ખાસ પ્રકારની ભયાનક દુર્ગંધે એમને ચોંકાવી દીધાં. આ દુર્ગંધ તો કોઈ દર્દીને સેપ્ટિસિમિયા થયું હોય ત્યારે આવે એવી હતી! વેઇટિંગ રૂમમાં પડેલી પાટ ઉપર અવંતિકા સૂતી હતી! ડૉક્ટરે એની પાસે જઈને એનું કાંડુ પોતાના હાથમાં લીધું. ઠંડા હાથની હીમ જેવી શીતળતા એમને થથરાવી ગઈ. પલ્સતપાસવા માટે એમણે ફાંફા માર્યા, પણ પલ્સચાલતી હોય તો પકડાય ને?

સન્મુખભાઈ, આખરે દીકરીનો પ્રાણ લીધો ને તમે? મેં ના પાડી હતી ને કે તમે કોઈ ઊંટવૈદ પાસે જઈને એબોર્શન ના કરાવશો! ડૉક્ટરના ચહેરા પર નારાજગી હતી.
બહેન, તમને ખબર પડી ગઈ કે અમે એને...?’
પડી જ જાય ને! મને તો એ ખબર પણ પડી ગઈ કે તમે કોની પાસે ગયા હતા! એ ડૉક્ટરે અત્યાર સુધીમાં બેથી ત્રણ હજાર સ્ત્રીઓની જિંદગી ખરાબ કરી હશે. એમાં આ એકનો ઉમેરો થયો...!

(અવંતિકાના મંગેતરે એ પછી અવંતિકાની નાની બહેન સાથે લગ્ન કરી લીધાં. આજે એ બંને સુખી છે. આ કિસ્સો એવા લોકો માટે છે જે કાયદેસર કરવામાં આવતાં ગર્ભપાતને પણ પાપ સમજે છે. જો આજે આ કાયદો ન હોત તો ભારતની વસતી કદાચ બસો કરોડને આંબવા આવી હોત! અથવા તો હજારો અવંતિકાઓ આજે પણ મરી રહી હોત!)
શીર્ષક પંક્તિ: રાશીપ શાહ

No comments:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો