Add to your favorites

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી.


ડિયર સ્ટુડન્ટ્સ, આજે મેડિકલ કોલેજમાં તમારો પ્રથમ દિવસ છે. તમારું હું હાર્દિક સ્વાગત કરું છું. યુ આર ધી ક્રીમ ઓફ ધી સોસાયટી. બૌદ્ધિક દ્રષ્ટિએ તમે સમાજના શ્રેષ્ઠ ભેજાઓ છો. અને જગતના સર્વશ્રેષ્ઠ વ્યવસાયમાં તમે આજે પહેલું પગલું મૂકી રહ્યા છો. એટ ધીસ સ્ટેજ, લેટ મી આસ્ક યુ વન ક્વેશ્વન. મારે તમને બધાંને એક જ સવાલ પૂછવો છે ; તમારે શા માટે ડૉક્ટર બનવું છે ? આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ માય લેફ્ટ સાઈડ. યસ, માય સન ! યુ ટેલ મી વ્હાય યુ હેવ ચોઝન ટુ બીકમ એ ડૉક્ટર !

ફર્સ્ટ એમ.બી.બી.એસ.ની ફર્સ્ટ ટર્મ. મેડિકલ કોલેજનો પ્રથમ દિવસ. સત્તર વર્ષના કુમળા દિમાગોમાં ડર પેદા કરી મૂકે એવાં ભવ્ય મકાન અને વિશાળ ખંડો. હવામાં ઊડતા કબૂતરની પાંખનો ફફડાટ પણ ફટાકડા જેવો મોટો લાગે એવી અશબ્દ શાંતિ. અને એનેટોમી વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડૉ. કામલેસાહેબનો ઘેરો, પડછંદા પાડતો અવાજ.

ડાબી બાજુએ પ્રથમ બેઠકમાં જે વિદ્યાર્થી હતો એણે ઊભા થઈને જવાબ આપ્યો, ‘ હું શા માટે ડૉક્ટર બનવા માગું છું? સર, આ સવાલનો જવાબ તો તમે જ આપી દીધો છે. તબીબી વ્યવસાય એ જગતનો સર્વશ્રેષ્ઠ વ્યવસાય છે માટે મારે ડૉક્ટર બનવું છે. એમાં પૂરેપૂરા પૈસા લીધા પછી પણ લોકોની પીડા દૂર કરવાનો સંતોષ મળે છે.’ ‘શાબાશ! નેકસ્ટ?’ સાહેબે બીજા વિદ્યાર્થીને ઊભો કર્યો. સમાજમાં ડૉક્ટરોની જે ઈજ્જત છે એટલી બીજા કોઈની નથી. દરદીઓ માટે ભગવાન પછીનું બીજુ સ્થાન ડૉક્ટરનું હોય છે.
વેલ સેઈડ! અને તમારે શા માટે ડૉક્ટર બનવું છે, માય ફેર લેડી ?’ સાહેબે એક ગોરીગોરી, તેજના ફુવારા જેવી છોકરીને પૂછયું.

સર, આઈ વોન્ટ ટુ સ્ટડી ધી સિક્રેટ્સ ઓફ હ્યુમન બોડી, માણસના મનનો તાગ તો મોટામોટા ઋષિમુનિઓ પણ પામી શક્યા નથી, પણ મારે માનવશરીરનાં રહસ્યો પામવાં છે.

બહુ ઉમદા વિચાર છે, દીકરી ! મારી શુભેચ્છા તારી પાસે છે. અને તું...?’ ડૉ.કામલેએ એમની આંખો બીજા એક વિદ્યાર્થી ઉપર ઠેરવી.

સવાલ જ એવો પૂછાયો હતો કે એના જવાબમાં આખો પિરિયડ પૂરો થઈ જાય. દરેકની પાસે ડૉક્ટર બનવા માટેનું એક જુદું કારણ હતું, મજબૂત કારણ હતું.
કોઈએ કહ્યું, ‘મારા પપ્પા ડૉક્ટર છે અને મારે એમની ગાદી સંભાળવાની છે.તો વળી બીજાએ કહ્યું, ‘મારી આખી ન્યાતમાં કોઈ ડોક્ટર નથી બન્યું, એટલે મારી ઈચ્છા ડૉક્ટર બનવાની છે.
એક જાડિયા, મશ્કરાએ તો એના મનમાં હતું એ જ કહી નાખ્યું, ‘ આપણે તો સર, પૈસા બનાવવા છે. રાતોરાત કરોડપતિ થઈ જવું છે, એટલે જ અહીં માથાફોડ કરવા આવ્યા છીએ.
આખો વર્ગ હસી પડ્યો. સાહેબ પણ.
થોડીવારે હસવાના પડઘાઓ શમ્યા, એટલે કામલેસાહેબે ગંભીર બનીને કહ્યું, ‘ કદાચ આ વિદ્યાર્થી તમારા બધામાં સૌથી વધારે પ્રામાણિક છે. તમારા મનમાં કરોડપતિ બનવાનો ઈરાદો છુપાયેલો હશે, પણ તમે કદાચ એ ચળકાટભરી લાલસાને રૂપાળા બહાનાના આવરણ હેઠળ ઢાંકી રાખવા માગતાં હશો. આ બિરદારે એના મનમાં હતું એ જ જીભ ઉપર લાવી દીધું છે. ઓ.કે.! નેક્સટ!

આનંદ ઊભો થયો. એકવડિયા બાંધાનો, સહેજ શ્યામ, કપડાં અને હાવભાવથી ગામડિયો છે એવો દેખાઈ આવતો આનંદ જ્યારે બોલવા માટે ઊભો થયો, ત્યારે એની આંખોમાં ભીનાશ અને અવાજમાં વેદના હતી, ‘સર, હું ગામડામાંથી આવું છું. એવું ગામડું જ્યાં ચોખ્ખી હવા છે, પ્રદૂષણ વગરનું પાણી છે અને શદ્ધ ઘીદૂધ છે; પણ અમારા કમનસીબ ગામડાં માટે આજે પણ સારવાર એ સપનાની વસ્તુ છે અને ડૉક્ટર દૂરની ચીજ છે.

ત્યારે તો તમારા ગામમાં કોઈ બીમાર પડે તો એેને ભારે તકલીફ પડતી હશે, નહીં ? ’
હા, સર! સારવાર વગરનું મોત એ અમારા માટે કવચિત્ બનતી આકસ્મિક ઘટના નથી, પણ અમારા કોઠે પડી ગયેલી કમનસીબી છે. ત્રણચાર વર્ષના તાજી ફળી જેવાં બાળકો બેત્રણ દિવસના ધાણીફૂટ તાવમાં ફટાફડાની જેમ ફૂટી જાય છે. પાનેતર પહેરીને સાસરીમાં આવેલી નવોઢાઓ પહેલી જ સુવાવડમાં પાનેતર ઓઢીને સ્મશાનભેગી થઈ જાય છે. ચોમાસામાં ઓછામાં ઓછાં પાંચસાત માણસો મેલેરિયાને કારણે મચ્છરની માફક ટપોટપ મરવા માંડે છે. હજુ બે મહીના પહેલાં જ મેં મારી મોટી બહેનને...આનંદના ગાળામાં ડૂમો ભરાયો,‘ મારી એકની એક બહુ વહાલી બહેન હતી. બે વર્ષ પહેલાં જ પરણીને સાસરે ગયેલી. પહેલી સુવાવડ માટે અમારે ત્યાં આવી હતી. ચોમાસાની મુશળધાર મધરાતે એને પીડા ઉપડી. આખી રાત એણે તરફડિયા મારીને માંડ પસાર કરી. ગામડાંની દાયણો બાપડી શું કરે ? સવારનો સૂરજ ઊગેતે પહેલાં અમારા ઘરનો ચાંદ આથમી ગયો.

ઓહ, આઈ એમ વેરી સોરી ટુ લિસન યોર સ્ટોરી, માય સન!ડૉ. કામલેના અવાજમાં સાચી સહાનુભૂતિ છલકાતી હતી, ‘આ અંગત ટ્રેજડીએ જ તને ડૉક્ટર બનવાની પ્રેરણા આપી છે ?’
હા, સર! મેં એ જ દિવસથી ડૉક્ટર બનવાનું નક્કી કરી લીધું પરીક્ષાને બહુ વાર ન હતી. આમ પણ હું હોશિયાર તો હતો જ અને મારી સાથે પાછલાં બારબાર વર્ષની મહેનત હતી. મારે ડૉક્ટર જ બનવું હતું, એ પણ માત્ર એમ.બી.બી.એસ. નહીં, મારે તો ગાયનેકોલોજિસ્ટ બનવું છે. મેં તો મારી બહેન ગુમાવી છે, પણ ભવિષ્યમાં મારા વિસ્તારના સોદોઢસો ગામડાંમાંથી એક પણ બહેનનો જીવ સુવાવડ દરમ્યાન ન જાય એ મેં જોયેલું સ્વપ્ન છે. હું મારા ગામથી પાંચ જ કિ.મી. દૂર આવેલા નાનકડા શહેરમાં નર્સિંગહોમ ખોલીશ અને ગ્રામ્ય વિસ્તારની બહેનદીકરીઓની સેવા કરીશ.

આનંદનાં દ્રઢતાભર્યા વાક્યો સાંભળીને કલાસરૂમમાં થોડી ક્ષણો માટે સન્નાટો પ્રસરી ગયો અને પછી આખો ખંડ તાળીઓના અવાજથી ગૂંજી ઊઠયો.
આ વાતને આજે દસ વર્ષ થયા છે. આનંદ હવે ડૉ.આનંદ છે. એણે ખુલ્લી આંખે જોયેલું ગાયનેકોલોજિસ્ટ બનવાનું સ્વપ્ન સાચું પડ્યું છે. બસ, એના નર્સીંગહોમના સરનામામાં નાનકડોફેરફાર થયો છે. પોતાના ગરીબ, ગ્રામ્ય વિસ્તારમાં બેસવાને બદલે એ અત્યારે અમદાવાદના પોશ એરિયામાં આલિશાન નર્સિંગ "હોમ" ખોલીને બેઠો છે.
(એના ગામની એક પ્રસૂતા તાજેતરમાં જ સારવારના અભાવને કારણે મૃત્યુ પામી છે, પણ આનંદ તદ્દન આનંદમાં છે !)
શીર્ષક પંક્તિ: 'ગનિ' દહીંવાલા

1 comment:

Unknown said...

very good.. Dr. anand. that's KALIYUG.

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો