‘કેમ છો?’
‘કોણ?’
‘બસ ને? અવાજ ન ઓળખ્યો ને?’
‘અવાજ તો નથી ઓળખાતો, પણ ટેલિફોનમાં આવાં સસ્પેન્સ ઊભાં કરવાની તમારી અવળચંડાઈ ઓળખી શકુ છું. જયેશભાઈ બોલો છો ને?’
રાતના આઠ વાગવા આડે આઠ મિનિટ ને આઠ સેકન્ડની વાર હતી. ડૉ. રજત શાહ એમના કન્સલ્ટિંગ રૂમમાંથી ઊભા થવાની તૈયારીમાં હતા, ત્યાં જ ટેલિફોનની ઘંટડી વાગી. આખરી પેશન્ટને હમણાં જ પતાવીને ડૉક્ટર પરવાર્યા હતા. કેન્સર સર્જન હોવાથી માત્ર ગણતરીના જ દરદીઓ એ સવારસાંજ તપાસતા હતા. ફક્ત એપોઇન્ટમેન્ટ લીધેલા ચૂંટેલા દરદીઓ જ સ્વીકારવાનું એમને આટલાં વર્ષની પ્રેક્ટિસ બાદ આર્થિક રીતે પરવડતું પણ હતું. નર્સને સૂચના આપી રાખી હતી કે સાડા સાત પછી એક પણ નવા કે જૂના દરદીને એપોઇન્ટમેન્ટ આપવી નહીં. પણ ટેલિફોન તો રિસીવ કરવો જ પડે ને! કર્યો! એમાં આ સંતાકુકડી નીકળી પડી.
જયેશભાઈ જાડી બુદ્ધિના જૂના મિત્ર હતા એટલે ડૉ. રજત શાહે એમને માફ કરી દીધા. ‘બોલો, શું હતું?’
‘આપણા એક મિત્ર છે.’
‘આપણા કે તમારા?’
‘હવે મારા મિત્ર એટલે તમારા પણ ખરા કે નહીં? તમે યાર, બહુ ઝીણું કાંતો છો.’ જયેશભાઈ સહેજ ઊકળીને તરત પાછા ઠંડા પડી ગયા. મૂળ વાતનો તંતુ પકડી લીધો, ‘એ મિત્રના એકના એક જુવાન દીકરાને અન્નનળીનું કેન્સર થયું છે.’
‘ઓહ્ નો! પૂઅર ચેપ!’
‘તમારી સલાહ લેવી છે.’
‘કાલે સવારે મારા કન્સલ્ટિંગ રૂમ પર આવી જાવ. દસથી એકની વચ્ચે ગમે ત્યારે આવો. હું જોઈ આપીશ.’
‘એમાં એવું છે ને કે એને ખાનગી નર્સિંગહોમમાં સારવાર નથી કરાવવી. એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલમાં જવું છે!
‘એ તો બહુ સાચો ને સારો નિર્ણય છે. ગુજરાતની કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં એ સંસ્થા અનેકગણી ચડિયાતી છે. ત્યાંના સુપરિન્ટેન્ડન્ટ
ડૉ. પંકજ શાહ મારા મિત્ર પણ છે. બહુ ઉમદા માણસ છે. મારી ભલામણની પણ જરૂર નથી. એમને મન બધા જ દરદીઓ લાગણીની ચિઠ્ઠી અને ભાવનાની ભલામણ લઈને આવનારાં એમના સ્વજનો છે.’
‘બસ, બસ. હવે તમે સમજી ગયા. આપણા મિત્રને ક્યાંકથી જાણવા મળ્યું છે કે તમારે કેન્સર હોસ્પિટલમાં સારી એવી ઓળખાણ છે એટલે જ એમણે મને પકડ્યો....ને મેં તમને પકડ્યા. ક્લિનિક માટે તો એમને દૂર પડે એમ છે. તમે જો હા પાડો તો આજે રાત્રે દસ વાગ્યા પછી હું એમને લઈને તમારા બંગલે આવી જાઉં. સાથે એમના દીકરાને અને રિપોટર્સની ફાઇલોને પણ લેતો આવું. તમે પેશન્ટને જુઓ, તપાસો, આખા કેસનો સ્ટડી કરો અને પછી એમને સલાહ આપો કે શું કરવું...’
‘જયેશભાઈ, આ એક પ્રકારનું કન્સલ્ટેશન જ થયું, અને તમે જાણો છો કે હું મારા ઘરે દરદીઓને તપાસવાનું કામ ક્યારેય કરતો નથી. તમારા મિત્રને મારા ક્લિનિક ઉપર લઈ આવો. હું ફી ન લેવાનું વચન આપું છું. પણ પ્લીઝ, ઘરે તો નહીં જ...’ ડૉક્ટરે ઘણી ના પાડી,પણ જબરા જયેશભાઈએ જીદ ન છોડી. ‘રાત્રે દસ વાગ્યા પછી આવું છું.’ એમ કહ્યા પછી જ છાલ છોડી. પાછા ‘આપણા!’ મિત્રનું નામ પણ ન જણાવ્યું. ડૉક્ટરે બહુ પૂછ્યું તો ફિલ્મી અંદાઝમાં ડાયલોગ ફટકારી દીધો, ‘દોસ્તીમેં નામ નહીં હોતા, સિર્ફ રિશ્તા હી હોતા હૈ.’
****
રાત્રે પોણા અગિયાર વાગે જયેશભાઈ પાંચસાત જણાનું ધાડું લઈને ડૉક્ટરના બંગલે આવી ચડ્યા. એમની સાથે આવેલા પૂરા મિત્ર પરિવારને ડૉક્ટર ઓળખી ગયા. એ નજીકની સોસાયટીમાં રહેતા કાપડના વેપારી તેજપાલ રોકડિયા હતા. એમને જોતાંની સાથે જ ડૉ. રજત શાહના દિમાગમાં ક્યાંક તીક્ષ્ણ શૂળની વેદના ઊભરી આવી. અઢારેક વર્ષ પહેલાંની એક કડવી ઘટના યાદ આવી ગઈ.
ત્યારે ડૉ. રજત શાહ હજુ યુવાન હતા. થોડુંઘણું કમાયા પછી એક નવું મકાન ખરીદવાની તૈયારીમાં હતા. ત્યાં એમને માહિતી મળી કે આદર્શ સોસાયટીમાં દસ નંબરનું મકાન વેચાવાનું છે. ડૉક્ટર પહોંચી ગયા. મકાનમાલિકને મળ્યા. સોદો પાક્કો કર્યો ત્યાં સોસાયટીના સેક્રેટરીએ વચમાં ટાંગ અડાવી.
‘ડૉક્ટર, તમે આ મકાન ખરીદી નહીં શકો. અમને વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તમે રહેણાંક માટેના મકાનમાં તબીબી પ્રેક્ટિસ શરૂ કરવા માગો છો.’
‘તદ્દન ખોટું સાંભળ્યું તમે, ભાઈ! મારે ઓલરેડી મારું નર્સિંગહોમ છે જ. અને મારી સ્પેશિયાલિટી એવી છે કે હું ઘરે તો દરદીઓની સારવાર કરી જ ન શકું.’
‘સારવાર ભલે ન કરી શકો, પણ ચેકઅપ તો કરી શકો ને?’
‘શા માટે કરું? હું મારા પરિવાર માટે મકાન ખરીદું છું, પેશન્ટ્સ માટે નહીં. અને મારો તો કડક નિયમ છે કે રાત્રે આઠ વાગ્યે દવાખાનેથી ઘરે આવી ગયા પછી દરદીની વાત ભૂલી જવાની એટલે તમે એ બાબતની ચિંતા...’
પણ સેક્રેટરીએ એમની એક પણ દલીલ સાંભળી નહીં. એમનો તો એક જ આગ્રહ હતો કે ડૉ. રજત શાહ સ્ટેમ્પ પેપર ઉપર એવું લખી આપે કે મજકુર મકાનમાં દરદી કે દરદને લગતી કોઈ પણ જાતની ગતિવિધિ તેઓ ક્યારેય કરશે નહીં.
ડૉક્ટરને ક્યાં પેટમાં મેલ હતો? એ તો આવું લખી આપવા માટેય તૈયાર થઈ ગયા. ત્યાં સેક્રેટરીએ નવી શરત મૂકી, ‘એવું નથી કે ફી લઈને દરદીને તપાસો એને જ પ્રેક્ટિસ કરી ગણાય. કોઈ માણસ તમારી પાસે માત્ર તબીબી સલાહ લેવા માટે આવે તો પણ તમારાથી એ આપી નહીં શકાય. તમારાં મમ્મીપપ્પાને તાવ આવતો હોય, તો એ પણ તમે માપી નહીં શકો. ઘરના કોઈ સભ્યનું બ્લડપ્રેશર માપશો તો એની સામે પણ અમારો વિરોધ છે.’
ડૉ. રજત શાહ સમજી ગયા કે સેક્રેટરીના મનમાં કશુંક બીજું જ કારણ રમી રહ્યું છે. એને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. કારણ વગર સ્ટેમ્પ પેપર ઉપર એમણે કાંડુ કાપી આપવાની કશી જરૂર ન હતી. એમણે મકાન ખરીદવાનો વિચાર માંડી વાળ્યો.
એ પછીના એક જ અઠવાડિયામાં સત્ય સામે આવી ગયું. સેક્રેટરીએ જાતે પેલું મકાન ખરીદી લીધું. બજારભાવ કરતાં એક લાખ રૂપિયા ઓછામાં એમણે મકાન પડાવી લીધું. મૂળ માલિકને ઘર વેચવાની ઉતાવળ હતી અને સેક્રેટરી છેલ્લા છ મહિનાથી પોતાની સત્તાની રૂએ એક પછી એક ઘરાકને આકરી શરતો દ્વારા ગભરાવીને ભગાડી મૂકતો હતો. ડૉ. રજત શાહ નસીબદાર નીકળ્યા. બીજા જ મહિને એમને સસ્તા ભાવે મોકાની જગ્યાએ વિશાળ બંગલો મળી ગયો. એ તો સુખીસુખી થઈ ગયા.
અને આજે અઢાર વર્ષના અંતરાલ બાદ કિસ્મતે પાસાની ફેરબદલ કરી હતી. પેલો ધૂર્ત સેક્રેટરી એ જ આજે કેન્સરગ્રસ્ત જુવાન પુત્રનો લાચાર બાપ બનીને તેજપાલ રોકડિયા તરીકે ડૉ. રજત શાહના દરબારમાં પેશ થવા માટે પધાર્યા હતા.
ડૉક્ટરે ચહેરા ઉપર અણગમાની એક પણ રેખા દર્શાવ્યા વગર તેજપાલનું કામ કરી આપ્યું. પૂરો એક કલાક એમના પુત્ર માટે ફાળવ્યો. ભલામણનો પત્ર લખી આપ્યો. પૈસા પણ ન લીધા. માત્ર એક વાત એ ન ભૂલી શક્યા.
રાતના બાર વાગ્યે જ્યારે તેજપાલ પરિવાર સહિત ઘરે જવા માટે ઊભા થયા, ત્યારે ડૉ. રજતભાઈએ એમને એટલું પૂછી નાખ્યું, ‘મિત્ર, આજે મેં જે કામ કર્યું એને કાયદાની નજરમાં શું કહેવાય એ જાણો છો?’
‘ના, શું કહેવાય?’
‘રેસિડેન્શિયલ પ્રિમાઇસિસમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ.’ ડૉક્ટરે ચાબુક વિંઝયો, ‘આજ સુધીમાં આ કામ મેં ક્યારેય કર્યું નથી. આજે તમારા પાપે આ પુણ્યકર્મ.
3 comments:
Tamara Lekh ma turning points hoy che a tamari khasiyat che. Hu Hamesha thi tamara lekh vanchto avyo chu.
Maro 1 question tamara mate. Tame satya ghatna vishe lakho cho. Atli badhi satya ghatna vishe tame kai rite jano cho. Shu ana mate tamaru medical networking jawabdar che?
Jyare aa week tame divya bhaskar ma " ek crorepati wheel chair na wife ni bewafai vishe" lekh lakhyo tyare ama pan mane hint lagi ke a manas 99% tamara doctor friend circle k tamari pase check up karva avyo hashe ane ane potani viti kidhi hashe.
Pan medical background na hoy avi satya ghatna vishe mahiti melvava kai rite prayas karo cho.
પ્રિય મિત્ર દીપક,
અમે માત્ર તેમના લેખોનો સંગ્રહ આપ વાંચક સુધી પહોંચાડીએ છીએ.
આશા રાખીએ કે તમારી આ વાત જો ડૉ.સાહેબ આ બ્લોગ રીફર કર્તા હોય તો વાંચે.
આભાર
sir, HU AAPNA ARTICLE 5 VARAS THI VANCHU CHU. TAMARA ARTICLE MA MANE EK J VAT BAU GAME CHE. AE AEJ KE KISMAT MANAS NE GAME TYA KHECHI JAY CHE. ATLA MATE KYAREY KOI MANAS NE AVGANVO NAHI, PACHI BHALE AE SAAV NANO HOY KE MOTO. FORM : RAVI PANCHAL
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ