સલીમભાઈ, મારી બૈરીને...’ રવિએ અચકાતાઅચકાતા વાતની શરૂઆત કરી. આગળ શું બોલવું એની એને સમજ તો હતી, પણ શક્તિ નહોતી.
‘ક્યા કરના હૈ વો બોલો ના, સાબ? હાથપાંવ તોડને કા હૈ કિ ફિર આખ્ખી ટપકા દેને કા હૈ?’ સલીમે એની બિઝનેસ લેંગ્વેજમાં વાત કરી.
રવિ શેલત માટે આ શબ્દકોષ તદ્દન નવો અને અજાણ્યો હતો, ‘હું સમજ્યો નહીં. મેં તો... સાંભળ્યું હતું કે... આઈ મીન, તમે... સુપારી લઇને ઘરાકનું કામ કરી આપો છો...’
‘સહી સુના તુમને, શેઠ! અપૂન કા નામ હી સલીમ સુપારી પડ ગયેલા હૈ. લેકિન કામકામમેં ભી ફરક હોતા હૈ કિ નહીં? હમ તો ટુકડા સુપારી ભી ખા લેતા હૈ ઔર આખ્ખી સુપારી ભી ચબા જાતા હૈ. તુમકુ કૌન સા ટાઇપ મંગતા?’
રવિના દિમાગમાં પ્રકાશ ફેલાયો, ‘નહીં, નહીં, સલીમભાઈ! આપણે અધૂરું કામ નથી કરવું. એને... મારી બૈરીને પૂરેપૂરી પતાવી જ નાખવાની છે. પૈસા તમે જેટલા કહેશો એટલા આપવા માટે હું તૈયાર છું.’
‘એક લાખ લગેગા.’
‘હું સવા લાખ આપવા તૈયાર છું પણ ક્યાંક એવું ન બને કે એ જીવતી બચી જાય...’
સલીમ સુપારી કાળોતરા નાગ જેવું ફુત્કાર્યો, ‘એય શેઠ, તુમ અપૂનકુ જાનતા હી ચ નહીં. અપૂન કા કાટા હુઆ, પાની તક નહી માંગતા, સમજા ક્યા?’
રવિ સમજી ગયો. આ માણસ છે તો ભરોસાપાત્ર. અણગમતી પત્નીથી કાયમી છુટકારો મેળવવો હોય તો આ સલીમ ઉપર વિશ્વાસ મૂકવો જ રહ્યો. જો બધું ધાર્યા મુજબ પાર ઊતરે તો આવતી કાલે આ સમયે તો...?
‘સા’બ, કોઈ ફોટુબોટુ લાયે હો?’ સલીમે કામનો પ્રારંભ કરી દીધો.
‘હેં?’ રવિ ઝબકીને વિચારતંદ્રામાંથી બહાર આવ્યો, ‘શેનો... કોનો ફોટો?’
‘અરે, ઔર કિસકા ફોટુ? તુમ્હારી બીવી કા! ઉસકા થોબડા તો દેખના પડેગા કિ નહીં? વર્ના સાલા હમ કિસી ઔરકુ લૂઢકા દેંગા.’
‘હા, હા, આ વિચાર મને પણ આવ્યો હતો. હું ત્રણેક ફોટોગ્રાફ્સ લઇને જ આવ્યો છું. તમે બરાબર... ધ્યાનથી જોઈ લો...’ ધ્રૂજતા હાથે રવિએ ચામડાની હેન્ડબેગમાંથી એક પરબીડિયું કાઢ્યું. એમાંથી ત્રણ પોસ્ટકાર્ડ સાઇઝની તસવીરો કાઢીને સલીમના હાથમાં મૂકી દીધી. એમાંથી એકમાં પગના ચંપલથી માથાના વાળ સુધીની હતી, સાડીબ્લાઉઝ પહેરેલી, એક ફ્લાવરવાઝની બાજુમાં છટાપૂર્વક ઊભેલી. એ લોંગ શોટ હતો. બીજા બે ક્લોઝઅપ્સ હતા. એકમાં એનો પૂરો ચહેરો કેમેરાની સામે હતો અને બીજામાં સાઇડ પોઝ હતો. સલીમ જાણે કમ્પ્યૂટરની અંદર ડેટા ફીડ કરતો હોય એવી ઝીણવટ અને ચોકસાઈ સાથે ત્રણે ફોટોગ્રાફ્સને જોતો રહ્યો.
‘ઓ.કે.! તુમ્હારા કામ હો જાયેગા. લેકિન સાબ! એક બાત પૂછું? તુમ્હારી બીવી દેખને મેં તો ઇતની ખરાબ નહીં હૈ. ક્યા ચક્કર હૈ? કોઈ દૂસરી ઔરત કે સાથ તુમ્હારા લફડા તો નહીં...’
રવિ સાવધ થઈ ગયો. આ ગુંડો એના કાર્યક્ષેત્રની સીમારેખાનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. પ્રોફેશનલ કિલરને પ્રશ્નો પૂછવાની છૂટ નથી હોતી. ઘરાક સુપારી આપે એટલે એણે સ્વીકારી લેવાની. આવા માણસને પેટછૂટી વાત કરાય પણ નહીં. બાકી કામ કરી આપ્યા પછી આખી જિંદગી બ્લેકમેલ કરતો રહે.
‘નહીં... નહીં..., એવું કશું નથી. પતિ, પત્ની ઔર વોહ જેવી વાત નથી. પણ મારી બૈરી ગામડિયણ છે. ખાસ ભણેલી નથી, ગણેલી તો જરા પણ નથી. મારે ને એને સહેજ પણ બનતું નથી. આખો દિવસ મારી સાથે એ ઝઘડ્યા કરે છે. હું જિંદગીથી ત્રાસી ગયો છું. મારી પાસે બે જ રસ્તા છે કાં હું પોતે આપઘાત કરીને એનાથી છૂટી જાઉં કાં તો પછી...’
‘નહીં, નહીં, સા’બ! તુમ ક્યું ખુદકુશી કરો? યે દૂસરાવાલા રાસ્તા હી બરાબર હૈ. અબ આગે બોલો! ધંધે કી બાત કરો. ઇસકો કબ ઔર કહાં ટપકા દેના હૈ?’
રવિએ નારીહત્યાનો નકશો રજૂ કરી દીધો, મારી પત્ની ગઇ કાલે એના પિયર ગઈ છે. બીમાર માની ખબર કાઢવા. આવતી કાલે સાંજની બસમાં પાછી આવવાની છે. મેં જ એને છેલ્લી બસમાં આવવાની સલાહ આપી છે. રાત્રે દસ વાગે બસ આવશે. હું તમને બસ રૂટ અને પ્લેટફોર્મ નંબર જણાવી દઉં છું. મારે એને લેવા માટે જવાનું છે, પણ રાત્રે હું મોબાઇલ ફોન ઉપર એને કહી દઇશ કે પિન્ટુને તાવ હોવાથી હું આવી શકું એમ નથી. મારે બદલે મારો દોસ્ત એની ગાડીમાં...’
‘સમઝ ગયા, સા’બ! તુમ્હારી બીવીકુ લેને કે લિયે તુમ્હારા દોસ્ત બનકે યે સલીમ સુપારી જાયેગા. ઔર ફિર રાત કે અંધેરે મેં કિસી સૂમસામ જગહ પે... ખચ્ચાક!’
‘સમજી ગયો’ એવું બોલવાનો વારો હવે રવિનો હતો. ઊભા થતા પહેલા એણે ખિસ્સામાંથી પાંચસોપાંચસોની નોટોનું બંડલ કાઢીને ટેબલ ઉપર મૂક્યું, ‘પૂરા એક લાખ છે. કામ સારી રીતે પાર પડશે તો બક્ષિસના બીજા પચીસ હજાર મોકલી આપીશ.’
રવિ હળવોફૂલ થઈને બહાર નીકળી ગયો. ગાડી હંકારીને એ જ્યારે એના વિશાળ બંગલાના ઝાંપામાં દાખલ થયો ત્યારે રાત્રિના સાડા દસ વાગ્યા હતા. આવતી કાલે આ સમયે તો લતા આ જગતમાં નહીં હોય એવો વિચાર એના દિમાગમાં ઝબકી ગયો.
આ ક્ષણની કલ્પના પણ કેટલું સુખ આપતી હતી! લતાથી કાયમને માટે છુટકારો પામવાની કલ્પના કે પછી ચેષ્ટા નામની એક ચુલબુલી કુમારિકાને પામવાની કલ્પના? જો કે પ્રેમિકાને પામવા માટે પત્નીને મારી નાખવી પડે એ વાતથી રવિના દિલમાં જરા ચચરાટ થતો હતો. આમ જોવા જઇએ તો લતામાં કશી ઊણપ નહોતી. પેલા સુપારીબાજ આગળ તો રવિએ જુઠાણું ચલાવ્યું હતું. હા, પત્ની બહુ રૂપાળી નહોતી, પણ ઘઉંવર્ણી અને નમણી તો હતી જ. પ્રેમાળ, વફાદાર અને સંસ્કારી હતી. એમ.એ. પાસ હતી. શરૂઆતના સંઘર્ષના સમયમાં એણે નોકરી કરીને રવિને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરી હતી. એ કાર્યેષુ મંત્રી હતી, ભોજ્યેષુ માતા તો અત્યારે પણ હતી પણ શયનેષુ રંભા?
પિન્ટુના જન્મ પછી એના શરીરમાં હવે પહેલાંના જેવો ભડકો બચ્યો નહોતો. અને રવિ હવે પૈસાના મામલે માલામાલ હતો. બંગલો હતો, ગાડી હતી, બિઝનેસ હતો અને દિવસનું ચેન વત્તા રાતોની ઊંઘ હરી લે તેવી સેક્રેટરી ચેષ્ટા હતી.
લેચકીથી બારણું ખોલીને રવિ ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યો. બેડરૂમમાં નાઇટલેમ્પ જલતો હતો. પિન્ટુ ઘસઘસાટ ઊંઘતો હતો. બેડરૂમને જોઇને પાછી ચેષ્ટા યાદ આવી ગઈ. જોબનથી ફાટફાટ થતી ચેષ્ટા. આવી રૂપાળી યુવતી એને સેક્રેટરી રૂપે મળી છે એટલામાં જ જો પોતે પાગલ થઈ ગયો હોય તો એ જ્યારે એની પત્ની બનીને આ બેડરૂમમાં સૂતી હશે ત્યારે શી દશા થશે?
‘ચેષ્ટા...! ચેષ્ટા...!’ રવિ બબડી ઊઠ્યો. એનું રૂપેરી રૂપ રવિના રૂંવે રૂંવે કામનાના ડંખ મારંતુ હતું પણ એ સામે મંડાતી નહોતી. રવિએ લાખ વાર દાણા ફેંકી જોયા, પણ એ લુચ્ચું પંખી દાણા ચરે તો કૈંક વાત જામે ને? દર વખતે ચેષ્ટાનો એક જ જવાબ હોય, ‘તમે પરણેલા છો. તમારે પત્ની છે. એક બાળક છે.’
રવિ એને સમજાવતો, ‘પિન્ટુનું તો સમજ્યા પણ બૈરીને ક્યાં કાઢી મૂકું? એ તો મને અનહદ પ્રેમ કરે છે. ડિવોર્સ લેવા માટેનું પણ કોઈ બહાનું તો હોવું જોઇએ ને?’
‘એનું શું કરવું એ તમે જાણો.’ આટલું બોલીને ચેષ્ટાએ નેણ ઉલાળ્યા. શૃંગારરસના શિલ્પ જેવી સુંદરીના તીરછી નજરના તીર રવિને વીંધી ગયા. અને એનો ઉપાય મળી ગયો. એ ઉપાય એટલે સલીમ સુપારીનું શરણું.
વહેલી સવારે હજુ તો ચારેક વાગ્યા હશે, ત્યાં પિન્ટુની ચીસ સાંભળીને રવિ જાગી ગયો. ઝટપટ ઊભા થઇને ટ્યૂબલાઇટ ચાલુ કરી. જોયું તો સાડા ત્રણ વર્ષનો દીકરો હિબકા ભરી રહ્યો હતો. એના કપાળ ઉપર પરસેવાનું ઝાકળ ફૂટી નીકળ્યું હતું અને આંખોમાં કશુંક ભયાનક દ્રશ્ય જોઈ લીધું હોય એવી દહેશત વ્યાપેલી હતી. ‘પપ્પા...!’ કહીને એ રવિને બાઝી પડ્યો. રવિએ એને માંડ શાંત પાડ્યો. પાણી આપ્યું. પછી પૂછ્યું, ‘શું થયું, બેટા? કેમ રડે છે?’
‘પપ્પા, મમ્મીને... મમ્મીને કોઇએ... કોઈ ગુંડા જેવા માણસે મારી નાખી! મોટો છરો કાઢીને એનું ગળું કાપી નાખ્યું...! આમ ખચ્ચાક કરીને!’
‘બેટા, રડ નહીં. એ તો સપનું હતું. સપનું ક્યારેય સાચું ન પડે.’ રવિ બોલવા ખાતર બોલી તો ગયો, પણ એના મનમાં તો ફટાકડા ફૂટી રહ્યા હતા. અને પિન્ટુ મુશળધાર રડી રહ્યો હતો, ‘પપ્પા, મારી મમ્મીને કંઈ થશે તો નહીં ને? મમ્મી કેટલી સારી છે! એ મને ને તમને કેટલું વહાલ કરે છે! હું એના વગર નહીં જીવી શકું, પપ્પા! મમ્મીને કશું થશે તો નહીં ને? હેં પપ્પા! તમે કેમ કશુંય બોલતા નથી?’ રવિએ વહાલા દીકરાને છાતીએ વળગાડી દીધો. પછી એના માથા ઉપર હાથ મૂકીને બોલી ગયો, ‘ના મારા દીકરા, તારી મમ્મીને કશું જ નહીં થાય. આજે રાત્રે આપણે જ એને લેવા જઇશું.’ શીર્ષક પંક્તિ: મીનાકુમારી
No comments:
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ