Add to your favorites

ચારે બાજુ મૃગજળનાં કૈં ટોળાં રે માણસ ક્યાં?
ખાલી ખાલી પિંજરના કૈં ઓળા રે માણસ ક્યાં?


ભાઈઓ ને બેનો!આટલું બોલીને બિજલભાઈ અટકી ગયા. થાક લાગે એટલે થોભી જવું એ એમનો જીવનમંત્ર હતો. આટલું સંબોધન સારી રીતે અને સ્પષ્ટ ઉચ્ચારો સાથે બોલી શકાય એ માટે છેલ્લા પંદરપંદર દિવસથી એ પ્રેક્ટિસ કરતા આવ્યા હતા.

નાતના આગેવાન એટલે બોલવું તો પડે જ. મૂળ શું કે આખી જ્ઞાતિ જ અભણ. એકલા બિજલભાઈ બે ચોપડી પાસ. એટલે પછી ચૂંટાવા  બુંટાવાની માથાઝીક જ ક્યાં આવી? આપોઆપ સર્વાનુમતે બિજલભાઈ જ જ્ઞાતિના પ્રમુખ. ભાઈઓ ને બેનો... અને વડીલો તથા વહાલાં બાળકો, તમને હંધાયને ખબર સે કે આજે આપણે શેના હાટુ ભેળા થ્યાં સૈંયે.

મને એ જણાવતાં આનંદ થાય સે કે મા મેલડીની કીરપાથી આપણી જ જ્ઞાતિનો એક જુવાન નામે વિરમ સુરાજી દાગતર થઈ ગ્યો સે. દાગતર એટલે પાસો નાનો નહીં! હંધાયથી મોટો દાગતર! વાઢકાપ કરે એવો. અલ્યા, તાળીયું તો પાડો.બિજલભાઈએ તાળીઓ ઘરાવી.

બોલવામાં વધારે તો શું હોય! અભણ, વિગડાઉ જ્ઞાતિનો એક દીકરો ભણીગણીને એમ.બી.બી.એસ. થાય, એમ.એસ.ની ડિગ્રી મેળવે અને પોતાનું નર્સંિગ હોમ શરૂ કરે એના જેવો રૂડો પ્રસંગ જ્ઞાતિજનો માટે બીજો કયો હોઈ શકે? બિજલભાઈએ પોતાને જેટલાં આવડતાં હતાં એ તમામ ઉપમા, રૂપક અને અતિશયોક્તિ અલંકારો ગૂંથીગૂંથીને ભાષણનો નવલખો હાર તૈયાર કર્યો અને ડૉ.વિરમ માટે વાપરી પણ નાખ્યો.

પછી શ્રોતાઓના ગગનભેદી શોરગુલ વચ્ચે એમણે ડૉક્ટરનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. જ્ઞાતિ એમની પડખે જ ભી છે એ વાતની હૈયાધારણા આપી અને વાતવાતમાં એટલું પણ જાહેર કરી દીધું કે ડૉ.વિરમભાઈ પાસે પૈસાની સગવડ ન હતી,

એટલે જ્ઞાતિના સુખી બંધુઓએ દસવીસ હજારની મદદ કરીને નર્સિંગ હોમ ભું કરી આપવામાં અમૂલ્ય યોગદાન આપી બતાવ્યું છે, એ વાતનો બદલો ડૉ.વિરમભાઈ જ્ઞાતિજનોની સારવાર નજીવા દરે કરીને ચૂકવી આપશે એવી આશા અસ્થાને નહીં ગણાય.

અલબત્ત, આ બધું બિજલભાઈએ એમની ભાષામાં અને સામે બેઠેલા ફાળિયા, ચોળણી અને કેડિયાધારી મહાનુભાવોસમજી શકે એવી જબાનમાં કહી બતાવ્યું.
ડૉ. વિરમે પણ જ્ઞાતિનાં સર્વ ગરીબ ભાઈબહેનો માટે વચનોનો વરસાદ વરસાવ્યો. સમારંભ સમાપ્ત. ભોજન શરૂ.

તમને થશે કે આ સમારંભની એકેએક, ઝીણીઝીણી વિગતની મને ક્યાંથી ખબર પડી? તમારી શંકા લાખ રૂપિયાની અને સવાલ સવા લાખનો. હું ત્યાં હાજર ન હતો. પણ જે ડૉક્ટર મિત્રો હાજર હતા, જેઓ ડૉ.વિરમના નિકટના મિત્રો ને સહકાર્યકરો હતા એમણે મને આ બધી વાત કહી સંભળાવી. વાસ્તવમાં આ બધો ત્રાગડો ડૉ. વિરમે જ ગોઠવી કાઢ્યો હતો. મોટી રકમનું મૂડીરોકાણ કરીને દવાખાનું ભું કર્યું હોય ત્યારે ખર્ચાપાણી તો કાઢવા પડેને?

આ સન્માનસમારંભને બહાને નાતમાં એનો પ્રચાર થાય અને અબુધ, અભણ જ્ઞાતિજનો એને ત્યાં સારવાર માટે આવતાં થાય એ એનો મુખ્ય આશય. એના ડૉક્ટર મિત્રોમાં એક હતા પેથોલોજિસ્ટ અને એક હતા એનેસ્થેટિસ્ટ, જે બંને ડૉ. વિરમની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ગાઢ રહી તે સહયોગ આપવાના હતા.

અને એક સુંદર સવારે, શુભ દિન ને શુભ ઘડીએ, એક સંતના આશીર્વાદ અને મંગલદીપના ઉજાસ સાથે ડૉ. વિરમ સુરાભાઈના સર્જિકલ નર્સિંગ હોમનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ભયંકર ઇમરજન્સી કેસ. આઠ વર્ષનું બાળક. માબાપનો એકનો એક દીકરો. હૈયાનો હાર અને આંખનું રતન. અચાનક વહેલી સવારે પેટનો દુખાવો પડ્યો. માબાપ તાબડતોબ પુત્રને લઈને ડૉ. વિરમના દવાખાને પહોંચી ગયા.

ડૉ. વિરમે બાળકને તપાસીને એનું ગંભીર મોં વધારે ગંભીર કરી નાખ્યું, ‘સિરિયસ કેસ. એપેન્ડિક્સ ઉપર સોજો. અત્યારે જ પેટ ખોલવું પડશે. બાળક બચે તો બચે.
માબાપ બિચારાં શું બોલે? રડવામાંથી ઊંચાં આવે તો બોલી શકેને? ડૉક્ટરે જ્યાં કહ્યું ત્યાં અંગૂઠો મારી આપ્યો. દીકરાને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યો.

શીશી સૂંઘાડવા માટે એનેસ્થટિસ્ટ આવ્યા. ઓપરેશન શરૂ થયું. દસમી મિનિટે ડૉ. વિરમ બહાર આવ્યા. શરીર ઉપર લીલા રંગનો ગાઉન, મોઢેમાથે કેપ ને માસ્ક અને હાથમાં સફેદ રંગનાં મોજાં ધારણ કરેલાં. મોજાં દીકરાના લોહીથી ખરડાયેલાં.

માબાપને ચક્કર આવી ગયા. એમાં ડૉ. વિરમનાં વાક્યો ભળ્યાં, ‘છોકરાની હાલત ગંભીર છે. પેટની અંદર ખૂબ જ બ્લીડિંગ થાય છે. લોહીનો બાટલો ચડાવવો પડશે. મારા કમ્પાઉન્ડર ચિઠ્ઠી લખી આપશે. તમે રિક્ષામાં બેસીને પહોંચી જાવ. જેમ બને તેમ જલદી... નહીંતર...

અભણ બાપ હવાની ઝડપે ગયો અને વિચારની ઝડપે પાછો ફર્યો. લેબોરેટરીમાં સાતસો રૂપિયા ભરીને લોહીની એક કોથળી લઈ આવ્યો. પટાવાળાને આપી. એ લઈને પટાવાળો થિયેટરમાં દોડ્યો.
પાંચ મિનિટ પછી ડૉક્ટર ફરીથી બહાર આવ્યા, ‘બીજી કોથળી જોઇશે. અર્જન્ટ!મજબૂર બાપને જાણે પાંખો ફૂટી હોય એમ ડ્યો. પછી તો સિલસિલો ચાલુ થઈ ગયો.

બ્લડનો પ્રવાહ નર્મદાની નહેરની જેમ ખળખળ કરતોકને વહેવા માંડ્યો. ત્રીજી કોથળી, ચોથી, પાંચમી... સત્યાવીસમી, અઠ્ઠયાવીસમી... ત્રીસમી...! પૂરાં એકત્રીસ પાઉચ બ્લડ છોકરાના શરીરમાં ગયું ત્યારે એના પ્રાણ બચ્યા.

લગભગ એકવીસથી બાવીસ હજાર રૂપિયા તો લોહીના ખર્ચાઈ ગયા. અને આ બધું પાછું રિપ્લેસતો કરાવવાનું બાકી જ રહ્યું. આ તો લેબોરેટરીનો વહેવારુ ખર્ચો.

પણ જાન બચી તો લાખો પાયે. સાત કલાકની લાંબી શસ્ત્રક્રિયાને અંતે કોઈનો લાડકવાયો બચી ગયો. માબાપે ડૉ. વિરમભાઈના ચરણ પકડી લીધા. સાત દિવસ સપનાંની જેમ પસાર થઈ ગયા. દીકરો હરતોફરતો, હસતોરમતો થઈ ગયો. ટાંકા કાઢીને રજા આપવાનું ટાણું થયું, ત્યારે ડૉ. વિરમે બિલ બનાવીને માબાપના હાથમાં મૂક્યું બાવન હજાર.

હેં?! આટલા બધા?’ બાપના મોંમાંથી હાયકારો નીકળી ગયો, પણ તરત જ એણે આ સવાલને ગળામાં જ અટકાવી દીધો. ઓપરેશન પણ એવું ગંભીર જ હતુંને? જ્યાં એકત્રીસએકત્રીસ બાટલી લોહીની વાપરવી પડી હોય, એ ઓપરેશનનું બિલ તો આટલું આવે જ ને? દીકરા હાટુ થઈને પેલું કૂવાવાળું ખેતર વેચવું પડે તોયે શું?

મને તો સાચી વાતની ખબર કેવી રીતે પડે કે ઓપરેશન થિયેટરમાં ખરેખર શું થયું હતું? એ તો ત્યાં હાજર એનેસ્થેટિસ્ટ ડૉક્ટરે કહ્યું ત્યારે સાચી વાતની ખબર પડી. વાસ્તવમાં એ બાળકને એક પણ ટીપું લોહી આપવાની જરૂર જ નહોતી પડી.

ડૉ.વિરમે એક પાઉચ બ્લડ મંગાવેલું એ વપરાયા વગર બારોબાર ઓપરેશન થિયેટર્સની બારીમાંથી દોરડા વાટે લટકાવીને પાછલી ગલીમાં ભેલા અન્ય પટાવાળા દ્વારા પાછું લેબોરેટરી ભેગું કરી દેવામાં આવ્યું. ફરી પાછું એ જ બ્લડ આવ્યું, ફરીથી એ જ બ્લડ પાછું ગયું.

જેમ કેટલાંક મંદિરોમાં શ્રીફળની આવનજાવન પૂજારી અને દુકાનદાર વચ્ચે ચાલતી રહે છે, એવું જ અહીં બ્લડની બાબતમાં બન્યું. જે ઓપરેશન ફક્ત દસ મિનિટમાં અને માત્ર બેત્રણ હજાર રૂપિયાના ખર્ચમાં આરામથી પૂરું થઈ શકતું હતું એ....!

એનેસ્થેટિસ્ટ ડૉક્ટરને આત્મા જેવું થોડું ઘણું હતું. એ દિવસ પછી એમણે ડૉ.વિરમને ત્યાં જવાનો ઇનકાર કરી દીધો.
શેર પંક્તિ: ચંદ્રકાંત દત્તાણી

1 comment:

Hetal said...

i have seen this type of cases so believe that now a days dr. are being selfish.

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો