Add to your favorites

આ સ્મરણ ઉપહાર પણ લાગે મને,
મન ઉપરનો ભાર પણ લાગે મને

ફોનની ઘંટડી વાગી. રિસીવર ઉપાડ્યું. સામેથી સવાલ પુછાયો, ‘હલ્લો! કોણ બોલે છે?’ ‘ડૉ. શરદ ઠાકર સ્પિકિંગ. તમે કોણ?’ ‘ડૉ. અનંતરાય ભટ્ટ. એનેસ્થેટિસ્ટ.’  ‘અરે, ભટ્ટસાહેબ! આપ?’ આટલું બોલતામાં તો હું ઊભો થઈ ગયો. તમેની જગ્યાએ મારા હોઠો ઉપર આપોઆપ આપઆવી ગયું. વાતચીતના પહેલા પગથિયે જે ઔપચારિકતા હતી ત્યાં આદરભાવ આવીને ગોઠવાઈ ગયો. શબ્દની કેવી અસર થતી હોય છે! પરિચયના શબ્દની! ઓળખાણના એક વાક્યમાંથી વ્યક્તિનો આખો આકાર ટપકી પડતો હોય છે. અત્યારે પણ અદ્દલ એમ જ થયું. ડૉ. અનંતરાય ભટ્ટ એ અમદાવાદની વિશાળ જનરલ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ હતા. વર્ષો થયાં એ વાતને. ત્યારે હું ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો.  મારે ભટ્ટસાહેબની સાથે સીધા પનારામાં આવવાનું ભાગ્યે જ બનતું પણ એમની જાહોજલાલીનો હું સતત સાક્ષી હતો. અસંખ્ય જુનિયર ડૉક્ટરો એમના હાથ નીચે એનેસ્થેસિયાનું જ્ઞાન, તાલીમ અને માર્ગદર્શન મેળવીને ઊંટની વણજારની જેમ પસાર થઈ ચૂક્યા હતા. ડૉ. ભટ્ટસાહેબ ઓપરેશન થિયેટરમાં દર્દીના માથા પાસે ઊભા હોય એટલે ઓપરેશન કરતી વખતે અમને શાંતિ રહેતી હતી. એમના કામમાં એ કુશળ હતા, જ્ઞાની હતા અને અનુભવી હતા. એમનો ફોન આજે મારા ઉપર ક્યાંથી

ગુડ આફ્ટર નૂન, સર! આઈ ફીલ ઓબ્લાઇજ્ડ બાય યોર ફોનકોલ. વેરી નાઇસ ટુ હીયર ફ્રોમ યુ, સર!હું એક પછી એક વિવેકભર્યાં વાક્યો બોલ્યે જતો હતો અને છતાં પણ મને લાગતું હતું કે મારા શબ્દોમાં ભટ્ટસાહેબ પ્રત્યેના આદરભાવને પૂરેપૂરો સમાવી શકવા જેટલું પોલાણ ન હતું. ફરમાવો, સર! હુકમ કરો! હું આપને માટે શું કરી શકું?’ મેં પૂછી તો નાખ્યું, પણ પછી તરત જ મારી છાતી ધડકી ઊઠી. આ મારાથી શું બોલાઈ ગયું? આ જ શબ્દો આજથી પંદરસત્તર વર્ષ પહેલાં આ જ ભટ્ટસાહેબ સમક્ષ હું બોલી ગયો હતો, અને પછી એમણે જે હુકમકરેલો એ અલબત્ત, હુકમ ન હોવા છતાં, વિનંતીના રૂપમાં મુકાયેલી વાત હોવા છતાં, હું સાહેબને માટે કશું જ કરી શક્યો ન હતો. મને એ ઘટના યથાતથ યાદ હતી. પંચ્યાશીની સાલ હતી. 


મારા નર્સિંગહોમની શરૂઆતના દિવસો. અચાનક એક દિવસ બારસાડા બારના સુમારે ડૉ. ભટ્ટસાહેબ મારા કન્સલ્ટિંગ રૂમમાં આવી ચડ્યા. હું ઊભો થઈ ગયો. એમના ચરણસ્પર્શ કર્યા. પછી લાગણીના ઝરામાં ડુબાડીને શબ્દો બહાર કાઢ્યા, ‘ફરમાવો સર! હુકમ કરો! અચાનક આ તરફ કેમ આવવું થયું?’ એ ફિક્કું હસ્યા, ‘ત્રણ મહિનાથી નિવૃત્ત થયો છું. સમય જતો નથી. જનરલ હોસ્પિટલમાં દિવસરાત જોયા વગર અનહદ કામ કર્યું છે. હવે સાવ..એ અટકી ગયા. કદાચ બેકારકે નવરોજેવા શબ્દ બોલવા નહોતા ઇચ્છતા એટલે વાત ફેરવી નાખી. વિચારું છું કે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરું! તમારે ત્યાં ઓપરેશન હોય, તો મને અવશ્ય બોલાવજો. આને હુકમ ગણો તો હુકમ અને વિનંતી ગણો તો... ફરીથી સાહેબ શબ્દો ગળી ગયા.  હું સ્તબ્ધ હતો. એવરેસ્ટનું શિખર એક નાની ટેકરી સામે ઝૂકી રહ્યું હતું! સુનિલ ગાવસ્કર શેરીમાં ક્રિકેટ ખેલતાં બાળકો પાસે જઈને દાવ માગી રહ્યો હતો!


શું કારણ હશે? આર્થિક મૂંઝવણ? કે પછી સમય નહીં જતો હોય? કે પછી પોતાની તબીબી આવડતને કાટ ન લાગી જાય એ માટેની સજાગતા? જે હોય તે, પણ મારી અદમ્ય ઇચ્છા હોવા છતાં હું ભટ્ટસાહેબને એક પણ કોલઆપી શક્યો નહીં. ઘણાં બધાં કારણો હતાં. મારી પોતાની, મારા મિત્રો સાથેની એક ટીમ ગોઠવાઈ ચૂકી હતી. નિયમિત રીતે મારે ત્યાં આવતા એનેસ્થેટિસ્ટ ડૉક્ટરોને મારા ઓપરેશન થિયેટરના ખૂણેખૂણાની માહિતી હોય, એટલે કયું ઇન્જેકશન ક્યાં મૂકેલું છે એ મારે એમને કહેવું ન પડે. ચાલુ ઓપરેશને આ વાત અત્યંત મહત્ત્વની બની જતી હોય છે. આથી જ અમે નવા એનેસ્થેટિસ્ટને બોલાવતાં ખચકાટ અનુભવીએ છીએ. વળી, અમારી સાથેના ડૉક્ટરો જોડે અમે હસીમજાક કરી શકીએ. ભટ્ટસાહેબ જેવા સિનિયર એનેસ્થેટિસ્ટ હાજર હોય તો વાતાવરણ ભારે ભરખમ બની રહે. અને એક કારણ એ પણ ખરું કે વરસોનો ક્યાં દુકાળ છે? બોલાવીશું ક્યારેક! આજકાલ કરતાં પંદરસત્તર વર્ષની નીકળી ગયાં. નવ્વાણુંની સાલ આવી ગઈ અને આજે ફરીથી સાહેબનો ફોન આવ્યો. 


ફરીથી મારા મોંમાંથી નીકળી ગયું, ‘હુકમ કરો, સાહેબ!’  એ હસ્યા, ‘આજે એનેસ્થેસિયાના કોલ માટે ફોન નથી કર્યો પણ કારણ એ છે કે હું તમારી ડૉ.ની ડાયરીનો નિયમિત વાચક છું. સુંદર લખો છો. મારી પાસે કેટલીક સરસ કથાઓ છે. સત્યઘટનાઓ. તમને રસ પડે એવી. તમે સમય આપો, તો અને ત્યારે આવું...મેં એમનો સંકોચ પારખીને જવાબ વાળ્યો, ‘એક કામ કરીએ, સાહેબ! હું આપને ફોન કરું છું. એકાદ ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવા માટે તમને બોલાવું છું. તમારા આવવાજવાનો ખર્ચ પણ નીકળી જશે... અને એ બહાને આપણે દોઢબે કલાક માટે બેસીશું પણ ખરા.


ડન?’ ‘ડન!એમનો ચહેરો ખીલી ઊઠ્યો. ઘણીવાર સામેની વ્યક્તિના ચહેરા ઉપરના ભાવો આપણે ટેલિફોન ઉપર જોઈપણ શકીએ છીએ. પણ કેલેન્ડરનાં પાનાં પાનખરમાં ખરતાં પર્ણોની જેમ ખરતાં રહ્યાં. મારી વ્યસ્તતા વિલન બનીને મને કનડતી રહી. ભટ્ટસાહેબને ફોન કરવાનો હતો એ મને યાદ તો હતું, પણ અફસોસ! વિચારવુંઅને વર્તવુંએ બે તદ્દન અલગ જ ક્રિયાપદો છે. હું પહેલાથી બીજા ક્રિયાપદ સુધીની સફર પૂરી ન કરી શક્યો. 


છવ્વીસમી જાન્યુઆરી, બે હજાર એક. ધરતીકંપનો ઐતિહાસિક દિવસ. આખું અમદાવાદ ખળભળી ચૂક્યું હતું. એ દિવસે પેશન્ટ્સ આવવાની શક્યતા સ્વાભાવિકપણે જ નહીંવત્ હતી. હું પણ એવું જ ધારીને બેઠો હતો ત્યાં સાંજે પાંચ વાગ્યે એક ઇમરજન્સી કેસ આવી ચડ્યો. ગામડેથી આવેલી બાઈને મેં વીસ દિવસ અગાઉથી તારીખ આપેલી હતી. માઇનોર સર્જરી કરવાની હતી. મને ડૉ. અનંતરાય ભટ્ટ સાંભરી ગયા. આ ખરો મોકો હતો! સમય પણ હતો, તક પણ હતી અને નવરાશ પણ હતી. ઓપરેશન પતાવીશું, પછી સાહેબની જોડે ગપ્પાં મારીશું અને ડૉ.ની ડાયરીમાટે આવશ્યક કાચો માલ ખરીદીશું.


મેં ડાયરીમાંથી ફોન નંબર શોધી કાઢ્યો. પછી ડાયલ કર્યો. થોડી વાર સુધી રિંગ વાગતી રહી. પછી કોઈ સ્ત્રીસ્વર સંભળાયો હલ્લો, આપ કોણ બોલો છો?’ ‘બહેન, મારે ડૉ. ભટ્ટસાહેબનું કામ છે. એમની સાથે વાત થઈ શકે?’  ‘આપ...?’ યુવતીના અવાજમાં પૂછપરછ હતી. મેં માંડીને વાત કરી. મારો પરિચય આપ્યો. દોઢબે વર્ષ પહેલાં ભટ્ટસાહેબ સાથે થયેલી વાતચીતનો હવાલો આપ્યો. આજે ઓપરેશન પણ છેએમ પણ કહ્યું.  એ યુવતીનો અવાજ ભરાઈ ગયો, ‘પપ્પા તો ગયા, શરદભાઈ! તમે ખૂબ મોડું કરી દીધું. હું એમની પુત્રવધુ છું. અમારું આખું ઘર તમારી ડાયરીનું ચાહક છે.પપ્પા એમના અનુભવો તમારી સાથે શેરકરવા ઇચ્છતા હતા, પણ ...એક ડૂસકું... અને પછી ફોન કપાઈ ગયો. 


મારા અફસોસનો પાર ન હતો. એક બુઝુર્ગ માણસ, જિંદગીના કાંઠે ઊેભેલો એક જ્ઞાનવૃદ્ધ ડૉક્ટર ક્યાં સુધી સમયની પ્રતીક્ષા કરતો ઊભો રહે! મારી પાસે સમય ઓછો હતો, તો એમની પાસે આવરદા અલ્પ હતી. હું મારી અંગત પળોજણમાંથી બહાર ન નીકળી શક્યો. બહુ ઓછી વાર આવું બન્યું હશે કે વ્યસ્તતા અને વિસ્મૃતિના આટાપાટામાં હું કોઈને અન્યાય કરી બેઠો હોઉં. પણ આવું બન્યું છે જરૂર. પશ્ચાત્તાપનું આ પોટલું ભલે નાનું છે, પણ એ છે વજનદાર! 
શીર્ષક પંક્તિ: સુલતાન લોખંડવાલા

1 comment:

Dr. Sharad Thaker said...

Dr. Sharad Thaker is great...

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો