કે. સી. પટેલ ન્યૂયોર્કમાં બેઠાબેઠા પણ પરસેબે રેબઝેબ થઈ ગયા. બીમારી વસ્તુ જ એવી છે, ભલભલાને ભાંગી નાખે. એમાં પણ આ તો માંદગી નહીં, પણ મોતની આલબેલ હતી! જેમતેમ કરતાં પંચાવન વર્ષના કે. સી. એમની બી.એમ. ડબલ્યુમાં ગોઠવાયા. ડ્રાઇવરને અંગ્રેજીમાં આદેશ આપ્યો, ‘સ્ટ્રેઇટ ટુ ધી ફેક્ટરી!’
કે. સી. પટેલ મૂળ ભારતના. ગુજરાતના. અને આપણા ચરોતરના. આ ફળદ્રુપ ભૂમિના પટેલ ભાયડામાં ત્રણ ગણો જન્મજાત જોવા મળે છે. પરિશ્રમ, દીર્ઘ દ્રષ્ટિ અને લોખંડી મનોબળ. પટેલના ઘરમાં પારણું બંધાય, ત્યારે પ્રત્યેક નવું જન્મેલું બાળક એના ડી.એન.એ. ઉપર આ ત્રણ અક્ષરનો કક્કો છપાવીને જ આવે છે. કે. સી. પટેલ એમાં અપવાદ ન હતા. બાવીસમે વર્ષે દોરલોટોય લીધા વગર અમેરિકામાં આવી ચડેલા કાન્તિલાલ ચંદુલાલ પટેલ પંદર વર્ષના કઠોર પરિશ્રમ પછી એ સ્થિતિએ પહોંચી ગયા કે અમેરિકામાં વસેલા તમામ ગુજરાતીઓમાં એ સૌથી વધુ પૈસાદાર હતા. હવે કોઈ એમનું નામ પૂછે તો એ ટૂંકમાં કે.સી. પટેલ જ કહેતા. પછી તો પટેલ પણ કાઢી નાખ્યું. રોજિંદી વાતચીતમાં માત્ર ‘કે.સી.’ જ રહ્યું.
‘ઇનફ ઇઝ ઇનફ, કે.સી.! બસ, બહુ થયું!’ ન્યૂયોર્કના જાણીતા યુરોસર્જન ડૉ. રામાણીએ સતત બે વર્ષની જહેમતભરી સારવાર પછી એમના ફ્રેન્ડકમપેશન્ટને જણાવી દીધું, ‘તારી બંને કિડની સાવ ખલાસ થઈ ગઈ છે. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા વગર છૂટકો નથી.
‘ના.’ ડૉક્ટરે લાંબી વાતનો ટૂંકો જવાબ આપી દીધો. ‘ડાયાલિસીસ એ ફાટેલા કપડા ઉપર મારવામાં આવતું થીગડું છે, નવું વસ્ત્ર નહીં, પહેરેલા વસ્ત્રમાં જ્યારે કાપડ કરતાં થીગડાં વધી જાય, ત્યારે નવું વસ્ત્ર...’
‘સમજી ગયો, સમજી ગયો! હવે નવી કિડની એ જ મારા માટે નવું કપડું! બરાબર ને?’ કે. સી. ઊભા થયા. ડૉક્ટરનો આભાર માનીને બહાર નીકળ્યા. હિમાલય જેવી શીતળતામાં કપાળ ઉપરનો પરસેવો લૂછતાં બી.એમ.ડબલ્યુ કારમાં બેઠા. અને ડ્રાઇવરને કહી દીધું ‘સીધા ફેક્ટરી તરફ મારી મૂકો!’
ગણતરીબાજ કે.સી.ના દિમાગમાં એક સાથે અનેક ગણતરીઓ ચાલી રહી હતી. પહેલું કામ ડોનર શોધવાનું હતું. ડૉલર આપી શકે એવો ડોનર નહીં, પણ કિડની આપી શકે એવો ડોનર! પોતાના અખંડ દેહમાંથી સર્જનહારે સ્વયં બક્ષેલી બે કિડનીમાંથી એકને કાઢી આપવી એ મહા કપરુ કામ છે. કાનમાં
જડેલા કવચકુંડળ કાપી આપનાર કર્ણ જેવો દાનવીર જ એ કરી શકે. પણ એ તો મહાભારત કાળની વાત થઈ. આ કળિયુગમાં તો પતિપત્ની કે માબાપ કિડની કાઢી આપે, પારકો કર્ણ શોધવા ક્યાં જવું? પણ કે. સી. પાસે મબલખ પૈસો હતો. એટલે વિચાર્યું કે એકબે લાખ ડોલર્સ ખર્ચીને કિડની ખરીદી લેવાશે. પૈસાથી શું નથી મળતું? એક ગણતરી પૂરી થઈ એટલે બીજી શરૂ થઈ. ઓપરેશન પહેલાં, વખતે અને પછી પોતે કામથી દૂર રહેશે. ફેક્ટરીમાં વધારાના ખર્ચાઓ ઉપર કાપ મૂકવો સારો. એ માટે શક્ય હોય તો થોડાક હંગામી કર્મચારીઓને છૂટા પણ કરી દેવા પડે. પણ કોને છૂટા કરવા? કે.સી.એ મેનેજરને બોલાવ્યા, ‘મિ. વિલી! આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઑફ એ ફ્યુ વર્કર્સ. કાયદાની ચુંગાલમાં સપડાઈ ન જવાય એ રીતે કોનેકોને કાઢવા એ તમે સૂચવો.’
મેનેજર ધોળિયો હતો, કાબો હતો, ‘આપણી ફેક્ટરીમાં એંશી ટકા સભ્યો તમારા ઇન્ડિયાથી આવેલા છે. એમને દૂર કરવાનું તો તમે જ પસંદ ન કરો. બાકીના દસેક ટકા અમારા જેવા છે જેમની બુદ્ધિ ઉપર ધંધો ટકેલો છે. બાકી રહ્યા દસ ટકા, જે મેક્સિકન્સ છે. એ બધાં ઉલ્લુના પઠ્ઠાઓ છે. એમનામાં અક્કલ જેવું કંઈ હોતું નથી. વિચાર્યા વગર મહેનત કર્યે રાખે છે. એમને કાઢી નાખો!’ ‘એ બરાબર લાગે છે. પણ એમાંથી કોઈને મારી કિડનીની બીમારી વિષે જાણ નથી ને? નહીંતર પાછા કોર્ટમાં જઈને કાગારોળ મચાવશે.’ કે.સી.એ ચિંતા વ્યક્ત કરી. એમની ચિંતા વાજબી હતી, કેમકે અમેરિકામાં લેબર કોર્ટના કાયદાઓ બહુ સખત હોય છે.
મેનેજરે હૈયાધારણા આપી. અડધા કલાક પછી પહેલો બોકડો વધેરવા માટે માલિક પાસે મોકલી આપ્યો. એ ફર્નાન્ડો હતો. મેક્સિકન જૂથનો સરદાર ગણી શકાય એવો કર્મચારી. ભલે મેનેજર વિલીની દ્રષ્ટિએ એ બુદ્ધિનો લઠ્ઠ હતો, પણ તટસ્થ નજરે જોઈએ તો ફર્નાન્ડો સાવ સીધોસાદો અને સરળ ઇન્સાન હતો. આમ તો બધા જ મેક્સિકનો ભલા હોય છે. સાધારણ કદકાઠીના માણસો. આપણી જેવા જ ઘઊંવર્ણા. પણ અમેરિકનો એમને હાંસીને પાત્ર સમજે છે.
ફર્નાન્ડો અદબપૂર્વક કે.સી.ની ઑફિસમાં આવીને ઊભો રહ્યો. કે.સી.એ મભમ પણે શરૂઆત કરી, ‘લુક, ફર્નાન્ડો! મને જણાવતાં બહુ દિલગીરી થાય છે કે આજકાલ આપણો બિઝનેસ બરાબર નથી ચાલતો. મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે...’
‘સમજી ગયો, માસ્ટર! હું આવતી કાલથી નહીં આવું.’ ફર્નાન્ડો ઝૂકીને બોલ્યો. ‘બસ! બસ!’ કે.સી. ખુશ થઈ ગયા. મામલો આટલી આસાનીથી પતી જશે એવું તો એમણેય નહોતું ધાર્યું, ‘ફર્નાન્ડો, ભવિષ્યમાં તને કશી પણ તકલીફ હોય તો તું મને મળી શકે છે. બાય ધી વે, કાલથી તું શું કરીશ?’
‘ખબર નથી, માસ્ટર! હાલ પૂરતું કોઈ કામ પણ મને મળે એવું નથી. પણ તમે જીવ ન બાળશો. હું મારંુ ફોડી લઈશ. સાંભળ્યું છે કે તમારી તબિયત આજકાલ સારી નથી રહેતી. મારા જેવા નાના માણસની ફિકર કરીને તમે ક્યાંક વધુ બીમાર પડી જશો.’
‘ઓ.કે.! ઓ.કે.! ફર્નાન્ડો, થેન્ક યુ વેરી મચ. તારી લાગણી માટે આભાર. અને તું પૂછે છે એટલે કહું છું કે મારી બંને કિડનીઓ ખલાસ થઈ ગયેલ છે. ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવવું જરૂરી છે. મોટી ચિંતા એ વાતની છે કે મારા માટે કિડની ડોનેટ કરવા કોણ તૈયાર થશે...?
‘હું તૈયાર છું, માલિક!’ ફર્નાન્ડોનું ગળું રૂંધાઈ ગયું, ‘આને તમે સોદાબાજી ન ગણશો, માસ્ટર! મારે કિડનીના બદલામાં ન તો તમારી પાસેથી એક પણ ડોલરની અપેક્ષા છે, ન નોકરીની! આમેય તે હાલમાં બીજી નોકરી ન મળે ત્યાં સુધી મારે આરામ જ કરવાનો છે. બોલો, માલિક! ક્યારે આવી જઉં?’ ફર્નાન્ડો જેવા વફાદાર નોકરની વાત સાંભળીને કે.સી. ઊભા થઈ ગયા. જિંદગીમાં પહેલી વાર એક ચરોતરી પટેલ એક મુફલિસની માનવતાને પારખવામાં ઊણો ઊતર્યો.
2 comments:
they are mean ...i am talking about charotari patels
very nive
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ