Add to your favorites

સુના થા હશ્રમેં હોગા હિસાબ
કુછ યહાં હુઆ હૈ, કુછ વહાં હોગા


ત્રણ વાગ્યા અને છેલ્લું લેક્ચર પૂરું થયું. આજે શનિવાર હતો એટલે કોલેજમાં હાફડે હતો. કોલેજિયનો વર્ગખંડમાંથી બહાર નીકળ્યા. થોડાક કેન્ટિન તરફ વળ્યા, કેટલાક આઠદસના જૂથમાં વાતે વળગ્યા, તો કેટલાક વળી ઘરની દિશામાં ચાલી નીકળ્યા.

આહ્લાદની નજર કંકણ કોઠારી પર હતી. પિન્ક કલરના ટોપ અને ડાર્ક બ્લેક રંગના મિનિ સ્કર્ટમાં સમાયેલો પચાસ કિલોનો રૂપનો ખજાનો મંથર ગતિએ કોલેજના ઝાંપામાં થઇને ભીડભંજન મહાદેવ તરફ જવાના રસ્તે ફંટાઈ રહ્યો હતો. સ્કર્ટની નીચેથી ડોકાતા એના સંગેમરમરી પગ જોનારના દિલ ઉપર કરવતનું કામ કરી રહ્યા હતા. એ કોર્નર પાસેના વળાંક આગળથી ઓઝલ થઈ એ પછી કોલેજનું પ્રાંગણ નિઃસાસા, નિરાશા અને ઊંહકારાથી ભરાઈ ગયું. કંકણ માટે આ રોજનું દ્રશ્ય હતું. સવારના સમયે એનું આગમન થતું ત્યારે તોફાની કોલેજિયનો સીટીઓ વગાડીને અને ફિલ્મી ગીતો લલકારીને એનું સ્વાગત કરતા અને કોલેજ છૂટવાના સમયે એ જ કોલેજિયનો છાતીના એન્જિનમાંથી ઊનીઊની વરાળો છોડીને કંકણને આવજોકહેતા. આહ્લાદ ત્રિવેદી પણ આવા જ વરાળવિમોચક એન્જિનનો એક માલિક હતો.

પણ આજે આહ્લાદ કંઇક જુદા જ મૂડમાં હતો. એણે પાસે ઊભેલા ભૂષણના હાથમાંથી સ્કૂટરની ચાવી ઝૂંટવી લીધી. પછી એ પાર્કિંગ તરફ દોડ્યો. ભૂષણ એ... એ... એ... એય...કરતો બૂમો પાડતો રહ્યો, પણ આહ્લાદના દિમાગ ઉપર આજે ભૂત સવાર હતું. એણે ભૂષણના સ્કૂટરને કિકમારીને ચાલું કર્યું અને પછી પવનવેગે મારી મૂક્યું. ઝાંપા પાસેથી એ જ્યારે પસાર થયો ત્યારે પણ એના કાન ઉપર ભૂષણની બૂમો અથડાતી હતી, ‘અરે...! પણ... સાંભળ તો ખરો..!પણ આહ્લાદને અત્યારે ભૂષણને સાંભળવા કરતાં કંકણ કોઠારીને જોવામાં વધારે રસ હતો.

કંકણ કોઠારી ખરેખર સુંદર હતી. છેલ્લાં ચારચાર વર્ષથી આ કોલેજમાં એ મિસ કોલેજનો તાજ જીતતી આવતી હતી. શહેરભરમાં એના રૂપની ચર્ચાઓ હતી. માત્ર આંધળાઓ અને નપુંસકોને બાદ કરતાં બાકીના તમામ પુરુષો એની ઉપર મરતા હતા અને આહ્લાદ પણ એક મર્દ હતો, દ્રષ્ટિવાન મર્દ હતો.
આહ્લાદે કંકણને ઇમ્પ્રેસકરવાના બહુ પ્રયત્નો કરી જોયા. શરૂઆત બહુ નાટકીય ઢંગથી કરેલી. રિસેસનો સમય હતો. કંકણ નોટિસ બોર્ડ ઉપરનું લખાણ વાંચી રહી હતી, ત્યાં આહ્લાદ પહોંચી ગયો, ‘એક્સક્યુઝ મી!

યસ?’ કહીને કોંકણ એની નાજુક ડોકને એક હળવો ઝટકો આપ્યો.
આહ્લાદે બહુ ચવાઈ ગયેલો કીમિયો અજમાવ્યો, ‘મને લાગે છે કે આપણે ક્યાંક મળ્યાં છીએ! આઈ મીન, તમે અને હું... હું અને તમે... ક્યાં મળ્યાં એ યાદ નથી આવતું... પણ લાગે છે કે મેં તમને ચોક્કસ ક્યાંક જોયેલાં છે...
આ પહેલાંની તો મને ખબર નથી, પણ આપણી હવે પછીની મુલાકાત ક્યાં હશે એ વિશે મને ચોક્કસ ખબર છે!કંકણે દાંત કચકચાવ્યા.
વેરી ગુડ! વેરી ગુડ! આપણી હવે પછીની મુલાકાત ક્યાં હશે?’

પોલીસ સ્ટેશનમાં!!કંકણ પગ પછાડતી ચાલી ગઈ.
પણ નિરાશ થાય એ નામર્દ! મરદ માત્ર મરજીવા! બે દિવસ પછી આહ્લાદે કંકણને કોલેજનાં પગથિયાં પાસે જ આંતરી, ‘યાદ આવી ગયું..! આજે અચાનક યાદ આવી ગયું કે મેં તમને ક્યાં જોયા છે?’
ક્યાં?’ કંકણે ડોળા કાઢ્યા.

સિનેમાના પડદા ઉપર! ફિલ્મ તેજાબથી લઇને બેટા’, ‘રામલખન’, ‘હમ આપકે હૈ કૌન?’ અને દેવદાસસુધીની તમામ ફિલ્મોમાં...
મિસ્ટર, ચાંપલૂસી રેવા દો! એ માધુરી દીક્ષિત હતી, કંકણ કોઠારી નહીં..!
ત્યાં જ તમારી ભૂલ થાય છે. અત્યાર સુધી હું પણ એમ જ માનતો હતો કે રૂપેરી પડદા પર મેં જોયેલી એ મહારાણી માધુરી દીક્ષિત હતી, પણ આજે તમને જોયાં અને ખાતરી થઈ કે એ તમે જ હતાં! માધુરી તો તમારી આગળ સાવ અધૂરી લાગે!

શટ અપ! યુ મજનૂ! તમારા જેવા લોફરોની આ તરકીબ બહુ જૂની થઈ ગઈ! આઈ નો ધેટ આઈ એમ મોર બ્યૂટિફૂલ ધેન માધુરી! મારા ઘરે આયનો છે, જે મારાં સૌંદર્યનું ભાન કરાવવા માટે પૂરતો છે. મારે તમારી ખુશામતની ગરજ નથી.કંકણ રણકવાને બદલે ધમકાવીને ચાલી ગઈ. એ પછી અસંખ્ય વાર આહ્લાદે એનું દિલ જીતવાના પ્રયત્નો કરી જોયા, પણ સફળતા ન મળી. છેવટે આજે એણે મરણિયા થવાની આખરી કોશિશ કરી નાખી.

દોસ્ત પાસેથી ઊછીના લીધેલા સ્કૂટરને હવામાં ઉડાડતો એ કંકણની પાછળ જઈ રહ્યો હતો. દૂરથી એણે નાગણની જેમ સરકતી સૌંદર્યમૂર્તિને જોઈ લીધી. એનો વિચાર એવો હતો કે રસ્તામાં એને આંતરીને આજે તો એને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું, ‘આઈ લવ યુ, કંકણ! તું એમ ન માનીશ કે હું પણ બીજા છોકરા જેવો મજનૂ છું. હું તને સાચો પ્રેમ કરું છું અને જીવનભર કરતો રહીશ. તારી પાંપણ નીચેના પ્રદેશમાં મને સ્થાન આપી જો, તારા હોઠ પરની સપાટી ઉપર મારું નામ સ્થાપી જો, તારા વક્ષ ઉપરના ઢોળાવ ઉપર મને ઘર બાંધવા દે! હું જિંદગી આખી તારા સાથે ગુલમોર બનીને ઝળૂંબતો રહીશ. તું મારામાં ભરોસો મૂક, હું તને ચોવીસ કેરેટનો પ્રેમ આપીશ!

મનમાં આવા મક્કમ ઇરાદા સાથે એણે કંકણનો પીછો કર્યો. થોડી ક્ષણોમાં જ સ્કૂટર કંકણની સાવ નજદીક જઈ પહોંચ્યું. જ્યારે એની અને કંકણની વચ્ચે બેપાંચ ફૂટ જેટલું અંતર માંડ બચ્યું, ત્યારે એણે સ્કૂટરને ધીમું પાડવા માટે બ્રેકમારી પણ આ શું?! સ્કૂટરની ગતિ જેમની તેમ જ હતી! વિચારવા જેટલો સમય જ ક્યાં હતો? એણે પગ બ્રેક ઉપર દબાવી દીધો અને પોતે આખો ઊભો થઈ ગયો. જૂનું બજાજ સ્કૂટર હતું પણ બ્રેકતદ્દન ઘસાઈ ગઈ હશે એટલે એની ઝડપમાં સાવ નગણ્ય ઘટાડો થયા સિવાય ખાસ કશો જ ફરક ન પડ્યો. રસ્તે જતાઆવતા માણસો એ...એ...એ...એ...કરતાં રહ્યા અને સ્કૂટર સહિત આહ્લાદ ધડામ્કરતોકને કંકણના પૃષ્ઠભાગ ઉપર અથડાઈ પડ્યો. કંકણ ફેંકાઈ ગઈ. સદ્ભાગ્યે બેચાર જગ્યાએ છોલાઈ જવા ઉપરાંત એને વધારે ન વાગ્યું, પણ સૌથી મોટી ઠેસ એના મિજાજને પહોંચી. એ ઝટપટ ઊભી થઈ, કપડાં ખંખેર્યાં અને પછી જમીનદોસ્ત થયેલા આહ્લાદને ઉદ્દેશીને એ આટલું જ બોલી, ‘સા..., બદમાશ! અત્યાર સુધી તો તું મારી શાબ્દિક છેડછાડ જ કરતો હતો! આજે સરેઆમ શારીરિક છેડતી ઉપર ઊતરી આવ્યો?’

થઈ રહ્યું! જમા થયેલું ટોળું મજનૂ ઉપર તૂટી પડ્યું.

આ ઘટના ત્રણચાર વર્ષ પહેલાંની. ઘટનાસ્થળ જામનગર. આટલા ટૂંકા સમયગાળામાં ભાગ્યનું ચક્ર ફરીફરીને કેટલું ફરી શકે? કલ્પનાને ઝાઝી તકલીફ આપવાની જરૂર નથી કારણ કે સત્ય કલ્પના કરતાં ક્યાંય વધુ રોમાંચક હોય છે. ઉદાહરણ જોઇએ છે? આ રહ્યું!

અમદાવાદના ક્રીમ એરિયામાં મોકાની જગ્યાએ હયાતી બિઝનેસ સેન્ટરની આલિશાન ઇમારત ઊભેલી છે. સોનાની લગડી જેવા ખાલી પ્લોટની જ કિંમત બે કરોડ રૂપિયા જેવી થઈ જાય, બાંધકામનું મૂલ્ય તો અલગ! એના પાંચમા માળે આવેલી વૈભવી ઓફિસનાં બારણા ઉપર એના માલિકના નામની બ્રાસની નેમપ્લેટ લગાડેલી છે 'આહ્લાદ ત્રિવેદી'. ચાર વર્ષ પહેલાં જેની પાસે સાઇકલ નહોતી એ આજે કિસ્મત, કુનેહ અને સ્વભાવના કારણે અબજોપતિ બનીને બેસી ગયો છે. અને કંકણ? એ અત્યારે ક્યાં છે?
બપોરનો એક વાગ્યો છે. શ્વેત સાડીમાં મોગરાના ફૂલ જેવી દેખાતી કંકણ ઉદાસ ચહેરે અને ભાંગેલા પગે લિફ્ટના સથવારે પાંચમા માળે પહોંચે છે. આહ્લાદને મળવા માટે આવેલા મુલાકાતીઓમાં શહેરના મોટાં માથાંઓને જોઇને એ ગભરાઈ જાય છે. જો વાટ જુએ તો સાંજ પડી જાય એમ લાગવાથી રિસેપ્શનિસ્ટને વિનંતી કરેછે, ‘તમારા બોસને એટલું તો કહો કે મિસિસ કંકણ સટોડિયા... ના, મિસ કંકણ કોઠારી તમને મળવા માગે છે. કદાચ એ મને ઓળખી જશે અને બધાં કરતાં પહેલાં...

આહ્લાદ ખરેખર એને ઓળખી ગયો. તરત જ ઓફિસમાં બોલાવી લીધી. ઓફિસની ભવ્યતા જોઇને જ કંકણ અંજાઈ ગઈ. કેમ છો?’ એવું પૂછવાને બદલે એકાદ કરોડની ઓફિસ હશે?’ એવું પૂછી બેઠી. જવાબમાં આહ્લાદ હસ્યો, ‘સામેની દીવાલ ઉપર બે પેન્ટિંગ્ઝ છે એ દેખાય છે? એની કિંમત જ દોઢ કરોડ રૂપિયા છે!! પણ જવા દે પૈસાની પૂછપરછ, એમાં મારા તકદીરનો જાદુ ભાગ ભજવી ગયો છે. જામનગરથી બી.કોમ. પાસ કરીને હું અમદાવાદ આવ્યો. હયાતી બિઝનેસ સેન્ટરના માલિકની એકની એક દીકરી હયાતીના પ્રેમમાં પડ્યો. એ મારી મહેનત, મારી કાર્યક્ષમતા અને મારા સ્વભાવથી ખુશ થઈ ગઈ. અમે પરણી ગયાં. બસ ઇતના સા અફસાના હૈ મેરા. પણ તું કેમ આમ..?’ આહ્લાદનો ઇશારો કંકણના કોરા કપાળ, અડવી ડોક અને શ્વેત સાડી તરફ હતો.

વાત તો મારા તકદીરની પણ બહુ લાંબી નથી. મારું લગ્ન અહીંના એક શેરબજારના ખેરખાં ગણાતા પરિવારમાં થયું હતું. મારા પતિએ ચોર્યાશી લાખનું ફુલેકું ફેરવ્યું! લેણદારોની ભીંસ બર્દાશ્તગીની હદ વટાવી ગઈ એટલે એણે જળસમાધી લઇને જીવન ટૂંકાવી નાખ્યું. ગયા મહિને કદાચ તેં છાપામાં વાંચ્યું પણ હશે. તું જેના પર મરતો હતો એ કંકણ હવે ગં.સ્વ. છે, મજબૂર છે અને તું ઇચ્છે તો ઉપલબ્ધ પણ...
મતલબ?’

હું પતિને ગુમાવ્યા પછી પણ ભયંકર આર્થિક ભીંસમાં છું, આહ્લાદ! કેટલુંક દેવું તો ચૂકવવું જ પડે એમ છે. સાસરીનું ઘર ખાલી છે અને પિયર તો પહેલેથી જ ક્યાં સધ્ધર હતું? જો તું મને સહાય કરે તો હું આજીવન તારું ઉપવસ્ત્ર બનીને રહેવા તૈયાર છું. પ્લીઝ, ના ન પાડીશ, આહ્લાદ...

એક પળ માટે આહ્લાદના મનમાં એવું કહી દેવાનો આવેગ આવી ગયો કે કંકણ, એકવાર તેં મને ટોળાને હવાલે કરી દીધો હતો. આજે હું તને ભૂખ્યા વરુઓનાં ટોળાંમાં રમતી મૂકી દઉં છું. જિંદગી આખી પિંખાયા કરજે.પણ એ નક્કી ન કરી શક્યો કે શું કરવું? એક તરફ ફૂંફાડા મારતું સ્વમાન હતું અને બીજી તરફ એના પૌરુષને પાગલ કરી મૂકે એવું નમણું, રૂપાળું નારીશિલ્પ હતું! આખરે યૌવન આગળ સ્વમાન હાર્યું.

શીર્ષક પંક્તિ: રાશીપ શાહ


No comments:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો