Add to your favorites

મેઘધનુષની ચુંદડી ઓઢાડી, શુક્રતારિકા ભાલમાં
ઓ રે મારા બાલમ, હું તો વારી ગઈ તારા વ્હાલમાં


હમીરે ભૂખ્યા સિંહની જેમ મોં ફાડીને વેંત પહોળું બગાસું ખાધું. ચેપી રોગની જેમ એણે ખાધેલું બગાસું આખી કારમાં ફરી વળ્યું. એની ચેષ્ટાનો પડઘો એક સાથે ચારચાર ચહેરાઓએ પાડ્યો.

‘યાર, કંટાળો આવે છે.’ કલશ કાપડિયાએ ભાવતાલ કરતા ઘરાકને પતાવ્યા પછી કહેતો હોય એમ જાહેર કર્યું.

‘આ ભૂતપ્રેતની વાતમાં કંઈ જામતું નથી.’ મેરુ મણિયારે આ કહ્યું ત્યારે એનો ચહેરો ભૂત કરતાંયે વધારે બિહામણો લાગતો હતો.

‘હજી તો સાડા અગિયાર જ વાગ્યા છે. અમદાવાદ પહોંચતાં હજુ દોઢ કલાક થઈ જશે.’ વિશદ વહાણવટીએ વરતારો બહાર પાડ્યો.

‘કુછ ચટપટા હો જાયે! અભિસાર, હવે તારો વારો. અમે બધાં તો બકબક કરીને થાક્યા પણ તું ક્યારનોયે ચૂપ છે. કશુંક એવું સંભળાવ કે દિમાગ તરબતર થઈ જાય... અને સાથે સાથે રસ્તો પણ કપાઈ જાય...’ હમીરે અત્યાર સુધી મૂંગા રહેલા મિત્રને ઝાલ્યો.

અભિસાર ઓછાબોલો હતો. જીભ કરતાં કાનનો ઉપયોગ એને વધુ માફક આવતો હતો પણ જ્યારે બોલતો ત્યારે રંગત જામી જતી હતી. શબ્દનો માણસ હતો. કવિતા લખતો હતો પણ કેટલું બોલવું એ કરતાં ક્યાં અટકવું એની એને વધારે જાણ હતી.

પાંચેય મિત્રો ટાટા સફારીમાં માઉન્ટ આબુ ગયા હતા. બે દિવસની મજા માણીને અમદાવાદ તરફ પરત આવવા નીકળ્યા હતા. નસનસમાં પહાડી નશો ઓગળી રહ્યો હતો. ઘરે આવવું કોઇને ગમતું નહોતું. સફર કંટાળાજનક બની ગઈ હતી. મન બહેલાવવા માટે જેટલાં હથિયારો હાથવગાં હતાં એ તમામ અજમાવાઈ ચૂક્યાં હતાં. અંતાક્ષરી, જોક્સ, પત્તાં, ફિલ્મની વાતો, ધંધાની ચર્ચા, ઑફિસની કૂથલી, શેરબજારની વધઘટ, ભૂતપ્રેતની વાતો... અને પછી બગાસાં, બગાસાં અને બગાસાં!

‘કવિતા સંભળાવું?’ અભિસારે થેલામાં હાથ નાખીને ડાયરી ફંફોસતા પૂછ્યું.

‘ના દોસ્ત, કવિતા નહીં.’ મેરુએ મનાઈહુકમ ફરમાવ્યો, ‘તારી કવિતાના સાંઠામાંથી રોમાન્સનો રસ ઓછો નીકળે છે અને કરુણતાના કૂચા વધુ! કશુંક બીજું થવા દે.’

‘ભલે, આજે હું કાગળ ઉપરની કવિતા નહીં સંભળાવું. એને બદલે મારી જિંદગીમાં આવેલી જીવતીજાગતી કવિતા વિશે વાત કરીશ. તમારે રોમાન્સનો રસ માણવો છે ને? તો માણો.’

ગાડી ઇડરને વીંધીને દોડી રહી હતી. રાતની સુંદરી અંધારાની સાડી પહેરીને પૃથ્વી ઉપર વિચરી રહી હતી. ટાટા સફારીની અંદર ચાર દુ આઠ કાન અભિસારની વિશ્રંભકથા સાંભળવા માટે સરવા થઈ ગયા હતા. અને એક ઓછાબોલો પુરુષ એની પ્રેમકથાનાં પૃષ્ઠો ધીમે ધીમે ખોલી રહ્યો હતો.

***
‘એનું નામ શ્લોકા. સોળ વર્ષની હતી, જ્યારે મેં એને પહેલી વાર જોયેલી. અને એ દિવસે એને જોયા પછી ઘરે જઇને મેં જિંદગીની પ્રથમ કવિતા લખી હતી. એ ઉંમરે મારા જેવા શિખાઉને છંદ અને કાવ્યના બંધારણ વિશે કેટલી જાણકારી હોય! પણ એ છોકરીના શારીરિક બંધારણ વિશે મને સો ટકા જેટલી માહિતી હતી. શબ્દકોષનો કોઈ શબ્દ, અલંકારશાસ્ત્રનું કોઈ ઘરેણું કે વિશેષણોના ખડકલામાંથી એક પણ વિશેષણ એના સૌંદર્યના વર્ણન માટે યોગ્ય નહોતું. વહેલી સવારે ફૂલપાંદડી ઉપર બાઝેલી ઝાકળ જેવી શ્લોકા પ્રાતઃ સ્મરણીય સૌંદર્યની સ્વામિની હતી.’ અભિસાર વાત કરતાં કરતાં ક્યાંક ખોવાઈ ગયો. પછી સવારની ઝાકળમાં સ્મૃતિસ્નાન કરીને વર્તમાનમાં પાછો આવ્યો.

‘એ આખીયે રાત મેં ઊંઘ્યા વિના પસાર કરી. જાગતો રહ્યો અને લખતો રહ્યો. ગઝલ, ગીત, અછાંદસ, હાઇકુ! નર્યું પદ્ય જ નહીં, ગદ્ય પણ. સવાર સુધીમાં આખી નોટબુક ચીતરી મારી. અને મારી હિંમતને દાદ આપો, બીજા જ દિવસે આગળપાછળનું કશુંયે વિચાર્યા વગર મારા એ પ્રેમાલાપનો કોથળો મેં એ રૂપસુંદરીના હાથમાં પધરાવી દીધો. પ્રેમબજાર અને શેરબજાર એક બાબતમાં સરખા છે. જો ઊંધા માથે પછડાય તો આપણા ભુક્કા કાઢી નાખે. આમાં તો સેન્ડલ ખાવાથી લઇને અભ્યાસમાંથી બરતરફ થવા સુધીના સેન્સેક્સ સમાયેલા હતા પણ વિનસની દેવી મારી ઉપર મહેરબાન હશે. એ સાંજે શ્લોકાએ મારી જ ડાયરી મને પાછી આપી. હું કંઈ પૂછું એ પહેલાં તો એ પીંછા જેવું હળવું સ્મિત ફરકાવીને ચાલી ગઈ. મેં ડાયરી ઉઘાડી તો અંદર એક ચબરખી હતી અને ચરબખીમાં આટલાં જ વાક્ય ‘ડાયરીને છુપાવીને સાચવવી અશક્ય છે માટે પાછી આપું છું. પણ નાસીપાસ થવાની જરૂર નથી. જે સાચવી રાખવા જેવું છે એ રાખી લઉં છું. તમારુ દિલ. અને વચન આપું છું, જે રાખી લીધું છે એને સાચવી પણ રાખીશ.’

‘વાહ..! વાહ..! શું લખ્યું આ છોકરીએ!’ હમીર હડમતિયા હણહણી ઊઠ્યો, ‘એ પણ કવિતા લખવાનું જાણતી હશે!’

‘શ્લોકા કવિતા જાણતી નહોતી પણ સાક્ષાત્ કવિતાને જીવતી હતી. મને જોઇને એ પણ મારા પ્રેમમાં પડી ગઈ હતી. આગ બંને તરફ એકસરખી જ લાગી હતી. પછી અમારુ મળવાનું નિયમિતપણે થતું ગયું. છાનાછપનાં મિલનો, બાગબગીચાના ખૂણા, સિનેમા હોલનું અંધારુ, શહેરથી દૂર ટેકરી પાછળનું એકાંત! પણ પ્રેમનું ઝાંઝર રણક્યા વગર રહી નથી શકતું. એક દિવસ અમારાં છાનગપતિયાં એના બાપના કાન સુધી પહોંચી ગયાં. બીજા દિવસે શ્લોકા મળી ત્યારે એનું મોં સૂઝેલું હતું. ‘પપ્પાએ મારી’ આટલું બોલીને એ રડી પડી. એ વાત પણ એનાં ઘરે જઈ પહોંચી. ફરીથી મારઝૂડ. ફરીથી ઠપકો, ધાકધમકી, સમજાવટ, ત્રાગાં, ઇમોશનલ બ્લેકમેલિંગ. સદીઓ જૂની ભવાઈની એક જ સ્ક્રિપ્ટ ચાલી આવે છે. પાત્રો જ બદલાય છે. બાકી સંવાદ એનો એ જ રહે છે ‘યે શાદી કભી નહીં હો સકતી..!’

‘અરેરે! પછી શું થયું?’ ચાર પૈડાં ઉપર દોડી રહેલી ટાટા સફારીની અંદર એક સામટાં ચાર દુ આઠ ફેફસાં ગરમગરમ નિસાસા છોડી રહ્યા.

‘થાય શું બીજું? એ વખતે અમારી ઉંમર જ ક્યાં હતી? માંડ સત્તરના થવા આવેલાં. પણ તમારે આમ આટલી હદે ભાંગી પડવાની જરૂર નથી. તમને રંગમાં લાવી દેવા માટે મેં આખી કથા માંડી છે. જો રડાવવા જ હોત તો બીજી વાત ન સંભળાવત?!’ અભિસારે ડાયરાને પાછો રોમાન્સના મૂળ પાટા પર ચડાવ્યો.

‘આમ ને આમ બીજાં ચાર વર્ષ પસાર કરી નાખ્યાં. એ તો અઢારની થઈ ત્યાં જ લગ્ન માટે પુખ્ત બની ગઈ હતી, પણ હું હજી ‘નાબાલિગ’ હતો. કાયદાની પોથીમાં પુરુષની સામેના ખાનામાં એકવીસનો આંકડો લખાયેલો છે. જે દિવસે મને બાવીસમું બેઠું એ જ દિવસે અમે આર્યસમાજમાં પહોંચી ગયાં. દસ મિત્રોની હાજરીમાં પરણી ગયાં, પણ આ ચાર વર્ષ અમે જે રીતે કાઢ્યાં છે એ ક્યારેય નહીં ભૂલી શકાય. હું તો ઠીક છું કે પુરુષ છું, પણ શ્લોકાએ સ્ત્રીજાત થઇને જે યાતનાઓ વેઠી છે એ ફક્ત એક સાચી પ્રેમિકા જ વેઠી શકે. દિવસો સુધી એને ઘરમાં ગોંધી રાખી, છ મહિના માટે એના મામાને ઘરે મોકલી આપી, ભૂખી રાખી, એની ઉપર ચોવીસે કલાકનો જાપ્તો, જાસૂસી અને આવાં તો કંઈ કેટલાંયે નાટકો કર્યાં. એની મમ્મી ઝેર ખાવા ઊભી થઈ પણ આ તણખલા જેવી છોકરીએ તમામ ઝંઝાવાતોને સહી લીધા. અને એ મારી પ્રેમિકામાંથી પત્ની બની ગઈ.’

ગાડી સો કિલોમીટરની ઝડપે દોડી રહી હતી. હિંમતનગર પાછળ રહી ગયું હતું. થોડીવારમાં ચિલોડા ચોકડી પણ વટાવી દીધી. અભિસાર એની દામ્પત્યની ડિઝાઇનમાં ભાતભાતના રંગો પૂરી રહ્યો હતો. અને મિત્રો રસપૂર્વક એ રંગોળીને માણી રહ્યા હતા. લગ્ન, હનિમૂન, બાળકનો જન્મ, નાનામોટા ઝઘડા, સમજાવટ, સમાધાન, સંસારનું ભોજન અને સુખનો ઓડકાર. રસ પડે ને કટકા ઝરે એવી વાતો. રસ્તો ક્યાં કપાઈ ગયો એની ખબર સુધ્ધાં ન પડી.

અમદાવાદ આવી ગયું. છૂટા પડતી વખતે મેરુ મણિયારે કહ્યું, ‘વાહ, દોસ્ત! જલસો પડી ગયો! ઇચ્છા તો એવી થાય છે કે અત્યારે જ તારા ઘરે આવીને ભાભીના હાથની ચા પીએ. પણ મોડું થાય છે એટલે તને જવા દઇએ છીએ. ફરી ક્યારેક...!’

આટલું કહીને સૌ છૂટા પડવા જતા હતા ત્યાં જ ઉપલા માળે આવેલા બેડરૂમની બારી ઊઘડી. અંદરથી એક જાડી સ્ત્રીનો કાળો, કદરૂપો ચહેરો ડોકાયો. રાતના સન્નાટાને ખળભળાવી મૂકતો એનો ઘાંટો પણ સંભળાયો, ‘ક્યાં ગુડાણા હતા અત્યાર લગી? ઘરનું ને ઘરવાળીનું કંઈ ભાનબાન છે કે પછી...!’

ચારેય મિત્રોનાં ડાચાં રેલવેના ફાટકની જેમ ખુલ્લાં રહી ગયાં. માંડ માંડ હમીરને વાચા ફૂટી, ‘અભિસાર, આ કોણ? કોઈ નોકરાણી રાખી છે કે પછી...?’

અભિસાર દર્દભયુર્ં હસ્યો, ‘એ લોપા છે. મારા જીવનની કારુણી. મારી બીજી વારની પત્ની. મારાથી પાંચ વર્ષે મોટી છે. બાણું કિલોનું બારદાન છે. કોલસાની વંશવેલી અને કાતરની કઝીન.’

‘પણ તું તો કે’તો તો કે શ્લોકા સાથેનું તારુ દામ્પત્ય...!’ કલશે પૂછ્યું.

‘હતું ત્યારે હતું. તમામ વિરોધો અને અવરોધોને ઓળંગીને અમે લગ્ન તો કર્યાં, પણ સંસારનો સ્વાદ માણી ન શક્યાં. છ જ મહિનાની અંદર એ મને છોડીને ચાલી ગઈ. ખરીદી કરવા માટે ગઈ હતી, ત્યાં કોઇની ગાડીએ એને ચગદી નાખી. મારા કાને અફવાઓ આવેલી કે એના મામાએ જ એને...! મારી સાથેનું લગ્ન એ લોકો બરદાસ્ત ન કરી શક્યાં. મારી જિંદગી મીઠી નદી જેવી હતી એ એક પળમાં ખારા દરિયા જેવી બની ગઈ.’

‘અફસોસ, અભિસાર! પણ અમને એક વાત સમજાતી નથી. જો આવું જ હતું, તો પછી તેં અમને અડધી જ વાત કેમ જણાવી હતી? દુઃખાંત શા માટે અમારાથી છુપાવ્યો?’ હમીરે સૌનાં મનની વાત પૂછી નાખી.
અભિસારે નિઃસાસો નાખ્યો, ‘શું કરુ? તમને રોમાન્સ ખપતો હતો ને? અને મારી પાસે તો ફ્ક્ત કરુણતા જ હતી. તમારે સફર કાપવી હતી ને? મેં કાપી આપી. મારી શ્લોકાને યાદ કરીને તમે રસ્તો કાપ્યો, હું મારી જિંદગી કાપી રહ્યો છું. બાકીની વાત તમને જણાવીને શો ફાયદો? મખમલની સાથે થોડુંક જીવ્યા એ પણ કમ નથી. બાકી માદરપાટ સાથે તો મરીએ ત્યાં સુધી...’

શીર્ષક પંક્તિ: રાશીપ શાહ

No comments:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો