વિમાનમાંથી ઊતરીને અમદાવાદની ધરતી ઉપર પગ મૂક્યો એ સાથે જ વંશના મનમાં કડવાશ ઊભરી આવી. છાલક યાદ આવી ગઈ. છાલક વસાવડા. પુરાણો ઘા ઉખળી આવ્યો. ‘સા’બ, ટેક્સી ચાહીએ?’ લગેજ ઉઠાવીને જેવો એ એરપોર્ટની બહાર નીકળ્યો કે તરત જ એક ટેક્સીવાળો એને વળગી પડ્યો. વંશ ‘હા ના’ કરે એ પહેલાં તો એની બેગ પેલાના કબજામાં હતી. ટેક્સીવાળો આગળઆગળ અને વંશ એની પાછળપાછળ.
‘કિધર લે લૂં, સા’બ?’
‘હોટલ ક્રિસન્ટ.’ વંશે અડધી ચાનો ઓર્ડર આપતો હોય એવી હળવાશથી કહ્યું અને ટેક્સી એના પરિચિત માર્ગો ઉપર દોડવા માંડી. કેમ્પના હનુમાનનું સાઇનબોર્ડ જોઇને એ ભૂતકાળમાં સરી પડ્યો. ત્યારે એ તાજોમાજો જ પ્રેમમાં પડ્યો હતો ને છાલકને મોટરબાઇક ઉપર બેસાડીને અહીં દર્શન માટે આવ્યો હતો.
દર્શન બાજુ પર રહી ગયા અને બંને વચ્ચે ઘર્ષણ પેદા થઈ ગયું. વાત સાવ મામૂલી હતી. વંશ એની બાઇક પાર્ક કરી રહ્યો હતો, ત્યાં એક રૂપાળી યુવતી પણ એનું કાઇનેટિક મૂકી રહી હતી. વંશને જોઇને એનો ચહેરો ખીલી ઊઠ્યો.
‘વંશ, તું?’
‘અરે, દેવિકા! તું અહીં ક્યાંથી?’ વંશ પણ એને જોઇને ઉત્સાહમાં આવી ગયો. બેચાર મિનિટ ઔપચારિક વાતો કરીને બંને છૂટાં પડ્યાં. પણ વંશ જ્યારે છાલક પાસે પહોંચ્યો ત્યારે છાલકનું મોં ફૂલેલું હતું. ‘કોણ હતી એ?’
‘દેવિકા. મારી કઝિનની બહેનપણી.’
‘તે તારી સાથે આમ હસીહસીને કેમ વાત કરતી હતી?’
‘તો શું રડીરડીને વાત કરે?’
‘હું એમ ક્યાં કહું છું? પણ... મને તારી સાથે એ વાત કરતી હતી એ નથી ગમ્યું, બસ!’
‘સૉરી, ડાર્લિંગ! તારે એક વાત સમજી અને સ્વીકારી લેવી જોઇએ કે આપણે સોળમી સદીમાં નથી જીવતાં! ભવિષ્યમાં આવું તો હજારો વાર બનતું રહેવાનું. કોઈ ઓળખીતી છોકરી મળી જાય અને મારી સાથે ‘હાયહલ્લો’ કરવા આવે, ત્યારે મારાથી એને એવું તો ન જ કહી શકાય કે તમારે મારી સાથે વાત નહીં કરવાની, કેમ કે મારી છાલકને એ નથી ગમતું.’
નાનો ઝઘડો હતો અને ટૂંકાણમાં પતી ગયો પણ બંનેનાં મન ઉપર ઘસરકાનું આછું નિશાન છોડતો ગયો. જેમજેમ સંગાથ આગળ ધપતો ગયો તેમ વંશને સમજાતું ગયું કે આ તો પાયો માત્ર હતો, મનભેદનું મકાન તો હજુ ચણાવાનું બાકી હતું અને દરેક વખતે ઝઘડાનું કારણ એક જ હોય,
ત્રિકોણનો ત્રીજો ખૂણો! અંગ્રેજીમાં જેને ‘પઝેસિવનેસ’ કહે છે એ માલિકીભાવની માત્રા છાલકમાં જરૂર કરતાં હજારગણી વધારે હતી. કોઈ પણ સ્ત્રી એના પ્રેમી સાથે વાત કરે એ વાત જ એને માન્ય નહોતી. ઇર્ષા નામની આગ એના રુંવે રુંવે પ્રજ્વલી ઊઠતી.
એકવાર બંને પ્રેમીપંખીડાં બાઇક ઉપર બેસીને રખડવા માટે નીકળ્યાં હતાં. ચોમાસાની શરૂઆત હતી. પહેલો વરસાદ હજુ હમણાં જ શરૂ થયો હતો. બંને જણાં જળતરબોળ થઇને સૂમસામ સડક ઉપર એક છાપરા નીચે ઊભેલી લારી પાસે થંભ્યા. મકાઈભુટ્ટાની લારી હતી.
વંશે બે ડોડા શેકવાનો હુકમ આપ્યો, ત્યાં જ એક લાલ રંગની સેન્ટ્રો કાર આવી અને એમને ઘસાઈને ઊભી રહી ગઈ. અંદર એક સુંદર મહિલા બેઠી હતી. કદાચ વંશને ઓળખતી હતી એટલે તો એના બોલવામાં પરિચયની મહેંક હતી.
‘હાય! વંશ વિરાણી જ ને? મારી ઓળખાણ પડી?’
‘ઓહ્ યસ! તમે અહીં ક્યાંથી?’ વંશને એટલું તો યાદ હતું કે આને ક્યાંક જોયેલી છે, પણ એનું નામઠામઠેકાણું યાદ આવતાં નહોતાં.
‘તમને અહીં જોઇને ગાડી ઊભી રાખી. બાજુમાં જ મારો બંગલો છે. ભૂલી ગયા? મારા ઘરે કોમ્પ્યૂટરના સોફ્ટવેર માટે તમે તો આવેલા?’
વંશને આખો સંદર્ભ યાદ આવી ગયો. એ પરિણામ જાણતો હતો, છતાં પણ વહેવાર ખાતર એણે કહેવું પડ્યું, ‘મકાઈ ખાશો ને?’
‘અફકોર્સ, કેમ નહીં? મેં તમને કોલ્ડકોફી પાઈ હતી એ વસૂલ કરવાનું હજુ બાકી છે ને?’ પેલી રૂપાળી સ્ત્રી રૂપાળું હસી. એમાં બીજી એક રૂપાળી કદરૂપી બની ગઈ!
એના ગયા પછી છાલકે જીભ ઉપરથી સળગતા કોલસા ખેરવ્યા, ‘કોણ હતી એ વંતરી?’
વંશ ઢીલો પડી ગયો, ‘નામ તો મને પણ યાદ નથી.
જિંદગીમાં આ પહેલાં માત્ર એને એક જ વાર મળ્યો છું. એણે અમારા શોરૂમમાંથી કોમ્પ્યૂટર ખરીદ્યું હતું એટલા ખાતર મારે એના બંગલે...’
‘સમજી. પણ ત્યાં કોલ્ડકોફી પીવાનું કંઈ કારણ ખરું? કે પછી આ હોટકોફીને જોઇને ભાઈસાહેબ બહુ ગરમ થઈ ગયા હશે એટલે ઠંડા પડવા માટે...’
‘છાલક! વિલ યુ પ્લીઝ, શટ અપ ધિસ ટાઇમ?’ વંશ ગરમી પકડી બેઠો. છાશવારે પ્રેમિકા એકનો એક મુદ્દો પકડીને ઝઘડ્યા કરે એ કયો પુરુષ સહન કરે? અને ક્યાં સુધી સહન કર્યા કરે?
‘એટલે? તું કહેવા શું માગે છે? તું જેનીતેની સાથે ગુલછર્રા ઉડાડતો ફરે અને મારે ચૂપ થઇને જોયા કરવાનું એમ જ ને?’ છાલકની આંખોમાં આંસુ આવ્યાં.
ઝઘડો વધી પડ્યો. વંશ એ સમજાવવાની વ્યર્થ કોશિશ કરતો રહ્યો કે આ આધુનિક યુગમાં પુરુષો અને સ્ત્રીઓએ ધંધાર્થે કે શિષ્ટાચાર અર્થે એકબીજા સાથે મળવું પડે, ભળવું પડે, સંબંધો બાંધવા પડે અને વિકસાવવા પણ પડે. એવું ન કરીએ તો પાછળ રહી જઇએ. માનસિક, આર્થિક અને સામાજિક પ્રગતિ શક્ય ન બને.
અને છાલક એની સામે પોતાની દલીલ પીરસતી રહી કે આમ હળવામળવામાંથી જ પછી પત્નીઓને મરવાના દા’ડા આવતા હોય છે. લગ્નેતર લફરાનાં સોમાંથી એકસો એક કિસ્સાઓની શરૂઆત આ રીતે જ થતી હોય છે.
બેમાંથી કોઈ પોતાની હાર સ્વીકારવા તૈયાર નહોતું. જ્યારે દિમાગ બોલવા માંડે છે ત્યારે દિલ ખામોશી ધારણ કરી લે છે. વંશે ગુસ્સામાં કહી દીધું, ‘તું આટલી હદે વહેમી સ્વભાવની હોઇશ એ હું નહોતો જાણતો.’
છાલકે સામે તેજાબ છાંટ્યો, ‘અને તું આવો લફરાંબાજ હોઇશ એ હું નહોતી જાણતી. સારુ થયું કે આપણાં હજુ લગ્ન નથી થયાં!’
‘નહીંતર?’
‘બીજું શું? આપણે ડિવોર્સ માટે અદાલતનાં પગથિયાં ચડવા પડ્યાં હોત!’
બસ. થઈ રહ્યું. વગર લગ્ને, વગર અદાલતે બેયના છૂટાછેડા થઈ ગયા. વંશનું દિલ ઊઠી ગયું. આ શહેર પર તેને નફરત થઈ આવી. એ છાલકને ચાહતો હતો અને આ શહેરમાં ડગલે ને પગલે એવાં કંઇક સ્થળો વેરાયેલાં પડ્યાં હતાં જ્યાં ક્યારેક તો છાલકની સાથે ગયો જ હોય.
યાદોની તીક્ષ્ણ અણીએ જ્યારે એના મનને વીંધીને ચાળણી જેવું કરી મૂક્યું ત્યારે એ પરાજિત યોદ્ધાની જેમ મેદાન છોડીને વિદેશભેગો થઈ ગયો. આજે એક દાયકાના વનવાસ બાદ એક સામાજિક પ્રસંગે એ ઇન્ડિયામાં પાછો આવ્યો હતો.
અને એરપોર્ટથી આશ્રમરોડ પર આવેલી હોટલ સુધીના પ્રવાસમાં એવા અનેક બિંદુઓ એની નજર તળેથી પસાર થઈ ગયા જ્યાં એની છાલકનો ચહેરો છપાયેલો હતો. માંડ રૂઝાવા આવેલા ઝખમ ઉપરનું ભીંગડું ઊખડી ગયું. બે દિવસ બે ક્ષણની જેમ પસાર થઈ ગયા. જે પ્રસંગ માટે એ ખાસ અમેરિકાથી આવેલ હતો એ રંગેચંગે ઊજવાઈ ગયો.
હવે એની પાસે એકાદ અઠવાડિયું બચ્યું હતું. પૂરી નિરાંત અને સાવ નવરાશ સાથેનું અઠવાડિયું. એને અચાનક ‘પિન્ક પર્લ’ સાંભરી આવી. એણે હોટલના વેઇટરને પૂછ્યું, ‘નવરંગપુરામાં આજથી દસ વર્ષ પહેલાં ‘પિન્ક પર્લ’ નામની રેસ્ટોરાં આવેલી હતી એ હજુ પણ છે કે પછી બંધ થઈ ગઈ?’
વેઇટર હસ્યો, ‘છે તો ખરી, પણ સર, એ હવે જૂની થઈ ગઈ છે. એની ચમક ઝાંખી પડી ગઈ છે. એક જમાનામાં ત્યાંની કોફી વખણાતી હતી. અત્યારે તો એના કરતાં સો ગણી સારી કોફી આપણે બનાવીએ છીએ.’
વંશ બોલ્યો નહીં, પણ બબડ્યો જરૂર, ‘તમે કોફી તો પીરસી શકશો, પણ મારી પ્રેમિકાની અસંખ્ય સ્મૃતિઓનું શું? રોજ સાંજે હું ‘પિન્ક પર્લ’ના સાતમા નંબરના ટેબલ પર મારી છાલક સાથે પ્રેમભરી ક્ષણો ગુજારતો હતો એ તમે મને ક્યાંથી લાવી આપવાના છો?’
એ સાંજે રિક્ષામાં બેસીને વંશ ‘પિન્ક પર્લ’માં પહોંચી ગયો. રિક્ષાનું ભાડું ચૂકવીને એ જ્યાં રેસ્ટોરાંમાં પ્રવેશ્યો ત્યાં જ એની નજર ખૂણામાં આવેલા ટેબલ ઉપર પડી. સાત નંબરી ટેબલની પાસેની ખુરશીમાં એની જિંદગી બિરાજમાન હતી!
‘છાલક? તું?’ વંશના અવાજમાં દસ વર્ષ પહેલાંનો ઉમળકો છલકાયો. ‘હા, હું.’ છાલક પણ એવી ને એવી જ હતી, ‘હું અહીં ન હોઉં તો બીજે ક્યાં હોઉં? તું તો અમેરિકા ભાગી ગયો પણ છેલ્લાં દસ વર્ષથી રોજ સાંજે આપણા નિયત સમયે હું અહીં આવતી રહી છું.
બે કપ કોફીનો ઓર્ડર આપું છું. એમાંથી એક કપ ખાલી કરીને બીજો કપ જેમનો તેમ છોડીને ચાલી જઉં છું.’
વંશ ગદ્ગદ્ થઈ ગયો, ‘એનો મતલબ એ જ કે તું પણ મને ભૂલી નથી. છાલક, હું પણ હજુ સુધી પરણ્યો નથી. હવે મને સમજાય છે કે આપણે કેવી ક્ષુલ્લક વાતને મુદ્દો બનાવીને ઝઘડી પડ્યાં અને...’
‘હા, વંશ. ભૂલ તો મને પણ હવે સમજાઈ રહી છે પણ મને લાગે છે કે આપણા અહમ્ કરતાં આપણો પ્રેમ વધુ શક્તિશાળી સાબિત થયો છે. જો તને વાંધો ન હોય તો આપણે ભૂતકાળ ભૂલીને નવેસરથી જિંદગીની શરૂઆત કરીએ.’ ‘સ્યોર. ચાલ, બે કોફી મગાવ. આજે એક પણ કપ ભરેલો પાછો નહીં જાય.’
ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, ‘બે નહીં, ત્રણ કપ મગાવો! હું પણ તમારી સાથે કોફી પીવાની છું.’ વંશે ડોકું ઘુમાવીને જોયું તો પ્રિયંકા ઊભી હતી. એની દૂરની માસીની ત્રીજા નંબરની દીકરી. બહુ નટખટ અને મીઠડી છોકરી હતી. અને જુવાન તેમ જ ખૂબસુરત પણ. વંશ એને ના પાડી શકે એમ હતો જ નહીં. એણે પ્રિયંકાનો હાથ પકડીને ટેબલની દિશામાં ધકેલી, ‘બેસ, પ્રિયંકા.’
છાલક આ બધું જોઈ રહી હતી.
શીર્ષક પંક્તિ: શાહ બુદ્દદીન રાઠોડ
No comments:
Post a Comment
આ લેખ વિષે આપના પ્રતિભાવ