Add to your favorites

હા અને ના વચ્ચેની પળને ઓળખો
મતલબ નવા જ મળશે, જરા જીંદગીને ઓળખો


શું શોધે છે? સવારથી જોયા કરું છું, કબાટોનાં બારણાં ખોલે છે ને વાસે છે. કશુંક જડતું નથી કે શું?’ ડૉ. અખિલેશે પત્નીને પૂછ્યું. પત્ની શાલિની પણ ડૉક્ટર હતી. બંને એક જ શાખામાં સ્પેશિયાલિસ્ટ હતાં. ડૉ. શાલિનીએ વોર્ડરોબમાં ખોસેલું માથું બહાર કાઢ્યું, ‘જુઓને ! મારી સાડી ખોવાઈ ગઈ લાગે છે. બે દિવસથી શોધું છું પણ ક્યાંય જડતી નથી. તમે જોઈ મારી સાડી?’

આ પહેરી છે એ જ ને? તારા શરીર પર તો છે! અરીસા સામે ઊભી રહે, સાડી જડી જશે.પતિની મજાક સાંભળીને શાલિની છેડાઈ પડી, ‘હું આ સાડીની વાત નથી કરતી, ભૈસાબ! હું તો પેલી લાઇટ પિંક કલરની સાડી નહીં? બર્થડે ઉપર ગયા વરસે તમે ગિફ્ટમાં આપેલી... એની વાત કરું છું. પરમ દહાડે તો બાઈને એ ધોવા માટે આપી હતી. એ પછી ધોબીને પ્રેસ કરવા માટે આપવાનો સમય થયો ત્યારથી જડતી નથી.

ઊડી ગઈ હશે. ક્યાં સૂકવેલી?
મારા ગળામાં!શાલિની અકળાઈ ગઈ, ‘આવા મોંમાથા વગરના સવાલો શા માટે પૂછતા હશો? લોકો કપડાં સૂકવવા માટે ક્યાં નાખતા હોય છે?’ ‘દોરી ઉપર!અખિલેશને એક બાજુ પત્નીની દયા આવતી હતી, તો બીજી બાજુ હસવું આવતું હતું. ક્લિનિક ઉપર જવાનો સમય થઈ ગયો, પણ શાલિનીની સાડી હજુ મળી નહીં. છેવટે ન રહેવાયું એટલે અખિલેશ હળવાશ છોડીને ગંભીર બન્યો, ‘તું યે શું સાવ ગાંડાની જેમ વર્તે છે! સાતસો રૂપરડીની સાડી હતી, ન મળે એમાં આટલી ચિંતા શાની કરવાની?’

સાતસો રૂપિયા તમને ઓછા લાગે છે?’
ઓછા તો નહીં... પણ... એ તો ગયા વરસનો ભાવ હતો ને? એ પછી તો એ સાડી પચીસ વાર પહેરી હશે. શાલુ ડાર્લિંગ! ભૂલી જા એને. તને બીજી સાડી લઈ આપીશ.

એ તો દર વરસે લઈ જ આપવાની ને! કંઈ અમથા પતિ થયા છો? પણ સાડી એમ જાય કેમ?
શાલિનીનો સ્વભાવ જરા ચીકણો હતો. પ્રેક્ટિસ સારી ચાલતી હતી. પૈસો તાપીની રેલની જેમ આવતો હતો. પણ એના માટે દિવસરાત મહેનત કરવી પડતી હતી. એક ટાંકણી પણ આડીઅવળી થાય, તો શાલિનીને ચેન ન પડે. એની તો કાયમની એક જ દલીલ, ‘કોઈ ચીજ મફતમાં થોડી આવે છે? પરસેવાની કમાણીનો એક પણ પૈસો આવી રીતે જાય જ કેમ?’

આખો દિવસ આમાં જ ગયો. અગિયારથી બે સુધી દરદીઓ જોયા, એ પણ ઊભડકઊભડક. આજે શનિવાર હતો, એટલે સાંજનું કન્સલ્ટિંગ બંધ હતું તેથી તે ફરી કબાટો ફંફોસવા માંડી.

ડૉ. અખિલેશ સમજી ગયો કે જ્યાં સુધી સાડી નહીં જડે, ત્યાં લગી બેગમસાહેબાનો મૂડ નહીં સુધરે. સાંજે સાત વાગે અચાનક ડૉ. હસમુખ શાહ આવી ચડ્યા. એ અખિલેશના સર્જન મિત્ર હતા. નામ પ્રમાણે જ હસમુખા. હર ફિક્ર કો ધૂંએમેં ઉડાતા ચલા ગયા  એ ગીત પંક્તિ એમનો જીવનમંત્ર હતી.
આવતાંવેંત એમણે કાર્યક્રમ ઘડી કાઢ્યો, ‘અખિલેશ ઊભો થા. ચાલ, બહાર ફરી આવીએ. શાલુ, તુંય બેસી જા ગાડીમાં.

શાલુ તો સાડી શોધવામાં મશગૂલ હતી, ‘તમે લોકો જઈ આવો. મારે નથી આવવું. મૂડ નથી.
કેવી વાહિયાત વાત કરે છે! મૂડ તો આજે મારો ખરાબ હોવો જોઈએ. એને બદલે તારે?’ ડૉ. હસમુખ ઊછળીઊછળીને, હસીહસીને એમના બગડવા લાયક મૂડ વિશે કશુંક કહેવા જઈ રહ્યા હતા.
અખિલેશે એમને ઉશ્કેર્યા, ‘કેમ? તમારી સાથે આજે એવું શું બન્યું?’

વાત જ ના પૂછીશ, અખિલિયા! બહુ દુઃખદાયક દાસ્તાન છે. આજે તો વાતનો અંત આવ્યો, બાકી કહાણીની શરૂઆત આજથી બે વરસ પહેલાં થઈ હતી. એક હોશિયાર માણસ સાથે ઓળખાણ થયેલી. એણે મને આંજી દીધો. ઝાઝા વળતરની લાલચ આપીને એ મારી પાસેથી અઢી લાખ રૂપિયા લઈ ગયો. પછી એની બદલી થવાથી વડોદરા ચાલ્યો ગયો. આમ તો એ કો. ઓપ. બેન્કમાં કલાર્ક હતો, પણ મૂળ ગોરખધંધાનો માણસ. અચાનક એના ફોન આવતા બંધ થઈ ગયા એટલે આજે સવારે હું ગાડી લઈને ઉપડ્યો. સાથે બે મજબૂત માણસોને પણ લીધેલા. મારી પાસે એના ઘરનું સરનામું હતું ત્યાં જઈને તપાસ કરી તો ચોંકી ગયો. મારા જેવા અસંખ્ય લોકોનું કરી નાખ્યું હતું. જ્યારે લેણદારોની ભીંસ વધી ગઈ, ત્યારે એ ઝીંક ન ઝીલી શક્યો. પંદર દિપહેલાં જ એણે ઝેર ખાઈ લીધું. આ માહિતી એના પડોશીએ મને આપી. પછી શું થયું?’

પછી શું? આપણે તો ઉઘરાણી કરવા ગયા હતા. પરસેવાની કમાણી એમ કંઈ ડૂબવા દેવાય? એની પત્ની ઘર ખાલી કરીને બીજે ક્યાંક રહેવા ચાલી ગઈ હતી. સરનામું મેળવીને હું ત્યાં પહોંચી ગયો. બિચારી એમને જોઈને રડી પડી. વિધવા બાઈ. જૂનાં, થીંગડાંવાળાં કપડાં, નિસ્તેજ ચહેરો અને દારિદ્રયથી ઊભરાતી ખોલી. રડતાંરડતાં કહે, ‘ભાઈ, જનાર તો ગયા. હવે ઉઘરાણી માટે આવનારાઓની લાઇન લાગે છે. હું ક્યાંથી ચૂકવું પૈસા! દર અઠવાડિયે મકાન બદલતી રહું છું. આજે તમે મને શોધી કાઢી. મારી પાસે પૈસા તો નથી, પણ ઘરમાં થોડાંક વાસણકૂસણ છે... અને... જૂનાં ગાભા જેવાં કપડાં... એ ય તે જો લઈ જવા હોય, તો...અને હું પાછો વળી ગયો. મનમાં થયું કે મારા તો ફક્ત અઢી લાખ જ ડૂબ્યા છે, પણ આ અભાગી સ્ત્રીનું તો આખું ભવિષ્ય ડૂબી ગયું છે. ઉઘરાણી જતી કરીને આવી ગયો.

ગજબ કહેવાય! આટલી મોટી રકમ ખોયા પછી પણ તમે બહાર ફરવા જવાની વાત કરી રહ્યા છો? તમને પેલા અઢી લાખ યાદ નથી આવતા?’ અખિલેશે પૂછ્યું., એનો સવાલ હસમુખભાઈ માટે હતો, પણ સવાલની ધાર શાલુ માટે હતી.

અને ડૉ. હસમુખભાઈ હસીને જવાબ આપતા હતા, ‘જો દોસ્ત! એક વાત સમજી લે, પૈસા હોય, ચીજવસ્તુ હોય કે પ્રાણ હોય, જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી બરાબર જતન કરવાનું, પણ તેમ છતાં નસીબજોગે કંઇક ખોવાયું તો પછી ખોવાયું.

શાલિની ધ્યાનપૂર્વક આ બધી વાતો સાંભળતી હતી. એના ચહેરા ઉપર પહેલીવાર ચમક આવી. એ હસીને બોલી, ‘હું યે કેવી મૂર્ખ છું! હસમુખભાઈ અઢી લાખ રૂપિયા ગુમાવ્યા પછી પણ હસી શકે છે ને હું એક જૂની સાડી માટે...? હું પણ હવે તો હસમુખભાઈની જેમ જ કહીશ સાડી ગઈ તો ગઈ!
ત્રણેય મિત્રો હસી પડ્યા અને પછી ગયા ખાવા આઈસક્રીમ અલબત્ત શાલિની તરફથી
શીર્ષક પંક્તિ:રાશીપ શાહ 

3 comments:

Anonymous said...

Bakwaas

Anonymous said...

hathodo

Anonymous said...

good

Post a Comment

આ લેખ વિષે આપના પ્રતિભાવ

લોકપ્રિય લેખો