અ તીત પંડ્યા. સેકન્ડ એમ.બી.બી.એસ.નો વિદ્યાર્થી. સામાન્ય રીતે ગંભીર પ્રકૃતિનો યુવાન પણ આજે સ્વભાવનું જાણે શીર્ષાસન થઈ ગયું હોય એમ ખુશ જણાતો હતો. મોડી રાતે આવ્યો ત્યારે શરીરને પગને બદલે જાણે પાંખો લગાડી હોય એમ હવામાં ઊડતો આવી રહ્યો હતો. હોસ્ટેલમાં દાખલ થયો એ પણ ગીત ગાતાંગાતાં જ,
ઇક હસીં શામકો...દિલ મેરા ખો ગયા...! પહલે અપના હુઆ કરતા થા...અબ કિસી કા હો ગયા...!
લૉબીમાં ઊભેલા મેડિકલ સ્ટુડન્ટ્સ માટે આ ‘બ્રેકિંગ ન્યૂઝ’ હતા! મુકેશે તો પૂછ્યું પણ ખરુ ‘આ એરંડાકુમાર ઘાસલેટપ્રસાદ દિવેલિયા આજે આટલા ખુશ કેમ લાગે છે?’ દેવાંગે પણ વાતમાં ટાપશી પુરાવી ‘આટલો ખુશ તો એ છેલ્લી પરીક્ષામાં એને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે પણ નહોતો દેખાતો!’ ‘અને ફિલ્મી ગીત? આ નરસિંહ ભગતના મોંઢામાં? અસંભવ! ’ પંકજે ટીખળ કરી.
એની ટીખળમાં ભારોભાર સત્ય હતું. અતીત મધ્યમવર્ગીય માબાપનો એકનો એક દીકરો હતો, એટલે સિનેમા, હોટલ, કેન્ટીન, નાસ્તાપાણી કે ફેશનેબલ વસ્ત્રો જેવી એક પણ લક્ઝરી એને પોસાય એવી ન હતી. એ સ્વભાવે શાંત અને સંવેદનશીલ હતો. એની એકએક ક્ષણ અભ્યાસને માટે હતી.
એના રૂમપાર્ટનર સુશાંતે વિગતવાર સમાચાર આપ્યા, ‘છેલ્લા એકાદ મહિનાથી અતીતના વર્તનમાં જબરદસ્ત ફેરફાર વર્તાઈ રહ્યો છે. હવે એ રોજ ‘શેવ’ કરવા માંડ્યો છે. કપડાં પણ હવે લોન્ડ્રીમાં આપે છે. પંદર દિ’ પહેલાં નવા શૂઝ લઈ આવ્યો. માથામાં તેલ, ચહેરા પર ક્રીમ, કપડાં ઉપર પરફ્યુમ! મારું તો દિમાગ ચકરાઈ ગયું છે. મોડીમોડી રાત સુધી ડાયરીમાં કશુંક લખ્યા કરે છે. ડાયરીનાં પાનાંઓ વચ્ચે ગુલાબના ફૂલની સુકાઈ ગયેલી પાંખડીઓ મૂકી રાખે છે. જ્યાં સુધી હોસ્ટેલમાં હોય છે, ત્યાં સુધી ગુમસૂમ રહે છે, નિઃસાસા નાખતો ફરે છે અને સાંજે બહાર જઈને જ્યારે પાછો આવે છે, ત્યારે પાનખરમાંથી વસંત જેવો બનીને આવે છે.’
મિત્રો હસ્યા.હું પણ એ ટોળીમાં હાજર હતો. કોઈકે પૂછ્યું કે તને શું લાગે છે? એટલે જવાબમાં મેં શાયર મુસાફિર પાલનપુરીનો શે’ર ટાંક્યો
‘ભીગી પલકેં, ઠંડી આહેં,
ગુમસૂમ રહના, મુસ્કાના,
દિલવાલોં કી હૈ યે નિશાની,
કૌન, મુસાફિર, સમઝેગા?’
સૌ મિત્રો શાયરનો સંકેત સમજી ગયા. મુખ્ય પ્રશ્ન ઉકેલાયો એટલે બીજા પેટાપ્રશ્નો ભાલાની જેમ ખડા થયા. જો અતીત એરંડામાંથી કેસૂડો બની ગયો હોય, તો પછી એના દિલનું સરનામું કયું? એની પ્રેમિકાનું નામ શું? ઓપરેશન બ્લૂસ્ટારની જેમ આ કામ હરીફરીને સુશાંતને જ સોંપવામાં આવ્યું. સુશાંત અને અતીત રૂમપાર્ટનર્સ હતા. દિવસરાતનો સંગાથ હતો એટલે અતીતનો ‘વર્તમાન’ શોધી કાઢવો એ સુશાંતને માટે સાવ આસાન કામ હતું. સુશાંતે એ કામ ચપટી વગાડતામાં કરી બતાવ્યું. અતીતની અંગત ડાયરી જેને એ કબાટના ચોરખાનામાં સંતાડી રાખતો હતો, એ ડાયરી જ આખેઆખી સુશાંત ઉઠાવી મિત્રોની વચ્ચે ખુલ્લી મૂકી દીધી. ડાયરીનાં ફરફરતાં પાનાંઓમાં અતીતના બદલાયેલા મિજાજનું રહસ્ય ખૂલતું હતું.
ડાયરી બોલતી હતી. આજે હું પેથોલોજીના મ્યુઝિયમમાં ઊભો હતો, ત્યાં એ આવી. હસીને બોલી ‘મને આ સ્પેસીમેન નથી આવડતો. સમજાવીશ?’ હું સમજાવતો રહ્યો પણ એને ક્યાં સાંભળવામાં રસ જ હતો? હિપ્નોટીઝમ કરેલું હોય એમ એ મારી સામે અપલક નજરે જોતી રહી. હું તો એના સવાલ પરથી જ સમજી ગયો હતો કે એનો ઇરાદો મારી સાથે વાતચીત કરવાનો છે, બાકી આવા સહેલા સ્પેસીમેનમાં ન સમજવા જેવું શું હતું?
***
આજે ફરીથી એણે સામે ચાલીને મારી સાથે અડધો કલાક વાતો કરી.
***
આજે પહેલી વાર હું કેન્ટીનમાં ગયો. એ પણ કોઈ છોકરીની સાથે. સારું થયું કે કેન્ટીનમાં કોઈ બીજા છોકરાઓ એ વખતે હાજર ન હતા, નહીંતર મારી સાથે એને જોઈને બેભાન જ થઈ જાત!
***
આજે એણે મને પેન ભેટમાં આપી. મારે શું સમજવું? પેન તો કોઈ પણ વ્યક્તિ કોઈને પણ આપે. પેન કંઈ પ્રેમ ન સમજી બેસાય!
***
આજે એણે મને ગુલાબનું ફૂલ આપ્યું. હવે તો શંકાને સહેજ પણ સ્થાન રહેતું નથી. ગુલાબનો બીજો અર્થ જ પ્રેમ. હું આ ગુલાબને જિંદગીભર સાચવી રાખીશ. મારી ડાયરીની અંદર.
***
હવે તો અમને બંનેને એકબીજાની આદત પડી ગઈ છે. એક પણ દિવસ મળ્યા વિના ચેન પડતું નથી. હોસ્ટેલમાં આખો દિવસ ગુમસૂમ રહું છું. સાંજે એને મળું છું, ત્યારે લાગે છે કે ખરેખર શ્વાસ લઈ રહ્યો છું. રોજ ફરવા જઈએ છીએ. ક્યારેક શહેરની બહાર આવેલા સાંઈબાબાના મંદિર પાછળ, તો ક્યારેક નદી કિનારે આવેલી ગુલાબવાડીમાં.
***
દુનિયાભરની વાતો, ચર્ચા, ગામગપાટા ચાલતા રહે છે, પણ હજુ સુધી અમારા સંબંધ વિષે એ એક પણ શબ્દ ઓચરતી નથી. મને લાગે છે કે એક વાર હિંમત કરીને મારે જ એને પૂછી લેવું પડશે. ક્યાંક એવું તો નથી ને કે હું જેને પ્રેમ સમજી બેઠો છું એ મારા મનનો વહેમ જ હોય? આધુનિક છોકરીઓનું ભલું પૂછવું! ગમે ત્યારે ‘એ તો માત્ર મૈત્રી હતી’ એવું બોલીને છૂટી જાય!
***
મનની ઘૂટન વધતી જાય છે. સંબંધનો આકાર સ્પષ્ટ કરી નાખવો બહુ જરૂરી છે. આવતા અઠવાડિયે રક્ષાબંધનનો તહેવાર આવે છે. હું તો ગામડે નથી જવાનો, પણ એ સુરેન્દ્રનગર એના ભાઈને રાખડી બાંધવા જવાની છે. ત્યાંથી પાછી આવે એટલે પછી વાત છે! ફોડ પાડી જ લેવો છે...!
***
‘મારો બેટ્ટો! આ તો અવંતીનો માલિક થઈ બેઠો છે!!’ મુકેશે નિદાન કર્યું, ‘એકબે વાર મેં એ બંનેને હેવમોરમાં સાથે બેસીને સ્નેક્સ માણતાં જોયેલાં ખરાં, પણ મને શી ખબર કે આ ગમારિયો ગુલાબજાંબુ લઈ જશે? મને તો એમ કે બેય જણાં ધર્મના ભાઈબહેન તરીકેનો સંબંધ વિકસાવી રહ્યાં હશે...!’
સાંભળીને સૌ હસ્યા. પછી ગંભીર થઈ ગયા. દેવાંગે ચપટી વગાડી, ‘કોને ખબર કદાચ એવું પણ હોય! ન સમજ્યા? રક્ષાબંધનનો દિવસ નજીકમાં જ આવી રહ્યો છે. આવો, હું સમજાવું!’ હું એ ક્ષણે ત્યાં હાજર ન હતો, એટલે દેવાંગે જે સમજાવ્યું એ મારાથી અજાણ રહ્યું.
***
આખા કેમ્પસમાં હાહાકાર વ્યાપી ગયો. રક્ષાબંધનના તહેવારના દિવસે કોઈ અજાણ્યો માણસ આવીને અતીતને એક પરબિડિયું આપી ગયો. અંદર એક રાખડી હતી અને સાથે એક પત્ર ‘પ્રિય ભાઈ અતીત, તારી બહેન અવંતીનો આટલો પ્રેમ સ્વીકારશે ને? મારે સુરેન્દ્રનગર જવું જ પડે એમ હોવાથી રૂબરૂ આવી શકતી નથી. ત્યાંથી આવ્યા પછી મળીશ. લિ. તને સાચા ભગિનીભાવથી ચાહતી અવંતી’ આઘાતની એક ક્ષણ! એક સેન્સિટિવ યુવાનના દિમાગી કોષોમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને પછી એ ક્ષણમાંથી એ કદિયે બહાર આવી શક્યો નહીં. પાગલ થઈ ગયો. ન એણે ચિઠ્ઠીમાંના અક્ષરો તપાસ્યા, ન તો એણે બળેવ ઊજવીને પરત આવેલી અવંતીની જુબાની કાને ધરી. એ સમજણની દુનિયાની પેલે પાર પહોંચી ગયો હતો. હવે એ ગીત ગાતો હતો,પણ ‘ઇક હસીં શામકો...’ વાળું ગીત નહીં, એનું ગીત હતું ‘ખિલૌના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો...’
શીર્ષક પંક્તિ:રાશીપ શાહ
1 comment:
shirshak pankti khub j saras chhe.
but i don't think someone get mad in just that instance.. thank god its not written "Satya Katha"
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ