Add to your favorites

સમજી નહિ સમજાય એવી ચાલ હોય છે, એ આપણા મનને કદી ખ્યાલ હોય છે?

અપ્સરા અન્ડરગાર્મેન્ટ્સના હોલસેલના વેપારી ધગશ માખીજાને આજે ઓફિસે જવામાં અડધોએક કલાક જેટલું મોડું થઈ ગયું. બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલના આયના સામે ઊભા રહીને એ વિદેશી નેકટાઈની ગાંઠ સરખી કરતા હતાત્યાં ડોરબેલ ગૂંજી ઊઠી.

ધાર્મિકાજરા બારણું ઉઘાડજે. જો નેકોણ છે...?’ એમણે બૂમ મારી. એ સાથે જ રસોડામાંથી રૂપાળી પત્ની દોડી આવી. બારણું ઉઘાડ્યું. સામે દસેક વર્ષનો એક છોકરો હાથમાં ગડી વાળેલો કાગળ લઇને ઊભો હતો, ‘મેમસાયે આપકે લિયે...! વો મરૂન કલર કી ગાડીવાલે સાબને ભેજી હૈ... બોલા હૈ કિ ગ્યારહ બજે કે બાદ હી યે ચિઠ્ઠી મેમસાબકે હાથ મેં...

કોણ છેલોકો પણ અજીબોગરીબ થઈ ગયા છે!’ હાથમાં બ્રિફકેસ લઇને ધગશ ડ્રોઈંગરૂમમાં આવ્યો, ‘ટપાલખાતાને બદલે આંગડિયા મારફત...! કોની ચિઠ્ઠી છેધાર્મિબધું ઠીકઠાક તો છે નેતારા પિયરમાં બધાની તબિયત તો...?’

હેં?! નાનાબધું સરસ છે. તમે... તમે... જાવ હવે... આમેય આજે ઓફિસે પહોંચવા માટે તમે મોડા જ છો...’ ધાર્મિકા કાગળને સંતાડવાના પ્રયત્ન સાથે બોલી. એના ચહેરા પરઆંખોમાંબોલવામાંઅત્રતત્રસર્વત્ર ગભરામણ અને માત્ર ગભરામણ જ ઝલકતી હતી.
ક્ષ્ધગશ થંભી ગયો. બ્રિફકેસ જમીન ઉપર મૂકી દીધી. પછી પત્ની પાસે જઇને એને છાતી સાથે જકડી લીધી. આંખોમાંથી શુદ્ધ પ્રેમ છલકાવીને પત્નીની સામે જોઈ રહ્યો, ‘ગાંડીમારાથી છુપાવે છેલગ્નનાં દસ વર્ષ પછી તો હું તારા મૌનને પણ સાંભળી શકું છું. લાવતારો ડાબો હાથ સાડીના પાલવમાંથી બહાર કાઢ. મારે એ ચિઠ્ઠી વાંચવી છે...
ધાર્મિકાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં અને બંધ મુઠ્ઠીમાંથી કાગળ. ધગશે એ ચોળાયેલો કાગળ ઉપાડી લીધો. અંદર લખેલું હતું, ‘આજે ઇચ્છા છે. મિલન શક્ય છેપેલો બુદ્ધિનો બળદિયોતારો વરદસ વાગે તો ઘરેથી નીકળી જાય છે નેતું કહે તો હું સાડા અગિયાર વાગે આવું. જે હોય તે આ છોકરા જોડે કહેવડાવજે. હું સોસાયટીની સામે મારી કારમાં બેઠો છું. લવ યુડાર્લિંગ...! ... તારો જ રાજ!

સ્તબ્ધ થઈ ગયો ધગશ. પાસે પડેલા સોફામાં ખીંટી પરથી સરી ગયેલા પેન્ટની જેમ ફસડાઈ પડ્યો. આ સાચું નથી. કોઇએ બનાવટ કરી છે. પ્લીઝમારે કોઇની સાથે આવું લફરુ નથી. તમે... તમે મારામાં વિશ્વાસ રાખોપ્લીઝ...’ ધાર્મિકા રડી રહી હતી અને ચિલ્લાઈ રહી હતી.

ધગશ થોડીવારે ઊભો થયો. બ્રિફકેસ લઇને ઘરની બહાર નીકળી ગયો. થોડીવારે કારનું એન્જિન સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો. ધાર્મિકાએ પેલા કાગળના ઝીણાઝીણા ટુકડા કરીને કચરાટોપલીમાં ફેંકી દીધા. પછી રસોડામાં ગઈ. પાણી પીધું અને ઘરકામમાં જોતરાઈ ગઈ. પણ એના મનમાં ઊંડેઊંડે એક જાતનો ભય વ્યાપી ગયો કે હવે શું થશેએનો પતિ શું કરશેમામલો આ જ બિંદુ ઉપર ખતમ થઈ જશેકે પછી...?

આ પ્રશ્નનો જવાબ સાંજે ધગશ ઘરે આવ્યો ત્યારે મળી ગયો. એ ઉદાસ હતોએની આંખો સૂજેલી હતી. માથાના વાળ વેરવિખેર હતા. નક્કી આ પુરુષ આજે ખૂબ રડ્યો હોવો જોઇએ. જોકે એણે ધાર્મિકાને કશું જ કહ્યું નહીં. ન ઠપકોન પૂછપરછન ઝઘડો. પીઠમાં ભોંકાયેલા ખંજરના ઝખમ ઉપર જાણે એણે ખામોશીનો પાટો બાંધી દીધો!

બે દિવસ માંડ વીત્યા. ત્રીજા દિવસે સાંજે ધગશ ઘરે આવ્યો ત્યારથી જ કંઇક બદલાયેલો લાગતો હતો. પતિને બદલે આજે એ પોલીસ અધિકારી હોય એવો વધુ દેખાતો હતો. એણે ટેબલનાં ખાનાં ઉઘાડબંધ કર્યાંસોફાની ગાદીઓ ઊંચીનીચી કરી જોઈ,ટેબલ ઉપર પડેલી વાર્તાઓનાં પુસ્તકો ફેંદી નાખ્યાં. પછી એ બેડરૂમમાં ગયો. કપડાં મૂકવાનું કબાટ ફંફોસી જોયું. ધાર્મિકા અધ્ધર જીવે બધો તાલ જોયા કરતી હતીત્યાં ધગશ બહાર આવ્યો. એના ડાબા હાથમાં પત્નીનું પર્સ હતું અને જમણા હાથમાં એક ચિઠ્ઠી. સ્પષ્ટ હતું કે એણે એ ચિઠ્ઠી વાંચી લીધી હતી. આ દ્રશ્ય જોઇને જ ધાર્મિકાના હોશકોશ ઊડી ગયા.

ચિઠ્ઠી રાજ નામના કોઈ શખ્સે જ લખી હતી, ‘સૉરી, ડાર્લિંગ! તે દિવસે છબરડો થઈ ગયો. મને શું ખબર કે તારો વર ઘરે હાજર હશે! મને તો પેલા છોકરાએ જેવું આ કહ્યું કે તરત જ મેં ગાડી ભગાવી મૂકી. પછી શું થયું હશે એની મને ચિંતા થાય છે. તેં એને મનાવી તો લીધો જ હશે. તારા જેવી રૂપાળી સ્ત્રી હોયમીઠુંમીઠું બોલવાની આવડત હોય અને ઉપરથી બાઘા જેવો ધણી હોયતો પછી બહુ વાંધો આવવો ન જોઇએ. ફરીથી ક્યારેક સલામતી જોઇને મળીએ. ભૂખ વધતી જાય છે. આ વખતે તો તારા જ બેડરૂમમાં તને ચગદી નાખવી છે... બાયલવ યુ!  તારો જ રાજ...

આ ખોટું છેસરાસર... પ્લીઝતમે મારી ઉપર વિશ્વાસ...’ ફરીથી ધાર્મિકા રડી પડી.
ધગશ આ વખતે જરા કડક હતો, ‘આ ચિઠ્ઠી તને કોણ આપી ગયું?’
પેલો છોકરો... જે તે દિવસે આવ્યો હતો. આજે બપોરે ચાર વાગે...’ ધાર્મિકા રિમાન્ડ ઉપરના અપરાધીની જેમ બોલતી ગઈ.
ચાર નહીં પણ સવા ચાર વાગે. મેં બરાબર વૉચ ગોઠવી દીધી હતી. ઓફિસના પટાવાળાને આખો દિવસ આપણા ઘરની સામે બેસાડી દીધો હતો. એણે મને ક્ષણેક્ષણની માહિતી...
માહિતી સાચી છેપણ આ ચિઠ્ઠી ખોટી છે...

તો તે એને ફાડી કેમ ન નાખીપર્સમાં શા માટે...?’
મને એમ કે રાતે હું તમને વંચાવીશ અને તમને વિશ્વાસમાં લઇને...
વિશ્વાસ! વિશ્વાસે તો આપણું વહાણ ડૂબવા બેઠું છેધાર્મિકા! એટલું તો વિચાર કે આ બધાની આપણા પિન્ટુ ઉપર કેવી અસર પડશે?’ ધગશ માથું પકડીને બેસી ગયો. ધાર્મિકા રડતી રહી. એ રાતથી એમનો શયનખંડ સગડી બની ગયો. બંને જણા બેવફાઈ અને શંકાના ડબલબેડ ઉપર અજંપાની ચાદર બિછાવીને સૂતાં રહ્યાંપડખાં ઘસતાં રહ્યાં.
પણ આંચમાંથી ભડકો થયો એક અઠવાડિયા પછી.
બપોરના અઢી વાગ્યા હતા. ધગશ એની ઓફિસમાં ફાઇલોના ઢગ વચ્ચે ખોવાયેલો હતો ત્યાં જાસૂસ કમ પટાવાળાનો ફોન આવ્યો, ‘શેઠસાહેબજલદી ઘેર આવો!
કેમશું થયું છે?’

એક મરૂન રંગની ગાડી સોસાયટીના ઝાંપે ઊભી છે. એક જુવાન આદમી હમણાં જ તમારા બંગલામાં દાખલ થયો છે. મેં સગી આંખે જોયું કે એણે બેલ મારીમેમસાહેબે બારણું ઉઘાડ્યુંપછી પુરુષે કશુંક કહ્યુંમેડમ હસ્યાં અને પછી પેલો ઘરમાં...

ફોન પટકીને ધગશ દોડી નીકળ્યો. હું આવું છું’ એ ક્રિયાપદ બોલવા માટે નહીંપણ કરવા માટે હોય એમ ગાડીમાં બેસીને ઘરની દિશામાં ધસી ગયો.
પટાવાળાએ આપેલી ખબર સાચી નીકળી. ધગશે બારણાં ધમધમાવ્યાં કે તરત જ અંદરથી ચીડભર્યો અવાજ સંભળાયો, ‘કોણ છે અત્યારેસ્ટુપિડને એટલીય ખબર નથી પડતી કે ડોરબેલ દબાવાય?’ પછી ધાર્મિકાએ બારણાં ઉઘાડ્યાં અને... અને...

બધુંય પળવારમાં ખતમ થઈ ગયું. દામ્પત્યનો મજબૂત કિલ્લો ધરાશયી થઈ ગયો. પ્રેમના કાંગરા ખરી પડ્યા. પેલો દેખાવડો આદમી તો આમ અચાનક આવી પડેલા ધગશને ભાળીને જાણે શરીરને પાંખો ફૂટી હોય એમ ઊડી ગયો અને એ જો ત્યાં રોકાયો હોત તો યે ધગશથી કશું વળવાનું નહોતું. પેલો ઊંચોમજબૂત અને કદાવર હતો.

પૂરા પંદર દિવસ કંકાસમાં વીત્યા. ધાર્મિકાએ સોગંદો ખાઇખાઇને અને રોઇરોઇને પતિને મનાવી લીધો, ‘આમાં સત્યના અંશ પણ નથી. આ કોઇની સાઝીશ છે. મારી અને તમારી વચ્ચે ભંગાણ પડાવવાનું ષડ્યંત્ર! હવે પછી તમને ફરિયાદનો એક પણ મોકો હું નહીં આપું. મને છેલ્લી તક આપોપ્લીઝ! હવે જો એ દુષ્ટ મને મળવાની કોશિશ સરખીય કરશે તો હું જ એને ફટકારીશ. જો એની ચિઠ્ઠી લઇને કોઈ આવશે તો એને પણ...

માણસ ક્યાં સુધી લડેક્યારેક તો થાકે નેપંદર દિવસના મહાભારત યુદ્ધ પછી ધગશ પણ થાકી ગયો, ‘સારુહું તારી ઉપર છેલ્લી વાર વિશ્વાસ મૂકું છું. હું માની લઉં છું કે તારે એ રાજના બચ્ચા સાથે કશો જ સંબંધ નથીપહેલાંની કોઈ ઓળખાણ નથી,એ ઇન્શ્યોરન્સનું બહાનું બતાવીને તે દિવસે ઘરમાં પ્રવેશ્યો હતો એવી તારી દલીલ પણ હું સ્વીકારી લઉં છુંપણ આ બધું છેલ્લી વાર જ. હવે પછી ભવિષ્યમાં જો ક્યારેય...

ક્યારેય નહીંમારા પરમેશ્વરક્યારેય નહીં!’ ધાર્મિકા પતિને વળગી પડી, ‘તમારી આ ઉદારતાને હું જિંદગી આખી યાદ રાખીશ. આપણે બંને એકબીજાને માટે સરજાયાં છીએ. કોઈ ત્રીજી વ્યક્તિ ગમે તેટલાં નનામાં પત્રો મોકલેબનાવટી પુરાવાઓ રજૂ કરે,ફોન કરે કે ગોટીંમડા ખાય પણ તમે મારી ઉપર શંકા ન કરશો અને હું તમારા પર અવિશ્વાસ નહીં કરુ!’ અને એક નવો અધ્યાય શરૂ થયો. પ્રેમની અને વિશ્વાસની બીજી ઈંનિગ આરંભ થઈ.

બે દિવસ પછી શહેરની એક થ્રીસ્ટાર હોટલના માદક એકાંતમાં કામોત્સવ ઊજવી રહેલાં બે શરીરો વાત કરી રહ્યાં હતાં. યુવતી પૂછી રહી હતી, ‘આવું ક્યાં સુધી ચાલશેતારી પત્નીને કોઈ ચાડી ફૂંકી મારશે તોતને ડર નથી લાગતો?’

અને ધગશ માખીજા નામનો ભ્રમર કુટિલ હાસ્ય વેરી રહ્યો હતો, ‘નામેં પૂરતો બંદોબસ્ત કરી લીધો છે. રાજ નામના પ્રેમીનું આખું નાટક ઊભું કરીને મે એ બેવકૂફ ધાર્મિકાને એવી તો ડિફેન્સમાં મૂકી દીધી છે કે ભવિષ્યમાં કોઈ આપણી વીસીડી એને બતાવે તો પણ એ મારી સાથે ઝઘડો નહીં કરે!’  
શીર્ષક પંક્તિ:  પ્રણય જામનગરી

1 comment:

Prakash Prajapati said...

No matter how long we have waited and failed, there will always be someone out there who will love us the way we want to be loved

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો