Add to your favorites

આમ તો આખું નગર કાળું હતું
લાગણીનું સહેજ અજવાળું હતું


આશરે પાંસઠેક વર્ષ પૂર્વેની ઘટના. સિદ્ધપુરમાં ભયાનક કોમી રમખાણ ફાટી નીકળ્યું. શહેર આખામાં તંગદિલી. એથીયે વધારે તંગદિલી મુસ્લિમ વિસ્તારમાં આવેલા એક નેકદિલ ઈન્સાનના ઘરમાં. પીરખાંનો છોકરો નથ્થુખાં જિંદગીમાં પહેલી જ વાર એના હિંદુ દોસ્તને પોતાના ઘરે તેડી લાવ્યો હતો. એનું નામ બચુ. બંને મિત્રોની વય દસબાર વર્ષની. બચુના પિતાજી શાળામાં શિક્ષક. દીકરાને ભણાવે અને સાથે સાથે નથ્થુખાં જેવા અસંખ્ય વિદ્યાર્થીઓને પણ ભણાવે. નબળા વિદ્યાર્થીઓ માસ્તરના ઘરે પણ ભણવા માટે આવે. નબળા એટલે ફક્ત અભ્યાસમાં નબળા એવું નહીં, પણ ખિસ્સાનાયે નબળા. માસ્તર એમને દિલથી શીખવે. નથ્થુખાં જેવાને તો સાંજે વાળુ પણ કરાવે. ઘણી વાર રમવામાં સમયનું ભાન ન રહે, મોડું થઈ જાય તો બચુની મા કહે, ‘બેટા, નથ્થુ! આજે અહીં જ સૂઈ જજે.

સિદ્ધપુરના શુદ્ધ, પવિત્ર, સંસ્કૃતપ્રેમી, શાકાહારી બ્રાહ્મણ પરિવારમાં એક મુસ્લિમ છોકરો ખીચડી ને દૂધનું વાળુ કરીને એક જ ગોદડીમાં એના હિંદુ દોસ્તને બાથ ભરીને ઊંઘી જાય. એવું લાગે જાણે કાબાનો પવિત્ર પથ્થર સોમનાથના સ્વયંભૂ શિવલિંગને આલિંગીને પડ્યો હોય! એવું નહોતું કે એ જમાનામાં બધું સારું જ હતું. ઈસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચેના ઝઘડાઓ તો સદીઓથી ચાલ્યા આવે છે. સદીઓથી અલ્લા હો અકબરના નારા સાથે વિધર્મીઓનાં ધાડેધાડાં આર્યાવર્તની ભૂમિ ઉપર આગની જેમ ફરી વળતાં આવ્યાં છે અને હર એક હિંદુના ઘરમાંથી હર હર મહાદેવના જયઘોષ સાથે આ આક્રમણ સામે પ્રચંડ પ્રતિકાર ઊઠતો રહ્યો છે.

પણ સિદ્ધપુરની એ તણાવભરી રાત એનું વરવું રૂપ ઉજાગર કરે એ પહેલાંની સાંજ રોજની જેવી એક શાંત સાંજ હતી. એ દિવસે પણ નથ્થુખાં માસ્ટરજીના ઘરે ભણવા માટે આવ્યો હતો. ભણી લીધા પછી એ અને બચુ ગિલ્લીદંડા રમવામાં ખોવાઈ ગયા. સમયનું ભાન ન રહ્યું. જ્યારે પેટમાં આગ લાગી, ત્યારે નથ્થુખાંને ઘર સાંભર્યું. અમ્મા સાંભરી. અમ્માની કડક હિદાયત સાંભરી આવી, ‘બેટા, આજ માસ્ટરજી કે ઘર મત રૂકિયો. ખાના ભી મત ખાઈઓ. આજ મૈંને અંડેકી ભૂરજી પકાઈ હૈ. તુજે બોત પસંદ હૈ ના?’
ઇંડાંની ભૂરજીની કલ્પનામાં નથ્થુખાંના પેટની આગ બેવડા જોશથી ભભૂકી ઊઠી. એ ઘરે જવા માટે તૈયાર થયો. બચુની માએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો. નથ્થુને બિચારાને શું સમજ પડે? દસબાર વર્ષનો નાદાન છોકરો દોસ્તની અમ્મા આગળ માગણી મૂકીને ઊભો રહી ગયો, ‘આજ બચુ કો મેરે સાથ આને દો ના! આજ વો મેરે ઘર પે ખાના ખા લેગા ઔર વહીં પે સો જાયેગા.સહેજ પણ આનાકાની વગર બચુનાં માબાપે નથ્થુખાંની દરખાસ્ત મંજૂર રાખી લીધી. બેય ભાઈબંધ ઉઘાડા પગે દોટ મૂકતાં મુસ્લિમ મહોલ્લામાં પહોંચી ગયા.

નથ્થુની અમ્મા ચિંતામાં પડી ગઈ. દીકરાને અંદરના ઓરડામાં લઈ જઈને ધમકાવી નાખ્યો, ‘યે તૂને ક્યા કર ડાલા, બેટા? યે તો માસ્ટરજી કા છોકરા! બામન કા બેટા! વો તો અંડે કી બાસ ભી સહન નહીં કર સકેગા. ઔર ઉસકા મજહબ હમારે સે કિતના અલગ? હમ કૈસે...?’

પણ હવે શું થાય? એ અભણ મુસલમાન ઔરતને એટલી જ ખબર હતી કે એના ઘરે આવેલા એક બ્રાહ્મણના દીકરાને આજની રાત પૂરતો એની મજહબી રીતે એણે સાચવી લેવાનો હતો. એણે પતિની સાથે સંતલસ કરી. તરત જ પીરખાં પગમાં ચંપલ પહેર્યા વગર ઘરની બહાર નીકળી ગયો. બાજુના કુંભારવાડામાં જઈને કોરી માટલી ખરીદી. કોઈ હિંદુના ઘરમાંથી ચોખ્ખું, ગાળેલું પાણી ભર્યું. બીજા એક ઘરે જઈને બાજરીનો રોટલો ઘડાવ્યો. દૂધ લીધું. એક હાથમાં જળની મટકી અને બીજા હાથમાં ઢાંકેલું ભાણું લઈને પીરખાં ઘરે આવ્યો. માસ્ટરજીના દીકરાને આગ્રહ કરીને જમાડ્યો. સ્વચ્છ પથારીમાં પોઢાડ્યો. કાશી અને કાબાનું અદ્ભુત મૈત્રક રચાઈ રહ્યું હતું, ત્યાં શેરીઓમાંથી બૂમો ઊઠી. મારો...! કાપો...! સાલ્લે હિંદુડે કાફિર લોગ હૈ...! આજ તો જો હાથમેં આવે ઉસકો છોડેંગે નહીં...

આની સામે હિંદુ વિસ્તારમાં પણ આવી જ બૂમાબૂમ હતી. બંને પક્ષે ચારપાંચ લાશો ઢળી પડી અને નથ્થુખાં આ બધાથી બેખબર રહીને બચુને ભેટીને રાતભર સૂતો રહ્યો. સવાર પડી ત્યારે વાતાવરણ વધુ ખરાબ હતું. દિવસના ઉજાસમાં બંને કોમના વિરૂપ ચહેરાઓ વધુ સ્પષ્ટ થઈને સામે આવી ગયા હતા. શહેરમાં પોલીસ કમ હતી. કરફ્યૂ હજી પડ્યો ન હતો. પણ આવામાં કોણ ઘરની બહાર નીકળે? અને કદાચ ભૂલથી નીકળી જાય, તો કોણ પાછો ઘરે આવી શકે? હાથમાં હથિયારો સાથે હિંદુઓ અને મુસલમાનોનાં ઝનૂની ટોળાં કરપીણ મનસૂબાઓ પાર પાડવા શેરીઓમાં ઊતરી પડ્યાં હતાં.
સવારે દસ વાગ્યા. બચુ દૂધનાસ્તો કરીને પરવાર્યો એટલે પીરખાં એને લઈને ખડકીની બહાર નીકળ્યા. ગરીબ માણસ હતો, પણ સમજણનો અમીર હતો. બીબીએ ટપાર્યો, ‘ઐસે મેં છોકરે કુ લેકર કહાં જાતે હો?’
માસ્ટરજી કે ઘર!
ઐસે મેં! વહાં હિંદુ લોગ તુમ કુ માર દેંગે.

તૂ મેરી ચિંતા છોડ. યે સોચ કિ વહાં માસ્ટરજીકી હાલત ક્યા હોગી?’ પીરખાં ભણેલો ન હતો, પણ દુનિયાની યુનિવર્સિટીમાં જિંદગી આખી ભટકતાં રહીને એ લાગણીના વિષય સાથે ડબલ ગ્રેજ્યુએટ થયેલો હતો. પોતાનું જે થવાનું હોય તે થાય, પણ માસ્ટરજીની અમાનત એમના હાથમાં સહીસલામત સોંપી દેવી એ અત્યારના તબક્કે એની એક માત્ર ફરજ હતી અને આ વાતનું આ ગરીબ મુસલમાનને ભાન હતું.

દસબાર વર્ષના એક બ્રાહ્મણપુત્રને ખભા ઉપર બેસાડીને લાલ દાઢીના કાતરાવાળો પીરખાં જ્યારે મુસલમાન વિસ્તારમાંથી બહાર નીકળ્યો, ત્યારે કાતિલોનું ટોળું અકળાઈને ઊભું રહી ગયું. કોઈએ બૂમ પાડી, ‘પીરખાં, ઉતાર છોકરે કુ નીચે. હમ ઉસે કાટ ડાલેંગે.પીરખાં હસ્યો, ‘પહલે મુઝે કાટ ડાલો. મૈં જમીન પે ગીરુંગા, ઉસ કે બાદ યે લડકા નીચે ઊતરેગા.ટોળું થંભી ગયું. કોઈએ ઘા કરવાની હિંમત ન કરી.

પીરખાં જ્યારે હિંદુ વિસ્તારમાં પ્રવેશ્યો, ત્યારે ત્યાં પણ આવી જ મુસીબત ઊભી થઈ. લોહિયાળ ધારિયાં અને તલવારો તાણીને ઊભેલા ટોળાએ ગગનભેદી ગર્જના કરી, ‘હર હર મહાદેવ...! કાપી નાખો એ કસાઈને! માંડ લાગમાં આવ્યો છે!
અરે, એક મિનિટ જરા થોભો! જુઓ તો ખરા એના ખભા ઉપર કોણ બેઠું છે!ટોળામાંથી કોઈકે ધ્યાન દોર્યું. એ સાથે જ તલવારો હવામાં રહી ગઈ. ટોળું બે ભાગમાં વિભાજિત બની ગયું. વચ્ચેના મારગમાંથી પીરખાં પસાર થઈ ગયા. માસ્તરના ઘરે જઈને માસ્તરના હાથમાં બાળક સોંપ્યું, ‘લિજીયે, માસ્ટરજી! સમાલિયો અપની અમાનત!

માસ્તર હસ્યા, ‘અરે, પીરખાં! આવું જોખમ તે ખેડાતું હશે? મારો બચુ તારા ઘરે હતો ત્યારે પણ એટલો જ સલામત હતો જેટલો અત્યારે અહીં છે. એક કામ કર. બચુને એની માના ખોળામાં મૂકી આવ. એને ધરપત થાશે.

પીરખાં બચુને હાથોહાથ એની માતાના હાથમાં સોંપી આવ્યા. પછી માસ્તરનાં પત્નીએ એમને પાછળની તરફ પડતું બારણું ઉઘાડી આપ્યું, ‘ભાઈ, હવે તમે આ રસ્તેથી ચાલ્યા જાવ. આગળના બારણે તો અમારા લોકો તમને જીવતા પાછા નહીં જવા દે!

પીરખાં માથું હલાવીને ચાલી નીકળ્યા.કેટલાક તોફાનીઓ આગલા રસ્તાવાળા હતા એ પણ અનુમાન કરીને અહીં આવી ગયા હતા. મોરચો માંડીને પીરખાંની રાહ જોતા હતા. દૂરથી લાલ રંગની દાઢી ફરકતી દેખાણી. નફરતના વાઘા સજીને સંતાયેલા મારાઓએ હથિયારો તૈયાર રાખ્યાં. પીરખાં અને મોતની વચ્ચે માંડ પાંચેક કદમ જેટલું છેટું હતું. ત્યાં દૂરથી અવાજ સંભળાયો, ‘ખબરદાર! જો કોઈએ આ માણસ ઉપર ઘા કર્યો છે તો!

તોફાનીઓએ જોયું તો દૂરથી માસ્તર સાહેબ શ્વાસભર્યા આવી રહ્યા હતા. ટોળામાંના મોટા ભાગના માસ્તરના હાથ નીચે ભૂતકાળમાં ભણી ચૂક્યા હતા. બે આંખની શરમ નડતી હતી. માસ્તર નજીક આવ્યા. પીરખાંનો હાથ ઝાલીને મોતની ગલી પાર કરવા માંડ્યા. બીતાં બીતાં એક જણે પૂછી લીધું, ‘સાહેબ, હવે શું છે? જતી વખતે તો ઠીક છે કે તમારો બચુ પીરખાંના ખભા માથે બેઠો હતો...!

ભાઈ, અત્યારે આખેઆખો પીરખાં મારા માથા ઉપર ચડી બેઠેલો છે!માસ્તર હસ્યા, ‘તમને આ વાત નહીં સમજાય. બચુ તમારો દીકરો નહોતો ને, એટલે નહીં સમજાય. આ ગરીબ મુસલમાનની નેકી અને બહાદુરી તમારી પહોંચની બહારની વાત છે. એના મહોલ્લામાં ઝનૂની મુસલમાનોએ ભેગા મળીને પીરખાંના હાથમાંથી મારા બચુને ખૂંચવી લીધો હોત તો શું થયું હોત એની તમને કલ્પના આવે છે? મને આવે છે. માટે જ કહું છું કે પીરખાંનો ઉપકાર મારા માથા ઉપર ચડેલો છે. હટી જાવ, ભાઈઓ! મને અને પીરખાંને મારગ આપો.માસ્તરના અવાજમાં કરડાકી હતી. પ્રતિશોધની ભાવનાથી સળગી રહેલાં તોફાનીઓ રસ્તામાંથી હટી ગયા. માસ્તર સાહેબ પીરખાંને છેક એના વિસ્તારની સરહદ સુધી મૂકી આવ્યા.

સિદ્ધપુરમાં ફાટી નીકળેલી કોમી નફરતની આગ જંગલમાં લાગેલા દવ જેવી વિકરાળ હતી. એની સામે પીરખાંની હિંમત અને માસ્તર સાહેબની દિલાવરી તો બહુ નાની બાબત કહેવાય. પણ એ વાતની સુવાસ આખા સિદ્ધપુરમાં ફેલાઈ ગઈ. સાંજ સુધીમાં તોફાનો કાબૂમાં આવી ગયાં.
(સત્યઘટના. એ નાનકડો બચુ સન્માનનીય બચુભાઈ છે. પંચોતેર વર્ષની એમની ઉંમર છે. હમણાં થોડા દિવસો પહેલાં એક પ્રવાસ દરમિયાન સિદ્ધપુરમાં થઈને અમારી ગાડી પસાર થઈ, ત્યારે અતીતની યાદોમાં ડૂબકી મારીને એમણે આ ઘટનાનું મોતી મારા હાથમાં મૂક્યું. એમની આંખોમાં વેદના ટપકતી હતીઃ એ વખતે બે કોમોની વચ્ચે જે સૌજન્ય હતું, એ ક્યાં ચાલ્યું ગયું?’) શીર્ષક પંક્તિઃ પ્રવીણકુમાર રાઠોડ

No comments:

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો