Add to your favorites

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.


કો ઈ ગઝલ વાંચું છું ત્યારે ડૉ. ભરત યાદ આવી જાય છે. ૧૯૭૫ના દિવસો હતા. એક મધરાતે એણે મારી પાસે આવીને કહ્યું હતું, ‘મારે પણ એક ગઝલ લખવી છે.ભરત એ વખતે માત્ર મેડિકલ સ્ટુડન્ટ જ હતો. ડૉ. ભરત બન્યો ન હતો. સેકન્ડ એમ.બી.બી.એસ.ના હળવાશભર્યા વાસંતી દિવસો હતા. આ એક વર્ષ તબીબી વિદ્યાશાખામાં તદ્દન તણાવરહિત વર્ષ ગણાય છે. આમ તો એક વર્ષ અમારા માટે દોઢ વર્ષનું હોય છે. હવે કદાચ સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પણ અમારા જમાનામાં સેકન્ડ એમ.બી.બી.એસ.નું દોઢ વર્ષ એટલે મોજમસ્તી કરવાનો સમય, ફિલ્મો જોવાનો સમય, પાર્ટીઓ માણવાનો અને ફ્લર્ટિંગ કરવાનો સમય, પોતાના અંગત શોખને પૂરા કરવાનો સમય.

મારો અંગત શોખ એ સમયે પણ સાહિત્ય હતો. અમારી મેડિકલ કૉલેજમાં એ વખતે અમે એક ભીંતપત્ર (વૉલ મેગેઝીન) ચલાવતા હતા. મેડિકલ સ્ટુડન્ટ્સમાંથી જેનેજેને કવિતા લખવાનો શોખ અને આવડત હોય એની રચનાઓ આ ભીંતપત્રમાં સમાવેશ પામતી હતી. એનું સંપાદન હું કરતો હતો. એ ભીંતપત્ર પખવાડિક હતું. 

એક કવિ કરસન ડાભી હતા જે માધવ રામાનુજની શૈલીમાં ગીતો લખતા હતા. દેખાવમાં અને વસ્ત્રપરિધાનમાં પણ એ માધવભાઈનું અનુકરણ કરતા હતા. અમે એમને ક.ક.ડા.ના ટૂંકાક્ષરી નામે બોલાવતા હતા. બિચારો ભોળિયો જીવ. રાજીનો રેડ થઈ જતો. એક હર્ષદ લશ્કરી હતા. મૂળે નાટકનો જીવ. સ્ટેજ ગજવી મૂકતા. પણ સાથેસાથે કવિતાઓ ઉપર પણ હાથ અજમાવતા રહેતા. હાલમાં તેઓ રાજકોટમાં છે. એક બિમલ બૂચ હતો. મારો રૂમ પાર્ટનર. સારી કવિતાઓ લખી જાણતો હતો. અંદરથી ચોટ ખાધેલો જીવ હતો. અત્યારે એ પણ રાજકોટમાં છે. ચોટ રૂઝાઈ ગઈ છે અને કવિતા ભુલાઈ ગઈ છે. હું પોતે ગઝલ લખતો હતો.

અમારા બધામાં તદ્દન અકવિ ગણાય એવો ભરત હતો. સાહિત્યને લાગેવળગે છે, ત્યાં સુધી એ તદ્દન જડભરત હતો. એણે જિંદગીમાં એક પણ કવિતા વાંચી પણ નહીં હોય! એ માણસ અચાનક રાત્રે એક વાગ્યે દ્રઢ નિર્ધાર જાહેર કરે કે મારે કવિતા લખવી છેત્યારે મહાત્મા ગાંધીજી બૉમ્બ ફોડવાની જાહેરાત કરે અને જે ખળભળાટ જાગે એવો જ માહોલ અમારા નાનકડા સાહિત્ય વર્તુળમાં થઈ ગયો.
મેં એને ટાળવા માટે મોટું બગાસું ખાધું, ‘ભલે, લખ કવિતા. આપણે એ વાંચ્યા પછી વિચારીશું કે એને લેવી કે નહીં!

લેવી તો પડશે જ!ભરતના અવાજમાં દુરાગ્રહ હતો, જે અમારી ગાઢ મૈત્રીમાંથી પેદા થયેલો હતો, ‘અને મને ક્યાં લખતાંબખતાં આવડે છે! કવિતા તો તારે જ લખી આપવાની છે! પછી મારા નામે છાપવાની છે!

એ નહીં બને, ભરત! આપણે મિત્રો ખરા, પણ સાહિત્યમાં આવી ચોરીને હું કદિયે ચલાવી ન લઉં. તું જાતે લખવાનો પ્રયત્ન કર. જો તારું લખાણ નબળું હશે, તો હું મઠારી જરૂર આપીશ, બાકી...

ભરત રીસાઈ ગયો. અમે રાતના અઢી વાગ્યા સુધી જાગતા રહ્યા અને કાર્ડબોર્ડ ઉપર સુંદર, મરોડદાર હસ્તાક્ષરોમાં અમારી કાચીપાકી કૃતિઓને શબ્દદેહ આપતા રહ્યા. બેત્રણ ગઝલો, બેત્રણ ગીત, એકાદ સોનેટ, એકબે અછાંદસ રચનાઓ! વચ્ચે જ્યાંજ્યાં ખાલી જગ્યા બચે, ત્યાં હાઇકુ અને સુવિચારો મૂકી દેતા! મારા અક્ષરો એ વખતે અત્યારના કરતાં ઘણા સારા, એટલે હસ્તલિખિત અંક તૈયાર કરવાનું કામ મોટા ભાગે મારા ઉપર જ આવતું. દર પંદર દિવસે આવતી આ એક રાત્રિ અમે મન ભરીને માણતા હતા.
પખવાડિયા પછી ભરત રાજકોટ જઈને પાછો આવ્યો, ત્યારે એના હાથમાં એક ફક્કડ ગઝલ તૈયાર હતી, ‘લે, વાંચ અને પછી તારામાં તાકાત હોય તો એને રદ કરી બતાવ!
મેં ગઝલ વાંચી. છક્ક થઈ ગયો. ઝીણી આંખ કરીને પૂછ્યું, ‘કોણે લખી આપી?’
કોઈએ નહીં. મેં જાતે લખી છે! છાપવી છે કે નહીં?’
બાપા કહીને છાપવી પડશે!

જડભરતની એ સુંદર ગઝલ જ્યારે મેડિકલ કૉલેજની ભીંત ઉપર બિરાજમાન થઈ, એ દિવસે ચમત્કાર સર્જાયો. છોકરાઓ ખરા જ, પણ કૉલેજની છોકરીઓ પણ એની પાછળ ઘેલી થઈ. જિંદગીમાં પહેલીવાર મને કોઈ કવિની ઇર્ષા આવી!

પંદર દિવસ પછીના અંક માટે ભરતની કવિતા માટે જબરદસ્ત માગ ઊઠી હતી. મેં પણ ઉઘરાણી શરૂ કરી. એણે ઠંડે કલેજે વાયદો કર્યો, ‘હમણાં એ શક્ય નથી. શનિરવિની રજાઓમાં રાજકોટ જાઉં ત્યારે ગઝલ લખાશે!

હું ચોંક્યો, ‘ભરત, ક્યાંકથી તફડંચી તો નથી કરતો ને?’
કેમ?’ એ ભડક્યો, ‘તને કેમ એવું લાગે છે?’

તારી વાત પરથી. કેસર કેરી સોરઠમાં જ પાકે, તમાકુનો સારો પાક ચરોતરમાં જ થાય, પણ ગઝલ માત્ર રાજકોટની ભૂમિમાં જ નીપજે એવું ક્યાં લખેલું છે? અને જો, એકબે વાત સમજી લે, તું કોઈ બીજાની કાવ્યરચના એની જાણ બહાર ઉઠાવી લાવતો હોઈશ અને પેલાને જો ગંધ આવી જશે તો તારી ઉપર દાવો માંડી શકશે.

એ ગભરાયો, પણ પછી તરત જ સ્વસ્થ થઈ ગયો, ‘કોઈ એવો દાવોફાવો નહીં માંડે! એને તો આ કવિતાઓની પડીયે નથી!

મને લાગ્યું કે હવે ભરત સહેજ કૂણો પડ્યો છે. સાચી વાત કઢાવવાનો કદાચ આ જ મોકો છે. મેં નરમાશથી પૂછ્યું, ‘એ જે હોય તે, પણ મને તો સાચી વાત જણાવ, કોની ગઝલ તું ચોરી લાવે છે?’

ચોરી નથી લાવતો! વાત એમ છે કે રાજકોટમાં મારા ઘરની બાજુમાં જ એક કાકા રહે છે. બહુ ધૂની માણસ છે. આખો દિવસ કવિતાઓ જ લખ્યા કરે છે. લખે અને ડૂચો વાળીને કચરાટોપલીમાં ફેંકે! આવા પાંચસાત ડૂચાઓ ફેંકાય, ત્યારે એક ગઝલ એમના સ્તર પ્રમાણેની રચાય! મેં એમનાં પત્નીને સાધ્યાં છે, હું જે ગઝલ લઈ આવું છું એ તો પેલા કાકાએ ફેંકી દીધેલા ડૂચા છે!
તને એ કાકાનું નામ શું છે એ ખબર છે?’

ના રે! મારે ને કવિતાને શી લેવાદેવી?’ ભરતના જવાબમાં કોરી અલિપ્તતા ઝલકતી હતી. એની બેચાર ગઝલો સ્વીકાર્યા પછી મને માહિતી સાંપડી કે એની ગઝલોનું મૂળ જન્મસ્થાન ઘાયલસાહેબ હતા. ગુજરાતી ભાષાના સમર્થ ગઝલકાર અમૃત ઘાયલ’. 

જિંદગીના એ ગુલાબી મુકામે જાણ્યેઅજાણ્યે પણ ઘાયલસાહેબની રચનાઓનું સંપાદન કરવાનો મને મોકો મળ્યો, એ વાતનો સાચો જશ ડૉ. ભરતને જાય છે! ભરત આગળ જતાં કન્સલ્ટન્ટ બન્યો, જિંદગી પાસેથી એણે ઘણી મોટી અપેક્ષાઓ રાખી હતી, જેમાં એ ભયાનક રીતે નિષ્ફળ ગયો. પાંચેક વર્ષ પહેલાં હતાશાને કારણે એણે આપઘાત કરી લીધો. આ જગતમાં ગઝલ ઊછીની મેળવી શકાય છે, પણ ઊછીના શ્વાસો ક્યાં મળે છે!

No comments:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો