‘ઓહ્! હું તો થાકી ગયો! આ રિસેપ્શનનો રિવાજ બહુ ખરાબ છે. ભલભલા પુરુષને ભાંગી નાખે એવો.’ અમેરિકાથી ખાસ લગ્ન માટે આવેલા વરરાજા જસ્મિન શેઠે હનીમૂન માટે હોટલ તરફ જતાં ગાડીમાં પડખે બેઠેલી તાજી, મોગરાની કળી જેવી પત્નીને કહ્યું.
‘બસ, નેટ પ્રેક્ટિસમાં જ ભાઈસાહેબની હવા નીકળી ગઈ?! ખરી મેચ તો હવે શરૂ થવાની છે!’ નવોઢા તોરલે આંખના ખૂણામાંથી શૃંગારનું તીર છોડ્યું. જસ્મિન કમ્પ્યૂટર એન્જિનિયર હતો અને ન્યૂ જર્સીમાં ડોલરિયો પાક લણી રહ્યો હતો. તોરલ ડૉક્ટર હતી. હમણાં જ એમ.ડી.ની પરીક્ષા પાસ કરીને હળવી થઈ હતી. એનાં પપ્પાના નિકટના મિત્રે છોકરો બતાવ્યો. બંને જણાં મળ્યાં. વાતચીત કરી. પહેલાં તો તોરલનાં મનમાં ડૉક્ટર ન હોય એવા મુરતિયા માટે આનાકાની જ હતી, પણ જસ્મિનનું સોહામણું વ્યક્તિત્વ જોયા પછી એને લાગ્યું કે વાંધો નહીં આવે. હૈયાં મળતાં હોય તો પછી ડિગ્રીઓ ન મળે તો પણ શો વાંધો છે? અને અમેરિકામાં ક્યાં આપણા દેશ જેવું છે? ત્યાં તો બસ, સારી જોબ હોવી જોઈએ. નોકરી કે વ્યવસાયના આધારે સજોડાં કે કજોડાં માની લેવાની ક્રૂરતા એ દેશમાં નથી.
ડૉ. તોરલે બિનતબીબ એવા મુરતિયા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. જે દિવસથી સગાઈ નક્કી થઈ એ દિવસથી જ બંને જણાં આખો દિવસ સાથે ને સાથે ફરવા માંડ્યાં. એટલે લગ્ન થયા ત્યાં સુધીમાં તો જાણે એકબીજાંને વર્ષોથી જાણતા હોય એટલાં હળીમળી ગયાં! બોલવાચાલવામાં શરમસંકોચ રહ્યા નહીં. તો જ ‘હનીમૂન’ની રાત શરૂ થતાં પહેલાં એક ભારતીય યુવતી આવી ‘બોલ્ડ’ કોમેન્ટ કરી શકે ને?
કામબાણની કાતિલ અસરો રામબાણ જેટલી જ સચોટ હોય છે. રૂપાળી, સુશિક્ષિત અને બુદ્ધિશાળી પત્નીનું મહેણું ખાઈને જસ્મિન ઘાયલ થઈ ગયો. પત્નીનો કાકડી જેવો કૂણો હાથ પકડી લીધો. ‘થાક લાગ્યો છે એની ના નહીં, પણ એક વાત સાંભળી લો, તોળી રાણી! યોર હસબન્ડ ઇઝ ટાયર્ડ, બટ નોટ રિટાયર્ડ! અને તારા ગોરાગોરા હાથની નાજુક આંગળીઓ વડે તું જ્યારે મારું માથું દબાવી આપીશ, ત્યારે મને...’
તોરલ હાથ છોડાવીને તોફાની હાસ્ય વેરી બેઠી, ‘પેલો જોક સાંભળ્યો છે ને? પતિનું માથું દુખતું હોય ત્યારે ડૉક્ટર પત્ની સેવા નથી કરતી, સારવાર કરે છે! હું પણ તારું માથું દબાવવાને બદલે એનાલ્જેસિક ગોળી ગળાવી દઈશ!’
મસ્તીમજાક અને રોમાન્સની છોળો વચ્ચે ક્યારે હોટલ આવી ગઈ એની પણ ખબર ન રહી. અમદાવાદની પ્રખ્યાત હોટલનો મોંઘોદાટ સ્યૂટ પહેલેથી જ હનીમૂન માટે બૂક કરી રાખેલ હતો. હોટલના કર્મચારીઓ પણ આ નવપરિણીત યુગલના વિશેષ સ્વાગત માટે તૈયાર હતા. કાઉન્ટર પાસે ઊભેલી ચુલબુલી રિસેપ્શનિસ્ટે તો મજાક પણ કરી લીધી, ‘મિ. જસ્મિન શેઠ, વ્હાય ડૉન્ટ યુ ચેઇન્જ યોર નેઇમ?’
‘કેમ, જસ્મિન નામ ન ગમ્યું?’
‘નામ તો સારું છે, પણ જસ્મિનને બદલે જેસલ રાખશો તો વધારે જામશે!’
હાસ્યના ફુવારામાં નહાતાં, ભીંજાતાં અને સુખના જળશિકરો રેલાવતાં જેસલ જાડેજા અને તોરલદે સપનાની વાટે સહિયારા પ્રવાસની શરૂઆત કરવા માટે ખાસ સજાવેલા શયનખંડમાં કેદ થઈ ગયાં. બારણાં બંધ થયા અને હૈયાં ખૂલી ગયાં. જસ્મિને તોરલનું મસ્તક પોતાની છાતી ઉપર ઢાળી દીધું અને આલિંગન તો એવું જડબેસલાક હતું કે...ફૂલ ભી હો દરમિયાં તો ફાંસલે હુએ...!
‘કેમ, હવે થાક ઊતરી ગયો?’ તોરલે માથું હટાવવાની કોશિશ કરતાં પૂછ્યું.
‘થાક? અરે, સાંજનો જ નહીં, પણ જિંદગી આખીનો થાક ઊતરી ગયો, તોરલ! મનમાં ઇચ્છા થાય છે કે દુનિયા આ જ ક્ષણના પડાવ ઉપર અટકી જાય તો સારું! તારું માથું અને મારી છાતી. મોત જો આવવાનું જ હોય તો બસ, આ જ સ્થિતિમાં આવે...! જસ્મિન હનીમૂનની રાતે ભાવુક બની રહ્યો હતો.
પણ તોરલ એને સાંભળવાના મૂડમાં ન હતી. એ ગંભીર મુખભાવ ધારણ કરીને પતિની છાતી ઉપર કાન ધરીને જાણે કે એકાગ્રતાપૂર્વક કશુંક સાંભળવાનો પ્રયાસ કરી રહી હતી.
‘તમારી શંકા તદ્દન સાચી છે, બહેન! યોર હસબન્ડ ડઝ હેવ એ કાર્ડિયાક પ્રોબ્લેમ. હી વિલ હેવ ટુ બી ઇન્વેસ્ટિગેટેડ...’ શહેરના પ્રખ્યાત, અનુભવી કાર્ડિયોલોજિસ્ટે તોરલની શંકાને અનુમોદન આપ્યું.
મધુરજનીના પ્રારંભે પતિના પ્રગાઢ આલિંગનમાં કેદ થયેલી કોઈ પણ યુવતી માત્ર પ્રેમના જ વિચારો કરે. સિવાય કે એ ડૉક્ટર હોય! તોરલ માત્ર સ્ત્રી ન હતી. એક હોશિયાર ડૉક્ટર પણ હતી. મેડિસિનના વિષયમાં ગોલ્ડ મેડલ મેળવીને તાજી જ બહાર પડી હતી. જસ્મિનની પૌરુષી છાતી ઉપર મસ્તક ઢાળીને ઊભી હતી, ત્યારે એના હૃદયમાંથી ઊઠતા ધબકારમાં પોતાનું નામ શોધવાને બદલે એણે બીજું જ કશુંક શોધી કાઢ્યું. તબીબી પરિભાષામાં હૃદયની ધડકન ‘લબડપ, લબડપ’ ના ધ્વનિ સાથે એકધારી તાલબદ્ધ ચાલતી રહે છે, જન્મથી લઈને છેક મૃત્યુ સુધી. એમાં ક્યાંય જરા સરખોય ગતિરોધ, ધ્વનિફરક કે વધારાનો અવાજ બહુ સૂચક હોય છે.
તોરલ આવો એક અનિચ્છનીય અવાજ સાંભળીને ચોંકી ગઈ, ‘જસ્મિન, તારા હાર્ટમાંથી મર્મર સંભળાય છે! તને કોઈ ફરિયાદ? તકલીફ? થાક? ચક્કર? છાતીનો દુખાવો કે ગભરામણ?’
પ્રશ્નોનું પગેરું છેક જન્મજાત ખામી સુધી ખેંચી ગયું. તોરલ પૂછતી ગઈ અને નિદાન પકડાતું ગયું. બીજે જ દિવસે તોરલ એના પતિને લઈને કાર્ડિયોલોજિસ્ટના ક્લિનિકમાં પહોંચી ગઈ. એમણે નિદાન કરી આપ્યું, ‘જસ્મિનને કન્જેનાઇટલ વાલ્વ્યુલર ડિફેક્ટ છે. ઓપરેશન કરાવવું પડશે. નહીંતર...’
‘નહીંતર’ પછીની અમંગળ શક્યતા માટે કોઈ પણ પ્રકારની ગુંજાઇશ જ ક્યાં હતી! વો શમા ક્યા બુઝે જીસે રોશન ખુદા કરે? અહીં તો ખુદાના સ્થાને ખુદ પત્ની હતી! હનીમૂન મુલત્વી રહ્યું. એક મહિના પછી જસ્મિન અને તોરલ અમેરિકા ગયાં. ત્યાં જસ્મિનનું ઓપરેશન થઈ ગયું. જન્મથી ક્ષતિગ્રસ્ત એવો હૃદયનો વાલ્વ બદલાવી નાખવામાં આવ્યો. હવે નવે નાકે દિવાળી હતી! નવેસરથી મધુરજની. પુનઃ શયનખંડનું એકાંત. બંધ દ્વાર. ચાર દીવાલો વચ્ચેનું એકાંત. પ્રગાઢ આલિંગન. પુરુષની છાતી અને પત્નીનું મસ્તક. રફુકામ થયેલા હૃદયવાળો પતિ પૂછતો હતો, ‘હવે શું સંભળાય છે?’ અને તોરલ આજે તબીબ મટીને નવોઢાની જેમ શરમાઈ રહી હતી. જવાબ ક્યાંથી આપે? આંખો ઉપર મીઠું ઘેન છવાઈ રહ્યું
1 comment:
being a doctor is not only passing the exams wid flying colours or gold medals....
doctors are doctors in each moment of the lyf... they cn nvr get rid f their responsibility to mankind...
hats off dr. toral...
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ